mariyam dhupli

Inspirational

4  

mariyam dhupli

Inspirational

તું શું ઈચ્છે છે ?

તું શું ઈચ્છે છે ?

7 mins
410


હું મારા શયનખંડના બારણાની આડમાં છૂપાઈને ઉભી હતી. મને કોઈ પ્રત્યક્ષ નિહાળી ન શકે એ રીતે. પણ હું બેઠક ખંડમાં ભેગા મળેલા લોકોને મારી ચોર કીકીઓ વડે પ્રત્યક્ષ નિહાળી રહી હતી. 

અબ્બુ તદ્દન સામેની સોફાની કુરશી ઉપર બેઠા હતા. એમની પડખેના મોટા સોફા ઉપર મહેમાનો બિરાજમાન હતા. સોફાના મધ્યભાગમાં મારી ઉંમર જેટલો એક યુવાન બેઠો હતો. એણે લાંબો ઝૂભ્ભો પહેર્યો હતો. માથા ઉપર સફેદ ઝાલીવાળી ટોપી હતી. શરીર પર વધુ માત્રામાં છાંટેલા ભારે સુવાસવાળા અત્તરની મહેક બેઠકખંડથી ઊડતી ઊડતી ઠેઠ મારા શયનખંડમાં પહોંચી માથાની નસોને પીડા આપી રહી હતી. એની આંખો નીચે તરફ ઢળેલી હતી. એની પડખે એક આધેડ સ્ત્રી ગોઠવાયેલી હતી. સ્ત્રીનું શરીર નખશીખ કાળા બુરખામાં લદાયેલું હતું. ફક્ત આંખોની બે કીકીઓ દેખાઈ રહી હતી. એ સ્ત્રીની પડખે અન્ય બે યુવાન યુવતીઓ ગોઠવાયેલી હતી. એમણે પણ એકસરખા કાળા હીજાબ પહેર્યા હતા. શરીરનું એક અંગ કોઈની નજરે ન ચઢે એ રીતે.

અબ્બુના હાથમાં ચાની પ્યાલી હતી. ચાની એક ચૂસ્કી લઈ એમણે અંતિમ એક કલાકથી થઈ રહેલા વાર્તાલાપને અંતિમ સ્પર્શ આપતા ચાની પ્યાલી નજીકના ટેબલ ઉપર ગોઠવી.

" રઝીયાની અમ્મી તો એ નાની હતી ત્યારે જ...ત્યારથી હું જ એની અમ્મી પણ છું અને અબ્બુ પણ..."

અબ્બાની આંખોનું પાણી મને અંતરની મર્યાદાને કારણે સ્પષ્ટ દેખાયું તો નહીં, પણ મારા અંતરમાં અનુભવાયું ખરું. 

અબ્બુની સામે તરફની અન્ય સોફાની કુરશી પર ગોઠવાયેલ પડછંદ શરીરમાં સળવળાટ થયો. કાળા લાંબા ઝભ્ભામાં બેઠું શરીર જ અંતિમ એક કલાકથી વાર્તાલાપમાં સક્રિય હતું. એના સિવાય જાણે કોઈને પણ બોલવાનો કોઈ અધિકાર ન હોય એમ યુવક અને સ્ત્રીઓ ફક્ત ખાવા અને પીવાની પ્રક્રિયામાં સક્રિય હતા. અબ્બાના સંવેદનાસભર શબ્દોના પ્રત્યાઘાતમાં એ આધેડ પુરુષે પોતાના હાથમાંની ચાની પ્યાલી નજીકના ટેબલ પર મૂકી પોતાની લાંબી ભરાવદાર સફેદ દાઢી ઉપર એક કડક હાથ ફેરવ્યો.

" આપ ચિંતા ન કરો. અમારા ઘરનો માહોલ એકદમ દીની છે. ખાસ કરીને ઘરની સ્ત્રીઓ અત્યંત અનુશાસનમાં છે. તમે જોઈ શકો છો. "

પોતાની સામેના સોફા પર ગોઠવાયેલી બુરખામાં ઢંકાયેલી સ્ત્રીઓ ઉપર એક કડક નજર ફેરવતા એ આધેડ આંખોમાં એક ગર્વની ધજા લહેરાઈ ઊઠી.

" અમારા ઘરની સ્ત્રીઓ અમારો પડ્યો બોલ ઝીલે છે. બુરખા વિના ઘરની બહાર પગ મૂકવાનો કોઈને અધિકાર નથી. બહાર જવું હોય ત્યારે હું ક્યાં તો મારો દીકરો એમની જોડે જ હોય છે. મારું દ્રઢપણે માનવું છે કે જે ઘરની સ્ત્રીઓ લાજમાં રહે, એ ઘરની લાજ જળવાય છે. આસિફ પણ મારા જ વિચારો અનુસરે છે. આપની દીકરી એની જોડે અત્યંત સુરક્ષિત જીવન વિતાવી શકશે."

અબ્બુએ એક દ્રષ્ટિ નજર ઢાળી મૌન બેઠા યુવક તરફ નાખી અને ધીમે રહી ચોરીછૂપે મારા શયનખંડના બારણાં તરફ નજર ગોઠવી. તકનો લાભ લઈ મારી ગરદન મેં થોડી બહાર કાઢી અને ધીમે રહી કોઈ મને નિહાળી તો નથી રહ્યું એ વાતની ખાતરી કરી તરત જ નકારમાં ગરદન ધૂણાવી મૂકી.

અબ્બુની નજર ઉદાસ થઈ ટેબલ પર ગોઠવાયેલ નાસ્તાની ખાલી રકાબીઓ અને પ્યાલીઓ ઉપર જઈ પડી. 

થોડા મહિનાઓ બાદ હું ફરી મારા શયનખંડના બારણાની આડમાં છૂપાઈને ઊભી હતી. મારી ચોર કીકીઓમાં બેઠકખંડનું દ્રશ્ય ઝીલાઈ રહ્યું હતું. કોઈ મને નિહાળી ન શકે એની સંપૂર્ણ તકેદારી પણ જળવાઈ રહી હતી. આ વખતે બેઠક ખંડમાં અબ્બુનો સમાવેશ કરતા કુલ ચાર વ્યક્તિઓ હતી. અબ્બુ ટેવ પ્રમાણે મારી સામેની દિશામાં ગોઠવાયેલ એમની ફાવતી સોફાની કુરશી પર બેઠા હતા. એમના હાથમાં ચાની પ્યાલી હતી. એમની સામે તરફના મોટા સોફા ઉપર એક યુવક અને યુવતી બેઠા હતા. યુવકે બોડીટાઈટ ડેનિમ પહેરી હતી. છાતીને ચુસ્ત જકડતો શર્ટ અને માથા ઉપર સનગ્લાસિસ ગોઠવાયેલા હતા. માથાના વાળ જેલથી ઉપરની દિશામાં વળાંક જોડે સેટ થયેલા હતા. શરીર પર અતિશય માત્રામાં છાંટેલા બોડી સ્પ્રેની સુવાસ બેઠકખંડથી માર્ગ કાઢતી સીધી મારા શયનખંડમાં પ્રવેશ કરતી માથું ફાડી રહી હતી. યુવકના પડખે ગોઠવાયેલી યુવતીએ જીન્સ પહેરી હતી અને એની ઉપર ચુસ્ત ટોપ પહેરેલું હતું. યુવતીના પડખે બેઠી આધેડ સ્ત્રીએ સલવાર કમીઝ પહેર્યા હતા અને માથે ઓઢણી ઓઢી હતી.

એ સોફાની પડખે ગોઠવાયેલી અન્ય સોફાની કુરશી ઉપર એક આધેડ પુરુષ બેઠા હતા. એમણે પોલો ટીશર્ટ અને સફેદ રંગની પાટલુન પહેરી હતી. તેઓ હાથમાંની ચાની પ્યાલીમાંથી ધીમે ધીમે ચૂસ્કી માણી રહ્યા હતા. અંતિમ એક કલાકમાં તેઓએ નામના જ શબ્દો ઉચ્ચાર્યા હતા. આધેડ સ્ત્રી અને યુવતીએ પણ ફક્ત 'હા' કે 'ના' સિવાય ઝાઝી વાત કરી ન હતી. વાર્તાલાપનો સેતુ સંપૂર્ણપણે યુવકના હાથમાં જ હતો. 

અબ્બુએ ચાની પ્યાલી ધીમે રહી પડખેના ટેબલ પર ગોઠવી દીધી. એમની આંખોમાં ટેવગત પિતૃસહજ ચિંતા ફરી વળી.

 " રઝીયા દસ વર્ષની હતી ત્યારે જ એની અમ્મીનો ઈન્તેકાલ ... મા વિનાની દીકરી છે. એની ચિંતા રહે છે. મારી તબિયત પણ હવે સારી નથી રહેતી. એને એક યોગ્ય જીવનસાથી મળી જાય તો હું ખુશીથી આંખો મીંચી શકું."

અબ્બુના અવાજમાં આછી ધ્રુજારી હતી જે સાંભળી મારું અંતર પણ ધ્રુજી ઉઠ્યું. સામે બેઠા યુવકે ચાની પ્યાલી નજીકના ટેબલ ઉપર પરત મૂકી અને પોતાના શર્ટની બાંય ઉપર તરફ ગડી કરી ચઢાવી. 

" આપ જરાયે ચિંતા ન કરો. હું ખૂબ જ મોર્ડન વિચારો ધરાવતો યુવક છું. મને બુરખા અને હીજાબથી ખૂબ જ ચીઢ છે. હું તો અમ્મીને પણ બુરખો પહેરવા દેતો નથી. મારી બહેનને પણ સીધી ના જ પાડી છે. તમારી દીકરીએ બી.એ. કર્યું છે ને ? એના માટે એક સરસ નોકરી મારી નજરમાં છે. પગાર પણ સારો એવો છે. અર્ધો દિવસ એનો કામ પર નીકળી જશે અને અર્ધો દિવસ એ ઘરમાં અમ્મીને મદદ કરી નાખશે. ઘરમાં ગોંધાઈ ન રહેવું પડે એનાથી વધુ એક છોકરીને શું જોઈએ ? "

અબ્બાએ એક નજર સામે બેઠા આધેડ સ્ત્રી અને પુરુષ તરફ નાખી. એ બન્ને પથ્થરની લકીર જેવા યુવકના શબ્દો સામે મૌનને જ પ્રાધાન્ય આપી રહ્યા હતા. અબ્બુની નજરમાં એક અનેરો ચળકાટ અને સંતોષ પ્રસરી ગયો. ઉત્સાહમાં એમની કીકીઓ મારા શયનખંડના બારણા તરફ ચોરીછૂપે ઊઠી. તકનો લાભ લઈ મેં તરત જ મારી ગરદન બારણાની સહેજ બહાર લંબાવી અને નકારમાં ધૂણાવી મૂકી.

અબ્બુની આંખોમાંનો ચળકાટ મારા પ્રત્યાઘાતથી શીઘ્ર બાષ્પીભવન થઈ ઉઠ્યો. ચહેરા પર ફરી વળેલી હતાશા ભારોભાર મૂંઝવણમાં રંગાઈ ગઈ. ભારે હૃદય જોડે તેઓ ટેબલ પર ખાલી થયેલી નાસ્તાની રકાબીઓ અને પ્યાલીઓને નીરખી રહ્યા.

એ દિવસે મહેમાનોના ગયા બાદ તેઓ મારા ઓરડામાં આવ્યા. મારા માથા ઉપર હેતથી હાથ ફેરવી એટલું જ બોલ્યા,

" મને તો સમજાય જ નથી રહ્યું દીકરી, તું શું ઈચ્છે છે ? "

હું સ્તબ્ધ હતી. સ્તબ્ધ જ રહી. મારી પાસે એ પ્રશ્નનો કોઈ ઉત્તર ન હતો. 

મહિનાઓ બાદ હું ફરી મારા શયનખંડના બારણાની આડમાં છૂપાઈને ઊભી હતી. મારી ચોર કીકીઓ બેઠકખંડમાં ગોઠવાયેલી બેઠક પર કેન્દ્રિત હતી. મારી સામેની તરફ સોફાની કુરશી ઉપર અબ્બુ પોતાના નિયમિત સ્થળે ગોઠવાયેલા હતા. એમના હાથમાં ચાની પ્યાલી હતી. તેઓ ધીમે ધીમે ચાની ચૂસ્કી માણી રહ્યા હતા. એમની સામે તરફના મોટા સોફા ઉપર જમણી તરફ એક યુવક બેઠો હતો. એણે ડેનિમની જીન્સ ઉપર એક હળવો સફેદ કુરતો પહેર્યો હતો. માથાના વાળમાં જેલ ન હતું. પણ તાજા શેમ્પૂ થયેલા લાગતા હતા. શરીર ઉપર સપ્રમાણ છાંટવામાં આવેલા અનોખા બોડી સ્પ્રેથી ઘર સરસ મહેકી રહ્યું હતું. હાથમાં એક સ્પોર્ટસવોચ હતી. ચહેરા ઉપર નાનકડી ટ્રાન્સપરન્ટ ફ્રેમવાળા ચશ્માં હતા. એની પડખે એક આધેડ સ્ત્રી ગોઠવાયેલી હતી. જેણે સલવાર કમીઝ પહેર્યા હતા અને ઓઢણી છાતીએ ઓઢી હતી. સોફાની ડાબી તરફ એક યુવતી બેઠી હતી. જેણે નખશીખ બુરખો પહેર્યો હતો અને હીજાબમાંથી ફક્ત એની બે કીકીઓ જ દેખાઈ રહી હતી.

એ સોફાની સામે તરફ અન્ય સોફાની કુરશી ઉપર એક આધેડ પુરુષ બેઠા હતા. એમણે સફેદ રંગનો ઝભ્ભો પહેર્યો હતો અને માથા ઉપર સફેદ ઝાલીવાળી ટોપી પહેરી હતી. અંતિમ એક કલાકથી વાર્તાલાપ થઈ રહ્યો હતો. જેમાં હાજર તમામ મહેમાનો પોતપોતાનો સરખો ફાળો નોંધાવી રહ્યા હતા. જે પ્રશ્ન જેને પૂછાયો હોય એનો ઉત્તર તે જ વ્યક્તિ આપી રહી હતી. કોઈ કોઈના વતી બોલી રહ્યું ન હતું. 

આ વખતે મારી જેમ અબ્બુ પણ ભારોભાર મૂંઝવણ અનુભવી રહ્યા હતા. એ એમની ચહેરાની તણાયેલી રેખાઓમાં તદ્દન સ્પષ્ટ થઈ રહ્યું હતું. પોતાના હાથમાંથી ચાની પ્યાલી પડખેના ટેબલ પર ગોઠવી એમણે એક ઊંડો શ્વાસ ભર્યો. એમની પિતૃસહજ ચિંતા આજે બેવડાઈ ચૂકી હતી એટલે એમનો અવાજ લગભગ રડમસ હતો. એ સાંભળી મારો ચહેરો પણ રડમસ થઈ ઉઠ્યો. 

" એકની એક દીકરી છે મારી. મા વિના ઉછેરી છે. " 

આટલું બોલતા એમની આંખોમાં પાણી ઘેરાઈ આવ્યું. પણ પછી પોતાને સંભાળી લેતા ગળું ખંખેરી એમણે હિંમત ભેગી કરી પોતાની મૂંઝવણ સીધી યુવક સામે ધરી દીધી. 

" શું મારી દીકરી ઘરે જ રહેશે કે નોકરી કરી શકે ? અને બુરખો ..."

કહેતા અબ્બુનું વાક્ય અધૂરું જ છૂટી ગયું. એમની ગૂંચવાયેલી નજર એકવાર સલવાર કમીઝ પહેરેલી આધેડ સ્ત્રી ઉપર આવી અને ત્યાર બાદ હીજાબ પહેરેલી યુવતી ઉપર ઠરી.

એ જ સમયે ઝૂભ્ભા પહેરેલ આધેડ પુરુષે અરબી ભાષામાં કુરાનની આયત પઢી,

" લા ઈકરાહા ફીદ્દીન ! "

એ પઠન પૂરું કરી એમણે યુવક તરફ નજર કરી. યુવકે સ્મિત જોડે અબ્બુ તરફ નજર કરી વાત આગળ વધારી,

" કુરાનની સુરહ અલબકર, આયત નંબર ૨૫૬, જે સાફસાફ કહે છે, ' દિનકે બારેમેં કિસી પર ઝબરદસ્તી નહીં હોની ચાહીએ ! ' કોઈની ઉપર ધર્મ લાદવાની ખુદાએ સ્પષ્ટ મનાઈ કરી છે. એ વાતનો ઈનકારી થાઉં તો હું ખુદાની અને એની એની કિતાબની બેઅદબી કરું. હું શું ઈચ્છું છું એ જરાયે મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારી દીકરી શું ઈચ્છે છે ? કારણ કે એનો ધર્મ એનો વ્યક્તિગત વિષય છે. "

આ વાત સાંભળી યુવકના પરિવારના દરેક સભ્યના ચહેરા ઉપર જાતઅનુભવની તૃપ્તિ સ્મિત બની ફરકાઈ ઊઠી. પરંતુ અબ્બુનો ચહેરો વધુ મૂંઝાયો. એમની હેરાન નજર ધીમે રહી મારા શયનખંડના બારણાં તરફ ઊઠી. તકનો લાભ લઈ મેં તરત જ મારી ગરદન સહેજ બારણાની બહાર તરફ નીકાળી. મારા ચહેરા ઉપર એક લજ્જાભર્યું સ્મિત વેરાઈ ગયું. એ નિહાળતા જ અબ્બુના ચહેરાની રેખાઓ હળવી થઈ ગઈ. એક ક્ષણ માટે એમણે નિરાંતે આંખો એ રીતે મીંચી દીધી જાણે એ સમજી ગયા હોય કે હું શું ઈચ્છું છું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational