અમૂલ્ય પ્રેમ
અમૂલ્ય પ્રેમ
સાગરભાઈ અને સરિતાબેન... જેવા નામ એવું જ એમનું જીવન. બંનેના લગ્નને ૪૦ વર્ષ થઇ ગયાં પરંતુ બંને એકબીજામાં એટલા બધા એકાકાર કે એવું જ લાગે જાણે નવપરણિત યુગલ.
પરંતુ "સોનાની થાળીમાં લોઢાની મેખ" તેમના સુખી લગ્નજીવનમાં ઈશ્વરે સંતાનસુખ નહોતું આપ્યું. છતાં તેઓએ ઇશ્વરેચ્છા બલીયસી માનીને સ્વીકારી લીધું.
થોડા સમય બાદ અચાનક તેમની જિંદગીમાં દુઃખદ વળાંક આવ્યો. અચાનક સવિતાબેનને બ્લડ કેન્સર થયું. સાગરભાઈએ ખૂબ સેવા કરી પરંતુ કુદરતે સાથ ન આપ્યો ને સવિતાબેન સાગરભાઈનો સાથ છોડી તેમને અલવિદા કહીને જતાં રહ્યાં. સાગરભાઈનું તો જાણે જીવન જ વેરાન બની ગયું. ૬૫ વર્ષની ઉંમરે એકાકીજીવન શ્રાપરૂપ છે. જીવનસાથીની ખરી જરૂર તો આ જ ઉંમરે પડે છે ને આ જ પડાવ પર સરિતાબેન તેમને છોડીને જતાં રહ્યાં. સાગરભાઈ બેબાકળા બની ગયા. સુનમુન બની ગયા...
સગા - સબંધીઓની સમજાવટ બાદ થોડા સમય બાદ સિનિયરસિટીઝન ક્લબ, મોર્નિંગવોક અને લાફિંગ ક્લબ જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત થયા. દિવસો પસાર થવા લાગ્યા.. .તેમની સાથેના આ ગ્રુપમાં ઝરણાબેન કરીને એક વિધવા મહિલા હતા. તેમના પતિનું જુવાનીમાં અકસ્માતમાં મોત થયું હતું. એ સાગરભાઈ કરતાં દસેક વર્ષ નાના હતાં પરંતુ એ બંનેને એકબીજાની હાજરી ગમતી. ધીરે ધીરે પરિચય વધતો ગયો... ક્લબના સમય સિવાય પણ મુલાકાતો વધતી ગઈ. આ ઉંમરે આકર્ષણ તો શું હોય ? છતાં પણ કંઈક હતું તો ખરું !
બંનેને એકબીજાના સાથમાં વર્ષ ક્યાં નીકળી ગયું તે ખબર જ ન પડી...
સાગરભાઈને ઝરણાબેનની કંપની ગમતી પણ તેનામાં તેમને કાંઈ કહેવાની હિંમત નહોતી કારણ...? તેમને સમાજના બંધનો નડતા, સમાજ શું કહેશે? સમાજ અમારો સબંધ માન્ય રાખશે ખરો ? આમ વિચારી ચૂપ રહેતા.
એક દિવસ તેઓ બંને બગીચામાં બેઠા હતાં ત્યારે ઝરણાબેને પહેલ કરી, "આપણને બંનેને એકબીજાનો સાથ ગમે છે તો આપણે બંને કાયમ માટે સાથે ન રહી શકીએ ? અને રહી દુનિયાની વાત તો... આ ઉંમરે નથી શરીરની ભૂખ કે નથી કોઈ ઉંમરનું આકર્ષણ પરંતુ આ તો છે પરસ્પરનો "અમૂલ્ય પ્રેમ" અને પ્રેમને કોઈ સીમા, કોઈ ઉંમર કે કોઈ નાત - જાતના બંધન રોકી શકતાં નથી..."
બંને સહમતિથી લગ્નગ્રંથિથી જોડાયાં અને "અમૂલ્ય પ્રેમ"માં ખોવાઈ ગયાં. જિંદગીના સોનેરી દિવસો પસાર કરવા લાગ્યાં...