mariyam dhupli

Tragedy Thriller

4  

mariyam dhupli

Tragedy Thriller

કર્મ

કર્મ

3 mins
255


અંતિમ કેટલાક દિવસોથી વર્કલોડ વધી ગયું હતું.

ઉપરથી ઉનાળાની ધક્ધક્તી આગ શરીરને બાળી રહી હતી. સવારે સાત વાગ્યેથી અચૂક કામ ઉપર લાગી જવાનું તે છેક રાત્રે એકાદ વાગે સુધી સતત કામ જ કામ. ગયા વર્ષનો ઉનાળો જુદોજ હતો. કામ તો દર વર્ષે હોયજ. એ વર્ષે પણ હતું. પણ આ વખતનો ઉનાળો કામનું પૂર લઈને આવ્યો હતો. આખો દિવસ બળબળતા તાપમાં ઊભાં પગે દોડધામ કરતા રહેવાનું. જમવાનો તો સમય જ ન મળતો. ને જો સમય મળી પણ જાય તો ગળે કોળિયો ઉતરતોજ ક્યાં હતો ? ગરમાગરમ વાતાવરણમાં સૂકું થયેલું ગળું ફક્ત પાણીની જ યાચના કરતું. થોડા ઘૂંટડા પાણીથી તાજગી અનુભવાતી અને બીજીજ ક્ષણે ફરજ એને પોકારતી. એક પછી એક. ફક્ત અલ્પવિરામ, પૂર્ણવિરામ કશેજ નહીં. 

તાપમાનનો પારો એના કાર્ય જોડે વધુ ઊંચે ઉઠતો. શરીર પરસેવે રેબઝેબ થઈ જતું. કપાળ ઉપરથી સરકતા પરસેવાના દાઝતા ટીપાઓ કાનની પાછળની ચામડી બાળતા ભોંય ભેગા થતા રહેતા. વારેવારે શ્વાસ લેવામાં તકલીફ થતી. ક્યારેક મન થતું બધુંજ કામ પડતું મૂકી ભાગી છૂટે. પણ આ એનું કર્મ હતું. કર્મ એજ ધર્મ. 

શ્વાચ્છોશ્વાસ અત્યંત ભારે થતા એ થોડા સમય માટે નજીકની દીવાલ ઉપર શરીર ટેકવીને બેસી પડ્યો. નજર ઉપર આકાશ તરફ ઊઠી. જાણે કોઈ ઉત્તર શોધતો હોય એમ એની નજર અહીંથી ત્યાં હીંચકા ખાઈ રહી. પણ ઉનાળાની ધક્ધક્તી ગરમ જ્વાળાઓ વચ્ચે આકાશ પણ જાણે બળીને રાખ થઈ ગયું હતું. 

એણે નજર નીચે ખેંચી લીધી. સામે તરફની કતાર ઉપર એની આંખ કોઈ પણ હાવભાવ વિહીન ચોંટી ગઈ. એ ભીડ થોડા સમય માટે જાણે દ્રશ્ય ઈન્દ્રિય ઉપરથી આલોપ થઈ ગઈ ને ત્યાં પોતાનો પાંચ વર્ષનો દીકરો રંગલો ઊભો દેખાયો. 

" બાપુ ક્યારે આવીશ ?"

રંગલો જાણે બે હાથ પસારી એને બોલાવી રહ્યો હતો. ઘરે આવવા વિનંતી કરી રહ્યો હતો. આજે એનો જન્મદિવસ હતો. 

ગયા ઉનાળે કેવા ધૂમધામથી એનો જન્મદિવસ મનાવ્યો હતો. એક દિવસ રજા લઈ લીધી હતી. એમ પણ કઈ ખાસ કામ હતું નહીં. સાથીમિત્રએ એના ભાગના કાર્યની જવાબદારી ઉપાડી લીધી હતી. રંગલાને સમુદ્ર કિનારે લઈ ગયો હતો. કેવી મજા પડી હતી એને ! એનો કુલ્ફી ખાતો નિર્દોષ ચહેરો આંખો આગળ તરી આવ્યો. આંખ ફરીથી બળવા માંડી. બન્ને હાથો વડે એણે આંખોમાં ભેગું થયેલું પાણી સાફ કરી નાખ્યું. ખબર પણ ન પડી એ ખારું પાણી અશ્રુ હતાં કે પછી કારમી દઝાડી રહેલ ગરમીની લપેટોની પ્રતિક્રિયા ?

ત્રણ દિવસથી ઘરે પગ મૂક્યો ન હતો. પત્નીનો ને રંગલાનો ચહેરો પણ દીઠો ન હતો. કાર્યનો બોઝ પરવાનગી આપી રહ્યો ન હતો. કર્મ એજ ધર્મ. ને જો પરવાનગી મળે તો પણ ઘરે જવું જોઈએ ?

" બાપુ....ઓ..બાપુ....." ફરીથી એને રંગલાના શબ્દો સંભળાયા. બે હાથ હજી એની દિશામાં આજીજીસભર લંબાયા હતા. 

" તું ચિંતા ન કર. હું જલ્દી ઘરે આવીશ. પછી આપણે સમુદ્ર કિનારે જઈ કુલ્ફી ખાઈશું. " એની મીંચાયેલી આંખોની કીકીઓ અહીંથી ત્યાં ભમી રહી હતી. ત્રણ દિવસ પછી હોઠ ઉપર આછું સ્મિત ફરકી ગયું. 

નીંદરનું ઝોંકુ એને હજી સ્વપ્ન વિહાર કરાવે એ પહેલાંજ અફરાતફરી અને ધમાલનું વાતાવરણ ફરી સક્રીય મગજ ઉપર હાવી થયું. આજુબાજુથી ગુંજી રહેલી સાદથી એ ઝબકીને જાગી ઉઠ્યો. 

" હવે અમારો વારો છે. "

સામે ઊભેલાં માણસનો ચહેરો ગરમીથી લાલચોળ હતો. એની આંખો પણ ઊંઘ ન મળવાથી કાળા કુંડાળાઓથી ઘેરાયેલી હતી. એ કલાકોથી હરોળમાં ઊભો હતો. કામ ક્યારે પૂર્ણ થશે એની ચિંતા શરીરનાં હાવભાવોમાં સ્પષ્ટ છલકાઈ રહી હતી. 

" હા, હા....આવો...લઈ આવો......"

એક સિપાહી જેવી ઝડપ જોડે એ દિવાલ છોડી ઊભો થઈ ગયો.  

માણસ લાશ લઈ હાજર થયો. હજી એક સફેદ કાપડમાં વીંટળાયેલું શરીર. 

લાકડાની વ્યવસ્થિત ગોઠવણ કરતાં અંતિમ સંસ્કારની વિધિ આરંભાઈ ગઈ. ધીમે ધીમે ઉપર ઊઠી રહેલી ચિતાની અગનજ્વાળાઓથી સ્મશાનનો ઉનાળો તાપમાનનાં દરેક રેકોર્ડ તોડી રહ્યો હતો. કપાળ ઉપરનાં પરસેવાનાં ટીપાં સાફ કરતાં એણે એક નજર આગળ તરફ કરી. બહારના માર્ગ ઉપરથી ગાડીઓનાં હોર્ન કાનને વીંધી રહ્યા હતા. સફેદ કાપડમાં લપેટાયેલાં શરીરો જાણે અનંત કતારમાં પોતાના ક્રમની રાહ જોઈ રહ્યા હતા. એ દરેકનો અગ્નિસંસ્કાર ક્યારે સમાપ્ત થશે ? કોવિડની મહામારીનાં એ ભયંકર દ્રશ્ય વચ્ચે ફરી રંગલો આવીને ઊભો રહી ગયો. બન્ને હાથ પસારી એ કરગરી રહ્યો હતો. 

" ક્યારે આવીશ તું ? આવને બાપુ. કુલ્ફી ખાવા જઈએ. "

એ પ્રશ્નનો ઉત્તર શોધવા એણે એક નજર આકાશ તરફ માંડી. પણ ત્યાંતો ફક્ત હમણાં સુધી એનાં હાથે સળગી ચૂકેલા ૯૦૦ મૃતદેહોના અગ્નિદાહથી ભેગો થયેલો કાળો ઘટ્ટ ધુમાડો જ હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy