mariyam dhupli

Romance Inspirational

4.5  

mariyam dhupli

Romance Inspirational

મકબરો

મકબરો

7 mins
495


આખરે હું તાજમહેલની સામે ઊભો હતો. મારી આંખો અચરજથી પહોળી હતી. મહેરીનની જિદને કારણે હું ત્યાં હતો. કેટલા સમયથી એ વિચિત્ર જિદ કરી રહી હતી. એને બસ આ તાજમહેલ જોવો હતો. આખરે એ ત્યાં આવીનેજ જંપી હતી. હું પાછળ તરફથી ક્યારનો મારી પત્નીની પીઠને વિસ્મયથી તાકી રહ્યો હતો. એના ફાતીયા પઢવા માટે ઉઠેલા હાથ અને મીંચાયેલી આંખો મને નવાઈ પમાડી રહી હતી. મૃત્યુની નિંદ્રામાં પોઢેલી બે પ્રેમીની આત્માઓ માટે એ મનથી દુઆ કરી રહી હતી. 

જીવનમાં એકવાર તાજમહેલ નરી આંખે પ્રત્યક્ષ જોવો એ તો કદાચ દરેક ભારતીયનું સ્વપ્ન હોય છે. લગ્નના ઘણા વર્ષો પહેલા હું મારા મિત્રો જોડે એ સ્વપ્નને હકીકતનું સ્વરૂપ આપી ચૂક્યો હતો. 

સંગે મરમરનો આલીશાન મહેલ !

જયારે પહેલીવાર એને આંખો સામે જોયો હતો ત્યારે શરીરના દરેક રુંવાડા રોમાન્ચથી ઊભાં થઈ ગયા હતાં. મારી આંખો સામે જાણે પ્રેમ સજીવન ધબકી રહ્યો હતો. 

શાહજહાં અને મુમતાઝ ! 

પોતાની પત્નીને કોઈ એટલું ચાહી શકે ? એના મૃત્યુ પછી પણ એની યાદમાં પૈસા પાણી જેમ વહાવી શકે ? પ્રેમ હોય તો આવો !

મારી એ મુલાકાત વખતે જયારે દરેક યુગલ મહેલની સામે તરફના બાંકડા ઉપર બેસી પોતાના પ્રેમને યાદગાર બનાવવા મહેલને પૃષ્ઠભૂમિમાં સમાવી તસ્વીર ખેંચાવી રહ્યા હતાં ત્યારે જ હું મનોમન નિર્ણય લઈ ચૂક્યો હતો. મારી સામાન્ય કક્ષાની નોકરી અને સામાન્ય પગારમાંથી હું એના માટે તાજમહેલ તો ન જ બંધાવી શકું પણ મારી પત્ની જોડે એ બાંકડા ઉપર એક તસ્વીર જરૂર ખેંચાવીશ. 

પરંતુ આજે જયારે મહેરીન મને આ તાજમહેલ સામે લઈ આવી હતી ત્યારે મન અકળાઈ રહ્યું હતું. આસપાસનો વિસ્તાર જોઈ મને એની જિદ ઉપર ઘૃણા છૂટી રહી હતી. તસ્વીર તો દૂરની વાત. 

મને બજેટની કોઈ સમસ્યા ન હતી. લગ્ન પછી પહેલીવાર કશે દૂર નીકળ્યા હતાં. એણે કહ્યું હોત તો એને કોઈ સુંદર ઐતિહાસિક સ્થળની મુલાકાત કરાવી શક્યો હોત. એ મારી પત્ની હતી અને પત્નીને ખુશ રાખવા પૈસા ખર્ચવા એ મારો ધર્મ હતો. લગ્ન પહેલા મારા અન્ય પરણિત મિત્રોની સલાહ શિખામણ અને એ લોકોના લગ્ન જીવનના અનુભવોએ મને એટલું તો શિખવીજ દીધું હતું કે 'મની હે તો હની હે ! '

લગ્ન જીવન એક મોટી જવાબદારી છે અને એનું પ્રમુખ ચાલકબળ પૈસા જ છે. તેથીજ લગ્ન પછી મારો ઓવરટાઈમ ઘણો એવો વધી ગયો હતો. બચત પણ પહેલા કરતા બમણી કરી દીધી હતી. કૌટુંબિક જવાબદારીઓ સાથે મહેરીનની ખુશીઓનું સંતોલન સાધવાનું હતું. લગ્ન પછીની પહેલી રજાઓ માટે સારી એવી રકમ ખૂણે કરી મૂકી હતી. મનમાં લાંબી યાદી બનાવી બેઠો હતો. 

દિલ્હી ગેટ, ગેટ વે ઓફ ઈન્ડિયા, વાઘા બોર્ડર, કુતુબ મિનાર, ખજુરાહો, હુમાયુનો મકબરો, એલિફન્ટાની ગુફાઓ....યાદી અંનત હતી. પણ મહેરીનને શું ગમશે એ મહત્વનું હતું. મન તો હતું એની જોડે તાજમહેલના પેલા બાંકડા ઉપર એક સેલ્ફી લઈ લઉં એટલે જીવન ધન્ય. જાત સાથે કરેલો વાયદો પૂરો કરવો હતો. પણ મહેરીન....

મારા મનમાં ચાલી રહેલા વિચારોના વમણો જાણે પામી ગઈ હોય એમ પોતાના બન્ને હાથ ચહેરા ઉપર ફેરવી મહેરીન પાછળ ફરી. એની આંખોમાં કુતુહલ મને સ્પષ્ટ દેખાયું. મારા હાથ ફાતિયાં પઢવા જોડાયા ન હતાં. મહેરીનના ચહેરા ઉપર અનેરી તૃપ્તિ હતી અને મારા ચહેરા ઉપર ભારોભાર મૂંઝવણ અને અસંતોષ. 

"તમે ખુશ નથી ?"

મારા ખભા ઉપર હાથ ટેકવતા એણે પોતાનું મધુર હાસ્ય વેર્યું. 

" એટલા પૈસા ખર્ચ્યા તો ઓરીજનલ જ ન જોવાય ?" 

મહેરીનનું મધુર હાસ્ય વધુ મધુર બન્યું. પોતાના મોબાઈલના કેમેરામાં એણે દરેક ખૂણેથી ઈમારતની તસવીરો લેવા માંડી. 

" તમે જાણો છો ફેઝુલ હસન કાદરી ને ?" 

હા, હું જાણતો હતો. ટીવી ઉપર અને યુ ટ્યુબ ઉપર એમના વિશે સમાચાર સાંભળ્યા હતાં. પણ હું મૌનજ રહ્યો. મહેરીનની આંખોમાં એમના નામ જોડેજ જે ચમક ઝળહળી હતી એ હું પહેલીવાર નિહાળી રહ્યો હતો. મને આજ ચમક તો જોવી હતી. પણ એ આ સ્થળે આવીને મળશે એની કલ્પના કદી કરી ન હતી. 

તસ્વીર ખેંચી રહેલા હાથમાં અદમ્ય ઉત્સાહનો ઉછાળ હતો. એ ઉછાળ એના શબ્દોમાં નીતરી મને ઉપરથી નીચે સુધી ભીંજવી રહ્યો હતો.  

" તેઓ એક સામાન્ય પોસ્ટ માસ્ટર હતાં. જયારે તેમની પત્ની લગ્ન કરી ઘરે આવ્યા હતાં ત્યારે એમને રોટલી વણતા પણ આવડતી ન હતી. એક પુરુષ હોવા છતાં રસોઈ કરવામાં એમને કોઈ નાનમ અનુભવાતી ન હતી. આપણા સમાજમાં જ્યાં પત્ની પાસે હંમેશા સંપૂર્ણતાનો આગ્રહ સેવવામાં આવે છે, ખાસ કરીને રસોડાના કાર્યો ને લઈ ત્યાં તેઓ એ પત્નીને જાતે રોટલી વણતા શીખવી હતી, બોલો. 

જાતે ભણ્યા હતાં. પરંતુ પત્ની અભણ હતાં. ગામમાં દીકરીઓ ભણતી જ ન હતી. તેમણે જાતે તેમને ઉર્દુ ભણાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં વાર્તાની નાનકડી પુસ્તિકાઓ દ્વારા શબ્દોની સમજ આપી અને પછી ધીમે ધીમે જયારે વાંચન આવડતું ગયું ત્યારે જાસૂસી અને રોમેન્ટિક નોવેલ અને અન્ય ઉર્દૂના પુસ્તકો પણ પત્ની માટે ખરીદી લાવતા. આમ એક પણ અક્ષર ન જાણનારી પત્નીને તેમણે જાતે વાંચતા શીખવ્યું. આપણા સમાજમા મોટેભાગે પતિની પ્રગતિમાં પડખે ઊભાં રહેવું એજ પત્નીની મુખ્ય ફરજ ગણાય છે. ભલે એમાં પત્નીની પ્રગતિ કશે રૂંધાઈ જતી હોય. એવા સમાજ વચ્ચે રહી પત્નીને અક્ષર જ્ઞાનની ભેટ ધરી પ્રગતિ કરવા પ્રેરવી એ નાનીસુની વાત છે ? તમેજ કહો. 

પત્નીને સિનેમામાં રસ છે એ વાતની જાણ થતા પોતાની નામનીજ આવકમાંથી પણ બચત કરી તેઓ ચારેતરફ્ના રૂઢિવાદી વાતાવરણ વચ્ચે પણ પત્નીને નિયમિત સિનેમા જોવા લઈ જતા. પત્ની પણ માનવીજ છે. એના પણ રસ રુચિ હોય શકે. એના રસ રુચિને પણ માન આપવું પતિની ફરજ છે એ વાત એમણે પોતાના વર્તનથી સિદ્ધ કરી બતાવી.

એટલુંજ નહીં જયારે માંદગીને કારણે પત્ની કદી ગર્ભ ધારણ ન કરી શકશે એ વાત જાહેર થઈ ત્યારે પરિવારે એમને અન્ય લગ્ન કરી લેવાની સલાહ આપી. પણ નિકાહ સમયે સુખ દુઃખ જોડે વહેંચવાનું જે વચન આપ્યું હતું તેઓએ તેને સાચા હૃદયથી નિભાવ્યું પણ. જીવનમાં કદી બીજા લગ્ન કર્યા નહીં. આજે સમાજમાં જયારે નાની નાની વાતે સંબંધોમાં બ્રેકપ થઈ જાય છે ત્યારે આ પ્રેમ સાચી લાગણીનું એક જીવતું જાગતું ઉદાહરણ બની રહે છે. પતિ પત્નીના સંબંધ વચ્ચે ત્રીજું કોઈ પણ દખલગીરી કરી પોતાના અયોગ્ય સલાહ સૂચનો દ્વારા સંબંધની શાંતિ વધ ન કરી શકે એ માટે પણ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. એ પણ એમણે શીખવી દીધું. 

પોતે કદી માં ન બની શકશે. પોતાના મૃત્યુ પછી કોઈ એમને યાદ ન કરશે એ મનનો બળાપો જયારે પત્નીના મોઢે સાંભળ્યો ત્યારે તરતજ તેમણે વચન આપ્યું કે જો એમના જીવતાંજીવત એમના પત્ની મૃત્યુ પામશે તો એ એમના માટે એક તાજમહેલ બનાવશે અને એવો મકબરો તૈયાર કરશે કે લોકો હંમેશા એમને યાદ કરશે. પ્રેમ ફક્ત અમીરીની મિલ્કીયત નથી. 

આખરે એમના પત્નીના મૃત્યુ પછી એમણે આ તાજમહેલ બંધાવ્યો.

હા, અહીં મોંઘુ સંઘે મરમર નથી. પૈસાની જાહોજલાલી નથી. માટી અને સિમેન્ટની એક સામાન્ય ઈમારત છે. પણ પ્રેમને જાહોજલાલી સાથે શી લેવાદેવા ? પ્રેમ મેળવવા ધન નહીં સાચું મન જોઈએ. સાચો પ્રેમ કોને કહેવાય એ એમણે સાબિત કરી નાખ્યું. આજે આ તાજમહેલમાં બન્નેના મકબરા એકબીજાની પડખે લગોલગ છે જે રીતે જીવનમાં બન્ને એકબીજાનો સહારો બન્યા એ રીતે મૃત્યુ પછી પણ સાથેજ છે. 

કેટલી ભાગ્યશાળી હતી એ સ્ત્રી ! જેમને એક એવા પતિ મળ્યા જેમણે દરેક પરિસ્થિતિમાં એમનો સાથ આપ્યો. ચડતી પડતીમાં સતત પડખે રહ્યા. એમના રસ રુચિને માન આપ્યું. એમની અપૂર્ણતાઓનો આદરપૂર્વક સહજ સ્વીકાર કર્યો. એક માનવી જોડે માનવી બનીને રહ્યા. જીવન ફક્ત પસાર નહીં કર્યું. એમની જોડે જીવન વહેંચ્યું. એમને અમર કરવા આ મકબરો તૈયાર કર્યો. જે માટે કોઈની પાસે હાથ ન પસાર્યા. આર્થિક મદદ ન લીધી. બધુંજ જાતે કર્યું. 

એટલુંજ નહીં સમાજની શિક્ષણ વંચિત યુવતીઓ માટે એમની જમીન દાન કરતા ગયા. જ્યાં આજે સરકારી સહકાર દ્વારા એક શાળાની ઈમારત ઊભી છે. 

હું તો ઈચ્છું કે બધા ભારતીયો એ એકવાર આ તાજમહેલની મુલાકાત ચોક્કસ લેવીજ જોઈએ. જેથી સમાજમાં લગ્ન જીવન શરૂ કરવા પહેલા એકબીજાના બેન્ક બેલેન્સ નહીં હૃદયના સ્ટેટ્સ ચકાસવાની નવી પ્રથા શરૂ થઈ શકે. 

હવે તમેજ કહો તમને કયું તાજમહેલ વધુ આકર્ષે છે ? " 

એકજ શ્વાસે બોલાયેલા એ શબ્દોએ મને મન્ત્રમુગ્ધ કરી દીધો હતો. હું નિ:શબ્દ હતો. જે તાજમહેલ મેં અગાઉ જોયું હતું ને જે તાજમહેલ મારી આંખો સામે હતો એમાં જમીન આસમાન જેટલો તફાવત હતો. બન્નેના નિર્માણ પાછળની વાર્તા ભલે એકજેવી છતાં તદ્દન જુદી હતી. પહેલા તાજમહેલને જોઈ પ્રેમની જે ફરજ મને સમજાઈ હતી એ આ નકલી તાજમહેલની હકીકત સાંભળી જડમૂળમાંથી બદલાઈ ચૂકી હતી. એક પતિ તરીકેની મારી ફરજની યાદી જાણે નવેસરથી મંડાઈ રહી હતી.

" સ્માઈલ પ્લીઝ....." 

હું આગળ કઈ વિચારું કે કહું એ પહેલાજ મહેરીને પોતાની સેલ્ફીમાં મને સમાવી લીધો. મારા ચહેરા ઉપર એક સંતોષભર્યું સ્મિત ફરકી ગયું. મારું મન અત્યંત હળવું અનુભવાઈ રહ્યું. એ હળવાશ અને સંતોષસભર ક્ષણની પૃષ્ઠભૂમિમાં ઉત્તરપ્રદેશના બુલંદશહેરનો મીની તાજમહેલ મારા અને મહેરીન જોડે હંમેશ માટે સમાઈ ગયો. 

ઈતિહાસ ફક્ત તસ્વીરમાં જડાઈ જવા માટે હોતો નથી. એ વૈભવનો ફક્ત દેખાવ ન હોય શકે. આજે પણ એ મીની તાજમહેલ સાથે લીધેલી સેલ્ફી અમારા ઘરની ભીંતને સુશોભિત કરી રહી છે. પણ એ ફક્ત એક નિષ્ક્રિય સુશોભનનું માધ્યમ નથી. એ તસ્વીર દિવસ રાત મને યાદ અપાવતી રહે છે.

' બોસ ! મની હે તો હની હે. એ વેપાર હોઈ શકે, દેખાવ હોઈ શકે, પ્રેમ નહીં. પ્રેમનો તો એકજ નિયમ. ફીલિંગ હે તો લાઈફ થ્રિલિંગ હે..!'


Rate this content
Log in

Similar gujarati story from Romance