Ajay Purohit

Tragedy Inspirational

5.0  

Ajay Purohit

Tragedy Inspirational

ન્યાય

ન્યાય

6 mins
587


શ્રીયાએ બાજુના કૂંડાંમાં પડેલ પત્થર જોરથી કબૂતરીને ચાંચ મારી હેરાન કરતા કબૂતર તરફ ફેંક્યો. કબૂતર ગળું ફુલાવતું ઊડીને દૂર જતું રહ્યું. કબૂતરની માફક સમસ્યા થોડી ઊડીને દૂર થવાની ? દૂર તો દૂર, હલ થવાની સંભાવનાઓ પણ ક્ષણે ક્ષણે ક્ષીણ થતી જતી હતી.''સોરી ! એવો કોઇ બ્લડડોનર અમારા લિસ્ટમાં નથી." કહી સમગ્ર જીલ્લાની બ્લડબેંકોએ લાચારી દર્શાવી હતી. અખબાર, રેડિયો, ટેલીવિઝન પર આર.એચ. નેગેટિવ બ્લડગૃપ ધરાવતા કિડની ડોનર માટે જાહેરાતો આવી ચૂકી હતી.

અને અચાનક ઝાંઝવું સાચકલો વીરડો નીકળે એમ ડૂબતાને છેલ્લા તણખલાં રુપે ધૂમકેતુની માફક હરીશ મૈત્રીવિચ્છેદના દાયકા પછી અચાનક પ્રગટ થયો હતો ! પણ....આ વીરડો ડહોળો, અસ્વચ્છ, બદબૂ મારતો હતો.

તેણે ફરી પત્થરને સ્પર્શ કર્યો. તેની દ્રષ્ટિ સુકેતુ પર ગઇ. નળીઓ, બાટલાઓ, શરીર પર ઠેકેઠેકાણે ચોંટેલ વાયરો, અને ત્રાસદાયક બિપ...બિપ...અવાજ સાથે મોનિટરના સ્ક્રીન પર કીડીની હારની માફક સતત ચાલતી વાંકીચૂંકી રેખાઓ વચ્ચે પોતાની સંપૂર્ણ વિવશતા વચ્ચે ભાવિ અસહાય સુકેતુને તળાવમાં હરણને ખેંચી જતા મગરની જેમ અનાગતમાં મંથરગતિએ ઢસડી જતું લાગ્યું.

કબૂતર ઘુઘવાટા કરતું માથે મંડરાતું હતું અને નાનકડો પત્થર પણ જાણે મણની શીલા હોય તેમ શ્રીયાથી ઊંચકી ન શકાયો.

'મારે કોઇ પ્રમાણપત્ર જોઇતું નથી, પણ કૃષ્ણ, તારે હજી કેટલી પરીક્ષાઓ લેવાની બાકી છે ?' ધૂંધળી આંખે તે વિચારી રહી. તેની આંખે અંધારાં આવ્યા, તે ફસડાઇ પડી. તેના મન:પટ પર ધૃતસભાનું દ્રશ્ય પ્રગટ થયું. દુ:શાસન વસ્ત્રહરણ કરી રહ્યો હતો. પાંચાલી બંધ આંખે હાથ જોડી,  "હે કૃષ્ણ...હે કૃષ્ણ"રટણ કરી રહી હતી. કાશ ! મારી કિડની સુકેતુને ડોનેટ થઇ શકી હોત ! પાંચાલીના રટણમાં શ્રીયાનું "હે કૃષ્ણ...હે કૃષ્ણ..."રટણ એકાકાર થઇ ગયું.

***

"ભગવાનકે ઘર દેર હૈ અંધેર નહીં હૈ......"     ''ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે.....હા...હા... હા..."ફિલ્મી ખલનાયકની અદાથી હરીશે કરેલ અટ્ટહાસ્યના પડઘા બારમાં પડ્યા.

કોલેજકાળમાં તેણે શ્રીયાને કહેલું,"તને સુખી કરવા હું મારી જાત વેંચી નાખીશ."અને, જો...જો શ્રીયા, હું મારા વચન પર કાયમ છું. તને પામવા મેં, ભગવાન શીવને પામવા પાર્વતીએ કર્યું એવુંજ કઠોર તપ કર્યું છે, અને જો ! ભોળાનાથ મારા પર પ્રસન્ન થયા   છેને ? સુકેતુની કિડની ફેલ કરીને મને તથાસ્તુ કહ્યું છે !''

તેણે વ્હિસ્કીના ચોથા પેગનો ઓર્ડર આપ્યો. વેઇટરને ૧૦૦ રૂપિયા ટિપ આપીને કહ્યું, "સોમરસ તો ભોળાનાથનો પ્રસાદ ગણાય. લે, ભોળાનાથનો પ્રસાદ તું પણ ગ્રહણ કર, જય સોમનાથ !''

ગ્લાસમાંના પ્રવાહીમાં ડૂસકાં ભરતી શ્રીયા દેખાઇ, તેના અણુએ અણુમાં આનંદ વ્યાપી ગયો. એને યાદ આવ્યું, મિત્ર રમેશે ફોન કર્યો ત્યારે''શ્રીયાનાં લગ્ન સુકેતુ સાથે થઇ ગયાં." એ પછીનું કંઇજ સંભળાતું ન હતું. ફક્ત હ્રદયના ધબકારા મેઇન બજારના ઘડિયાળના ટાવરના ડંકાની માફક, કાનમા ઝાલર વાગતી હોય તેમ સંભળાતા હતા, આંખે અંધારાં આવી ગયાં હતાં, શરીરે પરસેવો વળી ગયો હતો, તેણે સમતોલન ગુમાવ્યું હતું, પડતાં બચવા તેને દીવાલનો સહારો લેવો પડ્યો હતો.

"સુકેતુ સાથે તારાં લગ્ન, ધેટ વોઝ એ ક્રાઇમ શ્રીયા ! અપરાધ ! મારી સામેનો તારો ઘોર અપરાધ ! તારા અપરાધનો ભ્રમર આટલાં વરસોથી મારી જાંઘમાં છેદ કરી રહ્યો છે. આ ભ્રમર પણ હવે તો સોંસરવી સુરંગ કરીને ઊડી ગયો છે. પણ લોહીલુહાણ હું અશ્વત્થામાની માફક. બટ ક્રાઇમ નેવર પેય્સ શ્રીયા ! કિડની તો તારી ફેલ થવી જોઇતી હતી, અને તારા ગુનાની સજા સુકેતુ ભોગવી રહ્યો છે. એટલે નિર્દોષ સુકેતુને જરુર હું કિડની આપીશ. તને ખબરજ નથી, સુકેતુની જિંદગીની તારાં કરતાંય મને વધુ જરુરિયાત છે. સુકેતુને કિડની આપીને હું એને મળીશ, સુકેતુની શ્રીયાના પહેલા પતિ તરીકે ! અને ત્યારે રમેશના ફોન સાથે અંદર ભભુકેલ જ્વાળામુખી તારી બાકીની જિંદગીને સળગતી ચિતા બનાવીને શાંત થશે. હા...હા... હા..." તેના અટ્ટહાસ્યના પડઘા બારમાં પડ્યા.

તેણે શ્રીયાને ફોન કર્યો,''ડાર્લિંગ, આજે રાત્રે ૯.૦૦ વાગ્યે, હોટેલ ઇન્દ્રલોકમાં, રૂમ ૧૦૮, ચેક્બૂક અને દાગીના લઇને, સુકેતુને તારી સાસુ પાસે છોડીને આવી જજે."તેણે ફોનને ચુંબન કર્યું.

તેણે ચોથો પેગ એક શ્વાસે ગળા નીચે ઉતાર્યો. ગળાં, અન્નનળી અને હોજરીમાં આગ ફેલાઇ ગઇ. સ્થુળ અને સુક્ષ્મ આગ એકાકાર થઇ ગઇ. બત્રીસે બત્રીસ કોઠે દીવા પ્રગટી ગયા. ફિલ્મી અંદાજથી તેણે સિગારેટ સળગાવી, ગોગલ્સ ચડાવ્યા, કાચની દીવાલ પર થૂંક્યો, બુલેટ સ્ટાર્ટ કર્યું અને લીવર ઘૂમાવ્યું.

***

ઉમાદેવી હાથ પર પડેલ ગરમગરમ બિંદુ જોઇ તેઓ ચમકી ગયાં. ઓહ! કોનું અશ્રુબિંદુ ? તેમને હાથ પર ફરફોલો ઊઠી આવ્યો હતો. આકાશમાંથી તેમણે જોયું, હોસ્પિટલમાં કોઇ પુરુષ બેડ પર સૂતો હતો. તબીબ અને નર્સ મોનિટર પર નજર સ્થિર કરી ઊભાં હતાં. પાસે સેથામાં સિંદુર પુરેલ કોઇ સ્ત્રી અસ્ખલિત અશ્રુ વહાવી રહી હતી.

"દેવી, આ પેલી સ્ત્રીનું અશ્રુબિંદુ છે ?''હોસ્પિટલ તરફ આંગળી ચિંધી મહાદેવે પૂછ્યું. 

"નારાયણ ! નારાયણ ! પ્રભો, એ શ્રીયા નામે અનાર્ય નારી છે, અને દેવીના હાથ પર પડેલું તેનું આ અશ્રુબિંદુ નકલી અને છળબિંદુ છે." 

મહાદેવની ભ્રક્રુટિ તંગ થઇ,''નકલી ?''

નારદમુનિએ શ્રીયા-હરીશના પ્રેમસંબંધ અને શ્રીયા-સુકેતુના લગ્નસંબંધની વાત કહી. મહાદેવનો ચહેરો સખ્ત થયો, ''ઘોર અન્યાય ! ઘોર પાપ ! દેવી, એ પાપિણીનું ગ્લિસરીનનું અશ્રુબિંદુ સત્વરે લૂછી નાખો." મહાદેવે ફરફોલા પર ફૂંક મારતાં કહ્યું.

"પ્રભો ! સિંદુર નકલી હોઇ શકે, પણ ફરફોલો ઊઠી આવે એ અશ્રુ નકલી ન હોય.''

"સાધુ ! સાધુ ! સત્ય દેવી, તદ્દન સત્ય ! નારદ ! હવે મારે પૂર્ણ સત્ય જાણવુંજ પડશે."

"ઓમ ત્રંબકમ યજામ્ય્હે, સુગંધીં પુષ્ટિવર્ધનમ..."મંત્રોચ્ચાર કરતા મહાદેવ સમાધિમાં ઊતરી ગયા. આંખો સામે શ્રીયાનો ભૂતકાળ તાદ્રશ થવા લાગ્યો, 'શ્રીયા-હરીશની મૈત્રી, શ્રીયા-સુકેતુના લગ્ન, સુકેતુની માંદગી, હરીશનો પુન:પ્રવેશ, શ્રીયાનું કબૂતર ઊડાડવું, બારમાંથી હરીશનો શ્રીયાને ઇન્દ્રલોક હોટલનો આદેશ.'

બાર વાળું દ્રશ્ય મહાદેવે વારંવાર જોયું.''આ બાણાસુરનો વંશજ છે ?''તેઓ બબડ્યા. તેમનાં નેત્રો થરથરવા લાગ્યા.

***

સુકેતુના રિપોર્ટસનો ડોક્ટર કોઠારીએ જીણવટથી અભ્યાસ કર્યો. કેટલાક આંકડા માર્કર પેનથી હાઇલાઇટ કર્યા. અગાઉના રિપોર્ટસ સાથે સરખાવ્યા.''ઓહ! નો !'' હોઠ ભીડી તેમણે નિરાશાથી માથું ધૂણાવ્યું. તેમણે શ્રીયા અને તેના સાસુસસરાને જણાવ્યું,''ધિઝ ઇઝ ધ કેસ ઓફ ક્રોનિક રિઝલ્ટ ફેલ્યોર, સો ધ ડેમેજ ઇઝ ઇર્રીવર્સીબલ, જો આ કેસ એક્યુટ રિઝલ્ટ ફેલ્યોરનો હોત, તો હાઇ પાવર એન્ટીબાયોટિકસ આપી, પસ સેલ્સ સાફ કેરી કિડની ફંક્શન ફરી એઝ ઇટ વોઝ ચાલુ કરી શકાત. બટ ઇન ધિસ કેસ, ઇટ ઇસ નોટ પોસિબલ. ડાયાલીસિસ ઇસ ધ ઓન્લી સોલ્યુશન. ધો ધિસ ઇસ નાઇધર ફુલ્પ્રુફ સોલ્યુશન, નોર રેકમંડેડ ફોર લોંગ સ્પાન. ઓફ્ફ કોર્સ એવી ઇમર્જંસી પણ નથી. જો બ્લડગૃપ સામાન્ય હોત તો ડોનર પણ સહેલાઇથી મળી રહેત.પણ પેશન્ટનું રેર બ્લડગૃપ ઇઝ ધ બિગ્ગેસ્ટ હર્ડલ." તેમણે માથું ધુણાવી, જોરથી ઉચ્છશ્વાસ છોડી ટેબલ પર મૂઠ્ઠી પછાડી.

.એજ ક્ષણે ટેલીફોનની રિંગ રણકી. સામે છેડેથી ઉશ્કેરાટ ભર્યો અવાજ આવ્યો, "ઇઝ ધિઝ ડોક્ટર કોઠારી ?"

"યસ, ડોક્ટર કોઠારી સ્પિકિંગ."

"ધિઝ ઇઝ ડોક્ટર શાહ ફ્રોમ સિવિલ હોસ્પિટલ. સર ! આપને ત્યાં કોઇ આર.એચ. નેગેટિવ પેશન્ટને કિડનીની જરૂર છે, એવું અખબારમાં વાંચ્યું હતું, ટી.વી.માં પણ જોયું હતું.''

ડો. કોઠારીનો ઉત્સાહ સીમા વટી ગયો,''કોણ છે ડોનર ? વી આર ઇન એક્યુટ નીડ સર !''

ડો. શાહે વિગતો આપી. ત્રણેક કલ્લાક પહેલાં કોઇ પુરુષે પીધેલ હાલતમાં રોંગ સાઇડમાં બુલેટ ચલાવતાં લક્ઝરી સાથે એક્સીડંટ કર્યો. તેને તાબડતોબ ૧૦૮માં સિવિલ હોસ્પિટલ લાવતાં, તેના પર્સમાંથી આઇડેન્ટીટી કાર્ડ મળતાં તેના ફેમિલીનો સંપર્ક કર્યો. તેનું બ્લડગૃપ જોતાંજ આપની હોસ્પિટલની જાહેરાત યાદ આવી, અને મેં આપને ફોન કર્યો. અમે પેશન્ટના રીલેટિવ્ઝને તેઓના કે.વાય.સી. અને બીજાં ડોક્યુમેંટ્સની સૂચના સાથે બોલાવી લીધા છે.

"ભગવાને આપણી પ્રાર્થના સાંભળી." ડોક્ટર, શ્રીયા અને તેના સાસુસસરા, ચારેય એક સાથે બોલી ઊઠ્યા.

"કોઇ હરીશ નામે પેશન્ટ છે. હી ઇઝ ફાઉંડ બ્રેઇન ડેડ, બટ હિઝ હાર્ટ, કિડની એન્ડ અધર ઓર્ગન્સ આર વર્કિંગ વેલ. તેના રિપોર્ટસ કરાવ્યા છે. અમે તેના માતાપિતાને આ પેશન્ટની કિડની ડો. કોઠારીના પેશન્ટને ટ્રાંસપ્લાંટ કરી શકાય તેમ છે, એમ સમજાવ્યા છે અને તેઓએ સંમતિ પણ આપી છે. આ માટેની લીગલ પેપર્સ, ફોર્મ્સની માહિતી પણ આપી છે. બન્ને પેશન્ટનું બ્લડગૃપ એકજ હોઇ બન્નેના સેલ્સના બાયોપ્સી રિપોર્ટ જીનેટકલી મેચ થશે તો ટ્રાંસપ્લાંટ થઇ શકશે. હું પેશન્ટ અને તેના રીલેટિવ્ઝને ત્યાં મોકલું છું. તેમનો આપના પેશન્ટના રીલેટિવ્ઝ સાથે સંપર્ક કરાવશો. લીગલ પેપર્સ, ફોર્મ્સ ૫ નકલમાં મોકલું છું. એગ્રીમેન્ટમાં બન્ને પાર્ટીની સહી જોઇશે. જે થયે પ્રપોઝલ ગવર્ન્મેંટમાં મંજુરી માટે મોકલવાની રહેશે. એ દરમ્યાન તમારું પેશન્ટ ડાયાલીસિસ પર રહેશે. મંજુરી મળ્યે ટ્રાંસપ્લાંટ થઇ શકશે. બેસ્ટ ઓફ લક."

"કોઇ હરીશ નામે પેશન્ટ છે. હી હેઝ મેટ વિથ એન એક્સીડંટ એન્ડ હી ઇઝ બ્રેઇન ડેડ."  ડો. કોઠારીએ કહ્યું. શ્રીયાની આંખે અંધારાં છવાઇ ગયાં.

***

થોડા કલાકો પહેલાં યમદુત બનેલો હરીશ બ્રેઇન ડેડ સ્થિતિમાં દેવદુતની માફક ડો. કોઠારીની હોસ્પિટલ પહોંચ્યો. તેને કોઠે કેટલાક દીવાઓ બુઝાઇ રહ્યા હતા. હરીશની માતાએ શ્રીયાને દીકરીની જેમ જાળવી લીધી. ડો. કોઠારીએ હવે પછી, ટ્રાંસપ્લાંટ પહેલાં બન્ને પેશન્ટના સેલ્સના બાયોપ્સી રિપોર્ટ, જીનેટકલ મેચિંગ, ટ્રાંસપ્લાંટ પહેલાંની કાયદાકીય, વહીવટી વિધિ, બન્ને પક્ષની સંમતિ, જરુરી કાગળો, સરકારની મંજુરીની જરુરિયાત વગેરે વિષે સરળ ભાષામાં સમજાવ્યું.

હરીશને ઓપરેશન થિયેટરમાં લાવવા સુચના આપતાં પહેલાં ડો. કોઠારીએ કહ્યું,''શ્રીયા, સાવિત્રીનાં અને તારાં અશ્રુનું કુળ એકજ છે. બેસ્ટ ઓફ લક..."

"હે કૃષ્ણ...હે કૃષ્ણ..."શ્રીયાનું રટણ ચાલુ હતું. તેણે હરીશનું બ્રેઇન ડેડ શરીર ઓપરેશન થિયેટરમાં લઇ જવાતું જોયું, સાથેજ શ્રીયા દોડીને હરીશને વળગી પડી. તેનું આક્રંદ પાંચાલીના "હે કૃષ્ણ...હે કૃષ્ણ..."રટણમાં એકાકાર થઇ ઓપરેશન થિયેટરની દીવાલોમાં ક્યાંય સુધી પડઘાયા કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy