આંચકો
આંચકો
"શું આપ આપના દર્શકોને કોઇ સંદેશ આપવા માંગો છો ?"
ટી.વી પર વત્સલાબેનનો ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો ..' સખી ' નામની સ્ત્રીઓ માટે ચાલતી સંસ્થાના તે ફાઉન્ડર અથવા તો 'સર્વસ્વ' હતા તેમ કહી શકાય. શાંત અને આત્મવિશ્વાસથી ચમકતા તેમના ચહેરા પર કેમેરા સ્થિર થયો. બે પલનો શૂન્યાવકાશ... જવાબ ચાલુ થયો.
" હા, જરૂર..મારો ઇન્ટરવ્યુ જોઈ રહેલી દરેક ગૃહિણીને તો ખાસ. કારણ કે મેં પણ બે દસકા ગૃહિણી, માતા અને સામાજિક સંબંધોનો રોલ નિભાવેલ છે. આમ તો તમે કોઈ પણ સ્થાને હો, કદાચ ગૃહિણી અથવા પ્રોફેશનલ ક્ષેત્રે અથવા સમાજ વચ્ચે 'સિંગલ' રહીને પણ સ્વમાનભેર જીવવા માંગતા હો તો એક જ વ્યક્તિત્વ જે તમારી ઢાલ બની રહેશે.
તે છે.. તમારી અંદર છુપાયેલી " સ્ત્રી શક્તિ"! જેનો સૌ પ્રથમ તો તમારે જ સ્વીકાર કરવો પડશે, અને હિંમતભેર તેને બહાર લાવવી પડશે. તે શક્તિમાં એ તાકાત છે, જે ' વેલણ ' પકડે તો પરિવારને તૃપ્તિનો ઓડકાર આવે તેવું ભોજન કરાવે અને 'કલમ' પકડે તો શબ્દો થકી સમાજનું પ્રતિબિંબ બતાવે ..તે જે પણ ક્ષેત્રમાં જાય ત્યાં ધારે તો સંવેદનાનું ખળખળ ઝરણું બની જાય અને અન્યાય થાય તો દુર્ગા બની, "સ્ત્રી અબળા નથી " તેવો પરચો પણ આપી શકે.
ઇન્ટરવ્યૂ લેનાર તે દેખાવે સ્માર્ટ જુવાનના શરીરમાંથી કંપારી છૂટી.. તે વિચારવા લાગ્યો કે દહેજના ત્રાસથી કંટાળેલી, છ મહિનાથી પિયર જતી રહેલી મારી પત્ની તો અત્યારે આ ઇન્ટરવ્યૂ નહિ સાંભળતી હોય? અને વિચાર માત્રથી જ કોઈએ તેને હળવો આંચકો આપ્યો હોય તેવી અનુભૂતિ થઈ.