અપરાધ
અપરાધ
વૉટ્સ એપ્પ ઉપરનો સંદેશો એણે ફરી એક વાર ધ્યાનથી વાંચ્યો. સાથે આપેલ નંબર ઉપર ફરી એની આંખો વિહ્વળતાથી ફરવા માંડી.
ફોન કરવો કે નહીં ? ફરી મનમાંથી અવાજ ઉઠ્યો. કરી નાખ. વાત તો કરી જો... એ વિચાર આગળ વધે એ પહેલાજ મન પલ્ટી ગયું. નહીં..નહીં...આમ કોઈ અજાણી વ્યક્તિ આગળ...
ફોન એણે નજરથી દૂર કરી નાખ્યો. અંધકારભર્યા ઓરડામાં એ ફરી પોતાની પથારીમાં લપાઈ ગયો. શયનખંડની બારી ઉપરનો પરદો અંતિમ બે દિવસથી ચુસ્ત પોતાની ફરજ નિભાવી રહ્યો હતો. સૂરજની એક પણ કિરણ ઓરડાની અંદર એણે પ્રવેશવાની અનુમતિ આપી ન હતી.
પથારી પર હાજર શરીરને એ મંજુર ન હતું. હોમ ક્વારન્ટાઇન ફરજ કરતા બહાનું વધુ હતું. કોઈને પણ ન મળવા માટે, કોઈની પણ જોડે વાત ન કરવા માટે, કોઈના પણ પ્રશ્નોનો ઉત્તર ન આપવા માટે. એક અપરાધી જેમ એણે પોતાના શરીરને એ શયનખંડમાં કેદ કરી લીધું હતું. પોતે આજ સજાને લાયક હતો. એક નિષ્ફ્ળ મનુષ્ય. એક હત્યારો.
દરવાજાની બહારથી આવતા પરિવારનાં અન્ય સભ્યોની સાદમાં એના અંગેની ચિંતા, પ્રેમ અને દરકાર પડઘો પાડતા. પણ પોતે એ ચિંતા, પ્રેમ અને દરકારને જરાયે લાયક ન હતો. એ બધાની આશ પર એણે પાણી રેડી મૂક્યું હતું. આંખોમાંથી વારંવાર છલકાઈ ઉઠતા ખારા સમુદ્રથી પથારી પણ ભીની થઇ ચુકી હતી. અંતિમ બે દિવસથી ન એણે કોઈને ઓરડાની અંદર પ્રવેશવાની અનુમતિ આપી હતી, ન પથારી ઉપરની ચાદર બદલી હતી, ન જમ્યો હતો, ન ઊંઘ્યો હતો.
અંધારા ઓરડામાં એને સુરક્ષિત હોવાનો અનુભવ થતો હતો. એના હૃદયનો કાટમાળ અહીં કોઈની નજરે ચઢી શકે નહીં. પોતાની નિષ્ફ્ળતા ભલે અહીં પોતાની જોડે દટાયેલી રહેતી.
ઓરડાની બહાર જઈ શું કરવાનું હતું ?
'લાઈફ મસ્ત ગો ઓન '
ભાષણોમાં જ આ શબ્દો સુંદર લાગે.
જીવન.
કેવું જીવન ?
જેની પાછળ સમય, ઉર્જા, લાગણીઓ, પૈસા સતત વહાવ્યા કરો. જેના માટે આંધળી દોડધામ કર્યા કરો અને એકજ ક્ષણમાં જે દગો આપી જતું રહે. એટલું દૂર કે જ્યાં કોઈ પહોંચીજ ન શકે. ગમે તેટલી સાદ પાડો,પરત કોઈ ઉત્તર ન આપે. એક અનંત રાહ. બીજું કશુંજ નહીં.
કેટલું વિચિત્ર છે આ સત્ય ! અને એજ એક માત્ર સત્ય છે. તો શું જે થઇ રહ્યું છે એ બધુંજ મિથ્યા છે ? ભ્રમણા છે ? આ બધી દોડભાગ પછી અંતે શું ? કશુંજ નહીં ? તો પછી નકામી દોડભાગ શા માટે ?
વિચારોનાં અણુ ફરી એના મગજમાં ધડાકા કરવા લાગ્યા. એવું લાગી રહ્યું હતું માથું ફાટી પડશે. ધડકતા હ્રદય અને ધ્રુજતા કાળજા જોડે એ પથારી છોડી ઉભો થઇ ગયો. એનો ચહેરો પરસેવે રેબઝેબ હતો. ઊંડા શ્વાસ ખેંચતા એણે મોબાઈલ પડખેના ટેબલ ઉપરથી ઊંચકી લીધો. વોટ્સ એપમાં જઈ ફરીથી સંદેશો વાંચ્યો. શબ્દેશબ્દ. એજ આંકડાઓ ફરી નિહાળ્યા.
કપાળ ઉપરથી પરસેવો લૂંછતા આખરે કીપેડ ઉપર આપેલા આંકડાઓ ધીમે ધીમે દબાવ્યા. શયનખંડના બારણે ફરી ટકોરા પડ્યા. પણ એ ટકોરા અવગણના જગતમાં સમાઈ ગયા. ટકોરા પાડી રહેલા હાથ નિરાશ બની શાંત થયા.
કોઈ અજાણ્યા વ્યક્તિનાં વોટ્સએપ કોલ જોડે જોડાણ થવાનો પ્રયાસ થઇ રહ્યો હતો.
ઓકવર્ડ... ! વિચિત્ર... ! એ જ ભાવના જે બે દિવસથી સતત અનુભવાઈ રહી હતી. જાણે કે કોઈ ભયાનક સ્વપ્ન હશે. નથીંગ બટ એ નાઇટમેર ! કદાચ જાગીશું અને બધુંજ પહેલાં જેવું હશે. સામાન્ય, ક્રમબદ્ધ, નિશ્ચિત... કાશ...
એક ઊંડો નિસાસો ભારે ડૂમા જોડે અનુસર્યો. નાકમાં ભેગું થયેલું પાણી નાકનાં ટેરવાં જોડે હલનચલન પામી એક મંદ સ્વર સ્વરૂપે ઓરડાનાં ઘટ્ટ અંધકારમાં ઓગળી ગયો. ભારે સૂઝેલી પીડાદાયક કાળી આંખો સિવાય એનું કોઈ સાક્ષી ન હતું.
" હૅલો...."
સામે છેડેથી બોલાયેલા શબ્દથી એ ચોંક્યો. આગળ શું ? કઈ બોલે કે પછી... કોલ કાપી નાખવા એની ધ્રૂજતી આંગળી આગળ વધી જ કે સામે છેડેથી વાત આગળ વધી.
"આપનું નામ ?"
થોડી સેકન્ડ માટે એ સ્તબ્ધ થયો. સામે છેડેથી ફરી પ્રશ્ન પુનરાવર્તિત થયો.
"જી આપનું નામ ?"
"મહંત" આખરે એક શબ્દ એનાં મોઢામાંથી ધીમે રહી બહાર નીકળ્યો.
"આપની આયુ ?"
"૨૫ વર્ષ" એનાં અવાજમાં ધ્રુજારી અનુસરી.
"એ આપના કોણ હતા ?"
"પપ્પા" એ શબ્દ જોડેજ મનમાં સંગ્રહી રાખેલું તુફાન અશ્રુઓનાં વહેણ જોડે બહાર ઉમટી પડ્યું.
સામે છેડેથી પ્રશ્નાવલી થંભી ગઈ. એ ફક્ત એક પૉઝ કે વિરામ ન હતો. એક અવકાશ હતો. મનનો બધોજ ભાર હળવો કરવાની તક આપવા માટેનો. એજ તો ધ્યેય હતું આખરે. આંખો ઉપર હાથ ફેરવી બાકી રહેલા બધાંજ આંસુ એકસાથે સારી નાખવાનો એણે પ્રયાસ કર્યો. એક ઊંડા શ્વાસ જોડે એણે આખરે વાત આગળ વધારી.
"એ ફક્ત મારા પપ્પા ન હતા. મારા હીરો હતા. જેમણે મને દરેક જીવન પડકારનો સામનો કરતા શીખવ્યું હતું. હાર તો કદી એમનાં શબ્દકોશમાં હતીજ નહીં. એમણે જીવનના દરેક તબક્કે મારો સાથ આપ્યો. મારાં દરેક સ્વપ્ન હકીકતમાં ફેરવવા માટે માર્ગદર્શન આપ્યું. હાર હોય કે જીત. સફળતા હોય કે નિષ્ફ્ળતા. એમણે કદી મારો હાથ છોડ્યો નહીં. હંમેશા મારી પડખે રહ્યા. ને હું એમનાં માટે કંઈજ કરી ન શક્યો. એમને સમયસર ઑક્સિજન મળ્યું હોત તો... હું એમનો અપરાધી છું. આ અપરાધભાવ જોડે હું જીવી ન શકીશ. હું એક નિષ્ફ્ળ પુત્ર છું. મને જીવવાનો કોઈ અધિકાર નથી."
ધ્રુસકે ધ્રુસકે રડી રહેલા યુવકને હળવા થવા થોડી ક્ષણોનો પરિપક્વ અવકાશ ફરી પૂરો પાડવામાં આવ્યો.
"માનવી જ્યાં વિવશ હોય ત્યાં અપરાધ હોતો જ નથી. સાચો અપરાધ તો આંખો આગળની ફરજને પીઠ બતાવવી એ છે. જે માનવીના હાથમાં હોય છતાં જે અંગે અભાનતા સેવે નિષ્ફ્ળતા તો ત્યાં છે. મેદાન છોડીને ભાગી જનારથી મોટો અપરાધી અન્ય કોઈ નહીં અને અંત સુધી લડનારથી મોટો શૂરવીર કોઈ નહીં. તમે તમારા પિતા માટે અંત સુધી લડ્યા. આશા રાખું આ શૂરવીર હવે મેદાન છોડવાનાં અપરાધમાં ન જ પડશે. "
સામે છેડેથી કોલ કપાઈ ગયો.
એણે બન્ને હાથ કડક કરી ચહેરા ઉપર હાથ ફેરવ્યો. પથારી છોડી ઉભો થયો. શયનખંડની બારીનો પરદો એક તરફ હડસેલ્યો. પ્રકાશની કિરણોથી આખો ઓરડો ઝળહળી ઉઠ્યો. ધીમે રહી આગળ વધી એણે શયનખંડનો દરવાજો ખોલ્યો. બેઠકખંડ તરફથી મા અને નાનો ભાઈ દોડતા આવી એના ગળે વળગી પડ્યા. એણે બન્નેના માથે હેતથી હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું,
" બહુ ભૂખ લાગી છે. ચાલો જમી લઈએ. "
બીજે છેડેથી કોલ કાપી ૬૫ વર્ષની આયુના વૃદ્ધ પુરુષે ધીમે રહી નજર સામેની ભીંત ઉપર માંડી. પોતાના યુવાન પુત્રની તસ્વીર ઉપર ચઢાવેલી હારમાળા હવાની લહેરથી અહીંથી ત્યાં ઝૂલી રહી હતી. હૃદયના દર્દી હોવાથી એમને ઘરેજ રહેવાની ફરજ પાડવામાં આવી હતી. છતાં આઈ. સી. યુ.ની પથારી ઉપર અંતિમ શ્વાસ લઇ રહેલ પોતાના જુવાનધોધ દીકરાની છબી કલ્પના શ્રુષ્ટિ ઉપર વારેઘડીએ તરી આવતી.
તબીબોની ચેતવણી જાણે ઘરે બેઠા હજી કાનમાં સતત ગુંજતી રહેતી.
"એક કલાક જેટલોજ ઓક્સીઝ્ન સપ્લાય બચ્યો છે........ત્યાર બાદ...."
એ એક કલાક પાછો આંખ આગળ ટીક ટીક કરતો પસાર થવા લાગ્યો. એક એક શ્વાસ માટેનો સંઘર્ષ ફરી નજર આગળ ભજવાઈ રહ્યો. કાશ કે એની પાસે કાશ કે .હું કાશ કે...
આંખોની ભીનાશની માત્રા વધે એ પહેલાંજ વોટ્સએપ ઉપર ફરી કોઈ અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો. એમણે શીઘ્ર આંખો સાફ કરી ચશ્મો ચઢાવ્યો.
"હેલો..."
સામે છેડેથી ફક્ત ડૂસકાંઓ સંભળાઈ રહ્યા હતા.
"આપનું નામ ?" એમણે ફરી એકવાર પ્રશ્નાવલી આરંભી.
સામે છેડેથી ઉત્તર થકી આખરે વાર્તાલાપની શરૂઆત થઇ.
એ નવો કોલ પણ વોટ્સએપ ઉપર એમણે અપલોડ અને ફોર્વડ કરેલ મેસેજ વાંચ્યા પછી જ આવ્યો હતો.
' જો આપે કોવીડ હાડમારીમાં સ્વજન ગુમાવ્યા છે. આપની વેદના અસહ્ય છે. તો અમને કોલ કરો. અમારી સાથે વાત કરો. આપનો પરિચય અને પીડા અંગત રાખવાની ફરજ અમારી છે. '
