Ajay Purohit

Abstract

4.6  

Ajay Purohit

Abstract

પુન:જન્મ

પુન:જન્મ

10 mins
393


‘ હે કૃષ્ણ ! નરસિંહ મહેતાની કઈ લાયકાત મારામાં છે ? છતાં નરસિંહ મહેતાને મનમાં ધારણ કરી, અત્યારે દ્વારકાધીશ મંદિરમાં, શામળશા શેઠ સન્મુખ, હુંડી સ્વરૂપે આ અરજ લખી રહ્યો છું. તું સ્વીકારશે ? ‘

તારાથી ક્યાં કશું અજાણ્યું છે ? ત્રણ દાયકા પહેલાં મારા પાપનો સ્વીકાર મારી માએ નહતો કર્યો. જ્યારે મારાં આંસુ ઝીલવા માનો ખોળો તરસતો હતો, ત્યારે મને પસ્તાવાનો છાંટો ન હતો, અને ત્રણ દાયકા બાદ અચાનક અને જીવનમાં પહેલીવાર પાછું વાળીને જોયું, એકજ ઘટનામાં ત્રણ દાયકાનું પ્રાયશ્ચિત કરવા કોશિશ કરી, “મા” શબ્દનો અર્થ તસ્વીરમાં, “મા” ની કરુણા નીતરતી આંખોમાં ખોળવા કોશીશ કરી, ત્યારે આજે ક્યાં છે એ હૂંફાળો ખોળો અને એ પવિત્ર કોમળ સ્પર્શ ?

એટલે તારે દ્વારે આજે.....

કૃષ્ણ ! આ બહાનાબાજી પણ નથી કે બચાવ પણ નથી, પણ બાપુને જે દિવસે કામ ન મળે તે દિવસે ઘણીવાર અમે ભૂખ્યા રહેતા, અને સામેની કેબિનેથી સૂકા ટોસ મગાવી પાણી જેવી ચામાં પલાળી માંડ ગળે ઊતારી, લોટો પાણી પી સૂઈ જતા, દસ વર્ષની ઉમરે પણ ‘ બાપુ મહેનતનો રોટલો રળે છે, એટલે ભૂખ્યા રહીયે છીયે‘ વિચારતો હું ખાલી પેટે પડખાં ઘસતો.

તૂટેલી બારી, વરસાદમાં ગળતી છત, પ્લાસ્ટર વગરની દીવાલો, કેરોસીનના ધુમાડાથી કાળી પડી ગયેલી છત, અને પરદાના બારણાવાળા બાથરૂમવાળી નાનકડી ખોલીમાં અમે છ જીવ રહેતા. અમે આખો દિવસ બહાર ભટકતા. બજારમાં અને સોસાયટીઓમાં રસ્તા પર પડેલી નકામી વસ્તુઓ, લોખંડ, પ્લાસ્ટિક, ડબા, છાપાં, ફાટેલ કપડાં મોટા કોથળામાં ભેગા કરી, સાંજે ભંગારવાળાને વહેંચી, મળતી રકમમાંથી બની શકે તે રસોઈ મા બનાવતી અને અમે પકવાનનો આનંદ પામતા.

બાપુ પસ્તી, ભંગાર વહેંચતા કે છૂટક મજૂરી કરતા. ક્યારેક હું પસ્તી અને ભંગાર સાથે રેંકડીમાં બેસવાની જિદ કરતો અને પાવો વગાડતો, ભુર્ર્ર્ર્ર્ર્ર....ભુર્ર્ર્ર્ર્ર.... કરતો, સ્ટિયરિંગ ફેરવવાની મુદ્રા સાથે, મોટરકારમાં મુસાફરીનો આનંદ ઊઠાવતો. ધીરેધીરે અમારું જીવન પણ પસ્તી, ભંગાર બની રહ્યું છે, એ મને સમજાવા લાગ્યું. કાશ ! એ ન સમજાયું હોત ! તો ત્રણ દાયકા પહેલાં જન્માષ્ટમીની રાત્રે અહીં ન આવ્યો હોત ! મને એ ન સમજાયું કે મા અને બાપુ મહેનતનો રોટલો રળે છે. બસ, અભાવ વધતો ચાલ્યો,અમર્યાદ પણે વધતોજ ચાલ્યો,

અમે ભાઈ બેન વિદ્યાર્થીઓના ટૂંકા પડી ગયેલા યુનિફોર્મ અને કપડાં પહેરતા. સ્કૂલેથી મળતી નકામી પસ્તી, ફાટેલા ડ્રેસ, વપરાઈ ગયેલી નોટબુક્સ અને પાઠ્યપુસ્તકો, અમારો એક બે ટંકનો રોટલો હતા. સ્કૂલબસ સ્કૂલના દરવાજે ઊભી રહેતી, અને મારીજ ઉમરનાં બાળકો સ્વચ્છ યુનિફોર્મ પહેરી સ્કૂલમાં જવા ધક્કામુક્કી કરતા ત્યાંજ અમે પ્લાસ્ટિક, છાપાં વીણતાં અવશ્યપણે તેમની સામે તાકી રહેતા. જોકે પેટમાં ફરતા ઉંદરડા ‘ અમારો પણ એમની સાથે સ્કૂલે જવાનો હક છે.’ એમ વિચારવાની તક જ ન આપતા. એક છોકરાએ મને ગાળ દઈ ધક્કો માર્યો. મેં પણ એને ગાળ આપી પથ્થર માર્યો અને દફતર ઝૂંટવી તેમાંથી પૈસા અને લંચબોક્ષ કાઢી, દફતર ગટરમાં ફેંકી, અમે તીરની જેમ ભાગી અમારી વસ્તીમાં આવ્યા. મને આનંદ..આનંદ થઈ આવ્યો. લંચબોક્ષનો નાસ્તો અમે મોજથી કર્યો. મને કોઈ ગુનાભાવ ન થયો, હું મારી જાતને હીરો સમજવા લાગ્યો. ભાઈ બહેન અને દોસ્તોનો મારા પ્રત્યે અહોભાવ વધી ગયો. મેં જોરજોરથી સીટી વગાડી આનંદ વ્યક્ત કર્યો. અમારી ફરિયાદ વસ્તી સુધી પહોંચે તેમ ન હતી, પણ બહેન કહી દેશે તો ? આ ડરથી હું ફૂટપાથ પર સૂઈ ગયો. જોકે હું ઊઠ્યો ત્યારે અમારી ખોલીમાં હતો. માએ તેડી વહાલ કરી પથારીમાં સુવડાવી દીધો હતો. મને માની આંખ તળે કુંડાળાં દેખાયાં પણ એ મારી ભેટ હતી, મારા ગુનાની પીડાના હતાં એ સમજવાની મારી ઉમર ક્યાં હતી ?

બસ, આ નાનકડી ઘટનાએ મારામાં ગજબ આત્મવિશ્વાસનો સંચાર કરી દીધો. મેં વિચાર્યું, ’કોઈની દયા પર જીવવાનું હવે બંધ થવું જોઈયે. હક્ક માગવાથી નથી મળતો, ઝૂંટવો પડે છે. ‘ મારી પડખેથી મોંઘીદાટ કાર પસાર થઈ, હું તેના પર થૂક્યો.

ઘરમાં ખાલી ડબા, બાપુનું ઓટલે બેસી, શૂન્યમાં તાકી, બીડી ફૂંકતાં ફૂંકતાં ખાંસ્યા કરવું અને પીળા ગળફા રસ્તા પર ફેંક્યા કરવા, દવાના પૈસા ન હોવા, અમારી વસ્તીમાં શેઠિયાઓ અને સંસ્થાઓ તહેવારમાં  મીઠાઈ, ફરસાણ, કપડાં લાવે ત્યારે આખી વસ્તીની ઝૂંટાઝૂંટ, ગાળાગાળી, મારામારી, પોલીસની જીપ આવી વસ્તીના બે ત્રણ પુરુષોને ગમે ત્યારે ઊઠાવી માર મારવો, ઝેરી લઠ્ઠો પી કમોતે મરતા પુરુષો અને આક્રંદ કરતી મહિલાઓ, બાળકો, વસ્તીમાં ગટર, જાહેર સંડાસ-બાથરૂમ, વીજળી, પાણીનો અભાવ...આ બધું જોઈને કદાચ મારી અંદર જાગી ઊઠેલા અને સતત વધી રહેલા અભાવ ને કારણે મને મૂછનો દોરો વહેલો ફૂટી ગયો હતો. મેં માથું ધુણાવી, દાંત ભીંસી નિર્ણય લઈ જ લીધો,’ હવે મહેનત કરવી જ નથી. આ મોટર બંગલાવાળા કોના માટે મહેનત કરે છે ? હક્ક ઝૂંટવવો જ પડશે.’

અને કૃષ્ણ, બરાબર ત્રણ દાયકા પહેલાં, જન્માષ્ટમીના દિવસે જ, અહીં તારી જ સન્મુખ, અને તારા જન્મ સમયે જ રાત્રિના ૧૨.૦૦ કલાકે જ્યારે દ્વારકાધીશ મંદિરમાં અબીલ, ગુલાલ, દાણ અને પ્રસાદ ઊડતા હતા, તારા પ્રિય ધનિક ભક્તો ‘જય રણછોડ...... માખણ ચોર’ની ધૂનમાં મસ્ત હતા, ત્યારેજ મેં મારી ઉજ્જવળ કારકિર્દીનો પ્રારંભ કર્યો. તારા જન્મ સાથેજ ખિસ્સાકાતરુ તરીકે મારો પુનર્જન્મ થયો.

ખિસ્સું કાપવાની ગણતરીની ક્ષણોમાં અમારી ખોલી, બાપુની દવાના પૈસા ન હોવા, ભંગારની રેંકડી,મારૂં ફૂટપાથ પર સુવું, મીઠાઈ, ફરસાણ, કપડાંની ઝુંટાઝૂંટ, ગાળાગાળી, મારામારી, પોલીસનો માર મારવો, લઠ્ઠો પીને કમોતે મરતા પુરુષો.... કેટલાંય દ્રશ્યો ભયાનક ગતિથી મારા દિમાગમાં રિવાઈન્ડ થયાં. અમારી આટલાં વર્ષોની પીડાનો દાંત કચકચાવીને એક્ઝાટકે બદલો લઈ લીધો હતો. મેં સીધા વસ્તીમાં જઈ, કોઈ પણ સંકોચ, શરમ કે ડર વગર વિજેતાની અદાથી મૂછોના આંકડા ચડાવવાની મુદ્રા સાથે માના હાથમાં પેલું પાકીટ મુક્યું, અને એજ ક્ષણે ચાબુકની જેમ માનો વજનદાર પંજો મારા ગાલ પર પડ્યો. મને કાનમાં તમરાં બોલી ગયા, અંધારાં આવી ગયા અને હું લથડી પડ્યો. પણ હું હસ્યો, પાગલની જેમ હસ્યો, અને નફ્ફટની જેમ જવાબ વાળ્યો,” મોટર, બંગલામાં રહેનારાઓ સામે બદલો લેવાનો આજ સાચો રસ્તો છે, બાપુતો...”

જવાબમાં બીજા ગાલ પર પણ એવોજ સણસણતો તમાચો પડ્યો.

“ મરીગ્યા, તને શરમ ન આવી ભૂંડા, બૂડીમર ફાટ્ટીમુવા...”કહી માએ કપાળ કૂટ્યું.

મેં જવાબ વાળ્યો,” તારો કનૈયો પણ માખણચોર ન હતો ?”

મને યાદ છે, ત્યારે માએ રડતે રડતે ચાલ્યા જવાનું કહ્યું હતું......અને મેં અંતરાત્માનો દીવો ફૂંક મારી ઓલવી નાખી એક નવી સંસ્થામાં પ્રવેશ મેળવી લીધો હતો.

‘જેનું પાકીટ સેરવી લીધું હતું, તેને ખબર પડશે ત્યારે ?’ એ વિચારમાત્રથી આનંદથી હું ઝૂમી ઊઠ્યો, હું નાચ્યો, એ પૈસાથી મિત્રો અને ભાઈ બહેન સાથે સસ્તી હોટલમાં જ્યાફત ઊડાવી, લેધરનું જાકીટ અને છરી ખરીદ્યાં. અને વધેલા પૈસા અને છરી વસ્તીમાં એક ખંડેરમાં સંતાડી દીધાં.

શિક્ષણથી વંચિત એવા મારું સતત શિક્ષણ શરૂ થઈ ચૂક્યું હતું. મારો વર્ગખંડ શાળાની ચાર દીવાલો વચ્ચે ન હતો, અને મારા શિક્ષકો સજ્જન ન હતા. મને ઝડપથી સમજાયું, ગુનો કરી પલકવારમાં ત્યાંથી અદ્રશ્ય થઈ જવામાં સફળતા અને સલામતી બન્ને છે. મેં સાયકલ ચોરવાનું નક્કી કર્યું. સ્કૂલના પાર્કિંગમાં ચોકીદાર ન હોય ત્યારે મારીજ હોય એટલી સ્વસ્થતાથી સાયકલ ઊઠાવી ભાગ્યો, પણ મને અંદાજ ન હતો કે કેમેરાની બાજ નજર મારા ઉપર છે. મારી વસ્તીમાં પહોંચતાંજ અમારી ખોલીથી માત્ર ૨૦ ફૂટ અંતરે ચોકીદારે મને ઝડપી લીધો. હું મા અને બાપુની નજરમાં નજર મીલાવી ન શક્યો. તેઓ અસહાય હતા. ત્રણ લોકો મને ફટકારતા પોલીસ સ્ટેશને લઈ ગયા, ત્યાંથી બાળ અદાલત અને ત્યાંથી બાળ સુધારગૃહ..... 

શિક્ષણ શરુ થઈ ચૂક્યું હતું. ત્યાં લાત મારી, ગાળો આપી અમને ઊઠાડતા,પોષ મહિનામાં ઠંડે પાણીએ કપરકાબી વીંછળે એ રીતે પાણી ઊડાડી અમને નવડાવતા, લુખું, સૂકું, વાસી, અપૂરતું ભોજન માના કોળિયાની યાદ અપાવતું. મને ત્યાં નાના મોટાં કામો કરવા ન ગમતા, ગરીબી, બેહાલી, ગૃહપતિની ગાળો અને માર મને મંજૂર ન હતા. અહીંનું વાતાવરણ જોતાં બાળ સુધારગૃહના સંચાલકોનેજ સુધારવાની જરૂર લાગતી. જાણેકે સુધારકના સ્વાંગમાં ગુનેગારોજ અમને સુધારવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા હતા ! મેં ગમે એમ કરી બહાર છટકવાનો નિર્ણય કર્યો. ત્રણ ચાર મિત્રોએ પ્લાન કર્યો. ચોકીદારને સિક્યોરિટી કેબિનમાં પૂરી અમે ભાગ્યા......આઝાદ પંખી.... બીજી પરીક્ષા પણ સફળતાથી પસાર કરી લીધી હતી.

 હું એકનિષ્ઠાથી સરકસના જોકરની માફક વિવિધ કરતબ શીખતો ગયો. ઝડપથી નવાનવા ગુરુઓ, શાગિર્દો મળવા લાગ્યા, એક ગેંગ બની. મા, બાપુ, ભાઈ બેનનો સંપર્ક તૂટી ગયો.

દુકાનોમાં ચોરી કરી, સોસાયટીઓમાં કબાટની ચાવી બનાવતી વખતે સિફતથી લોકરમાંથી ઘરેણા, રોકડ તફડાવ્યા, એકલી રહેતી વિધવાઓના સોનાના ચેન, બંગડીઓ ચમકાવી આપવાની લાલચ દઈ તફડાવ્યા, વધારે વ્યાજ, સસ્તી વસ્તુની લાલચે લોકોને લાખોનો ચૂનો ચોપડ્યો, કાળાબજાર કર્યા, દાણચોરી કરી, દારૂ પણ વહેંચ્યો, મેળા, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશનતો અમારા તીર્થધામ હતા....

દશ વર્ષના ટૂંકાગાળામાં હું અંધારી આલમનો ‘મોટાભાઈ’ બની ગયો. ‘ઈઝી મની’ વડે ખિસ્સાં ભરાતાં ગયાં. મોજશોખ વધતા ગયા, હવેતો મને ગરીબો સામે પણ આક્રોશ થવા લાગ્યો, ’શા માટે ગરીબી સ્વિકારી લો છો ?’ ગુનો કરતાંની સાથેજ છટકવા અમે કાર પણ ખરીદી, શહેરની બહાર એક મકાન પણ ખરીદ્યું. ( શહેરની વચ્ચોવચ તો અમને કોણ આપે ?) જે ગુનેગારો અને ગુનાશોધકોમાં ‘અડ્ડા’ તરીકે જાણીતું બન્યું અને ટંકશાળ નામે ‘ હસ્તિનાપુર (જુગાર) ક્લબ’ શરૂ કરી.

 જુગારમાં મેં મહારથ હાંસલ કરી. જુગારમાં અવનવી ટ્રીક્સ, સામેવાળાએ ધારેલું પાનું પત્તાને સ્પર્શ પણ કર્યા વિના માત્ર તેની આંખમાં આંખ મિલાવી ઓળખી આપવાની મારી આવડતથી આ ક્ષેત્રના ખેરખાંઓ પણ ચકિત થતા. મારું ઉપનામ ‘શકુનિ’ પડી ગયું અને કંઈક યુધિષ્ઠિરોને હરાવી મારું ઉપનામ સાર્થક કર્યું.

મારી (અ)ધર્મસભામાં વિકર્ણ, ભિષ્મ, દ્રોણાચાર્ય, વિદુર કે ગાંધારી ન હતા. મારી અંદર રહેલો ધુર્તરાષ્ટ્ર મારામાં રહેલ દુર્યોધન અને શકુનિની પીઠ થાબડતો. હવેતો કાયદાના ‘રખેવાળો’ સાથે પણ અંતરંગ સંબંધો સ્થપાયા. ક્યારેક તો એવું પણ લાગતું, ‘સરકારી પહેરવેશોમાં તેઓ અમારા સાથીઓજ છે.’ હવે પોલીસ સ્ટેશનો અને જાહેર સ્થળોએ અમારા ફોટા પણ છપાવા લાગ્યા. જેલમાં પણ જવા લાગ્યા, પણ એતો અમારું ‘પાપ પ્રક્ષાલન કેન્દ્ર’ ગણાય. જોકે જેલમાં પણ અમને અમારા ગોરખધંધા છોડવાનો વિચાર ક્યારેય ન આવ્યો. ઉલટાનું દરેક જેલયાત્રા વખતે નવા ગુરુઓ, નવા કસબીઓ મળતા ગયા. અમે પરસ્પર અમારી વિદ્યાની આપલે કરતા ગયા, આવડતનો વ્યાપ અને કુશળતા વધતી ગઈ.....યોગ: કર્મશુ કૌશલમ !!

 કોર્ટમાં પણ જજસાહેબને ફીલ્મ અભિનેતા રાજકુમારની અદાથી બાળપણથી આજસુધીની બધી કડવાશ ઠાલવી દઈ કહી દીધું, ”મને કોઈ પશ્ચાતાપ નથી.” જેલમાંથી પણ અમે દીવાલ પાસેનાં વૃક્ષ પર ચડી, દીવાલ ઠેકી, ગટરના પાઈપ વાટે ફરાર થઈ ગયા, અને પાઈપ મારફતે શહેરની બહાર નદીના પટમાં નીકળી, ત્યાં દીવાલ પર અમારા ફોટા જોઈ ખડખડ હસ્યા. અને શોલે ફીલ્મના ગબ્બરસિંહની સ્ટાઈલમાં મેં ડાયલોગ માર્યો,’ દુનિયાકી કિસી જેલકી દીવારેં ઈતની પક્કી નહીં હૈ, જો શકુનિ કો બીસ સાલ કૈદ કર શકે.” મારા સાથીઓએ તાળી પાડી મને ઊંચકી લીધો. આખી રાત દારૂની પાર્ટી કરી, નશામાં ચુર થઈ અમે સૂઈ ગયા.

અને કૃષ્ણ ! એ પણ એક અજબ યોગાનુયોગ, એક પણ જન્માષ્ટમીએ હું જેલમાં ન હતો. હું આને એક શુભ સંકેત, સમાજ સામેના મારા બંડ પ્રત્યે કુદરતનું સમર્થન સમજતો. દરેક જન્માષ્ટમીએ તારે મંદીરે તારે જન્મટાંકણે કોઈ ને કોઈનું ખિસ્સું કાપી, ચેન સેરવી હું શુકન સાંચવતો અને મંદિરમાં સન્મુખ ભેટ પણ ધરતો !

વધુ એક જેલયાત્રા, અને મને જેલમાં દિનુકાકાની વાંકાચુકા અક્ષરોમાં ચિઠ્ઠી મળી,’મા હવે આ દુનિયામાં નથી.’ મને અક્ષરો, મારી ખોલી, ક્લબ...બધું ફરતું લાગ્યું. હંમેશાં ભયંકર વેગે વિચાર કરવા ટેવાયેલું મારું દિમાગ વિચારશૂન્ય થઈ ગયું.મને માનો તમાચો, ગાળો યાદ આવ્યાં. માનું શરીર દેખાયું. હમણા મા બોલે, ”મરીગ્યા તને શરમ ન આવી ? ફાટ્ટીમુવા...” પણ ના... હું જેલમાં બંધ હતો અને મા મારા જેવા અઠંગ ગુનેગારથી છૂટી ગઈ હતી. મેં મારી જાતને ભિક્ષુકોની કતારમાં ભાળી. પહેલી વાર દુ:ખ શું છે ? તે મને સમજાયું. મને આભાસ થયો, ઉઘડતી સવારની ઝાકળ જેવા, મોગરાની મહેક ધરાવતા માના ચુંબનો મારા ગાલ પર ઉપસી આવ્યા હતા. ત્રણ દાયકા પહેલાંનાં ચુંબનો પર આજે મારાં અશ્રુજળનો અભિષેક થયો. વિશ્વમાં મને પ્રેમ કરતી હોય એવી તે એક જ વ્યક્તિ હતી, મારી મા, જેના આંસુના ડરમાત્રથી પ્રથમ ગુનો કરતી વખતે મને ક્ષણ પુરતો ખચકાટ થઈ આવ્યો હતો.

કૃષ્ણ ! આજે ફરી જન્માષ્ટમી, અને ફરી હું તારે દ્વારે. પણ આજે હું શુકન સાંચવવા નહીં પણ મારી માને શુકન કરાવવા આવ્યો છું. જોકે ગુનાખોરી હવે મારી મજબૂરી બની ગઈ છે. કદાચ, સમાજ વિરુદ્ધ મેં ચણેલી નફરતની મજબૂત દીવાલમાં હું છીંડું પાડું તો પણ સમાજમાં મારો પ્રવેશ શક્ય નથી. કારણ એટલીજ, કદાચ એથીય વધુ મજબૂત બીજી દીવાલ સમાજે પણ ચણી છે. હું શું કરું ? મારો શોખ હવે મારી મજબૂરી બની ગયો છે. ભૂખ કોઈની સગી થાય છે ?

ગઈ કાલેજ બસસ્ટેન્ડ પર ધક્કામુક્કીમાં એક યુવાનનું ખિસ્સું કાપ્યું. સીધો અડ્ડે આવ્યો, પાકીટ ખોલી જોયું તો નિરાશ થઈ ગયો,’માત્ર ૯૦ રૂપિયા ?’ મેં પાકીટનો દીવાલે ઘા કર્યો, એમાંથી એક પોસ્ટકાર્ડ નીકળ્યું. મારી આંખો ભરાઈ આવી. તેમાં મેં મારી માના શબ્દો વાંચ્યા, ”મરીગ્યા તને શરમ ન આવી ?”

મને બીજી અજાણી માના આજ શબ્દો વંચાયા, ”મરીગ્યા તને શરમ ન આવી ?”

યુવાને અંદર લખ્યું હતું, તેતો હવે વંચાયું “મા, મને નોકરીમાંથી છૂટો કર્યો છે, માટે આ મહિને પૈસા મોક્લી શકીશ નહીં. રૂમનું ભાડું પણ બાકી રાખ્યું છે. માટે જગતશેઠને ત્યાંથી ઉધાર...”

શબ્દો આંખ સામે તરતા હતા. પછી તો,” મરીગ્યા તને શરમ ન આવી ?”,

”મરીગ્યા તને શરમ ન આવી ?”,

 ”મરીગ્યા તને શરમ ન આવી ?”

 આ શબ્દોનું કોરસ દિમાગમાં પડઘાવા લાગ્યું. અનેક પુરુષો, સ્ત્રીઓ, યુવાનો, જેમનાં મેં ખિસ્સાં કાપ્યાં, દાગીના સેરવ્યા, લૂંટ્યા....હું સ્તબ્ધ ! આંખો ભીડી, કાને હાથ દાબ્યા, પણ કોલાહાલ શાંત ન થયો. અચાનક, માના અવસાન બાદ બીજીવાર આંખો વહેવા લાગી, જાણે મારીમા મારી આંખોમાંથી વહેતી હતી. પણ મારાં પ્રાયશ્ચિતનો સ્વીકાર કરવા તે ક્યાં હયાત હતી ?

 કોલાહાલ શાંત થયો, પ્રભાત થયું. ‘આ ગરીબ મા અને જવાબદાર યુવાનનું શું કરવું જોઈએં ?’ જીવનમાં પહેલીવાર હું આ રીતે વિચારતો થઈ ગયો.

ત્રણ દાયકા પહેલાં ઓલવી નાખેલો દીવો ફરી પ્રગટ્યો હતો ?

અંદરથી અવાજ આવ્યો, કદાચ એ માનોજ આદેશ હતો, ‘એની માને હજાર રૂપિયાનું મનીઓર્ડર કરી દે.’

મેં તાત્કાલિક અમલ કર્યો.

“પણ પેલા યુવાનનું શું ?’ બીજો અવાજ.

પોસ્ટકાર્ડમાં એનું પણ સરનામું હતું. મેં એને પણ ૫૦૦ રૂપિયાનો મનીઓર્ડર કર્યો, સંદેશમાં લખ્યું, ” ભાઈ, મેં તારી માને ૧૦૦૦ રૂપિયાનું મનીઓર્ડર કરી દીધું છે, માટે તું ચિંતા કરતો નહીં. બધી મા એક સરખી હોય છે. મારી મા હયાત નથી, એટલે તારીમાને મારા ગુના માફ કરવા, મારા પ્રાયશ્ચિતનો સ્વીકાર કરવા લખજે. ભીડમાં આ મોકલેલા પૈસા મારા જેવા બદમાશથી બચાવજે.” લી. મા અને માનવતાનો ગુનેગાર...

કૃષ્ણ ! આજે ફરી જન્માષ્ટમી, ફરી તારા સન્મુખ બેઠો છું, અને આ પત્ર લખું છું. મને લાગે છે કે ત્રણ દાયકા પહેલાં હું જેને મારા પુનર્જન્મની ક્ષણ ગણતો હતો, તે મારા મૃત્યુની ક્ષણ હતી, અને પેલા યુવાનને કરેલા મનીઓર્ડરની ક્ષણ મારા પુનર્જન્મની ક્ષણ હતી.

કૃષ્ણ ! નરસિંહ મહેતાની કઈ લાયકાત મારામાં છે ? છતાં આજે જન્માષ્ટમીએ રાત્રે ૧૨.૦૦ વાગ્યે, તારે દ્વારે, શામળશાના મંદિરે સન્મુખ ભેટ તરીકે આ પત્ર મારા પુનર્જન્મના ખબર મારી માને પહોંચાડવા હુંડી તરીકે મુક્યો.

 પુનર્જન્મના ખબર જાણી મા કેટલી ખુશ થશે ?

આ પત્ર તું સ્વીકારીશ ?

મારી માને પહોંચાડીશ ?


Rate this content
Log in

Similar gujarati story from Abstract