ટેન્ડર
ટેન્ડર


માણસ મોટો થાય એમ પોતાના બાળપણ અને મન બંનેને મારતો જાય છે, અને જેમ જેમ એ મરણનો બોજ લાગતો જાય છે એમ એમ એની તકલીફો અને પ્રશ્નો પણ વધતા જાય છે. અને આ તકલીફો અને પ્રશ્નો દુઃખમાં વધારો કરતા જાય છે. જે સમસ્યાઓનો ઉકેલ બાળપણ અને ખુશમિજાજી મન પાસે છે એવો ઉકેલ બુદ્ધિચાતુર્ય ધરાવતા કોઈ પુક્તવયના વિદ્વાન પાસે પણ નથી.
જે એન્ડ એમ પ્રાઈવેટ લીમીટેડની એમડી સ્ટાફની ઓફિસ ચેમ્બેરના ટોપ ફ્લોર પર હતી અને માહોલ સખત બગડેલો હતો. યુનિયન કંપનીનું ટેન્ડર હાથમાંથી ગયું હતું અને એમડી મિ.રામેશ્વરન સખત અપસેટ હતાં. સાથે સાથે એમનો સ્ટાફ પણ અપસેટ હતો કારણકે કંપનીના ગ્રોથ માટે આ ટેન્ડર ખુબ જ મહત્વનું હતું અને એ માટે સહુએ ખુબ મહેનત પણ કરી હતી છતાં પણ ટેન્ડર.. ટોપ ફ્લોર સિવાયના બધા જ ફ્લોર ખાલી થઇ ગયા હતાં અને વાગ્યા હતાં આઠ, આમ તો સાડા છ વાગ્યે જ ઓફિસ ખલી થઇ જતી હતી પણ બધા જ ઉદાસ હોય એમડી જાય પછી જ જવાનો વિચાર કરી રહ્યા હતાં. અચાનક મિ.રામેશ્વરન પોતાની ઓફિસમાંથી બહાર આવ્યા અને પેસેજમાં આવીને જોયું તો એમનો સ્ટાફ બેઠો હતો. એ સમજી ગયા કે બધા ખુબ જ અપસેટ
છે. એમણે બધાને બોલાવ્યા અને કહ્યું,
"ચાલો આપણે રમીએ. ."
બધાને ખુબ નવાઈ લાગી, મિ.રામેશ્વરને આઈસ એન્ડ વોટર રમવાનો પ્રસ્તાવ મૂક્યો,
"સર.. આર યુ શ્યોર ?"
બધા માટે એમનું આ રૂપ નવાઈ પમાડે એવું હતું.
"ચાલો પકાવીએ"
"પકાવીએ"
"કમ ઓન.."
બધાએ એકબીજાના હાથ પર હાથ મૂકીને પકાવ્યું, કોઈ કાચું કોઈ પાક્કું... અને એમ કરતા કરતા એકનો દાવ આવ્યો, એ પછી બીજાનો, પછી ત્રીજાનો. આશરે અડધો કલાક રમ્યા અને પછી થાક્યા. પછી મિ.રામેશ્વરને બધાને કહ્યું,
"થાકેલા મનથી ઘરે જશો તો ઘરના સભ્યોને પણ થકવી નાખશો અને હસતા જશો તો પરિવાર પણ હસશે. બાળપણની રમતમાં હકારાત્મકતા છે. અને એટલે જ બાળપણમાં ખુશી હતી. મગજ થાકે ત્યારે બાળક બની જાઓ. નવી ઊર્જા મળશે."
આમ એ દિવસે કોર્પોરેટ ઓફિસમાં પ્રોફેશનલ લોકો બાળક બન્યા અને ત્યાં જ ફોન રણક્યો...
"યુનીયન કંપનીનું ટેન્ડર જેને મળ્યું હતું એણે ઓફર નકારી છે, આર યુ ઇન્ટરેસ્ટેડ?"
મિ.રામેશ્વરને ફોન મૂકીને સ્ટાફને પૂછ્યું,
"પકાવવું છે?'
બધા ખુબ હસ્યા !