Khushbu Patel

Inspirational Tragedy

3.7  

Khushbu Patel

Inspirational Tragedy

સમજે એવો સાથીદાર!

સમજે એવો સાથીદાર!

4 mins
21.4K


એક ખેડૂતના ખેતર પાસે વિયાયેલી કૂતરીએ પાંચ ગલૂડિયાંને જન્મ આપ્યો હતો. ખેડૂતની પત્નીએ નવજાત ગલૂડિયાંને રહેવા-ફરવા માટેની સુરક્ષિત જગ્યા બનાવવાનું બીડું ઉપાડી લીધું. ખેતરમાં જ આવેલા તેમના ઘરની આગળ ખૂણામાં પાટિયા ગોઠવીને એમાં કોથળા અને ફાટેલા કપડાં પાથર્યા. ખેતર પાસે પાંચેય નાનકડા ગલૂડિયા તેમની માના બંને પગ વચ્ચે ભરાઈને સ્તનોમાં દૂધ પીવા ધક્કામુક્કી કરતાં હતાં. અપંગ જન્મેલું એક ધોળું ગલૂડિયું તેની અધખુલ્લી આંખે માના સ્તનને શોધવા ફાંફા મારતું બીજા ગલૂડિયાં પર ચડ્યું. દાંત વિનાના કોમળ મોંમાં માના સ્તનની દૂધધારા હજી આવી જ હતી ત્યાં જ તો બીજા ભુખાવરા ગલૂડિયાંનો હળવો ધક્કો વાગ્યો, અને તે બાજુમાં ગબડી પડ્યું. બીજાં ગલૂડિયાં સામે એ અપંગ ગલૂડિયું બાજુમાં હડસેલાઈ જતું, પણ મોકો મળે ત્યારે બે ગલૂડિયા વચ્ચે જગ્યા શોધી અંદર ઘૂસી જતું અને ધરાઇને ધાઇ લેતું. ધાઈને ઘસઘસાટ ઊંઘતા કોમળ ગલૂડિયાંને ખેડૂતની પત્નીએ હાથમાં લઈ તેમના બનાવેલા ઘરમાં મૂકી સુરક્ષિત હુંફ આપી.

દિવસો વિતતા ગયા એમ એમ ગલૂડિયા મોટા થતાં ગયાં. પચ્ચીસેક દિવસના થયેલા ચાર સ્વસ્થ ગલૂડિયાં મસ્તીખોર પાક્યાં હતાં, પણ અપંગ ગલૂડિયું શાંતિથી તેની માને ધાઈને ખૂણામાં ગૂંચળું વળીને પડ્યું રહેતું. મસ્તી કાઢવા જ્યારે ચારેય ગલૂડિયાં પાટિયાં નીચેની જગ્યાએથી સરકીને ભાગી જતાં ત્યારે એ બિચારું એકલું પડી જતું. સંગ તેવો રંગ લાગે એમ એ અપંગ ગલૂડિયું પણ તેના ચારેય ભાઈ-બહેનો જ્યાં જતાં ત્યાં એમની સાથે ઘસડાતું ઘસડાતું મસ્તી કાઢવા પહોંચી જતું. પેલા ચાર ગલૂડિયાં દિવસે દિવસે વધુ મસ્તીખોર થવા લાગ્યાં. ગમે ત્યાં ઘૂસી જતાં અને ખેતરમાં વાવેલો પાક બગાડી નાંખતાં. એટ્લે એક દિવસ એ ખેડૂતે દરવાજા બહાર ‘ગલૂડિયાં વેચવાના છે’ એનું એક નોટિસ બોર્ડ મારી દીધું.

એક દિવસ બારેક વર્ષનો છોકરો ત્યાંથી પસાર થતો હતો. તેણે દરવાજા પર મારેલું બોર્ડ વાંચ્યું. તેણે દરવાજો ખખડાવી બૂમ મારી...

થોડીકવારમાં ખેડૂત ખેતરનું કામ મૂકીને ત્યાં આવી પહોંચ્યો.

“અંકલ...” એ છોકરાએ કહ્યું, “...મારે એક ગલૂડિયું ખરીદવું છે.”

ખેડૂતે પરસેવાથી ભીનું કપાળ રૂમાલથી લૂછતાં કહ્યું, “બેટા... આ ગલૂડિયાં ખૂબ સરસ જાતના અને તંદુરસ્ત છે, એટ્લે પૈસામાં ભાવતાલ નહીં થાય હોં...!”

સાંભળીને છોકરાનું મોં નિરાશાથી ઉતરી ગયું. તેણે ખિસ્સામાં છેક ઊંડો હાથ નાંખી પૈસા કાઢ્યા. પરચુરણ સાથે માંડ દસેક જેટલા રૂપિયા નીકળ્યા. તેણે આશાભરી નજરે પૈસા સામે ધરીને કહ્યું, “અંકલ, મારી પાસે દસ રૂપિયા છે...”

“એટલા રૂપિયામાં સારી જાતનું ગલૂડિયું ના મળે, બેટા...” ખેડૂતે પાછા કામ પર જવા પગ વાળ્યા.

“અંકલ...અંકલ... દસ રૂપિયા આપું તો એ ગલૂડિયાં પર હાથ ફેરવવા દેશો...? પ્લીઝ અંકલ...” છોકરાએ આજીજીભર્યા સ્વરે દરવાજાના સળિયા વચ્ચે માથું અડાડીને કહ્યું.

ખેડૂત દસ રૂપિયાની લાલચમાં “ઠીક છે...” કહી માની ગયો. તેણે મોટા અવાજે તેની પત્નીને ટહુકો પાડી ગલૂડિયાં લઈ આવવા કહ્યું.

ગલૂડિયાં-ઘરનો દરવાજો તેની પત્નીએ ખોલ્યો એવા તરત જ પાંચેય મસ્તીખોર ગલૂડિયાં ‘હવે રખડવા મળશે’ એ વિચારે ગાંડાઘેલાં થઈ બહાર દોડ્યાં...! ધોળા દૂધ જેવા ભદાળા પાંચેય ગલૂડિયાંને લઈને ખેડૂતની પત્ની દરવાજે આવી. કપાસના ઢગલા જેવા પાંચ ક્યૂટ ગલૂડિયાં જોઈને છોકરાનો ચહેરો તત્ક્ષણ આનંદથી ખીલી ઉઠ્યો! પાંચ ગલૂડિયાંમાં એક ગલૂડિયું પગેથી ખોડું (અપંગ) હતું. તે થોડાક ડગલાં ચાલવા જતું ને ગબડી પડતું. ચાલવા કરતાં તે કદાચ ગબડી ગબડીને વધુ અંતર કાપીને પહોંચ્યું હતું. એ ખોડંગાતું ભદાળું ગલૂડિયું જોઈને છોકરો દરવાજાના સળિયા વચ્ચે માથું નાંખી તરત બોલી ઉઠ્યો, “અંકલ, મારે પેલા ગલૂડિયાંને રમાડવું છે...”

“બેટા, એ ગલૂડિયું બીજા ગલૂડિયાંની જેમ તારી જોડે દોડીને રમી નહીં શકે. હું તને બીજું ગલૂડિયું રમવા આપું છું...”

“ના અંકલ... મારે એજ ગલૂડિયાં જોડે રમવું છે...”

”પણ બેટા એ અપંગ ગલૂડિયું છે. એ તારી જોડે નહીં રમી શકે”

છોકરાએ નીચા નમી તેના ડાબા પગનું પેન્ટ ઢીંચણ ઉપર ચડાવ્યું. તેણે ઢીંચણ સુધી ખાસ પ્રકારના ડુપ્લિકેટ સ્ટીલના પગ અને બુટ પહેરેલા હતા. તેણે કહ્યું, “જુઓ અંકલ, હું પણ અપંગ છું. હું પણ તેની જેમ દોડી નથી શકતો, પણ એ ગલૂડિયાંની તકલીફ હું સારી રીતે સમજી શકું છું. પ્લીઝ અંકલ. મારે એની જોડે રમવું છે.” તેણે હાથમાં દસ રૂપિયા સામે ધરીને ભીની આંખે કહ્યું.

છોકરાના અપંગ પગ પર ચડાવેલો સ્ટીલનો પગ જોઈને ખેડૂતના હૈયામાં સહાનુભૂતિ ઉભરાઇ આવી. આદ્ર આંખે તેમણે એ અપંગ ગલૂડિયાંને હાથમાં લીધું. દરવાજો ખોલી છોકરાના હાથમાં રૂના ઢગલા જેવુ પ્યારું ગલૂડિયું મૂક્યું.

ગલૂડિયાંનો સુંવાળો સ્પર્શ અને માયાળું કાળી આંખો જોઈને છોકરાના હોઠ પર તરત જ સ્મિત ખીલી ઉઠ્યું. તેણે ખભાથી ભીની આંખો લૂછતા કહ્યું, “અંકલ, આ ગલૂડિયું મને ખૂબ જ ગમે છે. કેટલા રૂપિયા થાય આને ખરીદીને ઘરે લઈ જવા?”

છોકરાના અવાજમાં ભળેલી લાગણીનો સૂર સાંભળીને ખેડૂતનું હૈયું ભરાઈ આવ્યું. તેના માથા પર હેતાળ હાથ મૂકીને કહ્યું, “બેટા, આ ગલૂડિયાંને એવા વ્યક્તિની જરૂર છે જે એની તકલીફને સમજી શકતું હોય. તારા માટે હવે આ ગલૂડિયું બિલકુલ મફત છે. જ્યાં પ્રેમ ચૂકવાતો હોય ત્યાં પૈસાનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે...”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational