mariyam dhupli

Inspirational Children

4.0  

mariyam dhupli

Inspirational Children

આગમન

આગમન

3 mins
224


મહાનગરીના પોશ વિસ્તારમાં રહેતા મિસ્ટર એન્ડ મિસિસ સુલભ શર્મા આજે ખૂબ જ 'એકસાઈટેડ' હતા. એમની આંખોમાં અનેરી ખુશી છલકાઈ રહી હતી. એમનો નાનકડો પ્રિન્સ આજે શહેરની સૌથી મોંઘી અને 'રેપ્યુટેડ' નર્સરીમાં પોતાનો પહેલો દિવસ પસાર કરીને આવ્યો હતો. એના શરીર પર હજી પણ સવારથી કડક ઈસ્ત્રી કરીને પહેરાવવામાં આવેલો યુનિફોર્મ સજ્જ હતો. પોતે નર્સરીમાંથી શીખીને આવેલ પોતાની સૌપ્રથમ નર્સરી રાઈમ એ પોતાના માતાપિતા આગળ એને શીખવવામાં આવેલ ' એક્શન ' જોડે ગણગણી રહ્યો હતો. એના હાથની આંગળીઓમાં જાકારો હતો. એના નાનકડા પંજાઓ અવહેલના અને અણગમો દર્શાવતા ઝટકાઈ રહ્યા હતા. એના ગોળમટોળ ચહેરામાં રીસ અને નિરાશા એકમેકમાં ભળી ગઈ હતી. 

'' રેઈન, રેઈન, ગો અવે,

 કમ અગેઈન અનધર ડે,

 લીટલ જ્હૉની વોન્ટ્સ ટુ પ્લે,

 રેઈન, રેઈન, ગો અવે ! "

તાળીઓની વર્ષા જોડે મિસ્ટર એન્ડ મિસિસ શર્માએ પોતાના બાળકને સમૂહ આલિંગનમાં લઈ લીધું જ કે અચાનકથી આકાશમાં વીજળી ચમકી. જોતજોતામાં આખું વાતાવરણ પલટાઈ ગયું. છવાઈ આવેલા વાદળો થકી મહેલ જેવું ઘર દીનદહાડે અંધકારમાં ડૂબી ગયું. કોઈ કશું વિચારી શકે એ પહેલા વાદળોનો પ્રચંડ ગડગડાટ થયો અને બહાર તરફથી પાણી વરસવાનો અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. મિસ્ટર શર્માના ચહેરા ઉપરનો હર્ષ બદલાયેલા વાતાવરણમાં ઓગળી ગયો અને એમના અવાજમાં ક્રોધ અને રીસ છલકાઈ ગયા. 

" અરે, ઊભી ઊભી શું જુએ છે ? ઝડપથી બારીઓ બંધ કર. "

મિસિસ શાહે યાંત્રિક માનવ જેમ દોટ મૂકી. ઋતુના પહેલા વરસાદે અચાનકથી કરેલા આગમનને કારણે મહેલ જેવા ઘરનું અતિ કિંમતી રાચરચીલું આછું આછું ભીનાઈ ગયું એ વાતનો અપરાધભાવ ચહેરા ઉપર ખદબદી ઉઠ્યો. 

" પ્રિન્સ, આમ સ્ટેચ્યુ જેમ ઊભો કેમ છે ? જા, તારા બેડરુમની બારી ઝડપથી બંધ કર નહીંતર તારા બેડનું લાકડું અને ફ્લોરિંગ પલળી જશે. બધે ટિક્નુ લાકડું છે. ઈટ્સ રિયલી એક્સ્પેન્સિવ ! " 

પગ અફાળતો પ્રિન્સ પોતાના શયનખંડમાં પહોંચ્યો. પોતાના ઉચ્ચ પ્રદર્શનની ક્ષણો ઉપર પાણી ફેરવી નાખનાર મેઘને ધિક્કાર જોડે નીરખી એણે શયનખંડની બારી એક ઝાટકે એટલી ચુસ્ત વાસી કે વરસાદનો એક ફોરો પણ એના આલીશાન બેડ અને ફ્લોરિંગને સ્પર્શી શકે નહીં. 

બંગલાના પાર્કિંગ એરિયામાં ગોઠવાયેલી ફોર બાય ફોર ઉપર એક હાથ વડે પ્લાસ્ટિકનું આવરણ મઢી રહેલા મિસ્ટર શાહ બીજા હાથ વડે થામેલા મોબાઈલ ઉપર નિરાશાનું પ્રદર્શન કરી રહ્યા હતા,

'' સોરી યાર, આજે ઓપન ગાર્ડન બાર્બેક્યૂ કેન્સલ. શું કરાય આ સાલો વરસાદ..."

એ જ સમયે શહેરથી હજારો માઈલો દૂર દેશના એક નાનકડા ગામના કાચા મકાનમાં ઊભા રઘુ અને લક્ષ્મી અત્યંત ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા. એમની આંખોમાં આનંદનો મેળો હતો. આજે એમનો નાનકડો દીકરો કિશન બાળવાડીમાં પોતાનો પહેલો દિવસ વિતાવીને આવ્યો હતો. એના શરીર પર આછા મેલાંઘેલાં વસ્ત્રો હતા. પોતે બાળવાડીમાં શીખીને આવેલ પોતાનું પહેલું બાળગીત એ પોતાને શીખવવામાં આવેલ અભિનય જોડે બા બાપુ આગળ વટપૂર્વક ગણગણી રહ્યો હતો. એની હાથની આંગળીઓમાં આવકાર હતો. એના નાનકડા પંજાઓ સ્વાગત અને સત્કારનું દર્શન કરાવી રહ્યા હતા. એની પાતળી કાયામાં હૂંફ અને મૈત્રીના હાવભાવો પ્રતિબિંબિત થઈ રહ્યા હતા.

" આવ રે, વરસાદ,

 ઘેબરિયો વરસાદ,

 ઊની ઊની રોટલી 

 ને કારેલાનું શાક. 

 આવ રે, વરસાદ ! "

તાળીઓની વર્ષા જોડે રઘુ અને લક્ષ્મીએ પોતાના બાળકને સમૂહ આલિંગનમાં લઈ લીધું જ કે અચાનકથી આકાશમાં વીજળી ચમકી. જોતજોતામાં આખું વાતાવરણ પલટાઈ ગયું. છવાઈ આવેલા વાદળો થકી જર્જરિત કાચું મકાન દિનદહાડે અંધકારમાં ડૂબી ગયું. કોઈ કશું વિચારી શકે એ પહેલા વાદળોનો પ્રચંડ ગડગડાટ થયો અને બહાર તરફથી પાણી વરસવાનો અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. રઘુના ચહેરા ઉપરનો હર્ષ બદલાયેલા વાતાવરણમાં ઓગળી ગયો અને એના ચહેરા ઉપર અવિશ્વાસ અને હેરતના ભાવો છલકાઈ ઉઠ્યા. 

એણે તરત જ કાચા મકાનની બહાર તરફના કાચા રસ્તા ઉપર ઉઘાડા પગે દોટ મૂકી દીધી. એની પાછળ અન્ય ચાર પગના ઉઘાડા પંજાઓ પણ દોરાયા. કાચા મકાનની છત પાણીના ટીપા નીતારતી પાછળ તરફથી એ ચીલઝડપી દોડને એકીટશે તાકતી રહી. 

જોતજોતામાં રઘુ અને લક્ષ્મી પોતાના ખેતર ઉપર આવી ઊભા રહી ગયા. ઝરમર વરસતા ઋતુના પહેલા વરસાદથી ખેતીની માટી પલળી ચૂકી હતી. એ નિહાળતાં જ રઘુની આંખોમાંથી પાણી વરસી પડ્યું. એણે એક નજર આભ તરફ માંડી.

" હે ઈશ્વર, તારો લાખ લાખ આભાર ! આ વરસે સમયસર નીર વરસ્યું. નહીંતર, જો ગયા વરસની જેમ ..."

લક્ષ્મીએ તરત જ પોતાનો હાથ રઘુના ખભે દબાવી એને આગળ બોલતો અટકાવી દીધો. 

" આ વરસે કોઈ આંતરડી કકળે નહીં. "

લક્ષ્મીના વાક્યથી હરખમાં આવી ગયેલા રઘુએ પત્ની અને બાળકના હાથ ઉલ્લાસમાં ઝાલી લીધા. મેઘથી નખશીખ ભીનાયેલા ત્રણેત્રણ માટીના જીવ એકમેકનો હાથ થામી એટલી ઝડપ જોડે ઉત્સવની ફુદરડી ફરવા લાગ્યા કે દૂરથી જોનાર એ તારવી પણ ન શકે કે એમાં કયો વરસાદ અને કયો માનવ ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational