mariyam dhupli

Tragedy Children

4  

mariyam dhupli

Tragedy Children

ખેલ

ખેલ

6 mins
434


ચુસ્ત વાંસી દેવામાં આવેલી બારીને નાનકડી આંગળીઓ વડે ધીમે રહી ખોલવામાં આવી. એ ક્રિયા સ્વરવિહીન રહે એની એ નાનકડી આંગળીઓએ સંપૂર્ણપણે કાળજી દાખવી. બારીમાંથી બહાર ઝાંખવાનો પ્રયાસ કરી રહેલી બે નાનકડી લીલા રંગની કીકીઓ મળેલી તકમાં જેટલું સમાવી લેવાઈ એટલું દ્રશ્ય આંખોમાં સમાવી લેવા દરેક દિશામાં ઉતાવળીયો ચક્કર કાપવા લાગી. તદ્દન શાંત વાતાવરણમાં ન કોઈ મનુષ્યનો, ન કોઈ પંખીનો અવાજ હાજર હતો. ચારે તરફ દૂર દૂર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. એ ધુમ્મસની આરપાર નજર નીકળી શકવા સક્ષમ ન હતી. એટલે થાકીહારીને નાનકડી કીકીઓ ફરીથી અંદર તરફ સંકેલાઇ ગઈ. બારીને ફરીથી અત્યંત કાળજીપૂર્વક વાંસી દઈ, બે નાનકડા પંજાઓ એકબીજા જોડે મૌન ઘર્ષણ પામ્યા.

પાંચ વર્ષની બાળકી ધીમા ડગલે પોતાની પથારી ઉપર પહોંચી ગઈ. એની પડખે અન્ય એક બાળકી પથારી ઉપર લંબાઈ હતી. ઉંમરમાં એનાથી કદાચ એકાદ જ વર્ષ મોટી દેખાઈ રહી હતી. એના હાથમાં એક નાનકડી ઢીંગલી હતી. એ ઢીંગલીની કીકીઓ બાળકીની કીકીઓ જેમ જ કથ્થઈ રંગની હતી. એ ઢીંગલીને નાનકડા હાથ વડે ઉભી કરવામાં આવતી અને ફરી આડી કરી દેવામાં આવી રહી હતી. ઉભી થતી વખતે ઢીંગલીની આંખો ખૂલી જતી અને આડી થતી વખતે મીંચાઈ જતી. આ યાંત્રિક રમત અંતિમ દસ મિનિટથી અવિરત હતી. લીલા રંગની કીકીઓવાળી બાળકી એ રમત જોતા ઉબકાઈ ગઈ અને એણે પડખેની બાળકીને કોણી વડે સ્પર્શ કર્યો. એ સ્પર્શથી જાણે કોઈ ફેર પડ્યો ન હોય, એમ હાથમાંની ઢીંગલી ઉભી અને આડી થતી રહી. આ વખતે લીલારંગની કીકીઓવાળી બાળકીએ બમણા વેગ જોડે કોણીનો સ્પર્શ કર્યો. ઢીંગલી પથારી પર મૂકી કથ્થઈ રંગની કીકીઓવાળી બાળકીએ વિફરેલી નજર જોડે પડખેની બાળકીની આંખોમાં આંખો મેળવી. આખરે પોતાનો ધ્યાનભંગ કરવાનો પ્રયાસ સફળ નીવડ્યો એ વાતની ખુશી લીલારંગની કીકીઓમાં છલકી ઉઠી. પોતાની પડખે વિફરેલી આંખોને મનાવી લેવાના પ્રયાસ સ્વરુપે લીલારંગની કીકીઓએ સામેની દિશામાં ગોઠવાયેલી અલમારી તરફ ઈશારો કર્યો.

એ ઈશારાનો ભાવાર્થ સમજી ગયેલી બાળકીએ દરવાજા તરફ દ્રષ્ટિ ફેંકી. પડખેથી નાનકડો પંજો ખભાને સ્પર્શયો. દરવાજા ઉપરની દ્રષ્ટિ ફરીથી પડખેની આંખોમાં આવી ભેરવાઈ. લીલારંગની કીકીઓવાળી બાળકીએ ઈશારા જોડે સમજાવવાનો પ્રયાસ કર્યો, 'અવાજ કર્યા વિના રમીશું.' એ ઇશારાને પ્રત્યાઘાત આપતા કથ્થઈ રંગની કીકીઓવાળી બાળકી એક ક્ષણ માટે વિચારમાં ઉતરી. પડખેથી ફરી એકવાર ખભાનો સ્પર્શ થયો. પ્રત્યાઘાતમાં કથ્થઈ રંગની કીકીઓવાળી બાળકીએ ઈશારો કરી ધીરજ ધરવા કહ્યું. એ ચોરડગલે ઉભી થઇ દરવાજા સુધી પહોંચી. એક આંખ ચુસ્ત મીંચી, એણે અન્ય આંખ વડે લુકહોલમાં નજર કરી. બહારના ખંડમાં બેઠા વડીલો કોઈ ગંભીર ચર્ચામાં વ્યસ્ત હતા. એ ચર્ચાની ગંભીરતા એમના તણાયેલા ચહેરાઓ અને આંખોના કાળા કુંડાળાઓમાં સ્પષ્ટ પ્રતિબિંબ પાડી રહી હતી. ધીમે રહી બાળકી પાછળ ફરી. પથારીમાં રાહ જોઈ રહેલી બાળકી અનન્ય આશ જોડે એને તાકી રહી હતી. એ લીલારંગની કીકીઓમાં આજીજીની સુનામી ઉઠી. એ સુનામીમાં તણાઈ ગયેલી કથ્થઈ રંગની કીકીઓવાળી બાળકીએ ઈશારા જોડે અભિવ્યક્તિ કરતા કહ્યું, 'ઠીક છે. પણ જરાયે અવાજ થવો જોઈએ નહીં.' પથારી પર બેઠી બાળકી ઉત્સાહથી ઉછળી પડી. થોડા સમય પહેલા શરીરમાં વ્યાપેલ નીરસતા અને કંટાળો મૌન હવામાં છૂ થઇ ગયા. ચોર ડગલે એ શીઘ્ર સામેની દિશાની અલમારી તરફ ધપી ગઈ.

અલમારી ઉપર રખાયેલ પુસ્તકો અને દફ્તરો ઉપર ધૂળની પાતળી થર જામી હતી. અલમારીને ધીમે રહી ખોલી અંદરથી એક રમકડાંની થેલી બહાર કાઢવામાં આવી. કથ્થઈ રંગની કીકીઓવાળી બાળકીએ નજીક પહોંચી થેલીમાં સંશોધન કરવામાં મદદ કરી. થેલીમાંનો સામાન બે સરખા ભાગમાં વહેંચાઈ ગયો. લીલારંગની કીકીઓવાળી બાળકીએ પુલિસ બનવા માટેની બધી સામગ્રી લઇ લીધી, જયારે કથ્થઈ રંગની કીકીઓવાળી બાળકીએ ચોર બનવા માટેની દરેક સામગ્રી ઉઠાવી લીધી. ઓરડાના મધ્ય ભાગમાં દોરી વડે એક વિભાજન રેખા નક્કી થઇ ગઈ. કથ્થઈ રંગની કીકીઓવાળી બાળકી પથારી તરફ જતી રહી. એણે પોતાનો વિસ્તાર પસંદ કરી લીધો. લીલારંગની કીકીઓવાળી બાળકી અલમારી તરફ જ રહી. એ વિસ્તાર એણે સ્વીકારી લીધો.

ચોર બનેલી બાળકીએ પથારી નજીકથી ઓશીકાનો પ્રહાર કર્યો. પુલિસ બનેલી બાળકી જાતબચાવ માટે તરત જ અલમારીની પાછળ છૂપાઈ ગઈ. અલમારીની આડમાંથી પ્લાસ્ટિકની બંદૂક વડે એણે સામેની દિશામાં ગોળી છોડવાનો અભિનય કર્યો. એ ગોળીથી બચવા ચોર બનેલી બાળકી મોઢા પર બાંધેલી બુકાની જોડે ધાબળામાં ભરાઈ ગઈ. સામે તરફની બાળકીએ તકનો લાભ ઉઠાવી અલમારી પાછળના શૅલ્ફ ઉપરથી કેટલાક રૂ ભરેલા સોફ્ટ ટૉય્સ ધાબળાની દિશામાં ઉડાડ્યા. એમાંથી કેટલાક રમકડાં પથારી નીચે પડ્યા અને કેટલાક ધાબળા ઉપર. અચાનકથી ધાબળામાંથી બહાર નીકળી કથ્થઈ રંગની કીકીઓવાળી બાળકીએ પોતાની પથારીમાં પડેલી ઢીંગલીનો છુટ્ટો વાર કર્યો. એ ઢીંગલી પોતાના શરીરને સ્પર્શી શકે એ પહેલાં જ લીલારંગની કીકીઓવાળી બાળકી ફરી અલમારીની આડમાં ભરાઈ ગઈ. એણે એક ઊંડો દમ ભરવાનો અભિનય કર્યો. પોતાના માથા પર પહેરેલી હેટને એક હાથ વડે વ્યવસ્થિત ગોઠવી, બીજા હાથમાંની બંદૂકમાં ગોળીઓ ભરવાનો અભિનય કર્યો અને આગળ એક પણ ક્ષણ વેડફ્યા વિના આડમાંથી હાથ બહાર નીકાળી ઘણી બધી ગોળીઓ એકીજોડે છોડી મૂકી હોય, એમ હાથને ખૂબ જ હલાવવાનો અભિનય કર્યો. મોઢા ઉપર બદલાના ભાવો છવાયેલા હતા. અણધારી છૂટી આવેલી અધઃ ગોળીઓમાંથી એક ગોળી જાણે હાથમાં લાગી ગઈ હોય, એમ સામે તરફની બાળકી ઘાયલ થયાની પીડાના હાવભાવોનો અભિનય કરતી ધાબળા સાથે સરકી પથારી નીચે સરી પડી. અલમારી પાછળની આડમાં છૂપાયેલી બાળકીના ચહેરા ઉપર ગર્વના હાવભાવો છવાઈ ગયા. ધાબળામાં છૂપાયેલી બાળકીના ચહેરા ઉપર ક્રોધ અને બદલાની આગ નાટકીય રીતે છવાઈ ગઈ. એણે એક ઊંડો દમ ભરવાનો અભિનય કર્યો અને આંખોમાં વ્યાપેલી અરાજકતા વડે પોતાના ખિસ્સામાં ભેગા કરેલા કાગળના ડૂચાઓને એક પછી એક ધાબળાના અંદરથી હાથ લંબાવી સામેની દિશામાં ઉડાડ્યા. એક જોડે થયેલો આટલો મોટો પ્રહાર કલ્પનાની બહારનો હોય, એમ અલમારીની પાછળ ભરાયેલી બાળકીએ ભયથી આંખો ચુસ્ત મીંચી લેવાનો અભિનય કર્યો. ઉડાડવામાં આવેલા કાગળના ડુચાથી ઘવાયેલી હોય, એમ બાળકીએ અલમારીના સહારે ભોંય ઉપર શરીર બેસાડી દીધું. સામે તરફથી ધાબળામાંની બાળકી ચહેરા ઉપર જીતના ગર્વ જોડે બહાર નીકળી આવી અને પથારી ઉપર ચઢી એક હાથ મુઠ્ઠીમાં ભીંસી હવામાં ઊંચો લ્હેરાવ્યો. આમ આરામથી હથિયાર તો ન જ નાખી દેવાય, એવા ભાવો દર્શાવતો ચહેરો અલમારી પાછળથી ફરી હામ ભેગી કરતો ઉપર તરફ ઉઠ્યો. ઘવાયેલા શરીરને જીત માટે ફરી તૈયાર કરતા એણે બંદૂકને હેમખેમ આડમાંથી બહાર કાઢી અને એક પણ ક્ષણ વિરામ આપ્યા વિના જ એકીજોડે પ્રહાર કરતી હોય, એમ હાથને એક જ દિશામાં સ્થિર કરી સતત હલાવવા માંડ્યો. બીજા હાથ વડે એણે ભોંય પર વિખરાયેલા કાગળના ડૂચાઓને ફરીથી સામે તરફ ઉડાડવા માંડ્યા. સામે તરફથી હજી હારનો સ્વીકાર થયો ન હતો. એનાથી વિરુદ્ધ જીત માટે પહેલાં કરતાં પણ વધુ વેધક પ્રયાસો થઇ રહ્યા હતા. એ વાતનો ઘેરો ધક્કો લાગ્યો હોય, એમ પથારી પરથી લ્હેરાઈ ઉઠેલી વિજયની મુઠ્ઠી ફરી પરત થઇ અને પથારીની નીચે રહી ગયેલા ધાબળામાં શરીર ફરી જાતબચાવ માટે ભરાઈ ગયું.

અલમારીની આડમાંથી એ દ્રશ્ય તાકી લીધા બાદ લીલારંગની કીકીઓવાળી બાળકી આડમાંથી બહાર નીકળી ઉભી રહી ગઈ. એની બંદૂક એણે કેડ ઉપર ઓઢણી વડે બનાવેલા બનાવતી કમમરપટ્ટામાં ભેરવી દીધી. એના બન્ને હાથની મુઠ્ઠી વિજય પતાકા સમી હવામાં ચુસ્ત ઉપર ઉઠી. ચહેરાના હાવભાવોમાં જીતનું અભિમાન ઉધમ મચાવી રહ્યું હતું. દુશ્મનને ઠાર કર્યાનો ઉત્સવ મૌન સ્મિતમાં રણકી રહ્યો હતો. ધાબળામાં પરત થઇ ગયેલું શરીર અત્યંત વ્યાકુળ હતું. હાર તો કેમ પણ કરી ન જ સ્વીકારાય, ભલે કંઈ પણ થઇ જાય, એવા શરીરના હાવભાવો જોડે નજર દરેક તરફ ઝડપથી ભમવા લાગી. જીતવા માટે થનગની ઉઠેલા શરીરને આખરે પથારીથી થોડા અંતરે સ્થિર પ્લાસ્ટિકનો એક મોટો દડો દેખાયો. એ દડાને નિહાળતાં જ કથ્થઈ રંગની કીકીઓ વિસ્તરી. ચહેરા ઉપર એક શાતિર સ્મિત ફેલાઈ ગયું. હવે તો જીત નક્કી જ છે, એવા હાવભાવો ચહેરાની ખુશીમાંથી પ્રતિબિંબ પાડી રહ્યા.

એક ઊંડો દમ ભરાયો અને બીજી જ ક્ષણે ધાબળો છોડી ધ્યેયબદ્ધ શરીર જાણે જાનની બાજી લગાવતું બહાર નીકળી આવ્યું. ચિલ ઝડપે પ્લાસ્ટિકના મોટા દડાને હાથમાં ઊંચકી લેવામાં આવ્યો. સામે તરફની દિશામાં ઉભેલી બાળકીની લીલારંગની કીકીઓ હેરતથી સંકોચાઈ ગઈ. હાથમાં આવેલી જીત સરી પડવાની ફિકર ચહેરા ઉપર હતાશા અને તાણના નાટકીય હાવભાવો લઇ આવી. જો એ દડો પોતાના પર પડ્યો તો ખેલ ખતમ!

મગજમાં થયેલા ત્વરિત ઝબકારા જોડે બાળકીના હાથ બનાવટી કમમરપટ્ટામાં ખોંસેલી પ્લાસ્ટિકની બંદૂક થામી શકે એ પહેલાં પથારી નજીક ઉભી બાળકીએ એક મૌન અટ્ટહાસ્યનો અભિનય કર્યો અને હાથમાંનો મોટો દડો અલમારીની દિશામાં નિશાનો સાધી ઉછાળી મૂક્યો.

જેવો દડો અલમારી તરફ ઉભી બાળકીને સ્પર્શયો કે એક પ્રચંડ ધડાકો થયો.

અગ્નજવાળા ભભૂકી ઉઠી અને એ ફાટેલી અગ્નિના મુખમાં આખીને આખી ઇમારત એક જ ક્ષણમાં જમીનદોસ્ત થઇ ગઈ. વાતાવરણમાં ફેલાયેલું ધુમ્મસ હજી ગાઢ બન્યું. એક ક્ષણના ધડાકા બાદ ફરીથી હવામાં સન્નાટો છવાઈ ગયો. ન કોઈ મનુષ્યનો અવાજ, ન કોઈ પંખીનો કલરવ. યુદ્ધનો ભોગ બનેલી અન્ય ઢળી પડેલી ઇમારતોના કાટમાળ જોડે વિસ્તારની એક અંતિમ ઇમારત પણ કાટમાળ બની ગઈ. પ્લાસ્ટિકનો મોટો દડો કાટમાળ વચ્ચે છૂંદાયેલો પડયો હતો. કથ્થઈ રંગની કીકીઓવાળી બાળકીનું લોહિલુહાણ શબ ઇમારતના કાટમાળ વચ્ચેથી સંતાકૂકડી કરી રહ્યું હતું. એનાથી ઘણે દૂર કાટમાળમાં એક પ્લાસ્ટિકની બંદૂક દેખાઈ રહી હતી. એ બંદૂકને થામેલો હાથ ફક્ત દ્રષ્ટિગોચર થઇ રહ્યો હતો. બાકીનું શરીર કશે દેખાઈ રહ્યું ન હતું.

ખેલ ખતમ થઇ ગયો હતો. પણ ન કોઈ જીત્યું, ન કોઈ હાર્યું !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy