ત્રિભંગ
ત્રિભંગ
અજાણ -
"હું એને ગમે ત્યાંથી શોધી નાંખીશ. પણ સાંભળ કોઈને કશું કહેવાની જરૂર નથી. મેડમની વાત સાચી છે. જો મીડિયાને જાણ થઈ તો....."
ડ્રાઇવિંગ કરતા બોલાયેલા નંદનના શબ્દોમાં વિવશતા અને બદલાની ભાવના એકસાથે પડઘાઈ ઊઠી. સ્ટીઅરિંગ સંભાળી રહેલા એના હાથમાં કંપારી હતી. કદાચ જે ઘટના ઘટી હતી એને લીધે કે પછી જે ક્રિયા કરવા માટે એના હાથ તત્પર થઈ ઊઠ્યા હતાં એને લીધે. બેકમીરર થકી એની લાલચોળ આંખો વિભાને શોધી રહી.
વિભા તદ્દન જડ હતી. એને જોનારને એ પણ ખ્યાલ ન આવી શકે કે એ જીવિત હતી કે એના શ્વાસ બંધ થઈ ચૂક્યાં હતાં. કારની બેકસીટ ઉપર ગોઠવાયેલું એનું શરીર પ્રાણવિહીન હતું. એકમાત્ર એના હાથ એના ખોળામાં રડી રડીને આંખો મીંચી દીધેલી એની પાંચ વર્ષની નિર્દોષ બાળકીના માથા ઉપર ફરી રહ્યા હતાં. એની શૂન્યાવકાશમાં ભમી રહેલી આંખોમાં હજી પણ શાળાની આચાર્ય, એમની બંધ કેબીન અને એ બંધ કેબિનની અંદર થોડીજ ક્ષણો પહેલા એમની વિભા અને નંદન જોડે થયેલી તાત્કાલિક, અત્યંત ખાનગી અને અંગત મિટિંગના શબ્દો દ્રશ્ય સ્વરૂપે વારંવાર, અવિરત ભજવાઈ રહ્યા હતાં.
" આજે સવારે કૃતિકા નિયમિત સમય કરતા થોડી મોડી આવી હતી. વર્ગ શિક્ષિકાના કહ્યા પ્રમાણે આવી ત્યારથીજ સતત રડી રહી હતી. એ ખુબજ ઘભરાયેલી લાગી રહી હતી. એની વર્ગશિક્ષિકાએ એને શાંત કરવાનો ઘણો પ્રયાસ કર્યો. પણ એનું રુદન અટકીજ રહ્યું ન હતું. આખરે એ મારા કેબિનમાં આવી. મેં એકાંતમાં એની જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો. એને વિશ્વાસ અપાવ્યો કે એ વાત અમારા બેની વચ્ચેજ રહેશે. ત્યારે આખરે એણે આખી ઘટના વર્ણવી. તમારો ડ્રાઇવર વિષ્ણુ. આજે શાળાએ મૂકવા આવવા પહેલા એણે. ...તમારી જ કારની પાછળની સીટ ઉપર. ..મારી સલાહ માનશો ? ડોક્ટર પાસે એકવાર સંપૂર્ણ તપાસ કરાવી લો. અને હા, મીડિયાને જાણ કરવા કે પોલીસકેસ કરવા પહેલા વિચારજો. કૃતિકા હજી ઘણી નાની છે. એની મનોસ્થિતિ શી હશે એ તો હું વિચારી પણ નથી શકતી. વોચમેને વિષ્ણુને શાળાની પાર્કિંગમાં ગાડી પાર્ક કરતા નિહાળ્યો હતો. એને થયું કશે આસપાસ કંઈક કામ હશે કે કંઈક ખરીદવા ગયો હશે. એટલે ગાડી શાળાની પાર્કિંગમાં ગોઠવી હશે. પણ એ ગયો તે ગયો જ. ...."
કાર લાલ સિગ્નલ ઉપર આવી થોભી. અચાનક લાગેલી બ્રેકથી વિભા ઝબકી ઊઠી. શૂન્યાવકાશમાં ભમી રહેલી એની નજર ગોદમાં નસકોરા ભરી રહેલી કૃતિકા પર આવી મંડાઈ. એના હોઠ ધ્રુજવા માંડ્યા. આંખોના પાંપણમાં ગોંધાઈ રહેલા આંસુ બધીજ સીમાઓ વટાવી કૃતિકાના શરીર ઉપર ખરવા માંડ્યા. કૃતિકાને માથે ફરી રહેલ એનો હાથ ધ્રુજવા માંડ્યો. ધીમે રહી પોતાની નજર એણે બૅકમિરરમાંથી તાકી રહેલ નંદનની નજર જોડે મેળવી.
" ભૂલ થઈ ગઈ નંદન. બહુ મોટી ભૂલ. કોઈ બહારની અજાણ વ્યક્તિ ઉપર કઈ રીતે આમ આંધળો વિશ્વાસ કરી નાખ્યો. આપણે બન્ને વ્યસ્ત હતાં. પણ પરિવારનાં જ કોઈ સભ્યને કહ્યું હોત તો. ....."
વિભાનો અવાજ ભાંગી પડ્યો. રૂદનની ધાર પસ્તાવાના પ્રવાહમાં ધસમસતી વહી પડી. નંદનની સ્ટીઅરિંગ ઉપરની પકડ વધુ સખત થઈ. સિગ્નલ લીલા રંગમાં પરિવર્તિત થયું અને કાર પવનની વેગે ક્લિનિકની દિશામાં દોડવા લાગી.
