Ajay Purohit

Children Stories Inspirational Others

4.5  

Ajay Purohit

Children Stories Inspirational Others

ઓટોગ્રાફ

ઓટોગ્રાફ

11 mins
412


સમઢિયાળા ગામની સીમમાં ફરતાં હાથલાથોરને પણ સુકાતો જોઈને હિમ્મતલાલ માસ્તરને કમકમાં આવી ગયા. તેમણે જોયું, નાનકડા તળાવનાં તળિયે મોટી તિરાડો પડી ગઈ હતી. વીરડા ખાલીખમ હતા. તળાવમાં ઢોરનાં બેચાર હાડપિંજર પડ્યાં હતાં. ખાલીખમ ખેતરોમાં દૂર સુધી એક તણખલું પણ દેખાતું નહતું. દઝાડતી લૂ સાથે અચાનક કોઈનાં આક્રંદના અવાજે તેમને વધુ દઝાડ્યા. રુદનની દિશામાં તેમણે દ્રષ્ટિ ફેરવતાં રણછોડ તેના બળદને વળગી ચોધાર રડતો જોયો. તેઓ લાંબી ડાફો ભરતા રણછોડ પાસે ગયા. પડખે બેઠેલા બીજા બળદને સંબોધી, “એ લખમણ, મારો રામ વયો ગ્યો રે. . . . ” કહી તેણે પોંક મુકી. હિમ્મતલાલે તેને વાંસે હાથ પસાર્યો. ઘડી પહેલાં હોળીની ઝાળ જેવો ગરમ સુસવાટા મારતો પવન પણ ઉદાસીપૂર્વક પડી ગયો. રણછોડનો ઠૂઠવો સીમને દઝાડતો રહ્યો.

“મૂંગા ઢોરને પાણી પાઉં. ” કહેતા હિમ્મતલાલ કૂવે ગયા અને થીજી ગયા. કૂવાનું તળિયું ભીનું પણ નહતું. રણછોડને સાંત્વના આપવા તેમની પાસે એક શબ્દ ન હતો. બે મનુષ્ય અને એક પશુએ આંસુ સારી સળગતી સીમમાં પોતાના જોડીદારનું ઊઠમણું કર્યું. હિમ્મતલાલના જડબાં તંગ થયાં.    

હિમ્મતલાલ માસ્તરે સમઢિયાળા ગ્રામપંચાયતનાં લેટરપેડ પર અરજી લખી સરપંચનો અંગુઠો લઈ, સિંચાઈ વિભાગમાં ચેકડેમ માટે અરજી કરી. નકલ ધારાસભ્ય, સાંસદ, જીલ્લાપંચાયત પ્રમુખને આપી. તાત્કાલિક સિંચાઈ વિભાગના ઈજનેરો સર્વે માટે આવ્યા, અને અઠવાડિયાંમાં તેમને કાર્યપાલક ઈજનેરનો ટેકનિકલ રિપોર્ટ મળી ગયો.

“સૂચિત સ્થળે એકપણ નદી નથી, નાના વોંકળાના રેતી અને માટીના કાચા અને ઘણાજ નીચા કાંઠા હોઈ ૦. ૭૫ મીટરનો ચેકડેમ બની શકે તેમ છે, તેમજ સૂચિત સ્થળે ઘણુંજ ઓછું સ્ત્રાવક્ષેત્ર હોઈ ખુબ ઓછો સંગ્રહ મળે તેમ છે. આથી બેનીફીટ:કોસ્ટ રેશિયો ૦. ૫૦ જ મળે છે. આમ સૂચિત સ્થળ ચેકડેમ માટે તાંત્રિક કે આર્થિક રીતે સક્ષમ નથી, આથી આ સ્થળે ચેકડેમ માટે વહીવટી મંજૂરીની દરખાસ્ત કરવામાં આવતી નથી. ”   

કચ્છ વિસ્તારના સાંસદશ્રીના અધ્યક્ષપદે પદાધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી, અધિકારીઓની ધારાસભ્યશ્રીની રજુઆતને અનુસંધાને સમઢિયાળા ગામની પાણીની સમસ્યા બાબતે તાકીદની મિટિંગ મળી. સરપંચશ્રી અને હિમ્મતલાલ માસ્તરે બધા કૂવા, ડંકી ડૂકી ગયાની, પશુઓના પણ નિભાવ માટે પિયતની જોગવાઈ ન હોવાનો વાસ્તવિક ચિતાર આપ્યો. સિંચાઈ વિભાગના અધિકારીઓએ આ ગામ નજીકની સિંચાઈ યોજનાથી ઘણું ઊંચાણ પર હોઈ ત્યાંથી તાકીદે નહેર દ્વારા પાણી પહોંચાડવાની અશક્તિ જાહેર કરી. પાણીપુરવઠા વિભાગના અધિકારીઓએ આ વિસ્તારમાં ૮૦૦ ફુટ થી ૧૦૦૦ ફૂટ સુધીના એકપણ બોરમાં પાણી ન નીકળ્યું હોઈ વધુ બોર કરવાનું નિરર્થક જણાવ્યું.

” ભૂતળ સાથે અમારા જીવ પણ ઊંડા ઊતરતા જાય છે. વતન, ઘરબાર છોડીને અમારે ક્યાં જવું ?” સરપંચને ગળે ડૂમો બાઝી ગયો. હિમ્મતલાલને સમઢિયાળાનું જહાજ ઝાંઝવાનાં જળમાં ડૂબતું જણાયું.

છેલ્લા વિકલ્પ તરીકે અંજાર નગરપાલિકાના ચીફઓફિસર સાથે ચર્ચા કરી સમઢિયાળા ગામે પાણીનાં ટેંકર મોકલવાનો ઠરાવ થયો.  

અડધી રાત્રે પાણીનું ટેંકર આવ્યું. લોકો સફાળા જાગી ઘરમાં જે મળે તે વાસણ હાથમાં લઈ ડૂબતો તણખલું ઝાલે તેમ, જીવ બચાવવા દોડતા હોય તેમ “એ પાણી આવ્યું. . . ”ની બૂમો પાડતા ગાંધીચોક ધસી ગયા અને પાણી માટે ઝપાઝપી, ધક્કામુક્કી, મારામારી, ગાળાગાળી કરવા લાગ્યા. ભરેલાં વાસણો લઈ ઘર તરફ દોડવા લાગ્યા. ખાલી કરી ટેંકર તરફ દોડવા લાગ્યા અને ફરી લાઈનમાં મૂકવા ચડસાચડસી કરવા લાગ્યા. વરસોનો સુલેહસંપ પાણીનાં ટીપાંના અભાવે પાણીનાં ટીપાંની જેમજ વરાળ થવા લાગ્યો.

જ્યારે ટેંકર પરત ગયું ત્યારે જાણે ધોધમાર વરસાદ વરસ્યો હોય તેમ ખાબોચિયાંઓ ભરાયા હતા. સંગ્રહ કરતાં વેડફાટ જાજો થયો હતો. હિમ્મતલાલ ભાંગેલા પગે ઘરે આવ્યા અને સવાર સુધી મટકું ન મારી શક્યા.

હિમ્મતલાલ અંજાર જઈ જરૂરી પાઈપફિટિંગ સાથે પ્લમ્બરને પણ લાવ્યા. પ્લમ્બરે સૂચના મુજબ અગાશીથી પાઈપફિટિંગ શરુ કર્યું. આ નવતર દ્રશ્ય જોઈ તેમના ઘર આગળ યુવાનો, વડીલોનું ટોળું ‘પાણીની લાઈન લેવાનો કે બોર કરવાનોતો સવાલજ નથી, તો આ તાયફો શું માંડ્યો છે?’ ના કૌતુકથી જમા થઈ ગયું.

ઘનુભાએ નેજવું કરી પાઈપસામે નજર માંડી, નાકનું ટીચકું ચડાવી કહ્યું, “આ શેના રમતરાડા માંડ્યા છે માસ્ત. . . . ર? કાંઈ વિગ્નાનના પરયોગ કરવાના છે. . . ?” બધા બાઘા જેવું હસ્યા.

હિમ્મતલાલ રણછોડનો ઠૂઠવો યાદ કરી બોલ્યા, “ઘનુભા, આગ લાગી ગઈ છે. પણ તે ફાટી નીકળે તે પહેલાં કૂવો ખોદું છું. યુદ્ધની તૈયારી હમેશાં શાંતિમાંજ થાય. ”

કશું નહીં સમજાતાં ચંદુભાએ વાતનો સૂક્ષ્મ મર્મ પકડવાને બદલે સ્થૂળ અર્થ કાઢતાં કહ્યું, “તમારા સાસરા ન્યાં કૂવા અગાશીમાં ખોદાતા હશે. માસ્તરને વૈશાખની ગરમી મગજ લગી પોગી ગઈ છ. ” બધા ખડખડ હસ્યા.

“વરસાદનું પાણી જમીનમાં ઉતારવાની તૈયારી કરું છું”

“ વરસાદ ક્યાં આવેછ બાપલા ? ખાલી પેટે વૈશાખી બપોરે તડકા લેવા રેવાદ્યો માસ્તર, ને રોંઢો કરી લ્યો. ને હાલો આપણેય રોંઢા ભેગા થાયેં. ”

માલધારીને અનુસરતા ઢોરની માફક કરશન પાછળ ટોળું બીડી ફૂંકતું, માવા ચોળતું, તમાકુ મોમાં ઓરતું, રસ્તા ઊપર તમાકુની પિચકારીઓ છોડતું ઘરતરફ ચાલ્યું. ટોળાંની નાદાનિયત પર હિમ્મતલાલે કરુણાથી માથું ધુણાવી, જોરથી ઉચ્છશ્વાસ છોડી ‘હે રામ !’ એટલુંજ બોલ્યા.     

સાંજે ગામને ચોરે માસ્તરનો કૂવો ચર્ચાનો વિષય હતો. જાતજાતના અભિપ્રાયોની છૂટપીટનો આનંદ લઈ બધા સમય પસાર કરી રહ્યા હતા. મહાબુદ્ધિમાન, ચતુરસુજાણો ભાતભાતના તર્ક લડાવી માસ્તરની મજાક ઉડાડતા એકબીજાને તાલી આપતા રહ્યા.  

“મૂરખો છે હાળો. . . ”

“હાળા આગળ પૈહા વધી પડ્યા છ. ”

“આયાં ક્યાં વરસાદ વરહેછ ? ‘તી આવાં ડીંડક કરતો હશે ?”

“એ. . . . . . . એના આંટા મુકાઈ ગ્યાછ. ”

“મુરખાને માથે શીંગડાં નો ઊગે, આવા અક્કલ વગરના ઉધામા કરે ઈ મુરખ. ”

બધા ખડખડાટ હસ્યા ત્યાં સામેથી માસ્તરને આવતા જોઈ “એલા, મૂંગા મરો, ઓલો ભણેશરી આઈવો. ” કહી અચાનક ચૂપ થઈ ગયા.  

અષાઢ મહિનો પણ અડધો કોરો ગયો. વરસાદ માટે યજ્ઞ અને કથાનું ગામે આયોજન કર્યું. ફંડફાળા થયા. હિમ્મતલાલે ગણ્યાગાંઠ્યા સમજુ લોકોને ભૂગર્ભજળસંગ્રહ કરવા સમજાવેલા તેઓએ આવા ખોટા ખર્ચા કરવા ઘસીને ના પાડેલ એમણે પણ કથા માટે ત્રણગણું દાન આપ્યું. નાનકડું ગામ ધર્મના અફીણની અસર હેઠળ દુકાળની ચિંતા સાવ છોડી ધુમાડાબંધ, એક રસોડે જમવા લાગ્યું. હવેતો સાંબેલાંધારે વરસાદ પડશેજ એ ખાત્રીએ ગ્રામજનોનાં હૈયામાં ઉત્સાહ ઉત્સાહ ભરી દીધો, જાણેકે સ્થળ ત્યાં જળ થઈજ ગયું હોય ! અખંડ ધૂન થઈ. મહારાજે દેડકાદેડકીનાં લગ્ન પણ કરાવ્યાં ! કથાને અંતે મહારાજે ગ્રામજનોના ભક્તિભાવની પ્રશંસા કરી. પ્રભુ અવશ્ય પ્રસન્ન થશે, સાંબેલાંધારે વરસાદ આવશે, તળ જીવતાં થઈ જશે, કૂવા છલી જશે, ખેતરો હરિયાળા થઈ જશે એવી ભગવાન વતી ખાત્રી આપી માતબર દક્ષિણા ગજવે કરી, રવાના થઈ ગયા.

“ હવેતો કથાનું ફળ આપ્યું નથી એટલીજ વાર સમજો. ” કહી લોકો માથું ખંજવાળતા દ્રષ્ટિ કરતા, તો વાદળી આકાશમાંતો શું ? ક્ષિતિજ પર પણ એક વાદળી દિવસો સુધી દ્રષ્ટિગોચર થતી ન હતી. એટલે મહાદેવનાં લિંગને પાણીની અંદર ડૂબાડી ઈશ્વરને ત્રાસ આપી વરસાદ મેળવવાના ગાંડાઘેલા પ્રયોગો પણ થયા. હવેતો કોઈ ઉપચાર બાકી નથી રાખ્યા, હવેતો વરસાદ આવ્યેજ છૂટકો છે.

રોજ ગ્રામજનો ક્ષિતિજ પર તાકી રહેતા અને કોરીધાકોર ક્ષિતિજ ગ્રામજનોએ ધર્મના પાયા પર ચણેલા આશાના મિનારા પત્તાના મહેલની માફક ધરાશયી કરતી રહી. બાળકથી વૃદ્ધ સુધી તમામ “આ વરહ કેમ કાઢશુ?” ના પ્રશ્ન સાથે મોડીરાત્રે આંખો મીચી શકતા. દર અઠવાડિયે એક બે મૂંગા જીવ તરસ્યાં જીવ ગુમાવવાનો ક્રમ ચાલુ થઈ ગયો. . . .

ગામમાં આજે સ્વાતંત્ર્યદિનની ઉજવણી હતી. સરપંચે ભીખુ પટ્ટાવાળાને ત્રણવાર માત્ર મહેમાનોનેજ પાણી આપવા સૂચના આપી હતી. હિજરતના ભય વચ્ચે કોઈજ ઉત્સાહ વગર સરવસ્તી હાઈસ્કૂલના મેદાનમાં તાલુકાપંચાયત પ્રમુખશ્રીએ ધ્વજવંદન કરાવ્યું, બધાએ ઢીલાઢાલા સ્વરે રાષ્ટ્રગીત ગાયું, પ્રમુખશ્રીએ અને સરપંચશ્રીએ ક્રિયાકાંડ જેવું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું, વહેલો વરસાદ આવે અને પ્રજાને રાહત મળે એવી પ્રાર્થના કરી. પછી વેશભુષા, દેશભક્તિગીતોના કાર્યક્રમ થયા. સંચાલક કાર્યક્રમનું સમાપન કરતા હતા ત્યાંજ હિમ્મતલાલ માસ્તર આંગળી ઊંચી કરી ઊભા થયા.

“ બોલો માસ્તર, કોઈ પ્રશ્ન છે ?”

”હું પણ બે શબ્દ કહેવા માગું છું. ”

અચાનક સભામાં ગરમી આવી ગઈ. સભામાંની બધી ટોપી, પાઘડી, સાફા, ઘુંઘટા. . . બધી નજરો હિમ્મતલાલ માસ્તર તરફ વળી.

ચંદુભાએ ટીખળ કરી,” હમણાં આકાશી કૂવાની ઊંચીઊંચી ફેંકશે. ” અચાનક હસાહસ થઈ ગઈ. ચંદુભા અને ઘનુભા બીડી ઠારી ઊભા થઈ ચાલતા થયા. સંચાલકની શાંતિથી બેસવાની વિનંતિ ધ્યાને લીધા વગર, ”અમને ગપ્પાબાજીમાં રસ નથી. ” કહેતા પાછળ બેઠેલા થોડા ગ્રામજનો માવાની પિચકારી મેદાનમાં મારતા, ગળફા થૂકતા સભા છોડી ગયા.  

હિમ્મતલાલ માસ્તર માઈક પાસે આવ્યા. સભામાં શાંતિ પથરાઈ ગઈ.

હિમ્મતલાલ માસ્તરે શરુ કર્યું,” મિત્રો, જે દિવસે રણછોડનો બળદ તરસ્યો મરી ગયો, અને ઠૂઠવો મૂકતા રણછોડને છોડી હું કૂવે પાણી સિંચવા ગયો, અને કૂવાનું તળિયું કોરુંકટ્ટ જોઈ મને આગ લાગી ગયાની એંધાણી મળી ગઈ હતી. એ પછી આ દોઢ મહિનામાં તમારાં કેટલાં ઢોર મરી ગયાં ?”

થોડી આંગળીઓ ઊંચી થઈ.

“આજે તમારે કેટલા ઘરે ડંકીમાં પાણી ઉલાળે આવે છે ?”

ત્રણ ચાર આંગળીઓ માંડ ઊંચી થઈ.

“ તમને ખબરજ છેકે આપણાં ભૂતળ ડૂકી ગયાં છે. સિંચાઈ વિભાગના ઈજનેરોએ સર્વે કરી જણાવ્યું કે આપણા ગામે ચેકડેમ બાંધી શકાય તેમ નથી. આપણી કરમકઠણાઈ એછે, કે ઊચાણવિસ્તારને કારણે નજીકના ડેમમાંથી તાબડતોબ નહેર ખોદી પાણી લાવીજ શકાય તેમ નથી. પાણીપુરવઠા વિભાગે નવો બોર કરવાની ના પાડી દીધી છે. એટલે આપણે ટેંકરો ચાલુ કરાવ્યાં છે. આ ટેંકરોમાં તમારું વરસ નીકળશે ?”

“ના. . . . ” સભામાંથી પોકારો ઊઠ્યા.

“ ઢોરઢાંખર નભશે ?”    

“ના. . . . ” સભામાંથી ફરી પોકારો ઊઠ્યા.

“તમે કથા કરાવી, યજ્ઞ કર્યો, દેડકાદેડકીને પરણાવ્યા, મહાદેવનું લિંગ પાણીમાં ડૂબાડી ભગવાનને ત્રાસ આપ્યો, અખંડ ધૂન કરી અને કથાકારે સાંબેલાંધાર વરસાદની ખાત્રી આપી, છતાં ક્ષિતિજ પર પણ વાદળી ન દેખાણી. પણ તમારા દાનપુણ્યથી વરુણદેવતા રીઝે તો એનું હેત ઝીલવાની તૈયારી તમે કરી છે ?” 

“જેમ વા વા’ય એમ મેહ વરસે,એમાં શું તૈયારી કરવાની ?” પ્રશ્નોની એક્સામટી ગોફણો છૂટી.

“બસ, એટલેજ બે વખત વરસાદ છતાં તમારી ડંકીઓ ડૂકેલી છે અને મારી ડંકી જીવતી થઈ ગઈ છે. ”

બધા પ્રશ્નસુચક પરસ્પર જોઈ રહ્યા.

“મારે ઘરે પાઈપનું કામ ચાલુ હતું ત્યારે મેં કહેલું, ”આગ ફાટી નીકળે તે પહેલાં હું કૂવો ખોદું છું. ” ત્યારે તમે મારી મજાક ઊડાડેલી. પણ મેં મારી, રામજીઅદાની અને છગનબાપાની અગાશીનું પાણી ડંકીમાં વાળ્યું, અને આમ ચોમાસાંનાં ઓવારણાંય લીધા અને ચોમાસાનું વાવેતર પણ કર્યું. આ મારી કોઈ મંત્ર વગરની અને ૧૦૦ ટકા ફળ આપે એવી પ્રાર્થના હતી, પરિણામે અષાઢ ત્રણેય અગાશીઓમાંથી ગંગા, યમુના અને સરસ્વતી સ્વરુપે પાઈપ વાટે ડંકીમાં ઝીલાયો. ફાયદો એ થયો, કે અમારે ટેંકરનું પાણી ભરવાના દોડા અને ઉજાગરા કરવા પડતા નથી. “

“મેં તો કરશનને, મગનને, હનીફને, અબ્દુલને. . . ઘણાને કહ્યું. તમારી પાસે કથાના, યજ્ઞના, જમણવારના પૈસા છે, પણ આ મામુલી ખર્ચ તમને પોસાતો નથી. કથાનો પરસાદ ન ઢોળાય એની કેટલી ચીવટ રાખો છો ? તો વરસાદ એ પણ વરુણદેવનો પરસાદ છે. આ પરસાદ તમે ઝીલ્યો હોત તો તમારી ડંકી પણ જીવતી થઈ ગઈ હોત. ”

“સરકારે આપણી ગ્રામપંચાયતમાં મીઠાં પાણી માટે મોંઘોદાટ આર. ઓ. પ્લાંટ નાખી આપ્યો છે. આ પાણી તમે ઘરે ઢોળી નાખો છો ?”

”ના રે ના. . . મીઠું પાણી કાંઈ ઢોળી નખાય ?” એકસામટા કોરસમાં પ્રત્યુત્તર વળ્યો.

“દરિયાનાં ખારાં પાણી તપાવી, એનાં વાદળ બંધાવી, વરસાદ રુપે ભગવાન મીઠું પાણી આપે છે. તો તમે ક્યારેય એ વિચાર્યું, કે કુદરતના આ મહાન આર. ઓ. પ્લાંટનું મીઠું પાણી વેડફાય જ નહીં ?”

બધા ચુપ થઈ ગયા. હવે બધાને માસ્તરની વાતમાં રસ પડતો જતો હતો. બધા સમજ્યા અને તાળીના ગડગડાટ થયા.      

“મારે તમારી તાળીઓ નથી જોઈતી, અમલ જોઈએ છે. ” માસ્તરે રોકડું પરખાવ્યું. ” બોલો, કેટલા તૈયાર છે ?”

ફરી સભામાં શાંતિ પથરાઈ ગઈ.

“તમે જેમ વરસાદ માટે ઘીના ધુમાડા કરી યજ્ઞ કર્યો, તેમ મારે ઘરે મેં પણ પર્જન્ય યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં જોડાવા કોણ તૈયાર છે ? જોડાય તેને મારા તરફથી ૫૦૦ રૂપિયા ઈનામ. ”

બધા એક્મેક સામે જોવા લાગ્યા. થોડો ગણગણાટ થયો. પહેલો હાથ સરપંચે ઊંચો કર્યો. પછી બીજા થોડા હાથ ઊંચા થયા. નટુ પ્લમ્બરે જાહેરાત કરી,” ગામમાં ટપકતા બધા જાહેર નળ હું રિપેર કરી આપીશ અને જેને ધરે નળ બદલવાના, રિપેર કરવાના હશે તે મફત કરી આપીશ. ” સભામાં શાબાશીના સૂર છૂટ્યા.

રવજી માસ્તરે કહ્યું,” નિષ્ણાંતો આગાહી કરે છે, કે ૩ જું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે. પણ તમને ટેંકરના પાણી માટે લડતા જોયા ત્યારે લાગ્યું, જાણે વિશ્વયુદ્ધ શરુ થઈ ગયું. ”

પોતાનીજ મજાક ઊપર બધા ખડખડ હસ્યા અને તાળીઓ પાડી.

ચર્ચાના સમાપનમાં આચાર્ય ઝવેરી સાહેબે કહ્યું,” આપણું અસ્તિત્વજ પર્યાવરણની જાળવણી પર આધારિત છે. પણ મીઠાં પાણીની જાળવણી વગર પર્યાવરણની જાળવણી કઈ રીતે થઈ શકશે? પ્રુથ્વી પર ૯૭% ખારું પાણી છે, બાકી ૩% મીઠું પાણી છે, જે પૈકી 2% ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર થીજેલું છે, બાકીનું 1% પાણી મનુષ્ય, પ્રાણીજગત માટે વધે છે. જેમાનું અર્ધું દરિયામાં વહી જાય છે અને બાકી ½ % પાણીજ આપણી પાસે બચે છે. મીઠું પાણી હશે તો વૃક્ષ ઉગશે અને વૃક્ષ ઉગશે તો કાર્બન ડાઈ-ઓક્સાઈડ શોષી આપણને ઓક્સીજન આપશે, અને તો પર્યાવરણ શુદ્ધ થશે. જો મીઠું પાણીજ નહીં હોય તો ? ”

સભાખંડનું વર્ગખંડમાં રૂપાંતર થઈ ગયું. નવીજ માહિતીથી બધા સ્તબ્ધ હતા. આ ½% આ વળી નવી ચિંતા.

“આપણી સામેતો કુદરતનો પડકાર છે. ચેકડેમ બને એમ નથી, નહેર આવે તેમ નથી, પાણીનાં તળ રૂઠ્યાં છે, સરકારના હાથ હેઠા પડ્યા છે. આ પડકાર સામે શરણાગતિ સ્વિકારી લેવી એ નિર્માલ્યતાની નિશાની છે. હિમ્મતલાલ માસ્તરે આ પડકાર ઝીલી લીધો, એનાં પરિણામ અપણી સામે છે. આપણા ઉપનિષદમાં મડદાંને બેઠાં કરી દ્યે એવી વાત કરી છે,’આ મારા હાથ ભગવાનથીયે ચડિયાતા છે. આ ભગવાનથીયે ચડિયાતા હાથ એટલે શું એ ઈઝરાયેલે સાબિત કરી આપ્યું, જ્યાં વરસે 4-5 ઈંચ વરસાદ પડે છે ત્યાં રણમાં પ્રજાએ નંદવંદન ખડું કર્યું. આપણે 500 જણા ભેગા થઈએં એટલે આપણે પણ હજાર હાથવાળી સરકાર ગણાઈએં. અને એના નેતા આપણા હિમ્મતલાલ માસ્તર. ”

બધાએ તાળીના ગડગડાટથી વાત વધાવી લીધી.

“બધા લાકડીનો ટેકો આપે તો ગોવર્ધન પર્વત પણ ઉપાડી શકાય, કારણ એનો ઊંચકનારો આપણી અંદરજ બેઠો છે. ધરતીતો આપણું પોષણ કરનારી મા છે. પણ આપણે તેને શું આપ્યું તે ક્યારેય વિચાર્યું ?આજે ઋણઅદાયગીનો અવસર આવી ગયો છે. જો તમારે વતન છોડીને હિજરત ન કરવી હોય તો હિમ્મતલાલ માસ્તરના પર્જન્ય યજ્ઞમાં જોડાઈ જાવ. હજી ચોમાસાંના દોઢ મહીના બાકી છે. અત્યારે આજ આપણું ‘જન ગણ મન’, આજ ‘વંદે માતરમ’ અને આજ ‘ભારતમાતાકી જય’! આજે તમે તમારી અંધશ્રદ્ધા, વહેમ, નિરાશા,આળસ, પરાવલંબનમાંથી મુક્ત થાઓ એજ સ્વાતંત્રય દિનની ઉજવણી !!”

બધાના મનમાં ઉજાસ ઉજાસ થઈ ગયો. કથા કરતાં તેમને આ બે શિક્ષકોની વાત વધુ અસર કરી ગઈ. બે શિક્ષકોએ એક કલાકમાં અભણ, અર્ધશિક્ષિત પ્રજાની વિચારધારા ધરમૂળથી બદલી નાખી. આ પ્રાંગણમાં આટલી તાળી ક્યારેય પડી ન હતી. કાર્યક્રમ પૂર્ણ થયો. વિદ્યાર્થીઓ હિમ્મતલાલ માસ્તરને ઘેરી વળ્યા, “સર, ઓટોગ્રાફ. . . . ”

હિમ્મતલાલ માસ્તરે ખડખડ દાંત કાઢ્યા. ”અરે બેટા, મારો ઓટોગ્રાફતો તમારી નોટમાં બે દાયકામાં જર્જરિત થઈ નાશ પામશે. ઉપરવાળો યુગોથી એના આર. ઓ. પ્લાંટમાથી મીઠું પાણી આપણી અગાશી પર જલધારા સ્વરુપે વરસાવે છે, એ એનો ઓટોગ્રાફ જ છે. શ્રાવણ મહિનો બેસી ગયો છે, આ વરુણદેવના ઓટોગ્રાફનો મહિનો છે. વરસાદ આવે તે પહેલાં યુદ્ધના ધોરણે આ ઓટોગ્રાફ ઝીલવાની તૈયારી કરો. હું તમારે ઘરે પાઈપમાંથી અવતરતી ગંગાનું આચમન કરી પછી તમને ઓટોગ્રાફ આપીશ. ”

વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયાં. . . . હિમ્મતલાલ માસ્તરની આંખમાં પણ. . . . . . .

ઝવેરી સાહેબ આ દ્રશ્ય જોઈ ભાવવિભોર થઈ ગયા. આ ક્ષણ તેમને મળેલ મહાન ઓટોગ્રાફ હતી !


Rate this content
Log in