STORYMIRROR

Ajay Purohit

Classics Crime

4  

Ajay Purohit

Classics Crime

ઉત્ક્રાંતિ વર્ષા

ઉત્ક્રાંતિ વર્ષા

9 mins
306

ભૂલાભાઇ દેસાઇ, ઉજળિયાત કાર્યકરો સાથે સંગ્રામસિંહ અને વિજયસિંહ પણ હરિજનવાસ ગયા. હરિજનવાસ વાળીને સ્વચ્છ કરેલ હતો. બાળાઓએ ભૂલાભાઇનું કંકુચોખા વડે, આગેવાન કાળુભાઇએ સુતરની આંટી પહેરાવી મહેમાનોનું સ્વાગત કર્યું. ખેંગારે કાળુભાઇના ઘરેથી પાણી લાવી બધાને પાયું. સંગ્રામસિંહ અને વિજયસિંહ ગ્લાસને સ્પર્શતાંજ કંપી ગયા.

તેમના ચહેરા વાંચી રણછોડભાઇએ કહ્યું, “દીઠાનું ઝેર છેને ભાઇ, દીઠાનું ઝેર છે. વરસતા વાદળને સવર્ણ-દલિત, હિન્દુ-મુસ્લિમના ભેદ નથી. તમારાં અને કાળુભાઇનાં માટલાંનું ગોત્ર એકજ છે, તાપીમાતા.”

પણ છોભીલા પડેલા સંગ્રામસિંહ અને વિજયસિંહને સાફાનો રંગ ઝાંખો લાગ્યો. ‘પેટ કરાવે વેઠ.’ મનોમન વિચારતા એરંડિયું પીતા હોય તેમ અર્ધો ગ્લાસ તો માંડ પી શક્યા. 

“ભાઇઓ, અંગ્રેજો પહેલાં આપણા દુશ્મન આપણેજ છીએં. આપણી વચ્ચે રહેલા નાતજાત અને કોમી  ભેદભાવ, અશ્પૃશ્યતા, નિરક્ષરતા, વ્યસન, અંધશ્રદ્ધાને આપણે હરાવી શકીયેં, ચરખો કાંતો તો રોજગારી મળે, સ્વદેશી અપનાવો તો બેરોજગારી દૂર થાય, ખેડૂત પગભર થાય.”

“આજે અમે તમારા માટલાંનું પાણી પી અસ્પૃશ્યતાને તિલાંજલી આપી છે. તમે તમારી દીકરીઓને શાળાએ મોકલો, તેમના પુસ્તકો, ગણવેશ, દફ્તર, શાળાની ફી ‘કોંગ્રેસ કમિટી’ આપશે. મીઠુબેન પિટિટ બહેનોને ગૃહઉદ્યોગની તાલીમ આપશે, તમારું ઉત્પાદન અમે ખરીદી લેશું. દેશના નાગરિક તરીકે મંદિર પ્રવેશનો તમારો હક છે, આપણે સાથે મંદિરે દર્શને જઇ સભાની પૂર્ણાહુતિ કરીશું.“

કાળુભાઇને ઘરેથી ચા આવી. શાળાપ્રવેશ માટે દીકરીઓનાં, ગૃહઉદ્યોગ માટે મહિલાઓનાં અને ચરખા માટે પુરુષોનાં નામો નોંધાયાં. વાસના બધા લોકો મંદિરે ગયા. મુખ્યાજીએ ભાવથી બધાને પ્રસાદ આપ્યો.વાસમાં બધું સ્વર્ગીય, સ્વપ્નવત લાગતું હતું. બાળાઓએ ચોકમાં ગરબા લીધા.

***

ગાંધીજીની અધ્યક્ષતા હેઠળ કોંગ્રેસ કમિટીની બેઠક બારડોલીના પ્રશ્નો બાબતે સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં મળી. વલ્લભભાઇ પટેલે કહ્યું,”બાપુ, બે વર્ષ પહેલાં તાપીમાં ભયંકર પુરને લીધે અહીં ખેડૂતોના ઊભા પાક ધોવાઇ ગયા છે. આ વરસ દુ:કાળનું છે, તેમાં મુંબઇ સરકારે જમીનમહેસૂલમાં 22% વધારો એટલેકે, બારડોલી ચોર્યાસી તાલુકામાં રૂ. ૧,૮૭,૪૯૨/- નો વધારો કરી પડ્યા ઊપર પાટુ ઝીંક્યું છે. ‘નહહરિ પરીખ’ સમિતિએ મહેસૂલ વધારો પાછો ખેંચવા સરકારમાં રજુઆત કરી છે, પણ, ”પહેલાં મહેસૂલ ભરો, પછી વિચારીએં.” કહી સરકારે અરજી નામંજૂર કરી છે.” આ અન્યાયનો વિરોધ કરવા નહહરિ પરીખ, રવિશંકર વ્યાસ અને મોહનલાલ પંડ્યાએ લડતની આગેવાની લેવા કોંગ્રેસ કમિટીને અરજી કરી છે.”         

બાપુએ બધા સામે મોહક સ્મિત ફરકવી કહ્યું, ”પટેલ, ખેડૂત બેહાલ છે, છતાં ગરીબ વિરોધી, શોષણખોર સરકાર મહેસૂલ વધારે તેનું આશ્ચર્ય ન હોય. સત્ય, અને સત્ય સ્વરૂપે ઈશ્વર ખેડૂતોના પક્ષે છે, પણ આ સાચના બળની લડાઇ પશુબળ સામે છે. નિર્બલ કે બલરામ ! શસ્ત્રધારી સામે અહિંસાની આ લડાઇ કોંગ્રેસની પણ છે. પણ અહિંસક સમાજે અંદરથી મજબૂત થવું પડે. આપણે નબળા હતા એટલેજ ગુલામ થયા. એટલે મારી લડાઇ અંગ્રેજો પહેલાં તમારી સામે છે.”

“અમારી સામે ?”

“હા, તમે અશ્પૃશ્યતાનું સમર્થન કરો છો, તમને હિંદુ-મુસ્લિમના ભેદ છે, તમે દીકરીઓને શાળાએ મોકલતા નથી, તમને દારુજ નહીં, વહેમ અને અંધશ્રદ્ધાનું પણ વ્યસન છે,તમને સ્વદેશીનો છોછ છે પણ અંગ્રેજી કેળવણીનો નથી. તમે કુરિવાજના ભમ્મરિયા કુવામાં ડૂબેલા છો, આમાં ક્યો અંગ્રેજ તમને નડ્યો ?” સભામાં શાંતિ છવાઇ ગઇ.

“એટલે પટેલ, કોંગ્રેસ આગેવાની લેશે, પણ પ્રજાએ આ બધાંથી મુક્ત થવું પડશે. મહાદેવ, રવિશંકર મહારાજ અને જુગતરામ દવેની તપાસસમિતિ પ્રજાએ સ્વેચ્છાએ, સામુહિક રીતે કરેલા સુધારા ચકાસી કોંગ્રેસ કમિટીને રિપોર્ટ કરશે, જો સાર્વત્રિક રીતે અને અસરકારક સુધારા થયા હશે, તો કોંગ્રેસ જરૂર આગેવાની લેશે.”

દોલતભાઇ દેસાઇએ ભૂલાભાઇ સાથે બારડોલી હરિજનવાસમાં કરેલ સભા, અશ્પૃશ્યતાનિવારણ કાર્યક્રમ, દીકરીઓનો શાળા પ્રવેશ, મહિલાઓની સ્વરોજગારી, ચરખાકેન્દ્ર વગેરેનો અહેવાલ આપ્યો.

“બહુ સરસ, પણ એક ખૂણે સુધારાથી અંગ્રેજો સામે લડવાનું બળ નહીં આવે. સામુહિક સુધારા કરવા પડશે. બારડોલી, વરાડ, અબોટી, સિસોદરા, સરભોણ, ભામોચા, વલોડ, બાજીપુરા, રાયમ, સ્યાલદા, મોતા, બાલદા...બધાંજ ગામોએ ગ્રામસુધારણા કમિટી બનાવો, અશ્પૃશ્યતાનિવારણ, કન્યા કેળવણી, મહિલા ગૃહઉદ્યોગ, સ્વદેશી, રેંટિયો, કોમીએકતા. આ બધા પ્રશ્ને બારડોલીના ખૂણેખૂણે ત્રણ મહિનામાં ઊડીને આંખે વળગે એવો સુધારો કરી બતાવો, સામાજિક ક્રાંતિનો પવન ફૂંકાશે એટલે વિદેશીશાસન ઊભીપૂંછડીએ ઉચાળા ભરશે. સત્યાગ્રહ આદર્શ નથી, પણ અસરકારક હથિયાર છે.”

તાળીઓના ગડગડાટ થયા. ’મહાત્મા ગાંધીકી જય’ના પોકારો થયા. દરેક ગામની ‘ગ્રામ સુધારણા કમિટી’ રચાઇ, સૂચનો થયાં, મોહનલાલ પંડ્યા, સુમંત મહેતા, ચંદુલાલ દેસાઇ, બળવંતરાય મહેતા વિભાગપતિ નિમાયા.

“હું બારડોલીને ત્રણ મહિના આપું છું. મહાદેવભાઇ સમિતિના રિપોર્ટને આધારે જો કોંગ્રેસ નેતાગીરીનો નિર્ણય લેશે, તો લડતના નેતા તરીકે હું વલ્લભભાઇને નીમું છું. મહાદેવ મારા પ્રતિનિધિની અને વલ્લભભાઇના સાથીની બેવડી ભુમિકા ભજવશે. ”

”મહાત્મા ગાંધીકી જય” અને “ભારતમાતાકી જય”ના પોકારો સાથે સભા સંપન્ન થઇ. 

***

કલેક્ટર મેથ્યુઝ, પોલિસ અધિકારી માઇકલ રાઇડ, પ્રાંત અધિકારી જેફ્રી અને મામલતદાર એડવર્ડની ભાવિ રણનીતિ ઘડવા ખાનગી બેઠક મળી. બેઠકમાં અન્ય ભારતીય અધિકારીઓને એકબાજુ મૂકી સરફરાઝખાન, હુકમ માલિક, સંગ્રામસિંહ અને વિજયસિંહને હાજર રહેવાનો આદેશ થતાં ચારેય અર્ધાઅર્ધા થઇ ગયા.

મિટિંગહોલમાં “મે આઇ કમ ઇન સર ?” કરતાં તેમણે લશ્કરી શિસ્ત સાથે જોરદાર સલામ કરી. હિંદી નોકરો પ્રત્યે ભાગ્યેજ કરવામાં આવે તેવા ચાસણીમાં ઝબોળેલા હાસ્ય સાથે મેથ્યુઝે તેમને બેસવા કહ્યું.

હિંદીને અંગ્રેજ અધિકારી સામે ખુરશીમાં બેસવા દેવાનો શિરસ્તોજ નહતો. પણ અંગ્રેજો સાથે બેઠક અને એ પણ તેમની સાથે બેસીને ? ચારેય મહેસૂલ વધારા સામે અસંતોષ, રાજકીય સળવળાટ જણાવવા અધીરા થઇ ગયા.

“આઇ લાઇક યોર ટર્બન સંગ્રામસિંહ, ધિસ ટર્બન ઇસ સીમ્બોલ ઓફ લોયલિટી ટુ રોયલ બ્રિટિશ એમ્પાયર.”

ચારેય સિપાહીઓએ લાલચટ્ટાક સાફાને સ્પર્શી વારંવાર “થેંક્યુ સર, થેંક્યુ વેરી મચ.” કહ્યું.

ચૌરીચૌરા હત્યાકાંડ પછી સરકારે ચળવળના મુકાબલાની પદ્ધતિ બદલી નાખી હતી.પહેલી વખત ગણવેશ વગરના સિપાહી, જે પ્રજા અને રાજકીય પક્ષોમાં ભળી જઇ સરકાર માટે માહિતી મેળવતા રહેતા.માત્ર લાલ સાફો એજ ગણવેશ હતો. પ્રજાના વર્ગ પ્રમાણે જરુર મુજબ સાફો પહેરી કે ઊતારી, નામ, સિકલ બદલી પ્રજામાં ભળી જતા, પણ ભોળી પ્રજા આ અત્યંત ગુપ્ત નવતર પ્રયોગથી તદ્દન અજાણ હતી. ભારતીય ખમીરનું પ્રતિક ‘સાફો’ ‘બ્રિટિશ સલ્તનત પ્રત્યે વફાદારી’નું બનવા જતાં ‘ગુલામી’નું પ્રતિક બની ગયો હતો.

ચારેય સિપાહીઓએ વ્હિસ્કીના ગ્લાસ ભરતાંભરતાં હરિજનવાસમાં સભા, કોંગ્રેસ કમિટીની મિટિંગ, આંદોલનની નેતાગીરી માટે ગાંધીજીની શરત, ગામેગામ થનાર સમાજસુધારણાના કાર્યક્રમો વગેરે વાત કહી. અંગ્રેજ અધિકારીઓનાં ખડખડ હાસ્યથી ‘હોલ’ ગુંજી ઊઠ્યો. તેમણે વ્હિસ્કીના ગ્લાસ ટકરાવી હોઠે માંડતાં માઇકલ રાઇડે કહ્યું,” સ્ટુપિડ બનીયા અછૂતકા પાની પીનેસે મહેસૂલ કટ જાયેગા ?”

મેથ્યુઝે સૂર પુરાવ્યો,” લડકીકો પઢાને સે સરકાર રેવન્યુ માફ કર દેગી ?” વ્હિસ્કીના ગ્લાસ ટગરટગર તાકી રહેલા ચારેય ફરજના ભાગ રૂપે ગાંધીજીની ઠઠ્ઠામશ્કરીમાં સામેલ થયા.

જેફ્રીએ ચારેયને સંબોધીને કહ્યું,” ટુમ ક્યા સમજટા ? વો ઇડિયટ ચરખા ચલાનેસે આઝાડી મિલેગી ?”  

ફરી બધા હસ્યા. અંગ્રેજો હિંદીમાં બોલતા, પણ આ સિપાહીઓ સાચાખોટા અંગ્રેજીમાંજ પ્રત્યુત્તર આપતા. ચારેય સિપાહીઓએ વિશ્વાસથી કહ્યું,” નો સર, નોટ પોસિબલ.”

“ટુમ યે વ્હિસ્કી લેજા શકટે હો.” એડવર્ડની ઉદારતાથી ચારેય પાણીપાણી થઇ ગયા. “થેંક્યુ સર, થેંક્યુ વેરી મચ.” કહેતા તેઓ ફરી જોરદાર સલામ મારી વ્હિસ્કીની અધૂરી બોટલો લઇ નીક્ળ્યા ત્યારે તેમને સાફાનો રંગ ઘેરો લાલ લાગતો હતો.

અંગ્રેજ અધિકારીઓ મહેસૂલ કેમ વસૂલવું ? અને આંદોલન સામેના વ્યુહની ચર્ચામાં પડી ગયા.

***

ભૂલાભાઇ દેસાઇએ મુંબઇ સરકાર દ્વારા ૩૦ વર્ષે થયેલી મહેસૂલ ફેરઆકારણી અંગે એન્ડરસનના રિપોર્ટ સામે ખેડૂતોના વિરોધની સરકારમાં રજુઆત કરી. મહાદેવભાઇ સમિતિએ બારડોલી પંથકમાં સુધારાઓનો અહેવાલ ગાંધીજીને આપ્યો, તેથી સંતુષ્ટ થઇ તેમણે વલ્લભભાઇને અન્યાય સામે અહિંસક આંદોલનનો આદેશ આપ્યો. સત્યાગ્રહ પત્રિકાનું પ્રકાશન, પ્રચાર, જુગતરામ દવે, પ્યારેલાલ, ચીમનલાલ ભટ્ટે, ઉત્તમચંદ શાહ, શંકરદત્ત શાસ્ત્રી અને દોલત દેસાઇએ સંભાળ્યું.

૬ ઠ્ઠી ડિસેંબર ૧૯૨૭ના વલ્લભભાઇની આગેવાની હેઠળ બારડોલીમાં અને ૧૧મી ડિસેંબરના વલોડ ખાતે મહેસૂલ વિરોધી ઠરાવ પસાર થયો. અસહકાર અને ના કરની લડતનાં મંડાણ સાથે સ્વાશ્રય, સ્વદેશી, અશ્પૃશ્યતાનિવારણ, કોમી એકતા અને ખાદીનું લોકશિક્ષણ પણ થયું. પ્રજાએ એલાન કરી દીધું, ”દમન સહન કરીશું પણ કર નહીં ભરીયેં.” પ્રજાએ હડતાલ પાડીને પોતાની શક્તિનું ભાન કરાવ્યું.

પ્રત્યુત્તરમાં સરકારે કરમાફીની દરખાસ્ત ફગાવી દેતાં જમીન, મકાન ખાલસાની નોટિસો મોકલી, કર રાહતની અરજીઓ નામંજૂર કરી, સભા, સરઘસ, નગારાં વગાડવા પર બંધી કરી, સત્યાગ્રહીઓની જમીનની જપ્તી કરી લીલામી કરી, ઢોરઢાંખર જપ્ત કર્યા, જે ટાળવા પ્રજાએ હિજરત શરૂ કરી. સરફરાઝખાન, હુકમ માલિક, સંગ્રામસિંહ અને વિજયસિંહ સરકાર વતી નામ, સિકલ, પહેરવેશ બદલી પ્રજામાં ઓગળી ગયા.

સરભોણથી રવિશંકર મહારાજ અને ભોગીલાલ ગાંધીની ધરપકડ સાથે ધરપકડનો દોર શરૂ થયો. કોર્ટમાં વકીલ રાખવાની છૂટ ન અપાઇ, સરકાર તરફી સાક્ષી માટે દબાણ શરૂ થયું. લાઠીચાર્જ રોજિંદી ઘટના બની ગઇ. તાર, ટપાલ, અખબાર પર પ્રતિબંધ લાગ્યો, જપ્તી થયેલ મિલકતો સરકારે વેંચવા કાઢી. વિરોધમાં ૪ જુને ધારાસભામાંથી કનૈયાલાલ મુનશી, અમૃતલાલ શેઠ સહિત ૧૬ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં. સ્થાનિક સ્તરે તલાટીઓએ પણ રાજીનામાં આપ્યાં. ૧૨ જુનના સભાબંધી અવગણીને બારડોલીમાં વલ્લભભાઇ પટેલની વિશાળ સભા ભરાઇ.

“કારાવાસતો સત્યાગ્રહીનું સાધનાસ્થળ છે. શાસકો સામે હથિયાર ઊઠાવી ટૂંકાગાળામાં ક્રાંતિ કરી સત્તાપલટો થઇ શકે અને યુરોપ, આફ્રિકામાં થયાજ છે. પણ તે પછી ત્યાંની પ્રજા ગુલામની ગુલામજ રહે છે. આપણે તો છેવાડાના નાગરિકને બેઠો કરીને આઝાદ થવું છે.” વલ્લભભાઇનો પ્રભાવશાળી સૂર રેલાઇ રહ્યો,”આના માટે દાયકાઓ સુધી તમારે ભોગ આપી લડાઇને બળ આપવું પડશે. પણ આનાં પરિણામો લાંબાગાળાનાં હશે. આપણે નહીં હોઇએં ત્યારે દેશ આઝાદ થયા પછી ૫૦ વર્ષ પછી પ્રજા આપણને યાદ કરશે. અહિંસા કાયરનું શસ્ત્ર નથી. તેઓ હથિયાર ઊઠાવશે તો આપણે મસ્તક ઊઠાવશું. લોઢું ગરમ થાય ત્યારે હથોડાએ ઠંડાજ રહેવું પડે નહીંતર પોતાનો હાથો બાળે. આ લડત બાપુની પ્રયોગશાળા છે.”

ગાંધીજીએ ટૂંકા ઉદ્બોધનમાં આશીર્વાદ આપતાં કહ્યું, ”વલ્લભભાઇ તમારાજ નહીં, મારાય સરદાર છે.” અને પહેલીવાર સરદાર ઉપનામ સાથે વાતાવરણ ગુંજી રહ્યું,”સરદાર પટેલકી........ જય”, “વંદે માતરમ્”.

મેથ્યુઝે દાંત ભીંસી માઇકલ રાઇડ સામે જોયું. રાઇડે લાઠીચાર્જનો હુકમ આપ્યો. ચાવી દીધેલાં પુતળાં માફક સંગ્રામસિંહ અને સાથીઓ નિ:શસ્ત્ર સત્યાગ્રહીઓ ઊપર તૂટી પડ્યા. દેશભરમાં બારડોલી દિનની ઉજવણી થઇ.

કનૈયાલાલ મુન્શી સરદાર સાથે જોડાઇ ગયા. સરદારે દમનની તપાસ માટે ‘મુન્શી કમિટી’ની નિમણૂંક કરી. કમિટીએ સરકારને ’તપાસ કરવા તેમજ આપત્તિમાં કર રાહત આપવા’ સૂચન કર્યું. ગવર્નરે સૂરત ખાતે ખેડૂત પ્રતિનિધિઓ સાથે મસલત કરી, પરંતુ સરદારે સરકારની શરતો ફગાવી દીધી. ગવર્નરે ખેડૂતો સમાધાન ન કરે તો દમનની ધમકી આપી. જેને બ્રિટિશ પાર્લામેન્ટે ટેકો આપ્યો, કર ભરવાની અંતિમ તારીખ આપી અને પ્રજા ન ભરે તો લડતને છૂંદી નાખવા ગવર્નરને સત્તા આપી. સરકારના આ આખરીનામાંનો ધારાસભ્યોએ વિરોધ કર્યો. આ લડતે સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું. લોકોની માગણી પ્રત્યે સમગ્ર રાષ્ટ્રને સહાનુભૂતિ હતી.

પરિસ્થિતિ ભીના સાબુની માફક હાથમાંથી સરકતી જોઇ સરકારે ન્યાયખાતાંના પ્રતિનિધિ બ્રુકફિલ્ડ અને મેક્સ્વેલના વડપણ અને સરદારના પ્રતિનિધિ મહાદેવભાઇ દેસાઇ, અર્થશાસ્ત્રી નરહરિ પરીખ અને સમાજશાસ્ત્રી રામનારાયણ પાઠક સહિત ન્યાયસમિતિ નીમી. વાઇસરોય વિલિંગ્ડને ગવર્નરને સૂચના આપી.

૫મી ઓગષ્ટે સૂરત ખાતે સમાધાન થયું. જેના ભાગરૂપે સત્યાગ્રહીઓને જમીન પરત સોંપાઇ, ચળવળકારોને જેલમાંથી બિનશરતી મુક્તિ અપાઇ, બરતરફ કરેલા અને રાજીનામું આપેલ તલાટીઓને નોકરીમાં પરત લેવાયા, મહેસૂલ વધારો મોકૂફ રખાયો, ૨ વર્ષના કરવેરા માફ કરાયા. લડતની પૂર્ણાહુતિ થઇ.

***

બારડોલી ખાતે મેથ્યુઝ, બ્રુકફિલ્ડ, ગાંધીજી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ, અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા, મણીલાલ ઝવેરી, મિઠુબેન પિટિટ વગેરેની ઉપસ્થિતિમાં વિશાળ વિજયસભા યોજાઇ.

ગાંધીજીએ કહ્યું,” આ સંધિ લડતનો ભાગ છે, અંત નથી. અહિંસા કાયરનું શસ્ત્ર નથી,તે તમે વિશ્વને બતાડી આપ્યું. ઈશ્વર સત્યની સાથે રહે છે તે સિદ્ધ થયું. તમે તમારી અંદરના દુશ્મનો સામે લડી શક્યા એટલે વિજય હાંસલ કરી શક્યા. તમને મારા અંતરના આશિષ. સરદાર મારા હનુમાન છે. હવે મને આઝાદી નરી આંખે દેખાય છે.”

“મારા ખમીરવંતા બારડોલીવાસીઓ........” સરદારનો ત્રાંબાના ઘંટ જેવો રણકતો સ્વર રેલાયો,” આ ઠંડા હથોડાનો ચમત્કાર છે. અહિંસાનો ચમત્કાર છે. તમારાં ખમીરે દેશાઆખાની લડાઇમાં પ્રાણ ફૂંકી દીધો છે. આ વિજય તમારા માનસપલટાનો છે. બાપુનો બોધ પચાવી, આટલાં દમન છતાં તમે પત્થર ઊપાડ્યો નહીં તે જેવીતેવી ઉત્ક્રાંતિ છે ?”

સરદારના હથોડા જેવા વિંઝાતા શબ્દોથી મેથ્યુઝનું માથું ફાટી ગયું, મૂઠ્ઠીઓ વળી ગઇ, જડબાં તંગ થયાં.

“બ્રિટિશ કાયરતા સામે તમારી મર્દાનગીનો વિજય થયો છે. હવે મને પણ આઝાદી વેંત છેટી દેખાય છે. બાપુનાં કથનમાં મને શ્રદ્ધા છે, પ્રજાનો માનસપલટો થશે તો દમનકર્તાઓનો પણ માનસપલટો થશે.”

આ સાથેજ “સરદાર પટેલ કી જય....”ના પોકારો થવા લાગ્યા.

સંગ્રામસિંહ સહિત ચારેય મિત્રોને પોલિસ હેડક્વાર્ટરમાં યુનિયન જેક નીચે ગાયેલ “ગોડ સેવ ધી કિંગ.” સ્તુતિ યાદ આવી ગઇ. અને સભામાં પોતાનાંજ સંતાનો “વંદે માતરમ ”ના સુત્રોચ્ચાર કરતા હતા.

માઇકલ રાઇડની મુઠ્ઠીઓ વળી. તેનો હાથ પિસ્તોલ પર સખ્ત થયો. ‘પોતાના વફાદાર કૂતરાઓના અંગુઠા જેવડાં સંતાનો મારીજ સામે સુત્રો પોકારે ?’ બાળકોના સુત્રોએ પ્રેસરકુકરના વાલ્વ જેવું કામ કર્યું..

તેનો સાદ ફાટી ગ્યો, “ડોન્ટ યુ સી ધિસ બ્લડી બાસ્ટર્ડ ? સ્ટોપ યોર ચિલ્ડ્રન. એરેસ્ટ ધેમ.” કહી તેણે ઘોડા પરથી સંગ્રામસિંહને લાત મારી. નીચે ઊતરી વિજયસિંહ અને સરફરાઝખાનને લાફા માર્યા.

સંતાનને કારણે ભરીસભામાં અપમાન સહન ન થતાં સરફરાઝ્ખાને “સાલા કાફ્ફર....” કહી દીકરાને ઝૂડી નાખ્યો. લોકોને અરેરાટી થઇ ગઇ. જેમનાથી તેઓ ધ્રુજતા તે સિપાહીઓની દૂર્દશા જોઇ લોકોએ વાક્બાણ છોડ્યાં.

“દરબાર, મૂછોના કાકડા ઊતારી નાખો.”

“મૂછે લીંબુ લટકતાં હોત તો દીકરાને બદલે આ અંગ્રેજને માર્યો હોત.”  

“મૂછે લીંબુ લટકે છે એટલેજ દીકરાને માર્યો .”

આ ધારદાર વ્યંગ ચારેયની આરપાર નીકળી ગયો, પણ દરબારી વટમાં આંસુ પણ પાડી ન શક્યા. ‘ધરતી માર્ગ આપે તો સમાઇ જાઇયેં ?’ તેમને થયું.

જેને મૂછનો દોરો પણ ફૂટ્યો ન હતો, તેવા એક તરુણે સરફરાઝખાનના રડતા દીકરાને સંભાળતાં સરફરાઝખાનને સંબોધી કહ્યું, “ખાલી ચણો વાગે ઘણો.”

સાંભળતાંજ ચારેયની સ્થિતિ કાપો તોય લોહી ન નીકળે તેવી થઇ ગઇ.

તેમના દિમાગમાં ચક્રવાત ફૂંકાઇ ગયો, ’સાલી, બબ્બે દાયકાની વફાદારીનો આ ઇલ્કાબ ? અમારા ભાઇઓ પર દમન કરવા ચાર પૈસા માટે આ ગુલામી કરી, તે આમ બેઇજ્જત થવા ? અમારે કોનો હુકમ માનવો જોઇએ ? ગાંધીનો કે ગોરાઓનો ?

અમારે કોની સામે લડવાનુ દેશવાસીઓ સામે કે પરદેશીઓ સામે ? અમારા ભાઇઓ પર લાઠી વરસાવી અમે વિજય પ્રાપ્ત કર્યો કે પરાજય ?’

ચારેયની નજરો પરસ્પર મળી, ક્ષણાર્ધમાં આંખોમાંજ સંવાદ થઇ ગયો. નિર્ણય લેવાઇ ગયો. 

સરફરાઝખાન, હુકમ માલિક, સંગ્રામસિંહ અને વિજયસિંહે કાંટાળા તાજ જેવો ગુલામીના પ્રતિક ‘સાફો’ ઊતારી મેથ્યુઝના પગમાં ઘા કરી, “ભારત માતાકી જય....”પોકારતા સભાજનો સાથે સભામાં ભળી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Classics