mariyam dhupli

Tragedy Inspirational Thriller

5  

mariyam dhupli

Tragedy Inspirational Thriller

ડિલિવરી

ડિલિવરી

5 mins
447


' ઓર્ડર તૈયાર છે. સાંજે ચાર વાગ્યે ડિલિવરી મળી જશે. '

સવારે જ સંદેશો મળ્યો હતો. આ ઓર્ડર બે મહિના પહેલાજ આપી દીધો હતો. બે મહિના પછી ઓર્ડર કરેલ દરેક સામાન સમયસર તૈયાર જોઈશે એવી શોરૂમના માલિક જોડે સીધેસીધી વાત થઈ હતી. ઘરથી શોરૂમનું અંતર થોડે દૂર હતું. પણ એ શોરૂમનો સામાન અને એની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય સ્તરની હતી. શહેરની અન્ય કોઈ દુકાનમાં એને સમકક્ષ ગુણવત્તા અને ગ્રાહક સેવા મળશે નહીં એની એને ખાતરી હતી. તેથીજ એ ટુ ઝેડ બધોજ સામાન એજ શોરૂમમાંથી ખરીદવાનો નિર્ણય લીધો હતો. 

કિંજલને એ અંગે કશી માહિતી આપી ન હતી. 

બધુંજ એક મોટા સરપ્રાઈઝનો ભાગ હતો. જેની યોજના મહિનાઓથી એણે છાનીમાની કરી હતી. અંતિમ ઘડીએ બધો સામાન આંખ આગળ જોઈને કિંજલ કેવો પ્રતિભાવ આપશે ? એ રોમાંચક ક્ષણને કેમેરામાં હંમેશ માટે જરૂર કેદ કરી લેશે.

મનમાં મહિનાઓથી ચાલી રહેલી યોજનાનાં દરેક તબક્કાઓ એક પછી એક આંખો આગળ ફરી વળ્યાં અને ગાડી શોરૂમનાં વિશાળ પાર્કિંગ એરિયામાં સાંજનાં શાર્પ ચાર વાગ્યે પાર્ક થઈ ગઈ. 

" વેલકમ સર. આપની ડિલિવરી ઓલમોસ્ટ તૈયાર છે. આપ એક નજર જોઈ લો તો હું સામાન આપની ગાડીમાં મૂકાવી દઉં. "

દુકાનમાં પ્રવેશતાંજ હાથ સૅનેટાઈઝ કરવાનાં શોરૂમનાં સખત નિયમને અનુસરતા એણે માસ્ક વ્યવસ્થિત કરી શોરૂમનાં માલિક પાછળ નિર્દેશાનુસાર પગલાં માંડ્યા. 

તૈયાર કરવામાં આવેલી ડિલિવરી ઉપર એની બે આંખો માસ્કનાં ઉપરનાં ભાગ તરફથી ફરી વળી. 

ગ્રાહકને પ્રભાવિત કરવાનાં વ્યવસાયિક કૌશલ્યનું પ્રદર્શન કરતા શોરૂમનાં માલિકે ડિલિવરી માટે તૈયાર પોતાના શોરૂમનાં સામાનની પ્રસંશાના પુષ્પ વરસાવ્યા. 

" આ જુઓ સર. આ આધુનિક ફોલ્ડ કરી શકાય એવું ઘોડિયું. બાળકને ગમે ત્યાં ઉંઘાડવું હોય ત્યાં ફોલ્ડ કરી સાથે લઈ શકાય. મુસાફરી દરમિયાન કારની ડિકીમાં આરામથી ફોલ્ડ કરી મૂકી શકાય. ફોલ્ડ થયાં પછી નામનીજ જગ્યા રોકાય એટલે ઘરમાં પણ વપરાશમાં ન હોય ત્યારે ફોલ્ડ કરી એક ખૂણામાં સાચવી રખાય. એ કમ્પ્લીટ પ્લેસ સેવર ! 

અને આ જુઓ સર ,"

ગ્રાહક ઉપર પોતાની દુકાનનો પ્રભાવ બમણો કરવાના પ્રયાસમાં શોરૂમનાં માલિકનો ઉત્સાહ શબ્દોમાં બમણો ઉતર્યો.

" ફોલ્ડિંગ બેબી બેડ. મજબૂત સાચા લાકડાનો એમાં ઉપયોગ થયો છે. જર્મન ક્વાલિટી અને લેટેસ્ટ ટેક્નિકથી તૈયાર થયો છે. અને હા ,"

અત્યંત ઉપયોગી મુદ્દો યાદ આવી ગયો હોય એમ બેબી બેડનાં પડખેથી એણે એક મોટો ડબ્બો હાથમાં ઊંચકી અંદરનું ઉત્પાદન કાળજીપૂર્વક બહાર કાઢ્યું.

" હું આજ પ્રોડક્ટ વિશે વાત કરી રહ્યો હતો. બ્રેસ્ટ પમ્પ. હવે કામ કરતી માતાઓને ધાવણ અંગેની ચિંતાજ નહીં. કામ ઉપર જવા પહેલા બ્રેસ્ટ પમ્પ દ્વારા પોતાનું દૂધ અગાઉથી સંગ્રહિત કરી બાળકનાં ધાવણની જવાબદારી નોકરી સાથે સરળતાથી સાચવી શકાય. અને આ પ્રોડ્કટને સ્ટર્લાઈઝ કરવાની દરેક સામગ્રી સાથેજ પેકેજમાં છે એટલે સંપૂર્ણ હાઈજેનિકન આયોજન શક્ય બને. "

ચુસ્ત માસ્ક પાછળ છૂપાયેલો ગ્રાહકનો ચહેરો એના પ્રભાવિત થયા અંગેનો કોઈ પુરાવો કે સંકેત આપવા નિષ્ફ્ળ નીવડ્યો. માસ્કનાં ઉપરનાં ભાગ તરફથી દર્શન આપી રહેલી બે આંખો નજર સામેનાં અસંખ્ય રમકડાંઓને એકીટશે તાકી રહી હતી. એટલે પોતાના પ્રભાવની સાંકળ માલિકે ચતુરતાપૂર્વક રમકડાંઓ તરફ ફેરવી.

" અને આ બધાંજ રમકડાંઓ ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અનુસાર સોફ્ટ પ્લાસ્ટિકમાંથી તૈયાર થયા છે. બાળક મોઢામાં નાંખે તો પણ ઈજાનો કોઈ અવકાશ નહીં. "

ગ્રાહકની નજર હજી પણ એ રમકડાંઓને અવિરત તાકી રહી હતી. ધીમે રહી માલિકે હમણાં સુધી જાળવેલા એક મીટરનાં અંતરને સુરક્ષિત રીતે જાળવતા ગ્રાહકને ઢંઢોળવાનો શાબ્દિક પ્રયાસ કર્યો. 

" સામાન ગાડીમાં મૂકાવી દઉં ?"

" ઓહ યસ. હું પેમેન્ટ કરી નાખું. " ગાઢ નિંદ્રામાંથી જાગી ગયો હોય એમ એ પોતાનાં ખિસ્સામાંથી વોલેટ નીકાળી કાઉન્ટરની દિશામાં ઝડપથી આગળ વધી ગયો. 

બધોજ સામાન ગાડીમાં ગોઠવાઈ ગયો અને ગાડી શહેરનાં વિશાળ શોરૂમ 'મમા એન્ડ બેબી' નાં પહોળા પાર્કિંગ વિસ્તારમાંથી બહાર નીકળી ગઈ. 

થોડા સમય પછી એ ગાડી અન્ય પાર્કિંગ એરિયામાં પાર્ક થઈ. ઈમારતની અંદર તરફ જઈ એણે પોતાનો પરિચય આપ્યો. 

" હું વનરાજ. આપની જોડે ફોન પર વાત થઈ હતી. સામાન ગાડીમાં છે. "

એને નિહાળતાંજ સ્ત્રીનાં માસ્ક પાછળ છૂપાયેલા હોઠ ઉપર સન્માનસભર હાસ્ય વેરાઈ ગયું. સંસ્થાના કાર્યકરો સ્ત્રીના આદેશ અનુસાર કામ ઉપર વળગ્યા અને ગાડીની ડિકીમાંથી શોરૂમમાંથી આવેલો બધોજ સામાન સંસ્થાના સ્ટોરરૂમમાં શીઘ્ર સ્થળાન્તર પામ્યો. સ્ત્રીએ શબ્દો થકી જેટલો શક્ય હોય એટલો આભાર વ્યક્ત કર્યો અને ગાડી ફરીથી બીજો પાર્કિંગ વિસ્તાર પણ છોડી નીકળી. 

ભુલકાભવન અનાથાશ્રમનું સાઈનબોર્ડ ગાડીને પાછળથી મૌન વિદાય આપી રહ્યું.

ઘરે આવતાંજ એણે જોડા બહાર તરફનાં સ્ટેન્ડ ઉપર ગોઠવ્યા. સીધાજ બાથરૂમમાં પ્રવેશી માથેથી પગ સુધી ગરમ સ્નાન લીધું. બહાર પહેરેલા વસ્ત્રો ગરમ પાણીમાં ધોવા માટે બોળી દીધા. નવા વસ્ત્રો ચઢાવી એણે રાહતનો દમ ભર્યો. ગરમ ચા તૈયાર કરી. ચાનો કપ હાથમાં થામી બેઠક ખંડમાં પ્રવેશ કર્યો. 

ટીવી ઉપર સમાચારનું ચેનલ ફિક્સ કર્યું. 

કોરોના વાયરસને લીધે થયેલા મૃત્યુનાં દર ઉપર એની નજર દરરોજ જેમ ટેવ સમી આવી પડી. નીચે ફ્લેશ થઈ રહેલા સંન્ક્રમણ સંબંધી પ્રશ્નો એક પછી એક આંખોને બાળવા લાગ્યા. 

શું નવું વેરિયન્ટ બાળકો માટે પણ ખતરારૂપ ? શું ગર્ભવતી મહિલાઓ અને ન જન્મેલાં બાળકો પણ જોખમ હેઠળ ?........

રિમોટ લઈ એણે સમાચાર આગળ વધતા અટકાવી દીધા. ચાની વરાળ આંખને ભેજવાળી કરી રહી. એ ભેજ વચ્ચેથી માર્ગ બનાવતી એની દ્રષ્ટિ બેઠકખંડની ભીંત ઉપર ચોંટાડવામાં આવેલ હાથલિખિત યોજનાની ભવિષ્ય યાદી ઉપર આવી ઠરી. 

ચાનો કપ ટેબલ ઉપર ગોઠવી એ ધીમા ડગલે યાદી પાસે આવી ઊભો રહી ગયો. કિંજલના અક્ષર એનાં જેવાજ સુંદર ! નવ ભાગમાં વહેંચાયેલ કાર્યક્રમ યોજનાનુસાર ઉપરથી 'પહેલો મહિનો' અને બાજુનાં ખાના ઉપર ભૂરી ખરાની નિશાની. ' બીજો મહિનો ' અને બાજુના ખાના ઉપર ભૂરી ખરાની નિશાની. ' ત્રીજો મહિનો ' અને બાજુનાં ખાના ઉપર ભૂરી ખરાની નિશાની. એમ ક્રમ બધ્ધ આઠ ખાના સુધી ' આઠમો મહિનો ' અને બાજુનાં ખાના ઉપર ભૂરી ખરાની નિશાની સુધી વ્યવસ્થિત કિંજલની ખરાની ભૂરી ટીકથી નિયમિત ચકાસણી પામ્યો હતો. 

પડખેના પેન સ્ટેન્ડમાંથી લાલ પેન ઉઠાવી એણે નવમાં ખાના ઉપર નજર કરી. 'નવમો મહિનો ' અને એની બાજુનાં ખાલી ખાનામાં એણે એક મોટી લાલ ચોકડી બનાવી મૂકી. એની નીચેની અંતિમ હરોળમાં લખાયેલ 'ડ્યુ ડિલિવરી ડેટ ' ની બાજુનાં ખાલી ખાનામાં પણ એક મોટી લાલ ચોકડી બનાવી એણે પેન ફરી સ્ટેન્ડમાં ગોઠવી દીધી અને રાહ જોઈ રહેલ ચાના કપ તરફ પ્રયાણ કર્યું. 

પાછળ ભીંત ઉપર ચોંટેલી યાદીનાં પડખે સુશોભીત ફૂલોની હારમાળા ચઢાવેલ તસ્વીરમાંથી કિંજલ એને મીઠા મધુર હાસ્ય જોડે તાકી રહી હતી. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Tragedy