મિત્રતાના કરાર
મિત્રતાના કરાર
" નદી કિનારે ટામેટું..
ઘી ગોળ ખાતું ' તું..
નદીએ ન્હાવા જાતું ' તું..
આસ, માસ ને ધાસ..."
પછી દોડાદોડી અને
હવામાં ભળતો નિર્દોષ હાસ્ય નો કલરવ... ટીનું, મીનું, ચિન્ટુ અને ગોટું..આ ચાર જણની ' ચોકડી ' આખા ગામમાં તોફાન માટે જાણીતી. રોજ સાંજે શાળાથી પાછા ફરતા, નદી કિનારાની ધૂળમાં
' પવિત્ર ' થવા માટે રોકાતા!! તેમની નવી નવી રમત અને ધમાચકડી માં રમવા આવતો હોય તેમ, આથમતો સૂરજ પણ નદીના પાણીમાં પ્રતિબિંબ રૂપે ડૂબકી મારતો! મોટા થઈ જીવનની નૈયા તો ચલાવતાં શીખશે કે નહીં, પણ અત્યારે તો નોટના પાના ફાડી કાગળની હોડી બનાવતા તે બાળકો, જ્યારે નદીના વહેણમાં થોડીક ક્ષણ માટે પણ હોડી સ્થિર રહે તો આનંદથી ઝુમી ઉઠતા પછી ભલે એ.. ડૂબી જાય હોડી પાણીમાં.
સમય વીતતો ગયો. નદી કિનારે રોજ સાંજે તે' ચોકડી 'નો અડ્ડો તો ખરો જ! પણ રમત ના પ્રકાર બદલાયા, ભવિષ્યમાં શું બનવું તેના વિષયો પર ચર્ચા ..અને "જે કંઈ કરીશું, ભલેને અભ્યાસ હોય કે વ્યવસાય, જોડે જ કરીશું " તેવા ઢળતાં સૂરજની સામે કરાર થયાં. જાણે ઉપરથી સૂરજે આશીર્વાદ આપ્યા હોય તેમ ચારેય બાળકોના ભવિષ્ય ઉજળ્યા. એક એન્જિનિયર, એક ડૉક્ટર,એક પ્રોફેસર બન્યો. ચોથો વાણિયાનો દીકરો વેપારી બન્યો.પણ મૈત્રીના કરાર તો અકબંધ જ હતા. સમયના તાલમેલ સાથે આગળ વધતા ચારે ય આજે' ઠરીઠામ' થયેલા હતા.
હવે જાણે ગામનું ઋણ ચૂકવવાનો સુવિચાર આવ્યો! જે ગામની નદી નું પાણી પીને મોટા થયા, જેની રેત માં રમતા રમતા ભવિષ્યના બીજ રોપાયા, તેને સમૃદ્ધ કરવાનું હતું. તે માટેના પ્લાન પણ નદી કિનારે જ મિટિંગ કરીને ઘડાયા!
આજે તે ગામમાં નદીના પાણીથી પુષ્ટ થયેલી હરિયાળી છે.. અને હોસ્પિટલ તથા સ્કૂલ વધુ અદ્યતન બન્યા છે. વેપાર માટે ના માધ્યમો વધુ સરળ બન્યા છે.
નદીનું પાણી અવિરત વહેતું રહે છે અને નવી પેઢીના બાળકોને પવિત્ર કરતું રહે છે.