શીલુ-કિશુ
શીલુ-કિશુ
ઉંમરે સાંઠ વટાવી ચૂકેલા કિશોરભાઈમાં અચાનક યુવાની આવી ગઈ હતી. આખી રાત સુમધુર સ્વપ્નોમાં વિતાવ્યા પછી, સવારે ભરપૂર જોમ અને જુસ્સા સાથે તૈયારીમાં લાગી ગયા. દરરોજ કરતા ન્હાવામાં પણ વધારે સમય લીધો અને પૂજા દરરોજ કરતા ઘણી વહેલી પતી પણ ગઈ. દરરોજ સફેદીની ચમકાર માફક કફની અને પાયજામો પહેરનારા, કબાટમાં પડેલા દરેક શર્ટ, પેન્ટ અને ટી-શર્ટ એક પછી એક ટ્રાય કરી કરીને શું સારું લાગશે, એ ચકાસતાં હતા. લાલ ટી-શર્ટ અને કાળો પેન્ટ ફાઈનલ થયો અને ત્યાં જ ડોરબેલ વાગ્યો. જાણે કે જાન માંડવે આવી ગઈ હોય પણ છોકરીને બ્યુટીપાર્લરમાં તૈયાર થવાનું બાકી હોય ત્યારે દોડધામ થાય એવી દોડધામ કિશોરભાઈએ કરી મૂકી. પાંચ વખત બેલ વાગ્યો ત્યાં સુધી એમણે શણગાર ચાલુ જ રાખ્યો.
“ઓ શીલુ, તું ?” શીલાને જોઈને પાણીપાણી થઈ ગયેલા કિશોરભાઈ બોલી પડ્યા.
સાંઠ આસપાસના લાગતાં અને કહી શકાય એવી ડોશલી, શીલાબહેન જરા ખંધુ હસ્યા અને બોલ્યા,
“કિશુ, તને ખબર જ હતી કે હું આવવાની છું આજે, પછી આટલો બધો બાઘો કેમ બને છે ?”
કિશોરભાઈનું મોઢું આવું સાંભળતાં જ પડી ગયું પણ જુસ્સો અકબંધ રાખીને વાતચીત ચાલુ જ રાખી.
એકમેકને બંને જણ કોલેજમાં પહેલી વખત મળ્યા હતા ત્યારથી શીલાબહેનને ખબર કે કિશોરભાઈના મનમાં એ વસી ગયા છે. એટલે શીલાબહેને પોતાના મનની વાત મનમાં જ રાખી મૂકી અને નક્કી રાખ્યું કે નમતું જોખવું જ નહીં. બસ, નાકનું ટેરવું ઊંચું જ રાખે અને એ ઊંચા નાકને જોઈને કિશોરભાઈ વધારે પાણીપાણી થઈ જાય.
એ આખો દિવસ આમ સાર-સંભાળ, પંપાળ, મીઠી મધુરી વાતો અને અન્યોન્યમાં વીત્યો. સંસ્મરણોના વમળમાં બંને ઘણું ફર્યા અને ભવિષ્યની વાત આવતા જ બંને જરા ઠર્યાં. સાંજ ઢળવા આવી ત્યારે શીલાબહેને પોતાનું પર્સ ઊંચક્યું,
“શીલુ રોકાઈ જા ને.”
“રોકાઈ જઈશ તો પહેલાની માફક બધું રોળાઈ જશે.”
“આમ છૂટક છૂટક મળ્યા પછી એવું નથી લાગતું કે હવે કાયમી સાથે રહી શકીશું ?”
“કિશુ, તારે ફરી વખત એ રસ્તે જવું છે !”
“એ શીલુ, ડિવોર્સ રીવર્સ થાય કે નહીં ?”