Mariyam Dhupli

Tragedy Inspirational Drama

4.0  

Mariyam Dhupli

Tragedy Inspirational Drama

મેરેજ મટીરીયલ

મેરેજ મટીરીયલ

9 mins
21.9K


 

ઉર્વી તૈયાર થઈ અરીસાની સામે ઉભી હતી. સુંદર લાગી રહી હતી. આમ તો મેકઅપ કરવું એને બહુ ગમતું નહીં. ભારેભરખમ ઘરેણાઓ જરાયે પસંદ નહીં. વાળમાં ફૂલ તો ક્યારેય ન લગાવતી. ભભકદાર કે જગમગ વસ્ત્રો એની અલમારીમાં એકેય નહીં. વાળમાં પીનો ભેરવી લાંબીલચક વાળની હેરસ્ટાઇલ એને બહુ ફાવતી નહીં. લોકો એને કેવી રીતે જોવી પસંદ કરશે એ કરતા કયા વસ્ત્રો, કેવા વાળ ને કેવા દેખાવમાં આરામદાયક પોતાને અનુભવાય એજ પ્રમાણે એ પોતાને શણગારવાને પ્રાધાન્ય આપતી. આજે પણ એ જ પ્રાધાન્યને અનુરૂપ પગમાં ઊંચી હિલની જગ્યાએ સપાટ જોડા, જીન્સને એક સાદી સુંદર કુર્તી, નાના વાળની એક નાની પોની, ઘરેણાંને નામે બે નાનકડી બુટ્ટી, ગળામાં એક પાતળી ચેઇ ને એક લેધર પટ્ટી વાળી સાદી કાંડા ઘડિયાળ ને બીજા હાથમાં ખુબજ હળવી પાતળી પોંચી પહેરી ઉભી ઉર્વી સાચે જ પુરવાર કરી રહી હતી કે 'સુંદરતા સાદગીમાંજ હોય ...'

પોતાને લગ્ન માટે કોઈ દબાણ ન કરે એ વાત તો માતા પિતા જોડે એણે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધી હતી. પોતાની કારકિર્દી જોડે કોઈ પણ પ્રકારની બાંધછોડ એ ન જ ચલાવી લેશે. પોતાના જીવન નિર્ણયો પર પોતાના અધિકાર ને કોઈ સંબંધને નામે એ ત્યાગ ન જ કરશે. એક શિક્ષિત સ્વનિર્ભર દીકરીના શિક્ષિત માતાપિતા આ દ્રષ્ટિકોણને સમજતા પણ હતા ને એના આ સ્વમાની વિચારો પર એટલોજ ગર્વ પણ અનુભવતા. તેથી દીકરી ને અરેન્જ મેરેજ માટે એમણે કદી ફરજ પાડી નહીં. એને પોતાની પસંદગીનો સાથી પસંદ કરી શકવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો હતો. આજે યોજાનારી આ મુલાકાત છોકરી જોવાની કોઈ પ્રથા સમો પરંપરાગત તો ન જ હતો. મા સમાન માસીની લાગણીઓને માન આપવા માટે ફક્ત એક ઔપચારિકતા જ તો નિભાવવાની હતી. માસી ના પતિના કોઈ મિત્ર પરિવારનો પુત્ર હતો. ખબર નહીં ઉર્વી ને ક્યારે અને ક્યાં જોઈ લીધી! ઉર્વીને જ પોતાની જીવનસાથી બનાવવાનો આગ્રહ રાખી પોતાના માતાપિતા સામે ઉર્વી જ ઘરે લગ્ન પ્રસ્તાવ લઈ જવાની હઠ લઈ બેઠો હતો.માસી ના કહેવા પ્રમાણે દેખાવે આકર્ષક ને સારી એવી કમાણી હતી. માતાપિતાનો એકનો એક લાડકવાયો દીકરો એટલે ખુબજ નાનું પરિવાર ! પણ બાહ્ય દેખાવ અને આર્થિક આંકડાઓ ઉર્વીના જીવનસાથી પસંદગીના આવશ્યક પાસાઓ માટે અનિવાર્ય જ ક્યાં હતા? એને તો શોધ હતી આંતરિક સુંદરતા ને વિચારોની સમૃદ્ધિની... 

ઉર્વીએ માસ ની લાગણીઓને માન તો આપ્યું. પોતે એ યુવકને એક વાર મળી લેવા હામી તો પુરાવી પણ પાછળ એક લાંબી શરતોની યાદી તૈયાર કરી રાખી હતી. જો એ શરતો પૂરી થાય તો આવી ઔપચારિક મુલાકાત સામે એને કોઈ વાંધો ન હતો.

શરત ક્રમાંક એક : લદાયેલા ઘરેણાં, સાડી ને મેકઅપ લગાવી ઢીંગલી જેમ એ તૈયાર ન જ થશે. પરંતુ પોતાની ટેવ અનુરૂપ જેમ દરરોજ ઘરમાં કે બહાર જવા તૈયાર થાય એમજ સાદગી પૂર્વક સજ્જ થશે !

શરત ક્રમાંક બે : ચા ને નાસ્તાની ટ્રે લઈ એનું આગમન ન જ થશે. ઘરે આવનાર દરેક મહેમાન જેવી જ મહેમાનગતિ યુવક અને એના માતાપિતાની થશે. પોતે પોતાના હાથ વડેજ નાસ્તાઓ તૈયાર ન કરશે !

શરત ક્રમાંક ત્રણ : પોતે યુવક જોડે એકાંતમાં થોડો સમય વાર્તાલાપ કરી પોતાનો નિર્ણય એ જ ક્ષણે કોઈ પણ ઔપચારિકતા વિના સ્પષ્ટને પારદર્શક પણે યુવક જાતે જ જણાવી દેશે !

ઉર્વી એ યુવકને મળી લેવા હામી પુરાવી હતી એ જ માસી માટે ઘણું હતું. એની શરતો સ્વીકારાય જ ગઈ. આખરે પોતાની ઉર્વી અન્ય યુવતીઓ કરતા જેટલી ભિન્ન હતી એટલા જ એના વિચારો પણ ! અને એ ભિન્નતા પરિવાર માટે ગર્વ ની બાબત હતી. 

"ઉર્વી, આવી ગયા !"

ઉર્વીના ઓરડાનું બારણું અર્ધ ખુલ્લું રાખતા માસીનો ચ્હેરો અંદર ડોકાયો. ઉર્વીના માતાપિતાને આદર સહ પ્રણામ કરી યુવકના ચ્હેરા ઉપર એની દ્રષ્ટિ ડોકાઈ કે આશ્ચર્ય અને અચંભાથી એ ચોંકી.

"આદિત્ય, તમે?"

ઉર્વીના મોઢે બોલાયેલા આ શબ્દો સ્પષ્ટ સંકેત કરી રહ્યા હતા કે બન્ને એકબીજા ને અગાઉ થીજ ઓળખતા હતા. આ એમની પહેલી મુલાકાત તો ન જ હતી ! વડીલોના ચ્હેરા પર વધુ પ્રસન્નતાને સંતોષના ભાવો ઉપસી આવ્યા. ઔપચારિક વાતાવરણ થોડું મૈત્રી ભર્યું ઢળવા લાગ્યું. એકબીજાના સંતાનોની પ્રશંસાને પસંદગીની ગુણવત્તા ઉપર ગર્વ લઈ રહેલ માતાપિતાના અવાજો ઉર્વીને આદિત્યના કાને પડી તો રહ્યા હતા પણ કશું જ જાણે સંભળાઈ રહ્યું ન હતું. વર્તમાનમાં હાજર શરીરોની સ્મૃતિ ભૂતકાળના સમયખંડમાં પહોંચી ચૂકી હતી. 

આદિત્ય આજે પોતાના માતાપિતા ને લઈ ઉર્વીના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો હતો. ઉર્વીને કઈ રીતે વિશ્વાસ થાય ? આદિત્ય જ તો હતો જેને સૌ પ્રથમ એણે પ્રેમ કર્યો હતો. કોલેજમાં પોતાનો સિનિયર. આદિત્ય એટલે કોલેજનો સૌથી પ્રખ્યાત યુવક. કોઈ પ્રવૃત્તિ એવી ન હોય જેમાં આદિત્ય ભાગ ન લેતો. રમતગમતના મેદાનમાં દરેક પ્રવૃત્તિમાં સૌથી આગળ. યુવા મહોત્સવ માટે કોલેજ વિદ્યાર્થી ગણનો નેતા, સંગીતમાં પણ મોખરે, સ્ટેજ હોય કે કેમ્પસ આદિત્ય જોડે મિત્રતા કરવા યુવતીઓ એની આગળ પાછળ ફરતી હોય. કૉલેજની કેન્ટીનમાં એનાથી જ તો વસ્તી રહેતી. એટલે કે કોલેજ કેમ્પસનો હિરો. આદિત્ય જેટલો બાહ્યમુખીને સક્રિય ઉર્વી સ્વભાવે એટલી જ શાંત ને અંતર મુખી. એના પુસ્તકો, એની લાઈબ્રેરીને એનો અભ્યાસ, કેટલાક નામના મિત્રો બસ એ જ એનું નાનકડું ગમતું વિશ્વ્. પણ મનોવિજ્ઞાનનો તો એજ નિયમ કે જ્યાં વિરોધાભાસ હોય આકર્ષણ પણ ત્યાં જ હોય. માનવમન પોતાનામાં ન હાજર એ દરેક ગેરહાજર બાબતોને અન્ય મનમાં શોધતું ફરે. ને જયારે એ તમામ બાબતો આસપાસ હાજર કોઈ આકર્ષક માનવીમાં દ્રષ્ટિમાન થાય કે શીધ્ર એના તરફ ખેંચાતું જાય. આ આકર્ષણ કોઈ તર્ક, દલીલ કે ઊંડા વિચારમંથનોની રાહ જોતું નજ બેઠું રહે. એ તો બસ એ વ્યક્તિત્વના વિરોધાભાસ તરફ ચુંબક સમું આકર્ષાતું જાય.

ઉર્વી પણ આદિત્ય તરફ સહજ રીતે આકર્ષાય હતી. યુવાનીનીએ કુમળી લાગણીઓ એના હૃદયને તરબોળી રહી હતી. પ્રેમ અભિવ્યક્ત ન થાય ત્યાં સુધી એકતરફ જ છુપાઈ રહે. ઉર્વીનો પ્રેમ પણ એના હૃદયના ઉંડાણોમાં સંકેલાઈ છુપાઈને બેઠો હતો. પણ પ્રેમ એ બેડીઓમાં ક્યાં સુધી જકડાઈ રહે ? એની અભિવ્યક્તિ કોઈ શબ્દોને આધીન થોડી ? પ્રેમમાં પડનારી વ્યક્તિની લાગણીઓ ગમે તેટલી મૌન હોય, એમની દ્રષ્ટિ એટલી જ વાતો કરતી દરેક રહસ્યને ઉઘાડી દેતી જ હોય છે. ઉર્વીનો એ એકતરફી પ્રેમ પણ એની આંખોમાં બધાએ સરળતાથી વાંચી લીધો હતો. આદિત્ય તરફની એની લાગણીઓ કેમ્પસની દરેક દ્રષ્ટિ કળી ચૂકી હતી. પણ શું આદિત્ય સુધી એ લાગણીનો પ્રવાહ પહોંચી શક્યો હતો ?

"અરે બાળકોને પણ એકાંતમાં થોડો વાર્તાલાપ કરવાની તક આપીએ ..."

ઉર્વીની શરત અને પોતે આપેલ વચન પ્રમાણે માસીએ બન્નેને છૂટા કર્યા. ઉર્વીના ઓરડામાં પ્રવેશતાં જ આદિત્યની આંખો ચારેતરફ ફરી રહી. એનો ઓરડો પણ એના વ્યક્તિત્વના અરીસા સમો સુઘડ સ્વ્ચ્છ ને સાદગીભર્યો હતો. બન્ને વચ્ચેના ખચકાટભર્યા મૌનને હડસેલતો આદિત્ય ઉર્વીની આંખોમાં આંખો પરોવી શબ્દોનો પુલ બાંધી રહ્યો :

"પ્રેમની પહેલ સ્ત્રી કરે કે પુરુષ પણ અભિવ્યક્તિ તો પુરુષેજ કરવી રહી."

"જરૂરી નથી. જો સ્ત્રી પ્રેમ કરી શકે તો અભિવ્યક્તિની પહેલ પણ કરી જ શકે. સમાજ એ વાતને સ્ત્રીના ચરિત્ર જોડે સાંકળે એ તદ્દન અતાર્કિક ને એકતરફી વલણ !" ઉર્વીના તદ્દન સચોટ પ્રત્યાઘાતથી આદિત્ય મંદ મંદ હસ્યો.

"તો પછી એક સ્ત્રી તરીકે પ્રેમની અભિવ્યક્તિની પહેલ કરી હોત. આખી કોલેજ તારા મનની વાત જાણતી હતી. મારા પ્રત્યેના પ્રેમને આજ સુધી શબ્દોમાં ઢાળવાની હિંમત કેમ ન થઈ શકી ? પણ શો ફેર પડે ? જે વાત તારા હૃદયમાંથી બહાર નીકળતા ડરે છે એજ વાતની હું આજે પહેલ કરવા આવ્યો છું. તું મારી જોડે લગ્ન કરીશ ? વીલ યુ મેરી મી ?"

"નહીં.." એક પણ ક્ષણ વેડફ્યા વિના જ ઉર્વીએ એના પ્રસ્તાવને ઠુકરાવી દીધો.

"તું મશ્કરી કરી રહી છે ને ?" ચ્હેરા પરના હાસ્ય જોડે આદિત્ય ઉર્વીને તાકી રહ્યો. 

"નહીં, હું તમારી જોડે લગ્ન ન કરી શકું. આઇમ સોરી.." ઉર્વીના ચ્હેરા પરનું ગાંભીર્ય એના નિર્ણયની ગંભીરતાનો પુરાવો આપી રહ્યું.

"તું મારા પ્રસ્તાવને ઠુકરાવી રહી છે ? વિશ્વાસ નથી આવતો. જેને પ્રેમ કરીએ એને જીવનસાથી તરીકે મેળવી લઈએ, એનાથી મોટું ક્યું સદ્દભાગ્ય ? આ નિર્ણય પાછળનું કારણ જાણી શકું ?"

"વ્યક્તિના અંતરને જાણ્યા વિના જ એના વ્યક્તિત્વના બાહ્ય પાસાઓથી અંજાઈ જવું, એ પ્રેમ નહીં ફક્ત લાગણીઓની ભ્રમણા... શારીરિક આકર્ષણ...એ ભ્રમણા મને પણ થઈ હતી. તમારી જોડે લગ્ન ન કરી શકાય કારણ કે હું તો સંપૂર્ણ 'મેરેજ મટીરીયલ' છું જ પણ અફસોસ તમે સહેજ પણ 'મેરેજ મટીરીયલ' બનવાને સક્ષમ નથી !"

ઉર્વીના મોઢે બોલાયેલો 'મેરેજ મટીરીયલ' શબ્દ સાંભળતાજ આદિત્ય ચોંક્યો. એનું હાસ્ય ગંભીરતામાં પરિવર્તિત થઈ રહ્યું. ઉર્વીના સ્પષ્ટ ને સચોટ નિર્ણય પાછળનું કારણ કળી જતા પોતાની બચેલી શરમ ને માનને સંકેલતો એ ધીરા પગલે ઓરડામાંથી બહાર નીકળી ગયો. એના બહાર નીકળતાં જ ઉર્વી પોતાના ઓરડા તરફની બાલ્કનીમાં પહોંચી. બાલ્કની આગળ થોડા વર્ષો પહેલાનો કોલેજનો કોરિડોર ઉભો થઈ ગયો.

વેલેન્ટાઈન ડેની ઉજવણી રૂપે હાથમાંના ગુલાબને આદિત્ય માટે લાવેલ ભેટ જોડે ઉર્વીની દ્રષ્ટિ દરેક વર્ગમાં આદિત્યને શોધતી આગળ વધી રહી હતી. પ્રેમનો સ્વીકાર કરવાની હિંમત ભેગી થઈ ચૂકી હતી. એક સ્ત્રી છું તો શું થયું ? પ્રેમ કરી શકું તો પહેલ કેમ નહીં ? થોડે દૂરના ઓરડામાંથી આદિત્ય ને એના મિત્રોના હાસ્યનો પડઘો સંભળાઈ રહ્યો હતો. હૃદયના ધબકાર આગળ વધતા પગલાં જોડે વધુને વધુ તીવ્ર થઈ રહ્યા હતા. ઓરડાની અંદર પ્રવેશવા પહેલાં જ અંદરથી સંભળાઈ રહેલ વાર્તાલાપથી એનું શરીર લપાઈને બારણાં પાછળ ટેકાય ગયું :

"આટલા બધા ગુલાબ ? આદિત્ય તને તો મજાજ છે ! પણ તને કયું ગુલાબ ગમ્યું ?"

"મને ફક્ત ગુલાબજ નહીં બાગનું દરેક પુષ્પ ગમે ...." આદિત્યના વ્યંગથી આખો ઓરડો હાસ્યથી ગુંજી રહ્યો. 

"પણ બિચારી ઉર્વીનું શું ? એણે હજી ગુલાબ ભલે ન આપ્યું પણ એના જેટલો પ્રેમ તને કોઈ નથી કરતું, એ વાત તો સૌ જાણે છે. પણ શું તું પણ એને..?"

"જો મારા મિત્ર યુવતીઓ બે પ્રકારની હોય. એક 'ગર્લફ્રેન્ડ મટીરીયલ' ને બીજી 'મેરેજ મટીરીયલ.' ઉર્વી જેવી શાંત, સંસ્કારી, સુશીલ ને ડાહી યુવતીઓ શુદ્ધ 'મેરેજ મટીરીયલ' કહેવાય. સમાજને કુટુંબ શોભાવતી ઢીંગલીઓ ! એમને તો લગ્ન કરવાનો વિચાર આવે ત્યારે જ પસંદ કરાય ને હમણાં મારે ક્યાં લગ્ન કરવા છે ? હરવા ફરવાના દિવસોમાં તો 'ગર્લફ્રેન્ડ મટીરીયલ' પસંદ કરાય. જેમની જોડે બાઈક પર લોન્ગ રાઈડ માણી શકાય, લાસ્ટ શો મુવી જોઈ શકાય ને જીવનની મજા માણી શકાય..."

"એટલે લગ્ન પહેલા 'ગર્લફ્રેન્ડ મટીરીયલ' ને લગ્ન પછી 'મેરેજ મટીરીયલ'?"

"એવા વળી કોઈ ચુસ્ત નિયમો નથી. લગ્ન પછી પણ બન્ને મટીરીયલ રાખી શકાય ફક્ત સંતુલન જાળવતા આવડવું જોઈએ.." આદિત્યના ઉત્તરથી ખડખડાટ હસી રહેલો ઓરડો ઉર્વીના શાંત ડૂસકાંઓથી તદ્દન અજાણ જ રહી ગયો.

પાર્કિંગ વિસ્તારમાંથી આદિત્યની ગાડીના દરવાજા લોક થવાનો અવાજ બાલ્કની સુધી પહોંચતા જ ઉર્વી ચમકી. આદિત્ય જોડે આંખો મળીને શરમથી આદિત્ય નીચી નજરો ઢાળી રહ્યો. બાલ્કનીમાંથી પોતાના ઓરડામાં પરત થતી ઉર્વીની આંખોમાં સ્વમાનની ચમક પ્રસરી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy