Spardha Mehta

Drama Inspirational


4.8  

Spardha Mehta

Drama Inspirational


મૌન સંવાદ

મૌન સંવાદ

4 mins 482 4 mins 482

શહેરમાં આજથી જ ફ્લાવર શો શરૂ થયો હતો. તેમાં પર્ણીકાને લઈને સ્કૂલેથી જ જઈ આવીશ એમ વિચારી હું સાંજે સ્કૂલે થોડી વહેલી પહોંચી ગઈ. સ્વભાવ મુજબ, મમ્મીઓના ટોળામાં ભળવાને બદલે પાર્કિંગની હરિયાળીમાં શાંતિથી બેસવાનું પસંદ કર્યું. ત્યાં લાંબી કતારમાં શિસ્તબદ્ધ રીતે,થોડા ઝૂકેલા વૃક્ષોની હારમાળા જોઈ હું ખુશ થઈ ગઈ. જાણે આંખના અરીસામાં પ્રકૃતિ નું પ્રતિબિંબ ઝળકી ઊઠ્યું! અને મનોમન તેમની સાથે વાતો કરવા લાગી, " તમે તો વરદાન છો અમારી માનવજાત માટે! પણ આ વાત કેટલાક માણસો સમજતા નથી, તેમને તો બસ તમારું નિકંદન કાઢી ડામરના રસ્તા બનાવવા છે! " ત્યાં તો વૃક્ષ પરથી પીળા ફૂલો ખર્યા. ભેગા થોડા પાંદડાને લઈને!! જાણે કે તે ઝાડવાએ મારી વાત સાંભળી તેનો ફૂલો દ્વારા પ્રતિભાવ આપ્યો હોય તેમ અને મારી નજરની ધાર તે ફૂલોને ઝીલનાર ધૂળ સુધી લંબાઈ. તેમાં ઊગેલા નાના- નાના છોડવા, દરેકનું પોતાનું રૂપ, પોતાની છટાદાર લીલાશ! કોઇ ના પાંદડા ઝીણા તો કોઈના મોટા, અને તેની સાથે રમવા આવતા રંગીન પતંગિયા! હું અજાણતાં જ તે પ્રકૃતિના પરિવારમાં ખેંચાવા લાગી. 

અરે !પેલી કીડીઓ તો જુઓ! ખરી ગયેલા સુકાયેલાં પાન પર કોણ જાણે કેમ ભેગી થઈ હતી? કદાચ તેમની પણ કીટી પાર્ટી હશે!! ફરીથી તે ' વૃક્ષ જાતિ 'માટે વંદન થઈ ગયા. તેનું ખરેલું પાન પણ કોઈ જીવને આધારરૂપ અને આરામદાયક બને છે! આની જગ્યાએ માણસનું ખરેલું અંગ કંઈ કામમાં આવે? નખ કે વાળ પણ નહીં!! બાકીના અંગ તો શરીરથી જુદા થાય એટલે માંસનો લોચો કહેવાય.. હા , કદાચ ગીધડા આવે ..પણ તે દ્રશ્ય કંઈ મનોરમ્ય થોડું કહેવાય?

ત્યાં જ વિચાર પટલ પર દ્રશ્ય પલટાયું. અરે! આ ફળ ક્યાંથી પડ્યું? ઉપર નજર કરી,એક કાબર આવી.. ડાળ ઝુલાવી, પેલા પાકેલા ફળને ધરતી ના ખોળામાં અર્પી દીધું, અને કોઇ સત્કર્મ કર્યું હોય તેમ આનંદમાં તે ચીસો પાડવા લાગી.

" દાને દાને પે લીખા હૈ, ખાને વાલે કા નામ "આ નિયમ મુજબ ત્યાં જ એક કાગડો આવ્યો અને પેલું ફળ ચાંચમાં ગોઠવી દીધું! હું તો વિસ્મયભરી આંખે પ્રકૃતિની આહાર દાનની રમત જોઇ રહી. ત્યાં તો બે ખિસકોલી જાણે દોડપક્કડ રમતી હોય તેમ ઝાડની ડાળીઓ પર ફરી વળી. તેમાં કેટલીક ડાળીઓ તો સાવ ફૂલ પાન વગરની, કોરીકટ! છતાંય ' શોભાસ્પદ ' લાગે! હું વિચારવા લાગી કે આપણી માનવજાતમાં જેનું કોઈ ના હોય તેવા ' કોરાકટ ' માણસને.. ખબર નહીં, કેટલી નજરે માપવામાં આવે. અને કેટલા ઉપનામ મળે!!

 તે અરસ - પરસ જાળી બનાવીને પથરાયેલી 'ડાળીનો સમુદાય' સૂર્યના કિરણોથી ઝળહળી રહ્યો હતો. તે જાળીમાંથી ચળાઈને આવતી આછી સૂરજની રોશનીમાં પેલી નાની નાની કીડીઓ ની' કીટી પાર્ટી 'સ્પષ્ટ રીતે ચમકી રહી હતી!

 ફરી ભીતરનો સંવાદ આગળ વધ્યો.."આપણે માનવજાતમાં પણ ' સમુદાયો ' તો રચાય છે, પણ તેમાંથી કેટલા લોકો આ ડાળીઓના સમુદાયની જેમ 'નાના માણસો 'ને છાંયો આપે છે?

 અરે! આ કોનો અવાજ આવ્યો? જાણે આંખોની સાથે કાન પણ પ્રકૃતિ સાથેના સંવાદમાં જોડાયા! નાના- નાના ત્રણ ગલૂડિયાં તેમની ભાષામાં કોઈકને શોધતા હતા.. કદાચ તેમની મમ્મીને! સાચે એમ જ થયું, એક કાળી કૂતરી આવી, તે ઝાડની હારમાળા નીચે રચાયેલ છાંયડામાં આડી પડી, અને ત્રણેય ગલૂડિયાં માને વળગી ગયા. ત્યારે અનહદ ખુશીથી મેં તે વૃક્ષવૃંદનો મનોમન આભાર માન્યો.. એક હૂંફ ભર્યો આશરો આપવા બદલ. અને તે શાંત પળોમાં, નિર્દોષ જીવસૃષ્ટિ સાથે, જાણે હું પણ સ્થિર થઈ ગઈ.

  અચાનક, સીટી ના અવાજથી મારી શાંતિ ભંગ થઈ. બે ચોકીદાર લાકડી પછાડતા આવ્યા. એક જણ કૂતરા સામે જોઈ, હટ.. હટ કરવા લાગ્યો અને બીજાએ બૂમ પાડી, "શાંતાબાઈ ! શું ધ્યાન રાખે છે? જો આમ જ આ કૂતરીને પેંધી પાડીશ તો તેનો જ એક મહોલ્લો બની જશે.

અને આજે કચરો નથી વાળ્યો? કાલે પ્રિન્સીપાલ સાહેબ આંટો મારે તે પહેલા આ નીચે વેરાયેલા ફુલ- પાન વાળી લેજે..." ચોકીદારો એ ઝાડ પર પાનની પિચકારી ફેંકી, તેમની ' માણસાઈ ' બતાવી!!!

  "ના, રોકો આ ચોકીદારોને .." હું જાણે થોડી પળો માનવજાતની સભ્યને બદલે આ બીજી જીવસૃષ્ટિની સભ્ય થઈ ગઈ હોઉં તેવી હૃદયમાં પીડા થઇ અને મનમાં જ ચીસ પાડી ઊઠી, " સફાઈ ની જરૂર અહીંયા નથી,પણ જરૂર છે તમારા મનના વિચારોની સફાઈની!! તમારા પ્રકૃતિ પ્રત્યેના દ્રષ્ટિકોણની સફાઈની જરૂર છે... નહીંતર તમારા જેવા ' માણસ ' પેંધા પડશે તો આ જીવોનું શું થાશે? જો, આ હરિયાળી છે તો માનવ જીવનમાં પણ હરિયાળી છે! અરે, જે થડ પર તું થૂંકયો, તેની જ સૂકાયેલી ડાળીઓ પણ ગરીબના ચૂલાનું ઇંધણ બની તેનું પેટ ઠારવામાં મદદ કરે છે..."

  " મમ્મી..મમ્મી.. ક્યાં ખોવાઈ ગઈ? અચાનક પર્ણીકા એ મારી ભીતરમાં ચાલી રહેલ ' મૌન સંવાદ ' માં ખલેલ પાડ્યો. અને કેટલાક અધૂરા સવાલો સાથે જ હું મારી વર્તમાન પળો તરફ પાછી વળી.. 'ફ્લાવર શો 'ની મુલાકાત લેવા !


Rate this content
Log in