ફોટોફ્રેમ
ફોટોફ્રેમ


" ચાલો સૌ પોતપોતાના દાંત બતાવો.. ચિયર્સ... એક્શન..."
આખાબોલા ફોટોગ્રાફર પોપટભાઈ એ ક્લિક કરી. તે અને તેમનો સ્ટેન્ડ પર ઉભેલો મોટો કેમેરો બંને ઉંમરલાયક!!!. પણ ગામના મુખી ના ઘેર દિવાળીના દિવસે' પૂર્ણ ફેમિલી ફોટો 'પાડવા જવાનો દરજ્જો તેમને જ મળેલો. મુખી નો પરિવાર પણ સમૃદ્ધ!! ઘરના મુખી એ નવ દશકા પુરા કર્યા હતા. અને ફળ શ્રુતિમાં ચાર દીકરા, બે દીકરી.. પછી દીકરાએ પણ પિતાનો વારસો જાળવ્યો.. લગ્ન કર્યા,દરેકના ઘેર બીજા ચાર પારણા ઝૂલે.. સારા ઘેર પરણાવેલી દીકરીઓ પણ તેમના પરિવાર સાથે દિવાળી પર આવે. દિવાળીમાં તો મુખીના ઘરની રોનક જ બદલાઈ જાય. મૂળ, ડાળીઓ અને તેના પર ઝુલતા ફળ... દરેક ઉંમરના સભ્યોમાં પ્રેમની લ્હાણી થાય.. છેલ્લા કેટલાક વર્ષથી નવી પરંપરા બની, ઘરના વડીલ, પોપટલાલ ફોટોગ્રાફર ને બોલાવે.. પછી તો તે વટવૃક્ષ વચ્ચે ગોઠવાય અને તેનો વંશવેલો આજુબાજુ અને કેમેરાના કાચમાં એક' ખુશહાલ સંયુક્ત પરિવાર ' ક્લિક થાય. પાછો સુખી પરિવાર મોટો, માટે ફોટો ફ્રેમ પણ મોટા કદની બને અને હવેલીની દીવાલ પર ગૌરવ ભેર સ્થાન પામે.
હવે તો વડીલના દીકરાના પણ દીકરા મોટા થયા... શરણાઈ વાગી... નવી કૂંપળો ફૂટી.. પણ તે તો આધુનિક હવામાં ઉછરી, કેટલીક શાખાઓને વતનની માટી વાસી લાગી... શહેરમાં તરોતાજા થવા ઉડી ગઈ.
પાછી દિવાળી આવી, વટવૃક્ષ તો વચ્ચેની ખુરશીમાં જ.. પણ આજુબાજુ તો વતનની માટીની મહેક ગમતી હોય તેટલી શાખાઓ જ! ફોટો તો પડ્યો,પણ ફોટો ફ્રેમ ' નાની ' બની!
ધીમે ધીમે મૂળથી ફળ સુધી પ્રેમનું સિંચન કરતી શાખાઓ છૂટી પડવા લાગી.. વિખરાયેલા પ્રેમનો આઘાત ના જીરવાતા, મૂળ કરમાઈ ગયું !
સંયુક્ત પરિવારથી છુટવા માંગતી તે દરેક શાખા એ હજુ પણ દિવાળી પર ફોટો પાડવાની પરંપરા તો ચાલુ જ રાખી છે, પણ તે ' સંકોચાયેલી 'ફોટો ફ્રેમ સ્વાર્થી પ્રેમની ચાડી ખાય છે.