Ajay Purohit

Others

4.7  

Ajay Purohit

Others

યુગાંતર

યુગાંતર

6 mins
331


પૂજાની ગેરહાજરી મને બહુજ સાલે છે. પૂજા એટલે વહાલના દરિયાનો સજીવારોપણ અલંકાર ! મારો હૃદયનો ભાવતો એજ કે આંખ ખોલું અને તેના નિત્યદર્શન થાય ? પણ ધાર્યું ધરણીધરનું થાય !! ખૂબ તેજસ્વી બાળક છે. મારું મનતો જરાય માનતું નહતું, પણ તલાટીએ સમજાવ્યો, “આપણો મોહ બાળકનો વિકાસ રુંધે છે. એના ભવિષ્ય માટે તેને જવાદે.” અને ગઈકાલ સુધી મારી સાથે આવવા કજિયા કરતી, મારી આંગળી પકડી પાપા પગલી ભરતી પૂજા, પાંખો ફફડાવતી મલ્ટિનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે પુના જતી રહી. તેને પુના મુકી આવી પરત આવતાં એકલો પડી જઈ, હું એકલોએકલો રડી પડેલો.......અને પછી કુટુંબ, કચેરી અને સમાજ વચ્ચે, જાણે કે અફાટ રણમાં એકાદ તંબુમાં, કે સાઈબિરિયામાં એકાદ ઈગ્લૂમાં હું એકાંતવાસ ભોગવતો.

તલાટીએ મને એન્ડ્રોઈડ ફોન આપ્યો. તેણે સમજાવ્યું,” આ નાનકડા ઈન્સ્ટ્રુમેન્ટથી તારી દુનિયા ફાસ્ટ ફોરવર્ડ થઈ જશે. આપણે ગમે એને ગમે ત્યારે ફોન કરી ન શકીએ. પણ ‘વોટ’સએપ’ વડે દુનિયાના ગમેતે છેડે મેસેજ મોકલી શકીયે. વીડિઓ કોલથી મફત વાત થાય. આ નાનકડી એપ્લિકેશનથી દુનિયા રાયના દાણા જેવડી અને સંબંધનો વ્યાપ વિશાળ બની જશે. તને પૂજાનો વિરહ નહીં સાલે.”

હું તો ચકિત ! તલાટી મારો ભગવાન !

 હવે પૂજા જાણેકે આ ઘરમાંજ છે. હવે અમે ગમે ત્યારે મેસેજ, સમાચારની આપ લે, વીડિઓકોલ પર અલકમલકની વાતો શેર કરીએ છીએ. તલાટી સાચો છે, નાનકડી એપ્લિકેશનથી દુનિયા રાયના દાણા જેવડી અને ફાસ્ટ નહીં, ફાસ્ટેસ્ટ ફોરવર્ડ થઈ ગઈ છે. સંબંધોનો વ્યાપ વિશાળ થઈ ગયો છે. વિજ્ઞાન દેવતાને પ્રણામ !

હવે સવારમાં ઊઠતાંવેત, પૂજા ના મેસેજ મારું નિત્યદર્શન છે. માત્ર પૂજાનો જ નહીં, કુટુંબનું ‘ક્લોઝ કનેક્શન ગૃપ’, શ્વસુરપક્ષનું ‘જયશ્રીકૃષ્ણ ગૃપ’, વાર્તાકારોનું ગૃપ, જ્ઞાતિનું ગૃપ, કચેરીનું ગૃપ, મિત્રોનું ગૃપ.. જેમાં અનેક શુભચિંતકોના સુગંધી વિચારોના મહેકતા ‘બુકે’ સાથે ઢગલાબંધ સંદેશ મારી આંખ ઊઘડવાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. હું પણ સુંદર વિચારો ‘કોપી-પેસ્ટ’ કરી ફોરવર્ડ કરું છું. કોઈ ચિંતકે લખ્યું છે,” આ દુનિયા વિચારોના બળ પર ટકી રહી છે.” તેનો સાક્ષાત્કાર થાય છે.

આપણા બધાંનો નિત્યક્રમ હોય છે, બ્રશ, ચા, અખબાર, ટોઈલેટ, તમાકુ કે માવો, સ્નાન....હવે આમાં ‘વોટ’સએપ’નો ઉમેરો થયો છે, બલ્કે તે અગ્રસ્થાન ધરાવે છે. હવે મિત્રમંડળ વિશાળ થઈ ગયું છે. સંબંધો જીવંત, ધબકતા થઈ ગયા છે. પહેલાં વાર તહેવારે લોકો પરસ્પર મળતા, પછી ટેલિફોન આવતાં અંતરની મર્યાદાઓ ખરી પડી પણ સમયની મર્યાદાઓ અકબંધ રહી, પણ‘વોટ’સએપ’ આવતાં સમય અને અંતર, બન્ને મર્યાદાઓ ખરી પડી છે. ખરેખર, રાયના દાણા જેવડી બની ગયેલી દુનિયા ફાસ્ટેસ્ટ ફોરવર્ડ થઈ ગઈ છે.

પૂજા નો હવે વિરહ જ નથી..આ વીડિઓકોલ કર્યો, કે અલ્લાઉદ્દીનના જીનની જેમ બેન મલકતાં મલકતાં હાજર !

 ઊઠીને બ્રશ કરતાંજ બધા મેસેજ ચકાસી લઉં છું. ( ક્યારેક બ્રશનો ડોયો મોમાં નીંદર કરતો હોય,અને પત્ની, “ પહેલાં બ્રશ તો કરીલો, ચા ઠીકરું થઈ ગઈ.” કહી મને ચમકાવી દે છે, હું ખાસિયાણો પડી જાઉં છું.) નિત્યક્રમમાં., બ્રશ, ચા, અખબાર, ટોઈલેટ, સ્નાન ને શિકસ્ત આપી હવે ‘વોટ’સએપ’ બધામાં અગ્રસ્થાન ધરાવે છે !.

 ક્યારેક ચા ઠીકરું થઈ ગઈ હોય, અખબાર ઉદ્ધારની રાહ જોતું ફળિયામાં પડ્યું હોય, હું વ્યસ્ત હોઉં, અને પત્ની ખલેલ પાડે,” તમે નાના હતા, ત્યારે તમારી સવાર આંગણામાં પંખીના કલરવથી પડતી, હવે ‘વોટ’સએપ’ ના મૌન રવથી પડે છે ! “

 ‘મૌન’ અને ‘રવ’ ? મને રમૂજ થાય છે. હું બ્રશ મોંમાંથી કાઢી, ગેંડીમાં થૂકી, મોબાઈલમાં ટાઈપ કરતાં કરતાં નફ્ફટની જેમ જવાબ વાળું છું,” ડાર્લિંગ ! ગુરુદેવ ટાગોર આજે હયાત હોત તો પંખીના કલરવ ને બદલે ‘વોટ’સએપ’ નો મૌનરવ એ સૂર્યના આગમનનો પૃથ્વીએ પાડેલ પડઘો છે, એમ જ લખત !”  

 રસોડામાંથી છણકાનો ઉદ્ગાર !.

 હું વિચારું છું, “ વિજ્ઞાને આપણી સગવડ કેટલી વધારી દીધી છે, પણ એ ક્રિષ્નાને નહીં સમજાય .”

‘વોટ’સએપ’નું બાળકના ડાઈપર જેવું છે ! વારેવારે ચકાસતા રહેવું પડે, અને સમયસર પ્રત્યુત્તર પણ આપવા પડે, જો સંબંધો જાળવવા હોય તો. જે સમજે છે, તે .....

 મેસેજ વાંચ્યો, “ કાંતિલાલ ભટ્ટ, ઉ.વ. ૮૬, હૃદયરોગથી અવસાન, સ્માશનયાત્રા સવારે ૭.૦૦ કલાકે. અરે ! ઘડિયાળમાં ૭.૦૦ તો વાગી ગયા છે, હવે ક્યાંથી પહોંચાય ? ઉઠમણામાં જશું નિરાંતે, છેલ્લી ૧૦ મિનિટ.

મેં મેસેજ ટાઈપ કરી દીધો, “પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે, RIP.”

જયેશનો મેસેજ છે, તેને ટાઈફોઈડ થયો છે. મને ચિંતા થઈ આવી, એકનો એક ભાણેજ છે. ‘ક્લોઝ કનેક્શન’ ગૃપમાં મેં જયેશ માટે મેસેજ ટાઈપ કર્યો,” દવા નિયમિત લેજે અને કોર્સ પૂરો કરજે, બહારનું ખાવું નહીં, ઘરે મગની દાળ, ભાત,ખીચડી, દહીં એવો સાદો ખોરાકજ લેવો. કોર્સ પૂરો કરીને પણ રિપોર્ટ કરાવી ડોક્ટરને બતાડી દેવા. તબિયતના સમાચાર ગૃપમાં મુકવા. મમ્મી પપ્પાને યાદ, લવ, .....અતુલમામા.” મારી સામાજિક ફરજ છે ભાઈ....

આજે મોટાભાઈ, ભાભી અમેરિકા ભત્રીજા પાસે જવા રાત્રે ૩.૦૦ વાગ્યે નીકળવાના છે. અમદાવાદથી સવારે ૧૦.૦૦ વાગ્યે ફ્લાઈટ છે. તેઓ ગામમાં રહે છે, અને અમે સોસાયટીમાં આટલે દૂર. આમતો તેમને મૂકવા જવું જોઈયે, જોકે તેમણે ગાડી ભાડે કરી લીધી છે, કરશન ગાડી લઈ રાત્રે ૨.૦૦, ૨.૧૫ વાગ્યે ઘરે પહોંચી જશે, સમયનો ચોક્કસ છે, એટલે ચિંતા નથી. મેં ક્લોઝ કનેક્શન ગૃપમાં અને મોટાભાઈને પણ પર્સનલ મેસેજ ટાઈપ કર્યો,” વિશ યુ એ વેરી હેપ્પી જર્ની. અમદાવાદ, દુબઈ, ન્યુયોર્ક થી તમારા કુશળ શંદેશ મોકલતા રહેશો. અહીંની ચિંતા કરશો નહીં. વી આર વરિંગ ફોર યુ . લવ ટુ ચિલ્ડ્રન.”      

 લાલ ટાઈપમાં ફોટો જોઈ કપાળે સળ પડી. ઝૂમ કર્યો, કમલેશે, દીકરા અંકિતના લગ્નની કંકોત્રીનો ફોટો મુકી સાલાએ આમંત્રણ પાઠવ્યું છે. પાછું નીચે લખ્યું છે, “જલુલ ને જલુલ આવશો.”

“શું ધૂળ જલુલ ને જલુલ આવે ?” અપમાન ભાવથી મારાથી બોલાઈ ગયું.

“શું છે ?” કશું ન સમજાતાં પત્ની એ પૂછ્યું.

” જો આ કમલાના સંબંધ ! કંકોત્રી આપવા રૂબરૂ તો આવતો નથી, આ, એક કર્ટસી છે. ઠીક છે, પણ એક સાદો ફોન પણ નહીં ? અને જો સાલો આ રીતે આમંત્રણ આપે છે. જવાબમાં આપણે પાંચસો રૂપિયાની નોટનો ફોટો મોકલશું તો ચાલશે ? “ મેં કંકોત્રીનો ફોટો બતાડતાં કહ્યું, “ આપણે મનીઓર્ડર કરીએ અને તેને જે ‘ફીલ’ થાય એજ મને પણ ‘ફીલ’ થયું છે.” મારો અવાજ ઊંચો થઈ ગયો હતો, હું ખૂબજ હર્ટ થયો હતો.

કશુંજ બોલ્યા વગર ફોટા પર અછડતી નજર નાખી, પત્ની મારી સામે ધારદાર, અપલક તાકી રહી. તેનો મૌનરવ મને..........              

સવારના ૯.૦૦ વાગ્યા છે. ઘરમાં કોઈ નથી. પત્ની અંકિતના લગ્નના માંડવામાં “જલુલ ને જલુલ” ગઈ છે. ચિરાગ યુવક મંડળની મિટિંગમાં ગયો છે. ગેસ પર પત્નીએ ૨ કલાક પહેલાં બનાવેલ ચા ઠંડીગાર છે. ફળિયામાં છાપું ઊડે છે. ‘વોટ’સએપ’ પર છેલ્લા કેટલાક દિવસોથી પૂજાનો કોઈ મેસેજ નથી. બીજાં ગૃપોમાં પણ કોઈ અગત્યના મેસેજ નથી. આજે કોણજાણે કેમ કોઈને સુવાક્યો મોકલવાની ઈચ્છાજ થતી નથી. પૂજાને પણ નહીં. આમતો ઘણા દિવસોથી આવી મન:સ્થિતિ છે, પણ આજે તો.... ‘ક્લોઝ કનેક્શન’, ‘જયશ્રીકૃષ્ણ’, વાર્તાકારો, જ્ઞાતિ, કચેરી,મિત્રો.....એક પણ ગૃપમાં મેસેજ કરવા નથી. અડપ (ઈચ્છા) જ થતી નથી. મેસેજની માફક જીવન પણ જાણે ‘કોપી-પેસ્ટ’ થતું જાય છે.

કોઈને ફોન કરું તો જીવ છુટ્ટો થાય. પણ શા માટે ? જ્યાં કોઈના ફોન આવતા નથી ત્યારે...? છાપું પણ ભલે ફળિયામાં ઊડતું. ચા ગરમ કરવી નથી અને પીવી પણ નથી.

સુક્ષ્મતા અણિયાળી પણ હોય છે ?

ટી.વી. પર પ્રાચીન કાળની ગુફાઓ ઊપરનો કાર્યક્રમ ચાલુ છે. ગુફાની દીવાલો પર ચિત્રો દોરેલ છે. વિશેષજ્ઞ સમજાવી રહ્યા છે, “ ભાષાની શોધ થયા પહેલાં લોકો ચિત્રલિપિમાં સંકેતથી મનોભાવ બીજાને વ્યક્ત કરતા.”

ઓહ ! મોબાઈલમાં પણ આપણે ગુસ્સો, આશ્ચર્ય, સહકાર, સંમતિ, મૌન, હાસ્ય, નિરાશા, આંસુ, આઘાત, શાબાશી, આશીર્વાદ, પ્રણામ, વિજય, અણગમો, પ્રેમ....કેટકેટલા ભાવ માત્ર સંકેતો વડે વ્યક્ત કરી આપણે છૂટી પડીએ છીએ ? વિજ્ઞાનદેવતાના આશીર્વાદથી આપણે રૂબરૂ મુલાકાતને સ્થાને ટેલિફોન પર વાતો, પછી વાતોને સ્થાને ‘વોટ’સએપ’ ઊપર શબ્દો, અને હવે એમાં પણ શબ્દોને સ્થાને ચિત્રો વાપરતા થઈ ગયા.

મારી સામે ટીવીમાં ગુફાચિત્રો અને હાથમાં મોબાઈલમાં મનોભાવો વ્યક્ત કરતાં ચિત્રોના ઢગલાબંધ મેસેજ...

 વિશેષજ્ઞ સમજાવી રહ્યા છે, “ પાષાણયુગમાં લોકો ચિત્રલિપિમાં મનોભાવ સમજાવતા.”

મને ડૂમો બાઝી જાય છે,’ વાતોના સ્થાને શબ્દો, શબ્દોના સ્થાને ચિત્રો વાપરતા થઈ ગયા ?, આપણે આમ પાછા પાષાણયુગમાં જીવતા થઈ ગયા ? ‘

આ નાનકડાં સાધન વડે સમય અને અંતર, બન્નેની મર્યાદાઓ ખરી પડી છે. પણ શું આ હકીકત ખુદ એક મર્યાદા બની રહી છે ? રાયના દાણા જેવડી બની ગયેલી દુનિયા ખરેખર ફાસ્ટ ફોરવર્ડ થઈ છે ? કે...?

હું શૂન્યમનસ્ક થઈ જાઉં છું.

પત્ની, પુત્ર સંબંધ નિભાવવા નીકળી ગયા છે.

ચા ગેસ પર ઠંડી પડી છે, છાપું ફળિયામાં ઊડે છે, ટીવીમાં એંકરનો બડબડાટ ચાલુ છે, મોબાઈલ અને ટેલિફોન ડેડબોડી માફક નિર્જીવ પડ્યાં છે.

હું સિગારેટ સળગાવવા જાઉં છું ત્યાં મારા હોઠ વચ્ચેથી કોઈ પાછળથી સિગારેટ ખેંચી લે છે. મારો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો, મોઢું ફેરવીને જોતાં ક્રોધ મહાન આશ્ચર્યમાં પલટાઈ ગયો.

નવજોત પૂજાને જોતો હોઉં તેમ મહાન આશ્ચર્યથી ઉદગાર સારી પડ્યા,"પૂજા !"

"પપ્પા..." પૂજા મને વળગી પડી.

અચાનક મારી આંખોમાં વહેવા લાગી…. ખળખળ.....

પૂજાની પણ....

સાચકલાં આંસુ પડ્યાં મોબાઈલ પર... અમારા બંનેના..


Rate this content
Log in