Ajay Purohit

Children Stories Inspirational

4  

Ajay Purohit

Children Stories Inspirational

સામર્થ્ય

સામર્થ્ય

8 mins
431


બન્ને નવાંગતુકની કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. તેઓએ, જાણેકે પોતેજ વિધાતા હોય તેમ જન્મનાર બાળકનું લક્ષ્ય અને પ્રાપ્તિ પણ નક્કી કરી રાખ્યાં હતાં. નક્કી કરેલ લક્ષ્ય બાળકને અને તેમને સતત પડકારતું ,પ્રેરતું રહે, તેવું નામ અને લક્ષ્ય પણ જન્મ પહેલાંજ નક્કી કરી લીધાં હતાં નામ,'સમર્થ' ! અને લક્ષ્ય, ૨૦૨૦ ઓલિમ્પિક માં દોડ સ્પર્ધામાં હિન્દુસ્તાન માટે સુવર્ણ ચંદ્રક !

"સમર્થ ફરક્યો. "

"ફરક્યો. નહીં, દોડ્યો." દીવાલ પરનાં પૂરી તાકાત લગાવીને દોડી રહેલા, ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા દોડવીર ઉસૈન બોલ્ટનાં ફુલસાઇઝનાં પોસ્ટરને તાકી રહીને, મલકીને વિશ્વાસ બોલ્યો.

"ઇડિયટ…". આસ્થા પણ હસી પડી, ખીલખીલ... અને બાળકના જન્મ સાથેજ તેણે મિત્રોને સંદેશ મોક્લ્યો, "બામુલાઇજા….હોશિયાર….૨૦૨૦ ઓલિમ્પિક મેરેથોન રનીંગ ચેમ્પિયન, હિઝ હાઇનેસ સર સમર્થ હેઝ બોર્ન…! સાવધાન"

***

અડધી રાત્રે અચાનક સમર્થની ચીસથી તે સફાળી બેઠી થઇ ગઇ.  "વિશ્વાસ....",ચીસ પાડી તેણે પતિને ઢંઢોળ્યો.

"આસ્થા....." સમર્થને આંચકી આવતી અને એક પગ ગોઠણથી વળેલો જોઇ બન્ને ડઘાઇ ગયાં. બન્નેને પરસેવો વળી ગયો.

પહેરેલે લૂગડે જ સમર્થને તેડી બન્ને હોસ્પિટલ ધસી ગયાં. નર્સે ડોક્ટર પરમારને ફોન કરી જાણ કરી, જરૂરી સૂચના મેળવી, ઇન્જેક્શન દવાઓ આપી, બાળકને સૂવડાવ્યું.

સવારે ડોક્ટરે બાળકની તપાસ કરી, નીચલો હોઠ વાળી માથું ધૂણાવ્યું, "પોલિયોની રસી નથી અપાવતા ? નોનસેન્સ. આઇ એમ સોરી, હી કેન નોટ વોક ઇન્ડીપેન્ડન્ટલી." 

પતિપત્નીને ધ્રાસ્કો પડી ગયો. બન્નેને અંધારાં આવી ગયાં, શરીરમાં લોહી ખૂબજ વેગથી માથાંથી પગ તરફ ધસી જતું લાગ્યું. બન્નેએ એકબીજાનો હાથ પકડી એકબીજાનો આધાર લીધો, ત્યારે સમર્થ દીવાલ પર ચડી રહેલી કીડીની હાર તરફ ખૂબ રસથી તાકી રહ્યો હતો.

"બટ ફીઝીયોથેરાપી કેન હેલ્પ ટુ એ ગ્રેટ એક્ષ્ટેન્ટ. એટલા માટે, કે નાની ઉમરે બાળકના મસલ્સ ફ્લેક્સિબલ હોય,આપણી જેમ ડીફોર્મ અને રિજિડ ન થઇ ગયા હોય. એટલે કસરતથી ખૂબજ ફાયદો થાય. પણ એના માટે ધીરજ જોઇએ, તમારે બન્નેએ માબાપ મટીને ફિઝિયોથેરેપિસ્ટ બનવું પડે. બટ એટ પ્રેઝન્ટ, પ્લીઝ ટેક કેર ઓફ યોર વાઇફ ફર્સ્ટ." આઘાત હેઠળ ડોક્ટરની સલાહ આસ્થાના કર્ણમૂળ સુધી પહોંચી શકી નહીં, વિશ્વાસનેતો લાગ્યું જાણે તે પોતેજ પોલિયોગ્રસ્ત થઇ ગયો હતો.  

***

બેડમાં પડ્યોપડ્યો વિશ્વાસ, 'ઉસૈન બોલ્ટ'નાં પોસ્ટરને તાકી રહ્યો હતો. બન્નેની વચ્ચે સમર્થ ઘસઘસાટ સૂતો હતો. તેનો ગોઠણથી વાંકો વળેલો અને સુકાતો જતો એક પગ જોઇ તેને પીડા ઘેરી વળી. અચાનક વ્હીલચેરને તેણે લાત મારી પાડી નાખી અને પોસ્ટરના પાગલની માફક ટુકડેટુકડા કરી નખ્યા. પોસ્ટરના ટુકડા બેડરૂમમાં જ્યાં ત્યાં ઉડવા લાગ્યા.

 "સમર્થને અપંગ બાળકોની સ્કૂલમાં મૂકવો પડશે ?" વિશ્વાસને ગળે ડૂમો બાઝી ગયો હતો, પ્રયત્ન છતાં તેનાથી આગળ બોલીજ ન શકાયું.

"હરગિજ નહીં. તે સામાન્ય બાળકો સાથેજ ભણશે, એટલુંજ નહીં, તેમની સામે હમેશા અવ્વલ જ રહેશે. હું તેને લઘુતાગ્રંથિથી નહીંજ પીડાવા દઉં. આ કુદરતની અને મારી સામસામી ચેલેન્જ છે. વિશ્વાસ રાખ, ઈશ્વર મહાસમર્થ છે. આ ઓલિમ્પિકમાં મશાલ લઇને દોડતો અપંગ દોડવીર તેં નહોતો જોયો ? ઈશ્વરની ક્રુપા હોયતો પંગુમ લંઘયતે ગિરિમ." દ્રઢતાથી આસ્થાનો ચહેરો લાલચોળ થઇ ગયો હતો.

પ્રિંન્સિપાલ અને વિશ્વાસની આનાકાનીનો દ્રઢતાથી સામનો કરી તેણે સામાન્ય બાળકોની 'આદર્શ સ્કૂલ'માં સમર્થનું એડમિશન લીધેજ છૂટકો કર્યો.

***

વિશ્વાસ ચમકીને સીડી પર થંભી ગયો. ભગવાન ક્રુષ્ણની મૂર્તિ સામે આંખો બંધ કરી હાથ જોડી ભાવપૂર્વક આર્દ્ર સ્વરે, મા દીકરો પ્રાર્થના કરી રહ્યા હતા,

"મુકં કરોતિ વાચાલમ , પંગુમ લંઘયતે ગિરિમ,

યત્ક્રુપા તમહમ વંદે,  પરમાનંદમ  માધવમ..."

માની બંધ આંખોમાંથી બન્ને ગાલ પર આસ્થા વહી નીકળી હતી. "મારો ઈશ્વર પરનો વિશ્વાસ હલી ગયો છે. આવડાં બાળકને.....આ...?" વ્હીલચેર સામે દ્રષ્ટિ કરી, તેણે હોઠ ભીડી મોઢું ફેરવી લીધું.

 "મારી આસ્થા વધુને વધુ દ્રઢ થઇ રહી છે. આ નિર્જીવ શ્લોક નથી પણ ઈશ્વરનું માનવજાતને વચન છે. જરૂર છે આપણા સોળઆની પ્રયત્નોની. મને જરાય શંકા નથી કે ઈશ્વર તેને જરૂર દોડતો કરશે. પણ તેં દર્શન કેમ કર્યા નહીં ?"

વિશ્વાસ કશુંજ બોલ્યો નહી, પહેલાં મૂર્તિ સામે અને પછી વ્હીલચેર અને બગલઘોડી સામે દ્રષ્ટિ ફેંકી સડસડાટ બહાર નીકળી ગયો, ત્યાર પછી આસ્થાએ ક્યારેય તેને આ બાબતે ટોંક્યો પણ નહીં. પરંતુ આ ક્ષણથીજ બન્નેનાં જીવનનાં વહેણ બદલાઇ ગયાં.

***

વિશ્વાસને ખાસ આસ્થા નહતી પણ આસ્થાને ડોક્ટરની તેમના પ્રત્યેની અપેક્ષાની યથાર્થતામાં પૂર્ણ વિશ્વાસ હતો.

"સર ! મારે ડિગ્રી વગરના ફિઝિયોથેરેપિસ્ટ બનવું છે."

ડોક્ટર ચમકી ગયા," તમે તો અમારી છુટ્ટી કરી દેશો." આસ્થા હસી પડી, ડોક્ટર પણ...

 "સ્યોર, આવો." ડોક્ટરે આસ્થાને ઘણી પ્રકારની કસરતો શીખવીને કહ્યું."ક્લિનિકના આવાં સાધનો વગર પણ કેટલીય કસરત તમે ઘરે સમર્થને કરાવી શકો. બેસ્ટ ઓફ લક આસ્થા, ગોડ બ્લેસ યુ." ડોક્ટર  પણ  ગળગળા થઇ ગયા, આસ્થા આંખો લૂછતી બહાર નીકળી ગઇ.

બીજાજ દિવસથી તેમનાં ઘર "આસ્થા"નું "આસ્થા ટ્રેનિંગ સેન્ટર"માં રૂપાંતર થઇ ગયું. ગ્રુહિણી આસ્થા નર્સ બની ગઇ. રોજ સવારે "મુકં કરોતિ વાચાલમ....." પ્રાર્થના સાથે નિ:સહાયતામાંથી સામર્થ્ય તરફની મા દીકરાની મેરેથોન દોડ ચાલુ થઇ. નાનકડા સમર્થને કસરત ઉપરાંત, સોય પરોવવી,પેપરક્રાફ્ટ, ચિત્રકામ, ક્વિઝ, અખબાર વાંચવું, કોમ્પ્યુટર, કપડાં-વાસણો-ધાતુઓ-ફુલ-શાકભાજી-ફળ-સ્વાદ-રૂપિયા-પૈસા-ઘડિયાળમાં સમય-ટપાલની ટિકિટો-વગેરે ઓળખવાં,નકશામાં સ્થળ શોધવાં, પુસ્તકને પૂઠું ચડાવવું, પડીકું વાળવું, ફૂલની માળા બનાવવી, જાતે કપડાં પહેરવાં, વ્હીલચેર ચલાવવી, ઘોડી લઇ ચાલવું, પોલિયોનાં ખાસ શૂઝ પહેરવાં, જાતે જમવું, શેરડી ખાવી, બુટ પોલિશ કરવી, માથું હોળવું,ચાદર સંકેલવી, છોડ રોપવો અને પાણી પાવું, ઈશ્વરને પત્ર લખવો, સ્નાન કરવું, પોતાના યુનિફોર્મને ઇસ્ત્રી કરવી, મમ્મી સાથે ચેસ-કેરમ રમવું, પાના-પક્કડ-ડીસમીસ વાપરવાં, કાર્ટૂન ચીતરવાં, તોરણ-રંગોળી-બ્લોક્સ જોડી વિવિધ આકારો  બનાવવા. આવી અગણિત પ્રવ્રુત્તિઓમાં આસ્થાએ સમર્થને જોડી દીધો .અને આ બધામાં સમર્થને પડતી મુશ્કેલી જોઇ વિશ્વાસ, અવિશ્વાસથી માથું ધુણાવતો.

ઘણીવાર સમર્થ સૂતો હોય ત્યારે તેને ચૂમી ભરી, વ્હાલથી મસ્તક પર હાથ ફેરવી આસ્થા વિચારી રહેતી,'સમર્થ નોર્મલ બાળક હોત તો મેં ક્યારેય તને આવી ટ્રેનિંગ આપી નહોત.' આસ્થા રોજ તેને વ્હીલચેરમાં સ્કૂલે મૂકવા, તેડવા જતી. સમર્થ સ્કૂલની બધી ઇતર પ્રવ્રુત્તિઓમાં પણ અવ્વલ રહેવા લાગ્યો.

***

"સમર્થને મારે ચારધામની યાત્રાએ લઇ જવો છે."

"મારે પણ, પણ તે દોડતો થાય પછી. તારી ભલે ઈશ્વરમાં આસ્થા હોય, મારી તેની સાથે સ્પર્ધા છે. મારું લક્ષ્ય ઘોડી વિના ડગમગ ચાલતો નહીં, પણ સમર્થ દોડવીર 'સમર્થ' છે. જગતને કોઇપણ ખૂણે લઇ જઇ હું તેનો ઇલાજ કરાવીશ, ભલે હું તેનામાટે વેંચાઇ જાઉં, ભિખારી બની જાઉં, પણ....પણ એને દોડતો કરીશ, અને આ વ્હીલચેર,આ ઘોડી દરિયામાં ફેંકી દઇશ અને પછી એને લઇને વટથી તારા ભગવાનને પગે લગાડવા આવીશ." વિશ્વાસનાં જડબાં તંગ થઇ ગયા હતાં, મુઠ્ઠીઓ વળી ગઇ હતી, હોઠ ધ્રૂજતા હતા. આંસુ ખાળવાના તેના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.

"મનેતો વિશ્વાસ છેજ, તું પણ રાખ, આપણો સમર્થ દોડશે જ, સવાલ માત્ર સમયનો છે." આસ્થાએ તેને પાણી પાયું, તેનું મસ્તક ખોળામાં લઇ વાળમાં આંગળીઓ પસવારી. વિશ્વાસ ક્યાંય સુધી છત ભણી તાકતો રહ્યો .

ઇલાજ માટે ગમે તેટલું બેંક બેલેન્સ અપૂરતું હતું. નાણાં કમાવા તેણે તમામ તાકાત કામે લગાડી. ખ્યાતનામ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટને રોકી બ્લ્યુ ચીપ શેર અને પ્રોપર્ટીમાં રોકાણ કર્યું, રૂપિયાનો ગુણાકાર થવા લાગ્યો, ઈશ્વરનો પરાજય હાથવેંત દેખાવા લાગ્યો. દોડશે, સમર્થ દોડશેજ જરૂર દોડશે.....પણ લૂલી શ્રધ્ધા નહીં પણ વિજ્ઞાનને સહારે, વિજ્ઞાનને પ્રતાપે.

***

વાલીઓની હાજરીમાં સ્કૂલનો વાર્ષિક કાર્યક્રમ શરૂ થયો. પ્રિન્સિપાલ શાસ્ત્રીસાહેબનો રણકતો સ્વર માઇક પરથી રેલાઇ રહ્યો હતો.

"આ વખતે પહેલીવાર શ્રેષ્ઠ વિદ્યાર્થી સાથેજ શ્રેષ્ઠ વાલીનો એવોર્ડ પણ આપણે સમર્થના માતાપિતા આસ્થા અને વિશ્વાસ અર્પણ કરીએં છીએં. વાલી તરીકે મને, મારા શિક્ષકોને અને બીજા વાલીઓને તેમની મીઠી ઈર્ષ્યા થાય છે. સમર્થના અભ્યાસનો પડકાર અમારી પહેલાં તેમણે ઝીલી લીધો, અને મારી આખી ટીમ વતી મને જણાવતાં અત્યંત હર્ષ અને ગૌરવ થાય છે કે અમારી ધારણાથી સાવ વિપરીત આ બાળકનો પ્રોગ્રેસ સામાન્ય બાળકો કરતાં બમણો છે અને આમાં સંસ્થા કરતાં પણ તેના માતાપિતાનો મોટો ફાળો છે. બન્નેને મારી આખી ટીમ વતી ધન્યવાદ અને આભાર." તાળીના ગડગડાટથી સભાખંડ ગાજી ઉઠ્યો.

"એન્ડ નાવ પ્લીઝ વેલ્કમ અવર બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધી યર, અવર પ્રાઇડ ડીયર સમર્થ ઓન ધી સ્ટેજ."

સમર્થના ગાલ પર આસ્થાના ચુંબનોનો અને પછી અશ્રુજળનો અભિષેક થયો. સમર્થે પપ્પી ભરી બન્નેને જાળવી લીધા. આસ્થા ગૌરવપૂર્વક હસી, વિશ્વાસ છોભીલો પડી ગયો. બન્ને હાથમાં ઘોડીના સહારે સ્ટેજ તરફ આગળ વધતા સમર્થને સભાખંડમાં બધાજ બાળકો, શિક્ષકો, વાલીઓએ પોતાના સ્થાન પરથી ઊભા થઇ વધાવી લીધો. અને ત્યારે સભાખંડમાં ભાગ્યેજ કોઇ આંખ કોરી હતી......

***

 "સમર્થનો પ્રોગ્રેસ જોવા આજે ફિઝિયોથેરેપિસ્ટ પાસે તેને હું લઇ જઇશ."

 "ઓકે."

વેઇટિંગ હોલમાં વિશ્વાસ સમર્થના વારાની રાહ જોવા લાગ્યો. હોલમાં ટી.વી.પર સમાચારમાં "અખાતી દેશોમાં ફાટી નીકળેલ યુદ્ધનાં દ્રશ્યો, અને તેને પગલે પગલે ટોકિયો, બિજિંગ, ન્યુયોર્ક, લંડન, મેલબોર્ન વિશ્વભરમાં, અને તેને પગલે મુંબઇ સ્ટોક એક્ષ્ચેન્જમાં પણ તમામ શેરોમાં કડાકા, રૂપિયાનું ધોવાણ."ના સમાચાર શરુ થયા.

વિશ્વાસના પગ નીચેથી ધરતી ખસી ગઇ. તેને સમર્થના જન્મ ટાણે મિત્રોને મોકલેલ સંદેશ યાદ આવ્યો, દોડવીર ઉસૈન બોલ્ટનું ફુલસાઇઝનું પોસ્ટર દેખાયું, બેડરૂમમાં જ્યાં ત્યાં ઊડતા પોસ્ટરના ટુકડા દેખાયા. તેને અચાનક છાતીમાં ભારેભારે લાગ્યું, અર્ધી મિનિટમાં મૂંઝારો વધી ગયો, સમર્થ પાસેજ બેઠો છે પણ બોલી શકાતું નથી ! હાથ ઉંચકાતો નથી, તેનો ચહેરો એક તરફ વંકાયો, એક હાથની આંગળીઓ વળી ગઇ અને પંજો છાતી પર દબાયો અને 'ઉંહ...' ઉદગાર નીકળી ગયો.

 "શું થાય છે પપ્પા ?" સમર્થનું ધ્યાન ગયું, તે સમજ્યો, સાથેજ વ્હીલચેર પરજ ડોક્ટરની ચેમ્બર તરફ ધસ્યો.

 "ડોક્ટર અંકલ, પપ્પા ! પપ્પા !!"

કશુંક અજુગતું જાણી પેશન્ટને મૂકીને ડોક્ટર બહાર ધસ્યા. વિશ્વાસને તપાસ્યો, ચબરખી પર 'લો મોલેક્યુલર વેઇટ હેપ્રીન' પ્રિસ્ક્રાઇબ કરી સમર્થને કહ્યું, "જલ્દી દોડ."

સમર્થ ભાગ્યો, હોસ્પિટલમાંજ મેડિકલ સ્ટોર હતો, ત્યાં કાઉન્ટર પર દર્દીઓની ભીડ હતી.

 "એક્ષ્ક્યુઝ મી...અંકલ...." બધા દર્દીઓનાં પ્રિસ્ક્રિપ્શન એક બાજુ હડસેલી પોતાનું પ્રિસ્ક્રિપ્શન દુકાનદારને ધરી, સમર્થે લગભગ ચીસ પાડી.

સમર્થના ચહેરા પરનો આતંક જોઇ, દુકાનદારે પરિસ્થિતિ પામી જઇ, બીજાં પ્રિસ્ક્રિપ્શન પડતાં મૂકી, દોડીને, ઇન્જેક્શન, સિરિંજ શોધી, સમર્થના ખીસામાં મુક્યાં, સમર્થ ભાગ્યો. વિશ્વાસને ઇન્જેક્શન આપી, "થેંક ગોડ !" ઉદગાર સાથે પરસેવો લૂછતાં ડોક્ટર રોહને ઉચ્છશ્વાસ છોડ્યો અને કહ્યું, "બેટા, વેલ ડન, હવે તારા પપ્પાને, સિસ્ટર સાથે લિફ્ટમાં ઊપર રૂમ નં. ૧૦૮માં લઇ જા. "

ડોક્ટરે વિશ્વાસને સમર્થની વ્હીલચેરમાં બસાડ્યો, વ્હીલચેર જેમતેમ ધકેલતાં ધકેલતાં, લિફ્ટમાં લઇ જઇ, રૂમ નં. ૧૦૮માં, સિસ્ટરની સહાયથી, સ્ટ્રોકની આઠમી મિનિટે સમર્થે વિશ્વાસને બેડ પર સુવાડી દીધો હતો. બીજીજ પળે વિશ્વાસ ગાઢ નિંદ્રામાં સરી ગયો.

સમર્થે વિશ્વાસના શર્ટમાંથી મોબાઇલ કાઢી મમ્મીને ફોન જોડ્યો,

"મમ્મી, સમર્થ બોલું છું, પહેલાં વચન આપ તું રડીશ નહીં."

"ના, કેમ ?" આસ્થાનો સ્વર લથડી ગયો.

"તેં શું વચન આપ્યું'તું ? જો સાંભળ, પપ્પાને સ્ટ્રોક આવ્યો છે. પણ તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી જતાં હવે ઘણું સારું છે. ડોક્ટર અંકલ કહેતા હતા, પપ્પા અઠવાડિયાંમાં સાજા થઇ જાશે. હું અહીં એકલો છું, એટલે મને ચિંતા ન થાય એ રીતે હોસ્પિટલે આવજે. જૈ શ્રીક્રુષ્ણ." જવાબની રાહ જોયા વગર ઝડપ થી ફોન કટ કરી, એકલો એકલો સમર્થ રડવા લાગ્યો.

જુનિયર ડોક્ટર અને નર્સ આખી રાત વિશ્વાસની માથે જ રહ્યા. બીજે દિવસે રાઉન્ડમાં ડોક્ટર રોહને વિશ્વાસના એમ.આર.આઇ. રિપોર્ટ, કાર્ડિયોગ્રામ, બ્લડ, યુરીન રિપોર્ટસ્ ચકાસ્યા.

"વેરી ગુડ સીસ્ટર, રિપોર્ટસ આર નોર્મલ.."

ડોક્ટરે વિશ્વાસના પગના તળિયાંમાં ગલીપચી કરી, નિંદ્રામાંજ ચમકીને તણે બન્ને પગ ઝડપથી ખેંચી લીધા,સાથેજ ,"વાવ....એક્સેલન્ટ…." ઉદગાર સાથે ડોક્ટર ઊછળી પડ્યા. વિશ્વાસ આંખો ફાડી આશ્ચર્યથી ડોક્ટર સામે જોવા લાગ્યો.

“હી ઇઝ ક્વાઇટ વેલ. આવતી કાલથીજ અમારા ફિઝિયો અને સિસ્ટર ચાલવાની પ્રેક્ટિસ  કરાવશે. સ્ટ્રોક આવતાંની સાથેજ ટ્રીટમેન્ટ મળી ગઇ એટલે, ધેર આર નો સિરિયસ ઇન્ટર્નલ   ઇન્જુરીસ ઇન ધી બ્રેઇન. એટલે આપણો કેસ ઇઝી થઇ ગયો. અને આ માટે, વી આર થેંકફુલ ફોર અવેરનેસ ઓફ યોર સ્વીટ ચાઇલ્ડ. ત્યારે ઈશ્વર સમર્થના સ્વરુપે પેશન્ટ પાસે હાજર હતો. જો મોડું થયું હોત તો , વી વુડ નોટ બી એબલ ટુ હેલ્પ હિમ મચ એન્ડ પોસિબલી હી વુડ રીક્વાયર રેસ્ટ એન્ડ ટ્રીટમેન્ટ ફોર એટલીસ્ટ સિક્સ મંથ્સ ઓર ઇવન મોર. પણ પેશન્ટની કન્ડીશન જોતાં મને વિશ્વાસ છેકે આપણે આવતા સોમવારે વિશ્વાસને ઓફિસે મોકલી દઇશું વેરી નાઇસ."

વિશ્વાસે ધ્યાનથી બધું સાંભળ્યું. તેની નજર, સામે કરૂણા વરસાવતી ભગવાન શ્રીક્રુષ્ણની છબી પર પડી, તેમાં મોટા અક્ષરે નીચે લખ્યું હતું, "આઇ ટ્રીટ, હી ક્યોરસ." અને તેની આંખના ખૂણેથી અશ્રુબિંદુ વહી ગયું.

આસ્થાએ સમર્થને જોરથી ખેંચી તેના ગાલ પર ગાઢ ચુંબન ચોડ્યું...


Rate this content
Log in