એક આઘાત અને
એક આઘાત અને


ગામ આખું નિરાશ હોય એવો દિવસ કેવો હોય? મારી નજરે જોયું છે એટલે કહું છું. ત્યારે પહેલી વખત મેં એ ગામમાં પગ મૂક્યો હતો. અને કદાચ છેલ્લી વખત. કારણકે એ મારી દુનિયા ક્યારેય રહી નથી અને જીવનના અંતિમ ચરણમાં એ દુનિયા સ્વીકારવાની મારામાં હિંમત નહોતી. રિશીતમાં પણ એ હિંમત નહોતી પણ એક આઘાતને કારણે એ સામર્થ્ય એમાં આવી ગયું.
રિશીત બધાના જેવો જ સામાન્ય હતો, એમાં એવું કંઈ ખાસ કે એવું કંઈ સાવ ધુત્કારી શકાય એવું કંઈ જ નહોતું. બધા બાળકોની જેમ જ સ્કુલમાં ભણ્યો, હાઈ સ્કુલમાં ગયો, જરા જેવો હોંશિયાર ખરો પાછો, એના પપ્પા સધ્ધર અને પરિવાર સમૃદ્ધ એટલે ભાઈએ તો ટકાવારી આવતા મેડીકલમાં એડમીશન લીધું. પેમેન્ટ સીટ પર એડમીશન મળ્યું પણ ખરું અને ભાઈની ગાડી ચાલી. અને હું ગવર્મેન્ટ કોલેજમાં ભણ્યો. સાથે જ વાંચતા અને સાથે જ રહેતા. આમ ને આમ અમે ડોક્ટર થઇ જ ગયા. પણ એક વાત નક્કી, ગમે તેટલા હોંશિયાર કે ભણેલા હોવ પણ નસીબ અને સ્માર્ટનેસ તો જોઈએ જ. એના પપ્પાની ઓળખાણ હતી અને એ પણ સ્માર્ટ એટલે ભાઈ તો શહેરની સુપ્રસિદ્ધ એચ.એન. હોસ્પીટલમાં લાગી ગયા. જોકે હું પણ સ્પર્કશાઈન હોસ્પીટલમાં ખુશ જ હતો. બધું બરાબર ચાલતું હતું અને એ મારો બેટ્ટો કાજલ સાથે લપટાયો. કાજલ મોદી, ફેશન ડીઝાઇનીંગ કરતી હતી અને જેના મમ્મી હોસ્પીટલમાં દાખલ થયા હતા, પંદરેક દિવસ રહ્યા એમાં રિશીતની કાજલ સાથે મુલાકાત થઇ, મમ્મી તો ડીસ્ચાર્જ થઇ ગયા પણ મુલાકાત ચાલતી રહી, ક્યારેક હોસ્પીટલની કેન્ટીનમાં, ક્યારેક બહાર કાફેમાં તો ક્યારેક કાજલની કોલેજમાં. છ મહિના જેવું થયું હશે ત્યાં એના મમ્મીને ફરી દાખલ કરવા પડ્યા, લીવરનો પ્રોબ્લેમ હતો, આ છ મહિનામાં પ્રેમ પાંગર્યો હતો પણ કાજલનાં ઘરે પૈસો
ઓસર્યો હતો. મમ્મીની માંદગીનો ખર્ચો અને પપ્પાને બિઝનેસમાં લોસ આ બંને વાતથી કાજલ સાવ અજાણ હતી. બીજી વખત દસમાં જ દિવસે કાજલની મમ્મીએ હોસ્પીટલમાં જ દેહ ત્યાગ કર્યો, બીલ વગર બોડી ન મળે કહીને કાજલના પપ્પાને હોસ્પીટલે પાંચ લાખનું બીલ પકડાવ્યું. એના પપ્પાને આ બીલ જોતા જ એટેક આવી ગયો. એમને તાત્કાલિક એડ્મિટ કરવા પડ્યા. આ દરમ્યાન કાજલે રિશીતને ઓળખાણ કાઢીને બીલ ઓછું કરાવવા અને પરિસ્થિતિ ખરાબ હોય થોડા થોડા હપ્તેથી પૈસા ભરવા રજૂઆત કરવા કહ્યું, રિશીતે મેનેજમેન્ટ સામે રજૂઆત કરી પણ ખરી. પણ, મેનેજમેન્ટે રોકડું પરખાવી દીધું,
"ડોક્ટર, તમારી સેલરી પણ આ જ પૈસામાંથી થાય છે. સો, સોરી."
સારવાર દરમ્યાન કાજલના પપ્પાનું પણ બે જ દિવસમાં મૃત્યુ થયું, કુલ બીલ સાડા સાત લાખ રૂપિયાનું કાજલના હાથમાં હતું. કાજલની આંખ સામે અંધારા આવી ગયા, એ રિશીત પાસે પહોંચી એને બીલ પકડાવ્યા અને રિશીત કંઈ બોલે એ પહેલા જ એ બોલી,
"ડોકટરો બહુ મોંઘા પડે રિશીત, તું પણ આમ જ કમાય છે ને? મારે આ કમાણી નથી જોઈતી."
કાજલે હોસ્પીટલના આઠમા માળેથી કૂદીને આપઘાત કર્યો. અને એ ઘટનાએ રિશીતને હચમચાવી નાખ્યો, એવો આઘાત આપ્યો કે જે ટેબલ પર બીલ મૂક્યા હતા એ જ ટેબલ પર એ જ ક્ષણે પોતાની પેન અને સ્ટેથોસ્કોપ મૂકીને નોકરી છોડી ગયો.
સસ્તી સારવાર અને સેવા કરવાના મનોરથે નંદનવન નામે ગામમાં આવ્યો અને પછી ત્યાંનો થઈને જ રહી ગયો. એના અંતિમ શ્વાસ ચાલતા હતા ત્યારે આખું ગામ એને માટે પ્રાર્થના કરતુ હતું, અને એ ગયો ત્યારે આખું ગામ રડતું હતું. મેં એ દ્રશ્ય જોયું છે. કયા ડોક્ટર માટે આખું ગામ રડ્યું હશે? સેવા એ જ એક ડોક્ટરની ઓળખ છે એવું એને સાબિત કરી બતાવ્યું.