સ્માઇલ પ્લીઝ
સ્માઇલ પ્લીઝ


'મમ્મી ! ટીચરે મને હસતી મમ્મીનું ચિત્ર દોરવાનું કહ્યું છે પણ તું તો ગુસ્સો જ કરતી હોય છે. તો હું કેવી રીતે દોરું ?' નિર્દોષ આંખે વિસ્મય તેની મમ્મીની સામે જોઇ રહ્યો. પણ પિયરમાં ભાઈ-ભાભી સાથે રહેતી પ્રતિભાનું સ્મિત કેમ ખોવાઈ ગયું હતું, તેની તે માસૂમને શું ખબર પડે ? અત્યારે પણ સાંજની રસોઈની તૈયારીમાં પડેલી તે બોલી, 'રાત્રે તારા મામા આવે એટલે તને દોરી આપશે, અત્યારે જા'.
ડાહ્યો વિસ્મયે તો ચિત્ર પોથી લઈ, વર્તુળ બનાવી ,આંખો, નાક, કાન, વચ્ચે પાંથીવાળો ચોટલો, કપાળમાં બિંદી દોરી... આટલું કરતાં તો રાત પડી ગઈ. અગાસીમાં રોજની આદત મુજબ આકાશમાં ચંદ્રમાં જોઈ ખૂબ ખુશ થયો. એકીટશે જોતો રહ્યો. અચાનક કંઈક સૂઝ્યું,
'મમ્મી ! જલદી બહાર આવ. જો મેં આઈડિયા કર્યો છે.પ્રતિભા સહજપણે અગાસીમાં આવી. વિસ્મયે તો તે કાગળ ઉપરના ચિત્રમાં હોઠ દોરવાની જગ્યાએ પેન્સિલથી મોટું કાણું પડ્યું અને ચિત્ર ને ચાંદ તરફ એવી રીતે ગોઠવ્યું કે તે કાણામાં બીજનો ચંદ્ર ગોઠવાઈ ગયો.
" જોયુંને ! મેં હસતી મમ્મી દોરી દીધી."
જાણે તે નજરથી મમ્મીને વિનંતી કરી રહ્યો હતો કે તુંપણ આ જ રીતે હસ. સ્માઈલ પ્લીઝ મમ્મી !