વાહ જિંદગી!
વાહ જિંદગી!


રોજ સાંજે સંધ્યાકાળ પછી ડૂબતા સૂરજની પીળાશ સામે એકીટશે જોતી, તે વૃદ્ધની નજર કંઈક વાતો કરવા માંગતી હોય તેવી લાગતી. મારો દરિયા કિનારે સાંજે ચાલવા જવાનો નિત્યક્રમ. પણ તે જીવનના સંધ્યાકાળે ઉભેલા 'આકાર' પર એક વાર તો નજર પડતી જ! અને તેમના ચહેરાના ભાવ જોઇ મનમાં ઘણા સવાલો થતાં ..ડગમગ થતાં તેના પગને સહારો આપતી લાકડી પણ સમુદ્ર કિનારાની રેતથી પરિચિત થઈ ગઈ હતી..હવે કુતૂહલ વધતું હતું, ના રહેવાયું.. બસ, પૂછી જ લીધું, નજીક જઈને.
" આ દરિયાકિનારે, તે પણ ચોક્કસ સમયે, તમે સૂરજ સાથે શું વાત કરો છો? તે ચહેરો માર્મિક હસ્યો! હું થોડું ઝંખવાયો.
તે એક જ વાક્ય બોલ્યા " કહેવાય છે કે અહીં સૂરજ આથમે ત્યારે દરિયાપારના દેશમાં સૂરજ ઉગે છે તો ત્યાં મારી જેમ જ એકલવાયુ જીવન જીવતા મારા દીકરાને માટે આ સૂરજ થકી ' ગુડ મોર્નિંગ " નો મેસેજ મોકલવું છું. રોજ સવારે ઇન્ટરનેટનો સહારો લેતો હું , આ " અંતરનેટ " ના કનેક્શન જોઇ, મનોમન બોલી ઉઠ્યો "વાહ જિંદગી!!!"