mariyam dhupli

Drama Tragedy Inspirational

5.0  

mariyam dhupli

Drama Tragedy Inspirational

હાજરીપત્રક

હાજરીપત્રક

14 mins
1.2K


વિદ્યાર્થીઓ જતા રહ્યા હતાં, એણે ટેવ પ્રમાણે ટ્યુશનનું હાજરીપત્રક ખોલ્યું. બધા વિદ્યાર્થીઓની માસિક ફીની ભરપાઈ થઈ ગઈ છે કે નહીં એની ચકાસણી કરવા દરેક વિદ્યાર્થીઓનાં નામ ઉપર એની આંગળી વારાફરતી ફરવા લાગી. 

શકીના 

અસલમ

ઈલ્યાસ 

મોમીન

ઝાકીર

યુનુસ

ઉમેર 

ઉઝેર 

સના 

હુઝેફા 

આતીફ

શાહનવાઝ

ફિરોઝ

રાબિયા

કાસીમ

સલીમ 

હસન

અબુબકર

આખી યાદી ચકાસાઈ ગઈ. થોડા મહિનાઓ પહેલા એ યાદી બમણી હતી. પણ હવે એ અર્ધી રહી ગઈ હતી. એ અર્ધી થઈ રહે એ નિર્ણય સંપૂર્ણપણે સાકીબનો પોતાનો હતો. વિદ્યાર્થીઓનાં માતાપિતાએ તો ઘણી આજીજી કરી હતી. અને કેમ ન કરે ? સાકીબ જેવો ગણિતનો શિક્ષક આખા વિસ્તારમાં જ શું, આખા શહેરમાં દીવો લઈ શોધવા જાય તોય ન મળે. સાકીબની શિક્ષણકળા હતી તો અનેરી. ગમે તેવા ઠોઠ વિદ્યાર્થીઓને પણ એ થોડાજ દિવસોમાં ગણિત જોડે પ્રેમમાં પાડી શકે. 

પ્રેમ !

પણ આ ' પ્રેમ ' શબ્દ થોડા મહિનાઓથી સાકીબના જીવનમાંથી પુરેપુરો બાદબાકી પામ્યો હતો. શેષ કશું બચ્યું ન હતું. હૃદયમાં છલોછલ ભરેલી નફરતે ટયુશનના વિદ્યાર્થીઓની યાદીનો ભાગાકાર કરી નાખ્યો હતો. 

અચાનકથી સાકીબના માથે કંઈક અફળાયું. ટ્યુશનનું રજીસ્ટર હાથમાંથી નીચે સરકી ગયું. ગરમ લોહીની ધાર માથા પરથી નીતરતી એની છાતી સુધી વહી રહી હતી. જેને લીધે હૈયામાં ગરમાટો વ્યાપી ગયો. એનાં શ્વાસ જ્વાળામુખી સમા ઉછળી રહ્યા હતાં. મગજની દરેક નસોમાં એ જ્વાળામુખીનો લાવા ખદબદી રહ્યો હતો. કપાળ ઉપર ઉપસી આવેલા પરસેવાનાં બિંદુઓ એ ભયાવહ આંતરિક વિસ્ફોટનો જીવંત પુરાવો બની રહ્યા હતાં. 

અનાયાસે સાકીબનો ધ્રૂજતો હાથ પોતાનાં કપાળ ઉપર ફર્યો. હાથ આંખ આગળ લાવી એણે આખો પંજો આગળપાછળ દરેક દિશામાં ચકાસ્યો. એની ઉપર લોહીની એક બુંદ પણ ન હતી. 

આ આભાસ એને પહેલીવાર થયો ન હતો. 

પોતાનાં અનિયંત્રિત શ્વાસને નિયંત્રણમાં લેતા સાકીબે ભોંય ઉપરથી ટ્યુશનનું હાજરીપત્રક ઊંચકી લીધું. હજી પણ હાથનો ધ્રૂજારો યથાવત હતો. ટેબલ ઉપરથી ઢાંકેલા ગ્લાસ ઉપરનું ઢાંકણ હટાવી એ એકજ ઘૂંટડામાં આખું ગ્લાસ પાણી ગટગટાવી ગયો. જોકે સામાન્ય પરિસ્થિતમાં એ ધીમે ધીમે ત્રણ ઘૂંટડામાં ગ્લાસની અંદરનાં પાણીને નિહાળતા નિહાળતા પૂરું કરતો. પણ આજે અંતરમાં મચેલી ધાંધલે ધર્મનું જ્ઞાન ભૂલાવ્યું. પાણી પીધા પછી ટેવગત ' અલહમદુલીલ્લાહ ' ( ઈશ્વરનો આભાર ) પણ મોઢામાંથી નીકળ્યું નહીં. ટેવોનું અનુસરણ તો સક્રિય મગજ કરે. પણ સાકીબ તો એ ક્ષણે નિષ્ક્રિય મગજને તાબે હતો. ત્યાં ભેગી દબાવી રહેલી યાદો સ્પ્રિંગ સમી ઉછળી આવી હતી અને સક્રિય મગજ કાર્ય કરતું થંભી ગયું હતું. 

આંખો આગળ શ્વેત શ્યામ રંગોમાં જુદા જુદા દ્રશ્યો તરી રહ્યા હતાં. એ જ ખંડેર જેવું મકાન, એજ લાકડાનો પલંગ, એજ મચ્છરદાની. મચ્છરદાનીની એક તરફ આંખો દ્વારા ઝડપાયેલી વિવિધ તસવીરો. કેટલીક તસવીરો કોઈ અજાણ્યા પ્રદેશની જેની જોડે પોતાનો કોઈ ઓળખસેતુ ન હતો. જુદા પોશાક, જુદી રહેણીકરણી, જુદું ભૂગોળ.જયારે કેટલીક તસવીરો તદ્દન જાણીતા પ્રદેશની.પોતાનાં શહેરની જ વળી. જાણીતા પોશાક, જાણીતી રહેણીકરણી, જાણીતો ભૂગોળ. એ બે જુદા વિશ્વમાં દેખાઈ રહેલી એક સામાન્ય વ્યક્તિ. એ હાંફતા શ્વાસ, એ માંદગીભર્યુ શરીર, એ ડેટોલની ભારે સુગંધ, એ રૂના પૂમડાં અને એ કપાળને સ્પર્શેલા હૂંફાળા હાથ. 

એ સ્પર્શ અનુભવ જગતમાં વારેઘડીએ શા માટે પ્રવેશી રહ્યો હતો ? શા માટે એ રાત્રિનું અંધકાર મનનાં અંધારિયા ખૂણાઓમાં પથરાયેલા તાજા દઝાડતા ડામર સમું ચોંટી ગયું હતું ? શા માટે એ એક ભયાનક સ્વપ્ન સમું પાછળ છૂટી રહ્યું ન હતું ?

'લાઈફ મસ્ટ ગો ઓન !'

જાતે આગળ તો વધી ગયો હતો. તો શા માટે એ ચહેરો એને વારેઘડીએ પાછળ તરફ ઘસડી જતો હતો ?

સાકીબનું માથું ફાટવા માંડ્યું. વિચારોનો થાક મગજમાં હથોડા જેમ અફળાવા લાગ્યો. એને મુક્ત થવું હતું. એ હવે સાચેજ થાકી ચૂક્યો હતો. એને શાંતિથી વર્તમાનમાં જીવવું હતું. ભૂતકાળનું એ દર્દનાક પાનું જીવનનાં પુસ્તકમાંથી ફાડીને ટુકડેટુકડા કરી સમયની કચરાપેટી ભેગું કરી નાખવું હતું.

ટ્યુશનનું હાજરીપત્રક ટેબલ ઉપર ગોઠવી એ ધ્યેયબદ્ધ કડક શરીર જોડે ખૂરશી ઉપરથી ઊભો થઈ ગયો. પાછળ તરફ બ્લેક બોર્ડ ઉપરનાં ઘડિયાને ડસ્ટર વડે વજનદાર હાથે ભૂંસવી નાખ્યો. બ્લેક બોર્ડ જે રીતે કોરું થઈ ગયું, જીવનને પણ એમજ કોરું કરી મૂકવું હતું.

ટ્યુશનક્લાસનાં બારણે એણે જડબેસલાક તાળું વાંસી દીધું. વારંવાર પોતાને પાછળ તરફ હડસેલી નાખતી એ અપ્રિય યાદો ઉપર પણ હંમેશ માટે એવું ચુસ્ત તાળું મારવાનાં નિર્ણય જોડે એણે રસ્તા ઉપર પસાર થઈ રહેલી રિક્ષાને હાથ વડે સંકેત આપ્યો. એની નજીક પહોંચેલી રિક્ષામાં ગોઠાવા જેવા પગ સજ્જ થયા કે સાકીબની નજર રિક્ષાનાં આગળનાં ભાગમાં ગોઠવાયેલી હનુમાનની મૂર્તિ ઉપર આવી ઠરી. 

" રહેવા દો. નથી જવું. "

એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ એણે રિક્ષાચાલકને અલવિદા પાઠવ્યું. કોઈ અજબગજબ પ્રાણીને નિહાળતો હોય એવા હાવભાવો જોડે રિક્ષાચાલકે રિક્ષા આગળ ધપાવી મૂકી. મુસાફરો માટે રાહ જોઈ રહેલ અન્ય રિક્ષાઓમાંથી માથે પોતાના જેવીજ સફેદ ટોપી પહેરેલ રિક્ષાચાલકની દિશામાં સાકીબના ડગલાં ઝડપભેર આગળ વધી ગયા. કોઈ પણ ખચકાટ વિના એ રિક્ષામાં ગોઠવાયો અને એણે કહેલ સરનામે રિક્ષા શીઘ્ર ઉપડી પડી. સાકીબની આંખો સડસડાટ આગળ વધી રહેલી રિક્ષા જોડે ઉપર નભ તરફ મંડાઈ.

આકાશમાં મુક્ત વિહરી રહેલા એ પંખીઓ વચ્ચે સાકીબનું ગણિત ચક્કર કાપવા લાગ્યું. એકસમાન એ ઉડાનમાં એને અવિભાજ્ય ગણતરી મંડાયેલી દેખાઈ. ધીમે રહી એની નજર જમીન ઉપર હલનચલન કરી રહેલી સૃષ્ટિ પર આવી ઉતરી. ક્યાંક ભગવા વસ્ત્રો, ક્યાંક માથાથી પગ સુધી સજ્જ સફેદ પોશાક, ક્યાંક માથા ઉપરના લાંબા ટીકાઓ, ક્યાંક ગળામાં બાંધેલી તાવીજો, ક્યાંક માથે સજેલી પાઘડીઓ, ક્યાંક નાના છિદ્રવાળી સફેદ ટોપીઓ, ક્યાંક સાડીઓ, ક્યાંક બુરખાઓ, ક્યાંક હિજાબ તો ક્યાંક ઘૂંઘટ. દરેક દિશામાં ચાલતાફરતી વિભાજ્ય સંખ્યાઓ !

રિક્ષાએ લીધેલા વળાંક જોડે સાકીબની શ્રવણ ઈન્દ્રિયમાં મંદિરનો ઘંટ પડઘાયો. જો એ ઘંટનો નાદ થોડા મહિનાઓ પહેલા એના કાનને સ્પર્શ્યો હોત તો એણે ટેવ પ્રમાણે શહેરના એ પ્રખ્યાત મંદિર તરફ જરૂર દ્રષ્ટિ કરી હોત. ભેગા થયેલા શ્રદ્ધાળુઓથી લઈ પૂજાની આરતી સુધી. જેટલું નજરમાં સમાઈ શકે એટલું દ્રશ્ય એણે સમાવી લીધું હોત. પરંતુ હવે એ તરફ નજરને પહોંચવાની પરવાનગી મળવાથી રહી. ઘંટનો નાદ શ્રવણ ઈન્દ્રિય ઉપર ટકોરા પાડતા થાકીને બહારથીજ પરત થઈ ગયો. 

એ ઘંટનાદ જોડેજ ફરી સાકીબ એનાં આભાસવિશ્વમાં સરકી પડ્યો. એને લાગ્યું કે કોઈ ધારદાર હથિયાર એનાં માથે આવી અફળાયું. ઉષ્ણ લોહીની ધાર ફરી એકવાર માથેથી છૂટી હૃદય સુધી વહેવા માંડી. શરીરમાં ગરમાટો વ્યાપી ગયો. અંતરમાં એજ જ્વાળામુખીનો લાવા ખદબદી ઉઠ્યો. એનું મન એમાં દર્દનાક પીડાથી ઓગળવા માંડ્યું. ચહેરો પરસેવે રેબઝેબ થઈ ઉઠ્યો. એનું શરીર ભલે રિક્ષામાં હતું પણ એ જાતે અંધકારભરી ભૂતકાળની એક ભયાનક રાત્રીનાં શોરગૂલ વચ્ચે પોતાનો જીવ બચાવતો ભાગી રહ્યો હતો. ચારે તરફ અગનજ્વાળાઓ અને એમાંથી ઉઠી રહેલા કાળા ધુમાડાઓનું ધુમ્મસ ઘેરાયેલું હતું. અંતિમ ત્રીસ મિનિટથી એ આમજ અવિરત દોડી રહ્યો હતો. ક્યાં જઈ રહ્યો હતો, ક્યાં જવું હતું, કશા વિચારવિમર્શનો અવકાશ ન હતો. એનો પીછો કરી રહેલા નગ્ન હથિયારો હાર માનવાના ન હતાં. દરેક દિશામાંથી ઉઠી રહેલી ચીસો અને આક્રન્દ પથ્થરને પણ પીગાળી મૂકવા સમર્થ હતાં. બે જુદા જુદા ધર્મનાં નારાઓ જુદી જુદી દિશામાંથી પડઘાઈ રહ્યા હતાં. એ ધર્મનાં નારાઓમાં જુનુન હતું. એ નારાઓમાં પશુતા હતી. એ નારાઓમાં પ્રતિકાર હતો. એ નારાઓમાં બદલાની ભાવના હતી. બધું જ હતું. જો કશું ન હતું તો એ 'ધર્મ '. 

સાકીબના પગ હવે જવાબ આપી રહ્યા હતાં. માથા ઉપરનાં ઘામાંથી ગરમ લોહીની ધારા અવિરત વહી રહી હતી. એનો સફેદ કુર્તો લાલ રંગે રંગાઈ ગયો હતો. શરીરની ઊર્જા સમાપ્ત થવાની સીમા પર હતી. આંખો સામેનું વિશ્વ ચકડોળ સમું ગોળ ગોળ ચક્કર કાપી રહ્યું હતું. જો શરીર જમીન ઉપર ઢળી પડે તો ખેલ ખતમ. 

ખેલ ? 

નહીં, જીવન.

બેભાન થવાની તૈયારી કરી રહેલા શરીરને બે જુદા પ્રકારના ધાર્મિક નારાઓએ ઢંઢોળ્યું. અંધકાર ભરેલી ગલીમાં ઊંડા શ્વાસ લેતો સાકીબ એક ખંડેર જેવા મકાન પાસે આવી ઊભો રહી ગયો. હવે આગળ ન જ ધપાશે. શરીરે ઉત્તર આપી દીધો. 

" ક્યાં ગયો ? "

વીજળીનાં થાંભલા વિનાની એ અંધારી ગલીએ ટોળાની નજરથી થોડી ક્ષણો માટે ઓઝલ થવાની તક આપી. એ તક તરતજ ઝડપી સાકીબે ખંડેર જેવા એ મકાનની પાછળ તરફની ઉઘડેલી બારીમાંથી અંદર તરફ કૂદકો લગાવી દીધો. બારી અંદર તરફથી વાંસી દીધી. લોહીલુહાણ શરીર સંકેલી એણે એ ખંડેર જેવા મકાનની અંદર વ્યાપેલા ગાઢ અંધકારમાં અદ્રશ્ય થઈ જવા બેભાન અવસ્થા તરફ સરકી રહેલા શરીરને બળજબરીએ આગળ વધાર્યું. એ જર્જરિત મકાનની અવસ્થા સાકીબ જેવી જ પાંગળી હતી. હુલ્લડનાં વાતાવરણમાં અજવાશ સુરક્ષિત ન હોય કદાચ એટલે જ મકાનનાં માલિકે એકપણ વીજળીનું સાધન કાર્યરત કર્યું ન હતું. 

દર વખતે પ્રકાશ જ માનવતાને તારે એ જરૂરી નથી. ક્યારેક અંધકારનાં દલદલ પણ માનવતાને ઉગારી લેતા હોય છે. 

સાકીબ માટે એ અંધકાર એની જીવાદોરી બની આવ્યો હતો. એ જીવાદોરી થામી એ ઘસડાતા ડગલે લાકડાની પ્રાચીન દાદરો ચઢી ઉપરનાં માળે પહોંચી ગયો. શરીરનાં સંતુલને સાથ છોડ્યો અને એ બીજી જ ક્ષણે પડખેનાં ઓરડામાં ફસડાઈ પડ્યો. મીંચાઈ રહેલી આંખોને બળજબરીએ ઉઘાડી રાખવાનો એનો પ્રયાસ પણ ધીમે ધીમે એનું નિયંત્રણ ગુમાવી રહ્યો હતો. બંધ થવા તૈયાર આંખોને પરિસ્થિતિથી અવગત કરાવતા કાનમાં ખંડેર જેવા મકાનને બારણે જોરજોરથી પડી રહેલા ટકોરા ગૂંજ્યા. 

" અહીં કોઈ આવ્યું છે ? " 

હાંફેલા શબ્દોમાં ધીરજનું નામોનિશાન ન હતું. પ્રશ્નનાં ઉત્તર પહેલા ખાંસીનો પ્રહાર એ ખંડેર જેવા મકાનનાં વાતાવરણમાં પડઘાઈ ઉઠ્યો. 

" નહીં."

" પણ...."

" રહેવા દે. સાહેબ સાચું જ કહેતા હશે. એમની તબિયત સારી નથી. કોઈ વાંધો નહીં. તમે આરામ કરો. પણ બારી બારણાં અંદર તરફથી ધ્યાન દઈ ચુસ્ત બંધ રાખજો. " 

જુસ્સામાં ઉઠેલા ડગલાઓ આગળ વધવાનો અને ખંડેર જેવા મકાનનાં જર્જરિત બારણાંને વાસવાનો અવાજ સાકીબની અર્ધ બેભાન અવસ્થાએ જીરવ્યો અને એની આંખો બળજબરીએ લાદેલા નિયંત્રણની સીમામર્યાદા ઓળંગી ધીમે ધીમે બંધ થઈ ગઈ. 

જયારે આંખો ખુલી ત્યારે સાકીબનું મગજ સભાનતા અને બેભાન અવસ્થા વચ્ચે હિલોળા લઈ રહ્યું હતું. બધુ જ સંભળાઈ રહ્યું હતું. અનુભવાઈ રહ્યું હતું. મકાનનાં બહાર તરફથી પડઘાઈ રહેલી ચીસો, માનવમહેરામણની દોડભાગ, મદદ માટેનાં આક્રન્દ, સજીવ - નિર્જીવ રચનાઓને ભસ્મીભૂત કરી રહેલી આગની લપેટો....પણ એ અવાજોને કોઈ પ્રતિક્રિયા આપવા માટે શરીર તદ્દન અશક્ત હતું. હલનચલન કરવાની શક્તિ જાણે છીનવાઈ ચૂકી હતી. ફક્ત નામની જ ઉઘડેલી આંખોમાં એક અજાણ્યો ચહેરો ડોકાઈ રહ્યો હતો. એ ચહેરો સતત થાકથી હાંફી રહ્યો હતો. વારેઘડીએ આવી રહેલા ખાંસીના પ્રહારને વિવશતાથી જીરવી રહ્યો હતો. ચહેરા ઉપરની બે ભારેખમ આંખો ઉપર નીચે થતી ભૃકુટિ વચ્ચેથી માર્ગ કાઢતી સાકીબના માથા ઉપરની ઈજાને ધ્યેયબદ્ધ નિહાળી રહી હતી. બે અનુભવી હૂંફાળા હાથનો સ્પર્શ વારેઘડીએ સાકીબને પોતાના કપાળ ઉપર અનુભવાઈ રહ્યો હતો. ડેટોલની અત્યંત ભારે સુવાસ સાકીબના નાકના છિદ્રોમાં તીવ્રતાથી પ્રવેશી રહી હતી. રૂના પુમડાઓ કપાળ ઉપર ઘસડાતા બળતરાનાં ચમકારા સર્જી રહ્યા હતાં. માથાની ઉપર તરફ દ્રશ્યમાન એ અજાણ્યા ચહેરાની પરિપક્વ દાઢી પર ફરતી ફરતી સાકીબની દ્રષ્ટિ થાકથી નિધાળ ફરી હોંશનો ત્યાગ કરી બેસી. 

ત્યાર બાદ જયારે આંખો ઉઘડી ત્યારે જાણે કોઈ નવા જ વિશ્વમાં એ પરત થયો હતો. સૂર્યનાં તાજા પ્રકાશમાં રાત્રે રમાયેલી લોહીની હોળી શમી ચૂકી હતી. મકાનની બહાર તરફથી પડઘાઈ રહેલો સન્નાટો અજુગતો ભાસી રહ્યો હતો. પંખીઓનાં મીઠા ટહુકા અને આછા કલરવ રાત્રીનાં શોરગુલનો કેવો વિચિત્ર વિરોધાભાસ જન્માવી રહ્યા હતાં ! માથા ઉપર ફરી રહેલા પંખાની ઝડપ એટલી હતી કે એની ત્રણ પાંખોને જુદી જુદી પણ નિહાળી શકાય. સાકીબનો હાથ અનાયાસે પોતાના કપાળ ઉપર ફર્યો. રૂના પુમડામાંથી ઉઠી રહેલી ડેટોલની ભારે સુવાસ હજી પણ એની શ્વાસ ઈન્દ્રિયને ઝંઝોડી રહી હતી. ચુસ્ત ડ્રેસિંગની અંદર લોહીની નહેર સુકાઈ ચૂકી હતી. જીવ બચી ગયો હતો એ વાત સમજી શકાય એટલી સભાનતા મગજમાં પરત થઈ ગઈ હતી. છતાં હજી દરદ અને પીડાએ પીછો છોડ્યો ન હતો. 


ધીમે રહી સાકીબે પથારીમાંથી ગરદન જમણી દિશામાં ફેરવી. મચ્છરદાનીના અતિ સૂક્ષ્મ છીદ્રોમાંથી દેખાતા ટેબલની ઉપર તરફની ભીંત પર શણગારાયેલી તસવીરો આંખો પર આવી તરી. બે જુદા જુદા પ્રદેશો એ તસવીરોમાંથી ડોકિયું કરી રહ્યા હતાં. જાણ્યા અજાણ્યા એ બન્ને પ્રદેશોમાં ફક્ત એક જ ચહેરો સામાન્ય હતો. હા, એજ ચહેરો જે રાત્રે એનાં સભાન અને બેભાન મગજ વચ્ચે સતત હિલોળા લઈ રહ્યો હતો. તસ્વીરોમાં પહેરાયેલો સફેદ કોટ એ ચહેરાનાં વ્યવસાય અંગે મૌન ચાડી ખાઈ રહ્યો હતો. 


પીડા આપતી ગરદનને સાકીબે ધીમે રહી અન્ય દિશામાં ફેરવી. ઉખડી ગયેલા રંગો વાળી મકાનની ભીંત ઉપર સજ્જ રામ અને સીતાની તસ્વીર અને ખૂણામાં સ્થાપિત નાનકડા મંદિરમાં ઉભી લક્ષ્મીની મૂર્તિ નિહાળતાં જ સમવા આવેલી બધી જ પીડા, બધુ જ દુઃખ બમણી તીવ્રતા જોડે પરત થઈ ગયા. તિરસ્કારભર્યા હાવભાવો જોડે શરીર પથારી છોડવા સજ્જ થયું જ કે થોડી ક્ષણો પહેલા તસ્વીરમાંથી ઝાંખી રહેલું શરીર જીવંત ઓરડામાં પ્રવેશ્યું. એક લાંબા ખાંસીનાં પ્રહારે એ અશક્ત શરીરને હંફાવી મૂક્યું. ભારે થયેલા શ્વાસમાંથી હળવેથી શબ્દો બહાર નીકળ્યા. 

" હવે કેમ છે ? ખૂબ જ લોહી વહી ગયું હતું. જો થોડા મોડાં પડ્યા હોત તો... પીડા ઓછી થાય એ માટે ઈન્જેક્શન આપ્યું હતું. એમાં ઘેન હતું. આશા રાખું આપને આરામ મળ્યો હશે. "

સાકીબની નજર ચુંબક સમી ઓરડાનાં ખૂણામાં સ્થાપિત મંદિર પર ચોંટી હતી. 

" મને શા માટે બચાવ્યો ? "

નબળું શરીર વધુ લાંબા સમય માટે ઊભા રહેવા સક્ષમ ન હતું. પડખેની ખુરશી ઉપર ગોઠવાતાં જ ખાંસીનો બીજો પ્રહાર થયો. હાંફતા શ્વાસે હાથમાંની થાળીનું સંતુલન જાળવતા હેમખેમ ઉત્તર પરત થયો.

" તમારો જીવ બચાવવો મારો ધર્મ હતો. "

" ધર્મ ? " સાકીબનાં ચહેરાનાં કટાક્ષમય સ્મિતમાં તીખાશ વેરાઈ ગઈ. 

એ તરત જ પથારી છોડી ઊભો થઈ ગયો. 

" આપ ઈચ્છો તો હજી આરામ કરી શકો છો. આ જમી લો. પછી નિરાંતે ઘરે જજો. બહાર પરિસ્થિતિ પણ લગભગ સામાન્ય થઈ ગઈ છે. "

પોતાની જોડે લાવેલ જમણને પડખેનાં ટેબલ ઉપર ગોઠવી રહેલા ધ્રૂજતાં હાથોએ પ્રસ્તાવ મૂક્યો. 

" ઘર ? " સાકીબનું લોહી ઉકળી ઉઠ્યું. એ લોહી સીધું એની આંખોમાં ઉતરી આવ્યું. 

" ઘર તો બળીને રાખ થઈ ગયું. કશું જ બચ્યું નથી. મારું પરિવાર પણ...."

પોતાનાં જીવનમાં ઘટેલી ઘટના માટે સામે બેઠું શરીર જવાબદાર હોય એમ સાકીબની લાલચોળ આંખો ધૃણાથી એને રહેંસી રહી. 

" પોતાનાં ઘરનાં સુરક્ષિત વાતાવરણમાં બેસી આરામથી આરામની સલાહ આપવી સહેલી છે. જેનાં પર વિતે એ જ જાણે..."

સાકીબની અગનજ્વાળા વરસાવી રહેલી આંખોમાં એ અજાણી નજર શોકથી પહોળી સ્થિર થઈ ગઈ. પહોળા છૂટી ગયેલા બે હોઠ વચ્ચેથી અચરજ અને શોક ઉભરાઈ ગયા. એ શોક્ગ્રસ્ત હાવભાવોને એનાં હાલ ઉપર પાછળ છોડી સાકીબ નફરત અને તિરસ્કારભર્યા ડગલે ધૃણાની ઠોકરો મારતો ખંડેર જેવા એ મકાનની બહાર નીકળી પડ્યો. 

" બસ અહીં જ. આ તરફ લઈ લો. "

મળેલા નિર્દેશ અનુસાર રિક્ષાચાલકે રિક્ષા એક તરફ ઊભી રાખી. મુસાફરી પૂર્ણ થઈ ચૂકી હતી. રસ્તાની પણ અને યાદોની પણ. રિક્ષાનું ભાડું ચૂકવી સાકીબે માથા પરની જાળીવાળી સફેદ ટોપી ટેવગત વ્યવસ્થિત ગોઠવી. આંખો સામેનાં એ ખંડેર જેવા મકાન તરફ એણે એક નજર કરી. સામાન્ય, શાંત, વ્યસ્ત વિસ્તારમાં ઊભા સાકીબનાં કાનમાં અચાનક એકસાથે ઘણા અવાજો ગૂંજી ઉઠ્યા. દોડાદોડી, ભાગમભાગી, આક્રંદ, ચીસો, પથ્થરમારો, હથિયારો, સળગતી અગ્નિ...આકીબે બન્ને હાથ કાન પર દબાવી દીધા. જાતે લોકોની સામાન્ય ચહેલપહેલવાળા વિસ્તારમાં આવી ઊભો હતો એનું ભાન આવતા જ એનાં હાવભાવોની કોઈએ નોંધ તો ન લીધી એની ચકાસણી કરવા છોભીલી આંખો ચારે દિશામાં ફરી વળી. બધા પોતપોતાના રોજિંદા જીવનક્રમમાં વ્યસ્ત હતાં. એક મૌન હાશકારો મનનાં ખૂણાઓ હળવો કરી ગયો. ધીમા ડગલે એ ખંડેર જેવા મકાન તરફ આગળ વધ્યો. સામે તરફનાં રસ્તા ઉપરની દરજીની દુકાનમાં કપડાં સીવી રહેલા દરજીની નજર કામ કરતા કરતા આડકતરી રીતે સાકીબની હાજરી અને એની ક્રિયાપ્રતિક્રિયાની નોંધ લઈ રહી. બારણે પહોંચતા સાકીબે ફરી માથા પરની ટોપી વ્યવસ્થિત કરી. એક ઊંડો શ્વાસ ખેંચ્યો. ન ઉઠી રહેલા હાથને ઉપર તરફ ઉઠવા વિવશ કર્યો. એ જૂનું બારણું સાકીબનાં હાથ વડે લાગેલા ટકોરાથી આછું આછું ધ્રૂજ્યું. અંદર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. સાકીબનો હાથ ફરી એકવાર ઉપરની દિશામાં ઉઠ્યો કે સામેની દિશામાંથી અનપેક્ષિત પ્રશ્ન હવામાં ઉડતો ઉડતો સાકીબ સુધી પહોંચ્યો. 

" કિસકા કામ હે ? "

ઉર્દુ ભાષાનાં શબ્દો સાકીબનાં કાનમાં શીરા જેવા ભાસ્યા. દરજીની દુકાનમાં ટંગાયેલુ હિજરી દર્શાવતું કેલેન્ડર અને એનાં ઉપર છપાયેલી કાબા અને મદીનાની તસ્વીરોથી અંજાઈ સાકીબનાં ડગલાં કોઈ પણ ખચકાટ વિના પૂછાયેલા પ્રશ્નની દિશામાં વળ્યાં. 

" અસ્સલામુઅલયકુમ !"

" વાલેકુમસલામ ! "

" જી, ડોક્ટર સાહબસે મીલના હે. "

સાકીબને હેરતથી તાકી રહેલી નજરમાં સાકીબને એક મોટો પ્રશ્નાર્થ ચિન્હ દેખાયો. 

" વો તો ચલે ગયે. "

કોઈ બહુ જરૂરી કામ અર્ધવચ્ચે જ ઠપ્પ પડી ગયું હોય એમ સાકીબ અધીરો બન્યો. 

" લેકિન કહાં ? "

કપડાં સીવતા હાથ નિસાસા સભર વિરામથી થંભી ગયા. 

" ખુદાકે પાસ. "

સાકીબનાં શરીરમાં જાણે વીજળીનો જોરદાર પ્રવાહ પસાર થઈ ગયો. શરીરનું રોમેરોમ થરથરી ગયું. મળેલા સમાચાર પર વિશ્વાસ થઈ રહ્યો ન હતો. એની આશ્ચર્યચકિત આંખો એ વાતનો સ્પષ્ટ પુરાવો આપી રહી હતી. 

" ઔર ઉનકા પરિવાર ? "

આંખો સામેનાં ખંડેર જેવા મકાનને એકીટશે નિહાળી રહેલી દરજીની આંખોમાં તબીબ પ્રત્યેની લાગણી અને સદભાવનાના સાકીબને દર્શન થયા. 

" વો તો કબસે ખુદાકે પાસ ચલા ગયા થા. ડોક્ટર સાહબ કશ્મીરી પંડીત થે. વહાં હુએ દંગેમે ઉનકા ઘર જલા દિયા ગયા થા. ઉનકી બીવી ઉમ્મીદસે થી. સદમેસે વો ચલ બસી. ઉનકે બચ્ચે ને દુનિયામેં આનેસે પહેલેહી દુનિયાસે રૂખસત લેલી. વો યહાં ચલે આયે. યેહ મકાન દેખ રહે હો, જનાબ..... "

સાકીબની નજર મકાનની દિશામાં વળી. ભયાનક અંધકાર ભરેલી રાત્રિમાં એક કશ્મીરી પંડિત તબીબ જોડે પસાર કરેલી ક્ષણો સમાંતરે શ્યામ શ્વેત રંગમાં ઝબકારા છોડવા લાગી. 

" યહાં પહેલે એક બૂઢી ખાતૂન રહા કરતી થી. ઉન્હોને ડોક્ટર સાહબકો આશરા દિયા થા. ફાતેમાબીબીકી કોઈ ઔલાદ નહીં થી. કોઈ વારિસ નહીં થા. ઉનકો ડોક્ટર સાહબમેં બેટા દિખતા થા. અપની બીવી બચ્ચેકો ગુમાનેકા ગમ ડોક્ટર સાહબકે લીયેભી આસાન નહીં થા. ઉસ ગમકો ભૂલાને કે લિયે ડોક્ટર સાહેબને ગરીબ લોગોંકા મુફ્ત ઈલાજ શુરુ કર દિયા. જનાબ, દૂર દૂરસે લોગ ડોક્ટર સાહબકે પાસ આતે થે. ઈસ ઉમ્મીદ કે સાથ કી પેસે ઔર તાકતકે પીછે ભાગનેવાલી યે દુનિયા ઉનકા સાથ દે ન દે, ડોક્ટર સાહબ જરૂર દેંગે. ઔર વો દેતે ભી થે. ઉનકે દરસે કભી કોઈ બેઉમ્મીદ નહીં લૌટતા થા. મરીઝ કિસ ઉમ્ર કા હે, કિસ જાત કા હે, કહાઁ સે હે, કિસ મરતબે કા હે, કિસ રંગકા હે ઈસસે ઉનકો કોઈ ફર્ક નહીં પડતા થા. ઉનકે હાથોંમેં ખુદાને અજીબ શિફા બક્ષી થી ! પતા નહીં કિતની જાન ઉન રૂહાની હાથસે ફિર જી ઉઠી હોગી ? " 

ખંડર જેવા મકાન ઉપરથી હટી બે વ્યક્તિની નજર એકબીજામાં એ રીતે પરોવાઈ જાણે અંતિમ પ્રશ્નનાં ઉત્તરની આપ - લે ન થઈ હોય !

" ફાતેમાબીબી ડોક્ટર સાહબકે નામ ઘર કર ચલ બસી. ડોક્ટર સાહબને ઉનકે ઘર ઔર દૌલત દોનોકો ગરીબોકે ઈલાજકે લિયે ઈસ્તેમાલ કરનેકા ફૈસલા લિયા. યહાં તક કી જબ ખુદકો જાનલેવા બીમારી હુઈ તબ આપના ઈલાજ કરાનેકે બજાએ ગરીબો કા ઈલાજ કરનેમેં ઔરભી મશરૂફ રહેને લગે. આપની આખરી સાંસ તક વો આપના ધર્મ નિભાતે રહે."

પોતાનાં ચહેરા ઉપરથી ચશ્મો ઉતારી બન્ને હાથ વડે આંખનાં ખૂણે ભેગું થયેલું પાણી લૂછવામાં વ્યસ્ત વ્યક્તિને એણે પ્રદાન કરેલી માહિતી બદલ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિનાજ સાકીબનાં ડગલાં પરત થવા ઉપડ્યા.

' ધર્મ ' શબ્દ મસ્તિષ્કમાં જોરજોર અફળાઈ ઉઠ્યો. ઊંઘમાં ચાલતી વ્યક્તિ જેમ બેભાન પગલે આગળ વધતા સાકીબે અર્ધજાગ્રત જેવી અવસ્થામાં માર્ગમાંથી પસાર થઈ રહેલી રિક્ષાને થોભવા સંકેત કર્યો. રિક્ષામાં બેસવા જેવી ગરદન નમાવી કે રિક્ષાનાં આગળનાં કાંચ ઉપર ચોંટાડેલી સરસ્વતીની તસ્વીર ઉપર નજર ઠરી. અત્યંત ઠંડા કલેજે એ રિક્ષામાં ગોઠવાઈ ગયો. 

શહેરનાં રસ્તા ઉપરથી સડસડાટ પસાર થઈ રહેલી રિક્ષામાંથી સાકીબના સ્તબ્ધ હાવભાવો ચારે દિશામાં ઉભરાઈ રહેલી માનવભીડ ને એકીટશે નિહાળતા ગયા. આ વખતે એની નજર એ ભીડમાં દેખાતા એકસમાન શરીર, એકસમાન આંખો, એકસમાન નાક, બે હાથ, બે પગ, એક માથું અને એક ધડને તાકી રહી હતી. ત્યાં બધી જ સંખ્યા અવિભાજિત હતી.

અંતિમ વળાંક ઉપર રિક્ષા વળી કે મંદિરનો ઘંટ હવામાં ગૂંજી ઉઠ્યો. ઘણા મહિનાઓ પછી એની નજર એ દિશામાં પહોંચી. કશું જ બદલાયું ન હતું. બધુ જ પૂર્વવત હતું. ભેગા થયેલા શ્રદ્ધાળુઓથી લઈ પૂજાની આરતી સુધી. વ્યાકુળ મનમાં શંકા ઉઠી. કશુંક તો ચોક્કસ બદલાયું હતું.

પણ શું... ? 

ઘર પરત થવાની જગ્યાએ સાકીબ ટ્યુશન ક્લાસ નજીક ઉતર્યો. ધીમેથી એણે ચૂસ્ત બંધ કરી દીધેલું બારણું ફરી ઉઘાડ્યું. ટેબલ ઉપર બંધ પડેલા હાજરીપત્રકને ધીમે રહી ખોલ્યું. વિદ્યાર્થીઓના નામની યાદી એકવાર ફરી ધ્યાનથી નિહાળી અને હાજરીપત્રક બંધ કરી નાખ્યું. 

થોડા મહિનાઓ પછી.......

વિદ્યાર્થીઓ જતા રહ્યા હતાં. સાકીબે ટેવ પ્રમાણે ટ્યુશનનું હાજરીપત્રક ખોલ્યું. બધા વિદ્યાર્થીઓની ફીની ભરપાઈ થઈ ગઈ છે કે નહીં એની ચકાસણી કરવા દરેક વિદ્યાર્થીઓનાં નામ ઉપર એની આંગળી વારાફરતી ફરવા લાગી. 

શકીના 

અસલમ 

નિલેશ 

ઈલ્યાસ 

રાધા 

મોમીન 

ક્રિષ્ના 

ઝાકીર 

ઉમેશ 

યુનુસ 

પારુલ 

ઉમેર 

ધર્મેશ 

સના 

જીજ્ઞા 

ઉઝેર 

ધર્મિષ્ઠા 

હુઝેફા 

નીતા 

આતીફ 

ભાવના 

શાહનવાઝ 

મુક્તિ 

ફીરોઝ 

તેજશ 

રાબીયા 

દીપક 

કાસીમ 

મહેન્દ્ર 

સલીમ 

જીગર 

હસન 

શૌર્ય 

અબુબકર 

એ જ સમયે સાકીબની પીઠ તરફ પાછળ બ્લેક બોર્ડના મથાળે એનાં સુંદર મરોડદાર અક્ષરોમાં રંગીન ચૉક વડે એક જૂની કહેવત સુવિચાર સ્વરૂપે ચળકી રહી હતી.

' સંપ ત્યાં જંપ '


Rate this content
Log in

Similar gujarati story from Drama