નીતા
નીતા


નીતા, નામ સામાન્ય પણ અસામાન્ય બાળક. શારીરિક કે માનસિક રીતે તો સાવ સામાન્ય જ પણ એની વિચારસરણી અસામાન્ય હતી. એટલે સ્કુલથી જ એ વહેણથી અલગ ચાલતી અને એટલે જ બધાને માટે રમુજ, મનોરંજન અને ચર્ચાનો વિષય બની જતી. શરૂઆતમાં તો શિક્ષકો પણ સામાન્ય લોકોની જેમ જ વર્તતા હતા પણ પછી એમને પણ ખબર પડી કે નીતાને શિક્ષણ આપવું એમના માટે પડકાર પણ છે અને ગૌરવ પણ. ચોપડીયું શિક્ષણ નીતાને માફક આવતુજ નહોતું એ પ્રેક્ટીકલ રીતે વાતને વિચારતી અને અને પ્રેક્ટીકલ રીતે જ યાદ પણ રાખતી, જેને કારણે પ્રશ્નો થતા અને પ્રશ્નોના જવાબ શોધતા શોધતા નીતા એની જ ઉંમરના અન્ય બાળકો કરતા ઘણી આગળ વધી જતી.
સિલસિલો છેક કોલેજ સુધી ચાલ્યો, રેન્કાર્તી પણ ટોપર નહીં. પણ એના જેટલું નોલેજ કદાચ ટોપર તો છોડો કોઈ સામાન્ય કે નવાસવા શિક્ષક પાસે પણ નહોતું. અને એટલે જ એ અલગ તરી આવતી. કોલેજ પતાવ્યા બાદ સહુ કોઈ જિંદગીને સેટલ કરવામાં લાગ્યું તો નીતા એ આગળ ભણવાનો અને IAS થવાનો રસ્તો અપનાવ્યો. એક સામાન્ય નોકરી, જેમાં એની જીવનની પ્રાથમિક જરૂરીયાતો જેમ તેમ પૂરી થાય, એવી નોકરી કરી અને ત્રણ વર્ષ મહેનત કરીને IAS બની જ ગઈ. પછી સેટલ લાઈફ પણ મળી અને પૈસા પણ. સમાજમાં માન, સન્માન પણ મળ્યું. પરિવાર વસાવ્યો અને બે બાળકોને પંદર વર્ષ સુધી મોટા કર્યા બાદ નોકરી છોડી દીધી. પોતાના શોખને પ્રાધાન્ય આપીને એક્ટિંગ તરફ આગળ વધી. ઓળખ તો પહેલેથી જ હતી અને એ જ નામ સાથે એક્ટ્રેસ તરીકે સફળ પણ થઈ.
પંચાવન વર્ષની ઉંમરે જયારે બાકીની સ્ત્રીઓ પરિવાર અને નોકરીથી કંટાળીને શાંતિની જિંદગી ઈચ્છે છે ત્યારે નીતા સફળ IAS, મશહુર એક્ટ્રેસ, બે બાળકોની માતા અને પ્રેમાળ પત્ની હતી, જે પોતાના જીવનથી ખુબ જ ખુશ હતી, કંટાળેલી નહોતી. એ પછી એણે એક NGO શરુ કર્યું, જેમાં પુસ્તકિયું નહીં પણ પ્રેક્ટીકલ નોલેજ આપવામાં આવતું. રમતમાં ભણતર અને ભણતરની રમત રમાતી હતી. શિક્ષણ અને સમાજને અલગ રીતે જોવાની દ્રષ્ટિ એણે પોતાના થાકી સહુને આપી. એની અસામાન્યતાથી સામાન્ય વર્ગનો નવો ઉદય થયો.