ગેટ ટુ ગેધર
ગેટ ટુ ગેધર
રોહન શેવિંગ કરતો હતો અને મોબાઈલમાં મેસેજ આવ્યો, 5 સપ્ટેમ્બર ફિક્સ, પ્લેસ પછી નક્કી કરીએ. મેસેજ નિરાગનો હતો. રોહને ઓકે લખીને એક મસ્ત સ્માઇલી મોકલી આપ્યું. શેવિંગ કંટીન્યુ કર્યું ત્યાં પાછો મેસેજ આવ્યો, 5 સપ્ટેમ્બર ફિક્સ, પ્લેસ પછી નક્કી કરીએ. મેસેજ આદિત્યનો હતો. રોહને આદિત્યને પણ ઓકે સાથે એક સ્માઇલી મોકલી આપ્યું અને શેવિંગ કંટીન્યુ રાખ્યું.
રોહન બેંગલોરની એક આઈ.ટી. કંપનીમાં સિનિયર એન્જિનિયરની પોસ્ટ પર હતો. જે બે જણનો મેસેજ રોહન પર આવ્યો એ નિરાગ અને આદિત્ય, રોહનના બાળપણના મિત્રો. નિરાગ અંકલેશ્વર પાસે વિકાસ પામી રહેલા ઔદ્યોગિક નગર દહેજમાં સેટલ હતો, જ્યારે આદિત્ય મુંબઈમાં સ્થાયી થઈને પોતાનો નાનો સરખો રેકોર્ડિંગ સ્ટુડિયો ચલાવતો હતો. બાળપણમાં સાથે પણ, થોડા મોટા થયા એટલે કે પ્રાથમિક શિક્ષણ પછી ત્રણેયના ઘર વિખેરાઈ ગયા. ગામડામાં પડતી રોજગારીની તકલીફને લઈને સહુ સમયાંતરે વતનથી દૂર થઇ ગયા હતા. છેક મોટા થયા ત્યારે સોશિઅલ મીડીયાના પ્રતાપે બે વર્ષ પહેલા ફરી એકમેકને મળી શક્યા. તેમાં પણ વાત એમ હતી કે રોહને ત્રણ બાળકોની એક તસ્વીર સોશિઅલ મીડિયા પર શેર કરી અને નીચે કમેન્ટ આવી નીરાગની કે યાદ છે! આપણે પણ આમ જ રમતા હતા ગામના તળાવમાં! બસ, ત્યારથી જ મેળાપ થયો.
"લાતરણ." રોહને ફ્રેશ થઈને બંને મિત્રોને મેસેજ કર્યો. આ લાતરણ એટલે કચ્છ પાસે આવેલું ગામ અને ત્રણેય મિત્રોનું વતન. તરત જ સામેથી મેસેજ આવ્યા, "ઓકે". જગ્યા નક્કી થઇ ગઈ. ત્રણેયએ પોતાના વતન જવાનું નક્કી કર્યું હતું. એ ગામ, એ ગામની સ્કુલ, ગામનું પાદર, એ રેતાળ અને ક્યાંક
લીલોતરી વાળો ખુલ્લો પ્રદેશ, નાના મોટા તળાવ જે એ પ્રદેશ માટે તો સમુદ્ર સમાન હતા, એ ધમાલ અને એ પાણીમાં પાડીને નાહવાનું. બધાના મનમાં આનંદનો પાર ન હતો. તારીખ નજીક આવતી હતી એમ સહુના ઉત્સાહ છલકાતો જતો હતો.રોહને મુંબઈ માટે ફ્લાઈટ પકડી, ફ્લાઈટ બસ પાંચ મિનીટ મોડી પડી ત્યાં એ ખુબ જ વ્યાકુળ થઇ ગયો હતો, કારણકે વર્ષો પછી એ મુંબઈમાં આદિત્યને મળવાનો હતો અને પાછું ગામ... આહ!.. આખરે એ ઘડી આવી જયારે બાંન્દ્રાના પ્લેટફોર્મ નંબર બે પર આદિત્યને એણે જોયો, ભેટી પડ્યા બંને જણ એકબીજાને, થોડી આંખ પણ છલકાય ગઈ. કચ્છ એક્સપ્રેસ ટ્રેઈન પકડી અને ઉપડ્યા કચ્છ જવા, ટ્રેઈન ભરૂચ સ્ટેશન પર આવી ત્યારે મળ્યો નિરાગ, ત્રણેયની ખુશીનો પાર ન હતો, વર્ષોની વાતો કરતા કરતા કચ્છ આવી ગયું. હવે સમય હતો બસ કે લોકલ ટ્રાન્સપોર્ટેશનથી લાતરણ પહોંચવાનો. સહુએ મળીને નક્કી કર્યું હતું કે જે તસવીરથી ત્રણેય એક થયા છે એ જગ્યા એ પહેલા જવું એટલે કે ગામનું એ નાનકડું તળાવ જ્યાં સહુ ભેગા મળીને કોઈ પણ ક્ષોભ વગર મઝા કરતા હતા. લાતરણ આવ્યું. પણ, એ ત્રણેય એ તળાવ શોધતા રહ્યાં.
ભૂતકાળની એ સોનેરી યાદોના પોટલા લઈને આવેલા મિત્રો નિરાશ થઇ ગયા કારણકે, તળાવ જેવું કઈ બચ્યું જ ન હતું. તળાવની સુક્કી ભટ્ટ જમીનમાં તિરાડો દેખાતી હતી. વાત કરતા ખબર પડી કે અહીં હવે દુકાળ જ રહે છે, લોકો લાતરણ ખાલી કરી જવા લાગ્યા છે, નહેરથી ગામને જોડવાની વાત થઇ છે પણ ક્યારે થશે એવું ખબર નથી. મોબાઈલમાં સાચવેલી તસ્વીરમાં ત્રણેય જણ પોતપોતાને જોઈ રહ્યાં હતા, પગ કચ્છની એ ધરતી પર હતા પણ, મન એ તસ્વીરમાં. હવે આમ પલળવાનું માત્ર એ તસ્વીરમાં શક્ય હતું, તકદીરમાં નહીં!!