વળાંક
વળાંક


"મને કેમિસ્ટ્રી જરાય ગમતું નથી, આ કેમિસ્ટ્રીની લાઇફમાં શું જરૂર પડતી હશે? મને તો બહુ જ બોરિંગ લાગે છે.." બારમા ધોરણમાં અને તે પણ સાયન્સ સ્ટ્રીમના બોજ નીચે દબાયેલી ઝલક મનમાં અકળાઈ રહી હતી. પરીક્ષાના થોડા દિવસ બાકી, પાછી માર્ચની ગરમી..પણ ડોક્ટર બનવાનું સપનું.. એ યાદ આવતા જ બધું ગૌણ થઈ ગયું. પરીક્ષાનું ટાઈમ ટેબલ બનાવી, મહેનત ચાલુ કરી. મેડિકલ એડમિશન માટે ઊંચી ટકાવારીનો ટાર્ગેટ તેને રાત્રે પણ ઊંઘવા ન દેતું.
આજે બોર્ડની પરીક્ષા નું પહેલું પેપર હતું.તે પણ કેમિસ્ટ્રી! કમને તૈયાર કરવાનો વિષય, છતાં માર્કની ગરજ, એટલે ટાઈમ ટેબલ મુજબ પાછલી ત્રણ રાતના ઉજાગરા!! ' છેલ્લે છેલ્લે ગોખેલું છે તેને ત્રણ કલાકમાં બહાર કાઢવાનું છે' તેવી ગણતરી કરી મન મનાવ્યું હતું. પેપર હાથમાં આવ્યું. પાછલા વર્
ષ કરતાં સરળ પેપર.. લખવાનું ચાલુ કર્યું, પણ ' દશેરાએ ઘોડો ના દોડે '..
તેમ ઉજાગરાથી ઓવરલોડ થયેલું મન હડતાળ પર ઉતર્યું. આંખો ઘેરાવા લાગી, લીટી પરથી અક્ષરો આડા અવળી થવા લાગ્યા.. નાછૂટકે થોડીક વાર પેન બાજુમાં મૂકી, બેંચ પર માથું મૂકી એક 'ઝોકું' લેવું પડ્યું. વળી જાગી, પાણી પીને પેપર ચાલુ કર્યું. થાકેલા મનમાંથી જેટલું નીકળ્યું તે લખાયું અને વચ્ચે ઊંઘ આવી જવાથી સમયની તાણ પડી.
અંતે માર્કશીટ પર અસર.. એડમિશનની મારામારી... એમ.બી.બી.એસના બદલે બી.એસ.સી પછી ડાયેટિશિયનનો કોર્સ!
ઉપરની આખી ઘટના બે બાળકોની માતા બનેલી ઝલક આજે પણ ભૂલી નથી શકી. અને અફસોસ કરે છે, કાશ..એ પરીક્ષાની આગલી રાતે શાંતિથી સૂઈ ગઈ હોત..જિંદગીનો વળાંક કંઇક જુદો જ હોત!