ડુગડુગી
ડુગડુગી


"તમારી નવી વહુ કેમ છે રાધિકાબહેન ?"
"લક્ષ્મી છે, લક્ષ્મી. વહેલી સવારે ઊઠી જાય છે. ઘરના દરેક સભ્યોની સેવા મન લગાવી કરે છે. એના હાથનું જમણ જમી તો જુઓ. આંગળી ચાટતા ન રહી જાઓ, તો મારું નામ બદલી નાખજો. ઘરની સાફસફાઈ તો એવી કરે કે આખું ઘર ચળકતું કરી મૂકે. કપડાઓ એવા ધોઈ, ઈસ્ત્રી કરે કે લાગે કે લોન્ડરીમાંથી જ આવ્યા હોય. એમનું ચા,પાણી પણ હવે એજ સંભાળે છે ને રાત્રે ઊંઘવા પહેલા મારા પગ પણ દબાવી આપે. બોલો આવી વહુ મળે કોઈને ? અમારા તો ભાગ્યજ ખુલી ગયા. એના પગ ઘરમાં પડ્યાજ કે આખું ઘર સ્વર્ગ બની ગયું. "
***
" દીપકભાઈ આપનો દીકરો ચિરાગ શું કરે છે ? "
" મારો દીકરો તો મારા કુટુંબનું ગૌરવ છે. બોર્ડમાં ૯૩ % લાવ્યો. એને જન્મ આપી ને તો અમે ધન્ય થઇ ગયા. કેવો કહ્યાગરો છે ! પિતાનો પડ્યો બોલ ઝીલે છે. સાઈન્સમાં એડમિશન કરાવ્યું છે. આપ જોજો ને. આપણા સમાજનો પહેલો ડોક્ટર મારા ઘરમાંથીજ નીકળશે. "
***
" ચંદુ, ત્રણનો ઘડીયો સંભળાવ. "
આખા વર્ગની વચ્ચે માસ્ટરજીએ પોતાની પસંદગી કરી એ વાતનો ગર્વ લેતા લેતા હોંશિયાર ચંદુ ત્રણનો ઘડીયો એકજ શ્વાસે બોલી ગયો.
" શાબાશ ચંદુ. બાળકો, પરીક્ષા માટે એકથી ત્રણના ઘડિયા બરાબર યાદ કરજો. અભ્યાસક્રમમાં આ વખતે ત્રણ સુધીનાજ ઘડિયા છે. સમજ્યા ? "
બધાજ સહપાઠીઓના અવાજમાં ચંદુનો અવાજ પણ જોરશોરથી ઉત્સાહ જોડે ભળી ગયો.
" જી, માસ્તરસાહેબ."
***
મદારી એ ડુગડુગી હવામાં ફેરવી અને એમાંથી નીકળેલા સ્વરથી સામે બેઠા વાંદરામાં સ્ફૂર્તિ અને ચેતનાનું પૂર આવ્યું હોય એમ એ એક સ્થળેથી બીજે સ્થળે ઠેકડા ભરતો, ગુલાંટી લેતો, જાતજાતના ને ભાતભાતના કરતબો દેખાડવા માંડ્યો. માલિકના ઈશારે નાચતો એ વાંદરો તરતજ લોકોના ધ્યાનનું કેન્દ્ર બન્યો. તાળીઓના કલબલાટ જોડે જોતજોતામાં મદારીની ઝોળી પૈસાથી ભરાઈ રહી. મદારીની આંખોમાં વાંદરા માટે ઉતરી આવેલો સ્નેહ અને પ્રેમ એવો ઊંડો લાગતો હતો જાણે એ વાંદરો એનું સંતાન જ હોય !
થોડા દિવસો પછી........
"રાધિકા બહેન, વહુ કેમ છે ?"
રાધિકા બહેને કારેલા જેવું કડવું મોઢું કરી હૈયાની દાઝ ઠલવી. " વાતજ જવા દો તમે. અમે પણ તો સાસરું વેઠ્યું છે. સાસુ સસરાની સેવામાં જીવન ખર્ચી નાખ્યું. ઉફ્ફ તક ન કરી અને આ નવી પેઢી. પોતાને શું સમજે છે ? ઘર પડતું મૂકી આમ નોકરી કરવા જવાતું હશે. બપોરનું ભોજન ઢાંકીને મૂકી જાય ને સાંજનું ભોજન આવે પછી તૈયાર કરે. બાકી ઘરના કામ માટે કામવાળી રાખી છે મેમસાહેબે. સમજી લો ધર્મશાળામાં રહીએ છીએ. પણ દીકરોજ બૈરીનો ગુલામ હોય તો ફરિયાદ પણ કોને કરવી ? "
***
" દિપક ભાઈ ચિરાગનો અભ્યાસ કેમ ચાલે છે ?"
"નામ જ ન લો એ નાલાયકનું. કુટુંબનું નાક કપાવા બેઠો છે. કેટકેટલા ત્યાગ કર્યા એના માટે, એના ભવિષ્ય માટે..... કેટલી આશાઓ સેવી હતી, કેટલા સ્વપ્નો સેવ્યા હતા.... અને એ હરામખોર... કહે છે મને આર્ટ્સ લેવું છે, સાહિત્ય ભણવું છે. મેં પણ કહીજ દીધું મારા ઘરમાં રહેવું હોય તો સાયન્સ નહીંતર.... "
***
માસ્ટરજીએ ચંદુનો કાન આખા વર્ગની સામે મરોડ્યો. કાનમાં ઉપડેલા દુખાવા અને વર્ગની સામે થયેલ ફજેતીથી ચંદુના ગોળમટોળ ચ્હેરા ઉપર આંસુની ગંગા જમુના ઉતરી આવી. માસ્ટરજીએ પરીક્ષાપત્ર ચંદુના મોઢા ઉપર ફેંક્યું. તને કહ્યું હતું ને ફક્ત ૧ થી ૩ સુધીનાજ ઘડિયા અભ્યાસક્રમમાં છે. આ જવાબ સાચો લખ્યો હોત તો પુરા ગુણ મળ્યા હોત. "
ડુસકા ભરતા, રડમસ આંખો વડે ચંદુ પરીક્ષા પત્રમાં જાતે લખેલ જવાબ નિહાળી રહ્યો.
૬ = ૬×૧
કાશ કે એણે પણ બધાની જેમ 3×૨ લખ્યું હોત .....
***
મદારીએ પથ્થરનો છુટ્ટો ઘા કર્યો અને સામે બેઠા વાંદરાનું માથું લોહીલુહાણ થઈ ગયું. પોતાના જાની દુશ્મનને નિહાળતો હોય એમ દાંત ભીંસેલા, લાલચોળ ચહેરા જોડે વાંદરાને એક અંતિમ વાર ધૃણાથી તાકી એને રસ્તા વચ્ચેજ મરણીયા હાલતમાં છોડી મદારીએ પોતાની ડુગડુગી ઉઠાવી ચાલતી પકડી. વાંદરાને પોતાના કર્મોની સજા મળી. હવે મદારીના ઈશારે નાચવાનું એણે બંધ કરી દીધું હતું !