Abid Khanusia

Romance Inspirational

2.8  

Abid Khanusia

Romance Inspirational

હૈયાની ઠકરાત

હૈયાની ઠકરાત

22 mins
1.3K


“સોફટી કોસ્મેટિક્સ”ના મેનેજિંગ ડિરેક્ટર અને કંપનીનો એકાવન ટકા હિસ્સો ધરાવતા અભિનવ જૈન હાથ પરની તમામ ફાઈલોનો ઝડપી નિકાલ કરી રહ્યા હતા. આજની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ ધાર્યા કરતાં લાંબી ચાલી હતી એટલે આજનું નિયત કામ પૂરું કરવામાં વિલંબ થશે તેવું તેમનું અનુમાન હતું તેમ છતાં આજનું તમામ કામ પૂરું કરવા તે કટિબધ્ધ હતા.

તેમની સેક્રેટરી સોના હાથમાં નોટબુક લઈ ડિક્ટેશન લેવા અભિનવની સામેની ખુરશીમાં ઉભડક બેઠી હતી. અભિનવ ફાઇલ વાંચી સોનાને પત્રો ડિક્ટેકટ કરાવી રહ્યા હતા.આવતીકાલે ગુરુ પુર્ણિમા હોવાથી અભિનવને તેમના ગુરુની ચરણવંદના કરવા તેમના આશ્રમમાં જવાનું હતું માટે તે કંપનીનું કામ ત્વરાથી નિપટાવી રહ્યા હતા. છેલ્લા દસ વર્ષથી અભિનવ દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના ગુરુ શ્રીનંદ આચાર્યના આશીર્વાદ લેવા તેમના આશ્રમમાં અચૂક જતા હતા. ગુરુ શ્રીનંદ આચાર્ય એ કોઈ ઋષિ મુનિ ન હતા કે ન કોઈ સંત હતા પરંતુ તે અભિનવના પ્રોફેસર હતા. અભિનવ તેમના હાથ નીચે કેમેસ્ટ્રી વિષય ભણ્યા હતા. શ્રીનંદ આચાર્ય આયુર્વેદનું પણ ખૂબ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. 

શ્રીનંદ આચાર્યનો પુત્ર ડોક્ટર હતો અને સ્વિત્ઝરલેન્ડમાં પ્રેક્ટિસ કરતો હતો. તેમની દીકરી એક પાયલોટને પરણી હતી. તેમની દીકરી તેના પતિ સાથે મુંબઈમાં રહેતી હતી પરંતુ વર્ષમાં ચાર માસ જેટલો સમય તે તેના પાયલોટ પતિ સાથે વિદેશમાં ઘુમતી રહેતી હતી. 

અરવલ્લીની ખૂબસુરત પર્વતમાળાની પાસેથી પસાર થતી વાત્રક નદીના કાંઠા પર તેમનું ગામ આવેલું હતું. તેમનું ગામ માંડ સિત્તેર પંચોત્તર ઘરોની વસ્તી ધરાવતું હતું. શ્રીનંદ આચાર્યના દાદાજી ત્યાંના રજવાડાના રાજગોર હતા. રાજાઓના જાહોજલાલીના દિવસોમાં ત્યાંના રાજાએ તેમના દાદાજીને દસ વીઘા જમીન ભેટમાં આપી હતી જે તેમના પિતાજીને વારસામાં મળી હતી. તેમના પિતાજી ગામમાં ગોરપદું કરતાં હતા. તેમાંથી અને ખેતીની ઉપજમાંથી તેમનું ગુજરાન ચાલતું હતું. તેમના માતા પિતાનો થોડાક વર્ષો પહેલા સ્વર્ગવાસ થઈ ગયો હતો. શ્રીનંદ આચાર્યને પ્રકૃતિના ખોળામાં રમવું ગમતું હતું માટે નિવૃત્ત થયા પછી તેમણે તેમના પૈતૃક ગામમાં જીવનની સંધ્યા ગુજારવાનું નક્કી કર્યું હતું. પિતાથી તેમને વારસામાં મળેલી જમીન પૈકી પાંચ વીઘા જેટલી જમીનમાં આંબા અને જામફળના રોપા વાવ્યાં હતા. જે હવે પુખ્ત થઈ ગયા હતા અને ફળ આપતા હતા.   

તેમના ગામમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. લોકો ગરીબ હતા પણ ખૂબ ભલા અને મળતાવડા સ્વભાવના હતા. શ્રીનંદ આચાર્ય વર્ષો પછી પોતાના પૈતૃક ગામમાં રહેવા આવ્યાનું જાણી ચાર દિવસ સુધીમાં ગામના લગભગ તમામ લોકો તેમના ઘરે આવી તેમને આવકાર આપી ગયા હતા અને “કઇં જોઈતું કરાવતું હોય તો વિના સંકોચે અમને જણાવજો" કહેવાનું સૌજન્ય દાખવી ગયા હતા. ગામના એક માસના વસવાટ પછી શ્રીનંદ આચાર્યએ અનુભવ્યું કે અહીં કોઈ બીમાર પડે તો તેને સારવાર માટે લગભગ પચાસ કી.મી. દૂર આવેલા શહેરમાં જવું પડતું હતું. પાકા રસ્તાઓના અભાવે ચોમાસામાં વાહન વ્યવહાર શક્ય ન બનતો તેથી લોકોને તાત્કાલિક તબીબી સારવાર ઉપલબ્ધ થતી ન હોવાથી લોકો ખૂબ રિબાતા હતા. તેમણે પોતાના આયુર્વેદિક જ્ઞાનનો ઉપયોગ કરી લોકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે તેમના ખેતરમાં એક નાનકડું ઔષધાલય શરૂ કર્યું હતું. લોકો તેનાથી સ્વાસ્થ્ય લાભ મેળવતા થયા એટલે તેમણે તેમના ઔષધાલયનો વિસ્તાર વધારવાનું વિચાર્યું અને ઔષધાલયની સાથોસાથ યોગ કેન્દ્ર પણ શરૂ કર્યું હતું. તેમના ગામ ઉપરાંત આજુબાજુનાં ગામડાંઓમાંથી પણ લોકો સારવાર લેવા આવતા હતા. 

બે વર્ષના ટૂંકા ગાળામાં શ્રીનંદ આચાર્ય 'યોગી બાબા' તરીકે મશહુર થઈ ગયા હતા. હવે તેમનું નાનું ઔષધાલય અને યોગ કેન્દ્ર એક મોટા આશ્રમમાં તબદીલ થઈ ગયું હતું અને 'શ્રીનંદ આશ્રમ' તરીકે ઓળખાતું હતું. ગામ અને આશ્રમ સુધી પહોંચવા માટે સરસ પાકો રસ્તો થઈ ગયો હતો. આ આશ્રમમાં દેશ-વિદેશના ઘણાં લોકોની અવર જવર રહેતી હતી. 'યોગી બાબા' એ પોતાની એક વેબસાઇટ બનાવડાવી હતી જેમાં આશ્રમમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો પ્રસિધ્ધ કરવામાં આવતી હતી. આશ્રમની પ્રવૃત્તિઓ વિશે જાણી લોકો આશ્રમનાં બેન્ક એકાઉન્ટમાં હજારો રૂપિયાનું દાન જમા કરાવતા હતા તેથી હવે આશ્રમના નિભાવ માટે *યોગી બાબા*ને કોઇની સામે હાથ ફેલાવવો પડતો નહોતો. દર રવિવારે આજુબાજુનાં શહેરોનાં નામી તબીબો સ્વેચ્છાએ વિનામૂલ્યે તબીબી સેવા આપવા આવતા હતા. વર્ષમાં એક વાર સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવતો હતો અને આંખના રોગો માટે વર્ષમાં બે વાર ફ્રી નિદાન કેમ્પ યોજાતો જયાં વિનામૂલ્યે ફેકો પધ્ધતિથી મોતિયા બિંદના ઓપરેશન કરવામાં આવતા હતા અને દર્દીઓને વિનામૂલ્યે નંબરના ચશ્મા પૂરા પાડવામાં આવતા હતા.  

બે વર્ષમાં એકવાર વેકેશનમાં તેમનો સ્વિત્ઝરલેન્ડ સ્થિત ડોક્ટર દીકરો તેના કુટુંબ કબિલા સાથે ગામમાં આવતો ત્યારે તે પણ આશ્રમમાં બિમારોની સારવાર કરી ધન્યતા અનુભવતો હતો. તેને પોતાના ડેડીનો 'સેવાનો ભેખ' ખૂબ ગમતો અને જ્યારે લોકો પાસેથી તેમના વખાણ સાંભળતો ત્યારે તેની છાતી ગજ ગજ ફૂલતી હતી. 


ઓફિસનો સમય પૂરો થયાને એક કલાક થઈ ગયો હતો. અભિનવને હવે ત્રણ જ ફાઇલ જોવાની બાકી હતી જેમાં અડધા કલાક જેટલો સમય થાય તેમ હતો. તેમણે ત્રણ પૈકીની એક ફાઇલ ઉઠાવી બરાબર તે સમયે જ તેમના મોબાઈલ પર તેમના ગુરુ શ્રીનંદ આચાર્યનો નંબર ઝબક્યો. તેમણે શ્રધ્ધાથી ફોન રિસીવ કરતાં કહ્યું, “ પ્રણામ ગુરુજી "

શ્રીનંદ આચાર્ય, “ બેટા, ઘેર પહોંચી ગયો ?"

અભિનવ,“ ના ગુરુજી હજુ હું ઓફિસમાં જ છું. "

શ્રીનંદ આચાર્ય, “ કેમ હજુ સુધી ઓફિસમાં છે ?, બહુ કામ રહે છે ?”

અભિનવ, “ના ગુરુજી કામ તો બહુ નથી પરંતુ કાલે આપના આશીર્વાદ મેળવવા આશ્રમ પહોંચવું છે એટલે વિચાર્યું હાથ પરનું કામ પૂરું કરી લઉં. "

શ્રીનંદ આચાર્ય, “ હા કામ પૂર્ણ કરવામાં તું એકદમ પંક્ચ્યૂયલ છે તે હું જાણું છું પરંતુ મેં તને તારી આવતીકાલની આશ્રમની મુલાકાત મુલત્વી રાખવા માટે જ ફોન કર્યો છે."

અભિનવ, “ પણ કાલે તો ગુરુ પૂર્ણિમા છે અને આપ જાણો જ છો કે ......”

શ્રીનંદ આચાર્ય, “ હા મને ખબર છે તું છેલ્લા દસ વર્ષથી ગુરુ પૂર્ણિમાના દિવસે મારા આશીર્વાદ લેવા અચૂક આવે છે. પરંતુ આ વખતે તું બે દિવસ પછી આવજે, મારે તારું થોડુંક અંગત કામ છે."

“ભલે જેવી આપની આજ્ઞા, ગુરુજી “ કહી અભિનવે શ્રીનંદ આચાર્ય સાથેની વાત પૂરી કરી અને હાજર સ્ટાફની મોડે સુધી રોકી રાખવા માટે માફી માગી સૌને ઘરે જવાની પરવાનગી આપી. અભિનવ પણ ઘર તરફ રવાના થયા પરંતુ તેમના મગજમાં ગુરુજીના, “ આ વખતે તું બે દિવસ પછી આવજે મારે તારું થોડુંક અંગત કામ છે...! “ શબ્દો ગુંજતા રહ્યા.   

અભિનવ ઘરે પહોંચ્યાં ત્યારે તેમની પત્ની સુરભિ તેમની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી. અભિનવના ચહેરા પર થાકના ચિન્હો જણાતાં તે બોલી, “ આજે ખૂબ કામ કર્યું લાગે છે. થોડાક ફ્રેશ થઈ જાઓ પછી મહારાજને થાળી પીરસવાનું કહું છું." બાથરૂમમાંથી શાવર લઈ અભિનવ બહાર આવ્યા ત્યારે તે થોડાક ફ્રેશ જણાતા હતા. તેમના ચહેરા પરથી થાકના નિશાન અદ્રશ્ય થઈ ગયા હતા પરંતુ મગજમાં વિચારોનું તાંડવ ચાલતું હતું. ડિનર પૂરું થયું એટલે સુરભિએ કહ્યું, “ અભિનવ આપણી બેગ તૈયાર છે. કાલે કેટલા વાગે નીકળવું છે તે કહો એટલે મહારાજને તે રીતે ચા નાસ્તો તૈયાર રાખવા સુચના આપી દઉં. “   

અભિનવ બોલ્યા, “ સુરભિ, ગુરૂજીએ કાલે આશ્રમ આવવાની ના પાડી છે અને બે દિવસ પછી આશ્રમ જવાનું જણાવ્યુ છે."

સુરભિ, “ હા તો કઇં વાંધો નહીં, બે દિવસ પછી જઈશું.”

સુરભિ તેના કાર્યમાં પરોવાઈ. અભિનવ બેડરૂમમાં જઈ પલંગ પર આડા પડ્યા. ટીવી ચાલુ કરી તેમણે ન્યૂઝ હેડ લાઇન્સ જોઈ લીધી. ગુરુજીના આજના “તું બે દિવસ પછી આવજે મારે તારું થોડુંક અંગત કામ છે...!" આદેશના સંદર્ભે અભિનવને કુતૂહલ થયું. ગુરુજીને તેનું કયું અંગત કામ હશે તે અંગે વિચારતાં વિચારતાં તેમનુ મન યુવાનવસ્થાના ભૂતકાળમાં સરી પડ્યું.  

ઉત્તર ગુજરાતની પૂર્વ પટ્ટીમાં અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે નૈસર્ગિક સૌંદર્ય વેરતા એક નાનકડા ગામમાં અભિનવનો જન્મ થયો થયો હતો. સારી કહી શકાય તેવી આવક ધરાવતા વણિક કુટુંબમાં હસતું રમતું બાળપણ ગુજર્યુ હતું. જયારે માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવ્યો ત્યારે શહેરની હોસ્ટેલમાં રહેવાનો અને શહેરી જીવનને માણવાનો મોકો મળ્યો હતો. ભણવામાં તે એવરેજ સ્ટુડન્ટ હતા. ધોરણ બારની પરીક્ષા પસાર કરી બી.એસ.સી.નું ભણવા માટે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રોફેસર શ્રીનંદ આચાર્ય તેમના કેમેસ્ટ્રીના પ્રોફેસર હતા. પ્રોફેસર શ્રીનંદ આચાર્ય ખૂબ સારા ગુરુ હતા. અભિનવ માટે તેમને વિશેષ લગાવ હતો. તેમનું કેમેસ્ટ્રીનું જ્ઞાન ખૂબ અગાધ હતું. તેઓ ખૂબ સરસ થીયરી ભણાવવાની સાથોસાથ લેબોરેટરીમાં પણ વિવિધ પ્રયોગો પોતાની હાજરીમાં કરાવી દરેકની જ્ઞાન પિપાસા તૃપ્ત કરતા હતા. 

અભિનવ સ્વભાવે શાંત હતા તેમ છતાં કોલેજના પ્રથમ વર્ષમાં તેમને ઘણા નવા મિત્રો બનાવવાનો મોકો મળ્યો હતો. કોલેજના પ્રથમ વર્ષમાં નમણી અને નાજુક ધ્રુતિ તેમની લેબોરેટરીની કંપેનિયન બની હતી. ધ્રુતિ દેખાવે ખૂબસૂરત હતી પરંતુ તેના માસૂમ ચહેરા પર હંમેશાં એક ઉદાસી છવાયેલી જોવા મળતી હતી. તેના પિતાજી પણ વણિક હતા અને તેમનો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો હતો. તેઓ આર્થિક રીતે અભિનવના કુટુંબ કરતાં વધારે સધ્ધર હતા. ધ્રુતિ તેમની એકની એક પુત્રી હતી. તે ગાડી લઈને કોલેજમાં અભ્યાસ માટે આવતી હતી. ધ્રુતિ એકાંતપ્રિય અને અભ્યાસુ હતી. તેને કોઈ છોકરી કે છોકરા સાથે અંગત દોસ્તી ન હતી. તે હમેશાં એકલી એકલી ફરતી અથવા તો લાઈબ્રેરીમાં બેસી વાંચ્યા કરતી હતી. એક દિવસે અભિનવ અને ધ્રુતિનો પ્રેક્ટિકલનો ટાસ્ક લાંબો ચાલ્યો. અન્ય વિદ્યાર્થીઓ લેબ છોડીને ચાલ્યા ગયા હતા. ટાસ્કના છેલ્લા તબક્કાનો પ્રયોગ કરતી વખતે ધ્રુતિ દ્વારા મિશ્રણમાં નિયત માત્ર કરતાં થોડોક વધારે એસિડ ઉમેરાઈ જવાના કારણે બીકરમાં એકદમ ધુમાડો થયો અને આગ સળગી ઉઠી એટલે ધ્રુતિના મોઢેથી એક હળવી ચીસ નીકળી ગઈ. તેણે ગભરાઈને બાજુમાં ઉભેલા અભિનવની છાતીમાં પોતાનો ચહેરો સંતાડી દીધો. પોતાની છાતીચરસી ઊભેલી ધ્રુતિને એક હાથે દબાવી રાખી અભિનવે કાર્બનડાયોક્સાઈડના હેન્ડી સિલિન્ડરનો નોબ દબાવી આગ પર સ્પ્રે કર્યો એટલે આગ તો હોલવાઈ ગઈ પરંતુ તેની છાતીએ વળગેલી ધ્રુતિએ તેના હૈયામાં પ્રેમની આગ સળગાવી દીધી હતી.

થોડીક વાર સુધી અભિનવ ધ્રુતિની પીઠ પર હાથ ફેરવી તેને સાંત્વના આપતો રહ્યો. “ ધ્રુતિ, હવે આગ બુઝાઇ ગઈ છે." અભિનવના શબ્દો સાંભળી ધ્રુતિએ પોતાનો ચહેરો ફેરવી લેબ ઇન્સટ્રૂમેન્ટસ તરફ નજર કરી ખરેખર આગ બુઝાઇ ગઈ છે તેની ખાતરી કરી અભિનવથી અળગી થઈ. શરમાઈને “થેંક્સ” કહી માર્મિક હાસ્ય સાથે લેબ છોડી તેની ગાડી તરફ રવાના થઈ ગઈ. 

બીજા દિવસે ધ્રુતિ કોલેજમાં આવી અભ્યાસમાં જોડાઈ ગઈ પરંતુ ગઇકાલના અકસ્માતે અભિનવના હૃદયમાં નવા સ્પંદનો ઝંકૃત કર્યા હતા. ગઈ કાલ સુધી તેના માટે ધ્રુતિ ફક્ત લેબ કંપેનિયન હતી પરંતુ આજે તે ધ્રુતિને નવી નજરથી નિહાળવા લાગ્યો હતો. બે દિવસ પછી ફરી પાછા બંને પ્રેક્ટિકલ માટે લેબમાં મળ્યા. અભિનવે હાસ્ય ફરકાવી ધ્રુતિને આવકારી. તેણે પણ તેનો યોગ્ય પ્રતિઘોષ પાડ્યો. અભિનવે કહ્યું,“ ધ્રુતિ આજે દરેક મિશ્રણ યોગ્ય માત્રામાં લેજે નહિતર આજે આગ નહીં લાગે ધડાકો થશે....! ” થોડુંક હસી તે બોલી, “ઓકે બાબા રોજ રોજ થોડી ભૂલ કરીશ ! ”. આજનો પ્રેક્ટિકલ પૂરો થયો એટલે “હાશ” કહી ધ્રુતિ તેની આંગળીઓના ટચકા ફોડી ટેન્શન મુક્ત થઈ. બંનેએ પોતાના એપ્રન્સ ઉતાર્યા અને વાતો કરતાં-કરતાં લેબમાંથી બહાર નીકળ્યા. 

થોડાક દિવસોમાં જ અભિનવ અને ધ્રુતિ સારા મિત્રો બની ગયા. બંને જણા સાથે કેન્ટીનમાં જતાં અને ચા નાસ્તો કરતાં-કરતાં અલક મલકની વાતો કરતાં રહેતા હતા. તેમના વર્ગમાં ભણતી બીજી છોકરીઓને પણ એકાંકી ધ્રુતિ અને શાંત અભિનવની દોસ્તી નવાઈ પમાડતી હતી. બીજું એક વર્ષ પૂરું થયું ત્યાં સુધી બંને સાથે હર્યા ફર્યા પરંતુ મિત્રતાથી વાત આગળ વધતી ન હતી. 

અભિનવ ધ્રુતિને મનોમન ખૂબ ચાહતો હતો પરંતુ ધ્રુતિ અભિનવના પ્રેમનો સાનુકૂળ પડઘો પાડતી ન હતી એટલે અભિનવ વિમાસણમાં હતો. અભિનવે ખૂબ વિચારના અંતે એક દિવસે ધ્રુતિને તેની સાથે પિકચર જોવા આવવા આમંત્રણ આપ્યું. જે તેણે ન સ્વીકાર્યું એટલે અભિનવ સમજી ગયો કે ધ્રુતિ તેને ચાહતી નથી તેથી તે ધ્રુતિથી દૂર રહેવા લાગ્યો. ધ્રુતિએ અભિનવને તેનાથી દૂર થઈ જવા માટે ન કોઈ કારણ પૂછ્યું કે ન કોઈ અણગમો દર્શાવ્યો. 

કોલેજનું છેલ્લું સેમીસ્ટર ચાલતું હતું ત્યારે એક દિવસે અભિનવને અકસ્માત થયો. તેની બાઇક સાથે એક વાંદરું ટકરાયું એટલે તે બાઇક પરથી પડી ગયો અને બાઇક સાથે થોડે દૂર સુધી ઘસડાયો. તેના હાથ અને પગ છોલાયા તે ઉપરાંત બાઈકના સાયલેન્સર નીચે અભિનવનો પગ આવી જવાથી તેનો પગ દાઝ્યો હતો એટલે તેને દવાખાને દાખલ થવું પડ્યું હતું. અભિનવના અકસ્માતના સમાચાર જાણી ધ્રુતિ દવાખાને પહોંચી. અભિનવ ધ્રુતિને જોઈ ખુશ થઈ ગયો. જ્યારે ધ્રુતિ દવાખાને પહોંચી ત્યારે અભિનવના માતા પિતા પણ ત્યાં હાજર હતા. અભિનવે ધ્રુતિની ઓળખાણ તેના માતા પિતા સાથે કરાવી. તેમણે જ્યારે જાણ્યું કે ધ્રુતિ શહેરના નામાંકિત વેપારી વિમલ શાહની દીકરી છે ત્યારે તેમણે ધ્રુતિને કહ્યું : “ ધ્રુતિ, હું તારા પિતાને ઓળખું છું. અમારા પરસ્પર વ્યાપારિક સબંધો છે. મારે ઘણીવાર ધંધા અંગે તેમને મળવાનું થાય છે. તારી બા મારી પત્નીના દૂરના સગામાં થાય છે. તારા મમ્મી પપ્પાને મારી યાદ આપજે.”

ધ્રુતિ થોડીવાર દવાખાને રોકાઈ ચાલી ગઈ. ધ્રુતિની આ મુલાકાતે અભિનવને તેમના સબંધો વિશે ફેર વિચાર કરતો કરી દીધો હતો. અભિનવને એક અઠવાડિયું દવાખાને રહેવું પડ્યું. તે દરમ્યાન ધ્રુતિ બે વાર અભિનવની ખબર કાઢવા આવી હતી. અભિનવના હદયના ઊંડાણમાં ફરીથી ધ્રુતિ તરફની લાગણીઓની કૂંપણ પાંગરવા માંડી હતી. 

અભિનવને આરામની જરૂરિયાત હોવાથી તેના માતા પિતા તેને તેમના ઘરે ગામડે લઈ ગયા હતા. ધ્રુતિને અભિનવની ગેરહાજરી અકળાવતી હતી. તેણે પોતાનું મન ઢંઢોળ્યું. તેની અભિનવ પ્રત્યેની લાગણી ખૂબ સ્પષ્ટ હતી. તે અભિનવને દિલના ઉંડાણથી ચાહતી હતી પરંતુ મનમાં એક ખચકાટ હતો જેથી તે આગળ વધતાં અચકતી હતી. અભિનવ એક મહિના પછી સ્વસ્થ થઈ કોલેજમાં આવતો થયો હતો. તે દરમ્યાન એકવાર અભિનવના પિતાની અને ધ્રુતિની તેના પિતાની ઓફિસે મુલાકાત થઈ હતી. ધ્રુતિએ અભિનવના પિતાને અભિનવની તબિયતના સમાચાર પૂછ્યા હતા. બંનેની વાતચીત સાંભળી ધ્રુતિના પિતાને આશ્ચર્ય થયું હતું. જ્યારે તેમણે જાણ્યું કે અભિનવ અને ધ્રુતિ સાથે અભ્યાસ કરે છે અને એક બીજાને જાણે છે ત્યારે ધ્રુતિના પિતાના મગજમાં ઝબકારો થયો હતો. 

અભિનવના પિતાએ ગામડું છોડી શહેરમાં રહેવા આવી જવાનું વિચારી શહેરમાં એક મોંઘો બંગલો ખરીદી લીધો હતો. તેના વાસ્તુપ્રસંગે અન્ય સબંધીઓની સાથોસાથ ધ્રુતિના માતા પિતાને પણ જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અભિનવે ધ્રુતિને તે પ્રસંગે ખાસ હાજર રહેવા વિનંતી કરી હતી. ધ્રુતિ તેના માતા પિતા સાથે હાજર રહી હતી. અભિનવની માતા અને ધ્રુતિની માતા ઘણાં સમય પછી મળ્યા હતા એટલે એક અલાયદા રૂમમાં બેસી વાતચીત કરી રહ્યા હતા. ધ્રુતિ પણ તેમની સાથે હતી. અભિનવ ધ્રુતિને પોતાનો બંગલો દેખાડવા લઈ ગયો. અભિનવ હોંશે હોંશે તેનો નવો બંગલો ધ્રુતિને દેખાડતો હતો. અભિનવે પોતાનો અંગત રૂમ ધ્રુતિને બતાવ્યો જે તેણે આધુનિક રીતે સજાવ્યો હતો. ધ્રુતિ તેનો રૂમ જોઈ ખૂબ ખુશ થઈ હતી.  

અભિનવ અને ધ્રુતિને સ્નાતકની પદવી મળી ગઈ હતી. અભિનવે માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ધ્રુતિએ આગળ ભણવાનું માંડી વાળ્યું હતું. ધ્રુતિ અને અભિનવ કોઈક કોઈક વાર મળતા હતા. એક વખતે અભિનવે હિંમત કરી ધ્રુતિને પૂછ્યું, “ ધ્રુતિ તને એક વાત પૂછું તો તને ખોટું તો નહીં લાગે ને ? “   

અભિનવનો પ્રશ્ન સાંભળી ધ્રુતિ ચમકી. તે ઇચ્છતી હતી કે અભિનવ કોઈ અંગત બાબત ન પૂછે તો સારું. આમ છતાં તેણે પ્રશ્ન પૂછવાની મૂક સંમતિ આપી.

અભિનવ, “ ધ્રુતિ તું હંમેશા ઉદાસ કેમ રહે છે? તારામાં યુવાનો જેવો તરવરાટ કેમ દેખાતો નથી ? શું હું તેનું કારણ જાણી શકું ? “

ધ્રુતિ થોડુક વિચારીને બોલી,“ અભિનવ મારો સ્વભાવ થોડોક મોળો છે એટલે તને એવું લાગતું હશે. બાકી મને કોઈ ચિંતા નથી. મારા માતા પિતા મારી દરેક ઇચ્છાઓ પૂરી કરે છે. મને હરવા ફરવા બાબતે કોઈ રોક ટોક નથી. હું જેવી છુ તેવી દેખાવાનો પ્રયત્ન કરું છું. અન્ય યુવતીઓની જેમ મને ખોટો દેખાડો કરવો ગમતો નથી માટે તને એવું લાગતું હશે. “ કહી ધ્રુતિ ચૂપ થઈ ગઈ.

અભિનવને ધ્રુતિના જવાબથી સંતોષ ન થયો. તેને લાગ્યું, ધ્રુતિ તેનાથી કોઈ બાબત છુપાવી રહી છે. તેણે બીજો પ્રશ્ન કર્યો, “ ધ્રુતિ હું તને ખૂબ ચાહું છું પરંતુ તું મને ચાહે છે કે કેમ તે હજુ હું સમજી શક્યો નથી. આપણે ત્રણ વર્ષથી એક બીજાને ઓળખીએ છીએ, સાથે હરીએ ફરીએ છીએ તેમ છતાં તેં મને કોઈ આહ્વાન નથી આપ્યું, કદી આલિંગન લેવાની છૂટ નથી આપી કે મને તારા શરીરને ટચ પણ નથી કરવા દીધો. હું તારું હૈયું વાંચી શક્યો નથી તેથી જો તું સ્પષ્ટ થાય તો હું આપણા વેવિશાળ માટે મારા ડેડીને કહી તારા ડેડી સુધી વાત પહોંચાડું.“ 

ધ્રુતિ અભિનવનો પ્રશ્ન સાંભળી અંદરથી હલી ગઈ. તેણે જવાબ આપવા માટે થોડો સમય લીધો. તે બોલી, “ અભિનવ તું મને ખૂબ ગમે છે માટે તો હું તારી સાથે હરવા ફરવા આવું છું. મારી પાસે મારી ચાહતનું કોઈ પ્રમાણ નથી જે હું તને બતાવી શકું પણ એટલું સમજી લે કે હું તને મારા દિલના ઊંડાણથી ચાહું છું અને ચાહતી રહીશ. આપણે એક મર્યાદા રાખી સંબંધ વધારી રહ્યા છીએ તે સારી વાત નથી?”

અભિનવ, “ પણ હવે આપણી લગ્ન કરવાની ઉંમર થઈ છે માટે આપણા વડીલો આપણા માટે યોગ્ય જીવનસાથીની તપાસ કરશે તે પહેલાં જો તું ઈશારો કરે તો મેં કહ્યું તેમ હું આપણા વેવિશાળ માટે વાત કરું પરિવારમાં."

ધ્રુતિના ચહેરા પર વિષાદ દેખાયો. તે બોલી, “ અભિનવ મને વિચારવાનો થોડોક સમય આપ. હું થોડા દિવસ પછી તને જવાબ આપીશ.“ આ વાર્તાલાપ પછી બંને છૂટા પડ્યા. એક મહિના સુધી ધ્રુતિ તરફથી કોઈ જવાબ ન મળ્યો એટલે અભિનવ નિરાશ થઈ ગયો. 

અભિનવના પિતા હસમુખરાય કોઈક કામે ધ્રુતિના પિતા વિમલ શાહની ઓફિસે ગયા હતા. ત્યાં વાતો કરતાં કરતાં હસમુખરાયે વિમલ શાહને કહ્યું, “ મારા અભિનવ માટે કોઈ લાયક છોકરી હોય તો કહેજો હવે તેનું વેવિશાળ કરી મારે તેને લગ્નના બંધનમાં બાંધી દેવો છે."

વિમલ ભાઈએ કહ્યું,“જો કોઈ સારું પાત્ર હશે તો જરૂર જણાવીશ."

વિમલભાઈએ તે દિવસે રાત્રે તેમના પત્ની હંસાબેનને કહ્યું, “ અભિનવના વેવિશાળ માટે હસમુખરાય લાયક યુવતી શોધી રહયા છે.” તેમના પત્નીએ તરત કહ્યું, “આપણી ધ્રુતિ છે જ ને કરો કંકુના..... “

વિમલભાઈ: “ પણ ધ્રુતિ ની ઈચ્છા જાણી લેવી જોઈએ ને ? “

હંસાબેન: “ ધ્રુતિ અભિનવને ઓળખે છે માટે ના પાડવાનું કોઈ કારણ નથી તેમ છતાં હું પૂછી લઇશ."

હંસાબેને ધ્રુતિને અભિનવ સાથે વેવિશાળ બાબતે પૂછ્યું. તેણે કહ્યું, “ મમ્મી મારે હાલ લગ્ન કરવા નથી."

હંસાબેન: “ કેમ.....હવે તું કંઈ નાની કીકલી નથી.....? તને અભિનવ ગમે તો છે ને ? “

ધ્રુતિ: “ હા અભિનવ મને ગમે છે પણ મમ્મી તું જાણે તો છે............તેની સાથે બધી વાતની ચોખવટ કરી લેવી જોઈએ. પછી જ આગળ વધીએ તો સારું.“  

હંસાબેન:“ બધું થઈ પડશે..... તું એ બાબત મારી પર છોડી દે. સૌ સારા વાના થઈ જશે. “

ધ્રુતિ આગળ કંઈ ન બોલી એટલે તેની સંમતિ ગણી ધ્રુતિ અને અભિનવના વેવિશાળ કરી દેવામાં આવ્યા. 

અભિનવ ધ્રુતિ સાથેના વેવિશાળથી ખૂબ ખુશ હતો. ધ્રુતિ અને અભિનવને સાથે હરવા ફરવાની છૂટ મળી ગઈ હતી. અભિનવ હવે ધ્રુતિના શરીરને હક્કથી ટચ કરતો અને ઘણી વાર તેને લાંબુ હગ પણ કરતો હતો. ધ્રુતિ પણ અભિનવના શારીરિક અડપલાં સામે કોઈ વિરોધ દર્શાવતી ન હતી. 

વેવિશાળના બે માસ પછી એક જમણવારમાં જમ્યા પછી ધ્રુતિને ફૂડપોઇઝીંગ થઈ જવાથી દવાખાને દાખલ કરવી પડી. સતત બે દિવસ સુધી અભિનવ ધ્રુતિની સેવામાં રહ્યો હતો.  ધ્રુતિ બીમાર પડ્યા પછી ખૂબ ઉદાસ રહેતી હતી. તે અભિનવ સાથે ફરવા જવાનું ટાળતી હતી જે અભિનવને ગમતું ન હતું. અભિનવે માસ્ટર્સ જોઇન્ટ કર્યું હતું એટલે તેણે ભણવામાં ધ્યાન પરોવ્યું. 

થોડાક સમય પછી વિમલભાઈએ હસમુખરાયને પોતાના ઘરે બોલાવ્યા અને કહ્યું, “ શેઠીયા મારે ખૂબ દિલગીરી સાથે આપને જણાવવું પડે છે કે મારી ધ્રુતિ લગ્ન કરવાની સદંતર ના પડે છે તેથી અમને આ વેવિશાળ ફોક કરવાની ફરજ પડી છે. હું મજબૂર છું પરંતુ આપણો સબંધ પહેલાં જેવો જ રહેશે. “

હસમુખરાય,“ વિમલભાઈ અમારી કોઈ ભૂલ થઈ... કે તમે આમ એકાએક વેવિશાળ ફોક કરો છો ? સમાજમાં અમારી પણ ઇજ્જત છે. આમ વેવિશાળ ફોક થાય તો અમારી ઇજ્જતનું શું ?”

વિમલભાઈ, “ શેઠીયા હું જાણું છું પણ હું મજબૂર છું. ધ્રુતિ ક્યાંય પણ લગ્ન કરવાની ના પાડે છે માટે મોટું મન રાખી મને માફ કરો. અભિનવને પણ મને માફ કરવાનું કહેજો. અભિનવ ખૂબ સારો છોકરો છે. તમને તમારા જોગ સગું મળી રહેશે. અમારી ધ્રુતિ કરતાં પણ સારી છોકરી મળે અને અમારા ખાનદાન કરતાં પણ વધુ સારું ખાનદાન મળે તેવી હું અંતરમનમાં શ્રી પ્રભુ મહાવીર સ્વામીને પ્રાર્થના કરું છું. “  

હસમુખરાય સામાજિક વહેવાર સમજતા હતા. તેમને લાગ્યું, દીકરીના બાપ તરીકે વિમલભાઈ ખરેખર મજબૂર હશે નહિતર દીકરીનો બાપ વિના કારણે આમ અધવચ્ચે વેવિશાળ ફોક ન કરે.

જયારે હસમુખરાયે વેવિશાળ ફોક થયાની વાત ઘરમાં કરી ત્યારે અભિનવના હૃદયને એકદમ જ આંચકો લાગ્યો અને મોટેથી ચિલ્લાયો, "કયા કારણે અને શા માટે ?" એટલું બોલીને ફટાફટ ઘરની બહાર નીકળી ગયો. બાઈક ભગાવી ધ્રુતિના ઘર તરફ.....પરંતુ ધ્રુતિએ તેને મળવાની ના પાડી દીધી એટલે નિરાશ વદને પાછો ફર્યો. અભિનવને ખૂબ જ આઘાત લાગ્યો.ખાધા-પીધા વગર જ તેની રૂમમાં પુરાઈ ગયો.અભિનવ બીજે દિવસે સવારે અગિયાર વાગ્યે ગયો ધ્રુતિના ઘરે તો હંસાબેને કહ્યું, " ધ્રુતિ ઘરે નથી બેટા." ઘણી પૂછપરછ કરી પણ નિરાશા જ સાંપડી. અભિનવ પણ એમ હિંમત હારે તેમ ન્હોતો. લગભગ પાંચ દિવસ સુધી અલગ-અલગ સમયે જાય ધ્રુતિના ઘરે પણ ધ્રુતિ મળે જ નહીં. છઠ્ઠા દિવસે રાત્રે ગયો ધ્રુતિના ઘરે.....બાઇક પાર્ક કરતા જ અભિનવની નજર ધ્રુતિના બેડરૂમની બારી પર ગઈ તો પારદર્શક પડદા પાછળ ધ્રુતિનો પડછાયો દેખીને ખુશ થતો થતો ડોરબેલ વગાડી..રામુકાકાએ દરવાજો ખોલ્યો ને તરત જ બોલ્યા," અરે, તમે થોડાક જ મોડાં પડયા... હમણાં જ ધ્રુતિબેન બહારગામ ગયાં." કહીને દરવાજો બંધ કરી દીધો.

અભિનવ ભગ્ન હૈયે પાછો તો વળી ગયો પણ દિલોદિમાગમાં પ્રચંડ તોફાન મચી ગયું. ધ્રુતિની સાથેની વિતાવેલી પલ-પલ યાદ આવવા લાગી. ધ્રુતિની એવી કઈ ઉદાસી, તેની ખામોશી અને કઇ મજબૂરી હશે કે તેણે વેવિશાળ ફોક કર્યું.ધ્રુતિની યાદથી અભિનવ ગુમસુમ રહેવા લાગ્યો હતો.

અભિનવનું મન આ શહેર પરથી ઉઠી ગયું હતું તેથી તેણે ભણવાનું અધૂરું છોડી ધંધા અર્થે મુંબઈની વાટ પકડી. નવી મુંબઈમાં તેણે “સોફટી કોસ્મેટિક્સ” નામની એક પેઢીની સ્થાપના કરી.નાના પાયે શરૂ કરેલી પેઢી સાત વર્ષમાં પ્રાઈવેટ લિમિટેડ કંપની થઈ ગઈ હતી. તેણે પોતાના માતા પિતાને પણ મુંબઈ બોલાવી લીધા હતા.

અભિનવના લગ્ન પોતાની જ્ઞાતિની સુરભિ સાથે નક્કી થયા.તેણે લગ્ન પહેલાં જ સુરભિને પોતાના ભૂતકાળ વિશે જણાવ્યું," પોતાને ધ્રુતિ નામની યુવતી સાથે પ્રેમ હતો.તેની સાથે વેવિશાળ થયું અને કોઈક કારણસર વેવિશાળ ફોક થયું હતું પણ મારા હૃદયમાં ખૂણામાં હજીય ધ્રુતિની યાદો અકબંધ છે. ભવિષ્યમાં તને આ વાતની જાણ થાય તો તને વિશ્વાસઘાત થયો હોય તેવું તું ન અનુભવે...." સુરભિ સાથેની સુહાગરાતે સુરભિનો સહવાસ માણતી વખતે પણ અભિનવના માનસપટલ પર ધ્રુતિ સાથે સહશયન કરતો હોય તેવા ભાવ ઊપસી ગયા હતા.સુરભિ સાથેના લગ્નથી બે બાળકો હતા. બંનેના લગ્ન થઈ ગયા હતા. તેમનો સંસાર પણ સુખી હતો. 


દસ વર્ષ પહેલાં કોલેજમાં સાથે અભ્યાસ કરનાર એક મિત્રની મુલાકાત થઈ હતી. તેણે સમાચાર આપ્યા હતા કે તેમના ગુરુ શ્રીનંદ આચાર્ય સાહેબે નિવૃત્તિ પછી તેમના વતનમાં એક આશ્રમ સ્થાપ્યો છે. તે વખતે અભિનવને ધ્રુતિ વિશે તેના મિત્રને પૂછવું હતું પરંતુ તે તેમ કરી શક્યો ન હતો. અભિનવે અનુકૂળતાએ તેમના ગુરુના આશ્રમની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. ત્યારથી નિયમિત રીતે દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે અભિનવ આશ્રમની અચૂક મુલાકાત લેતા અને ગુરુના આશીર્વાદ મેળવી ધન્ય થતા રહ્યા હતા. શ્રીનંદ આચાર્ય સાહેબ અભિનવ અને ધ્રુતિના પ્રેમ, તેની સાથેના વેવિશાળ થવાના અને ફોક થવાના પ્રસંગોથી માહિતગાર હતા પરંતુ તેમણે કદી તે બાબતે અભિનવને પૂછ્યું ન હતું. શ્રીનંદ આચાર્ય સાહેબ અભિનવના ધંધા અને લગ્નજીવન વિષે જાણતા હતા. તેઓ સુખી છે તે જાણી તેમને આનંદ થયો હતો. ભૂતકાળને વાગોળતાં વાગોળતાં અભિનવ નિંદ્રાધીન થઈ ગયા હતા. 

બે દિવસ પછી અભિનવ અને સુરભિ જયારે “શ્રીનંદ આશ્રમ” પહોંચ્યાં ત્યારે સવારની આરતી પૂરી થઈ ગઈ હતી. ઔષધાલય તરફ માણસોની અવરજવર દેખાતી હતી પરંતુ આશ્રમમાં માણસોની બહુ ભીડ ન હતી. ગુરુ શ્રીનંદ આચાર્યએ બંનેને આવકાર્યા. તેમણે સજોડે ગુરુની ચરણવંદના કરી આશીર્વાદ મેળવ્યા. ગુરુ શ્રીનંદ આચાર્ય તેમને મહેમાનો માટેના કક્ષમાં આરામ કરી સાંજે મળવાનું કહી ધ્યાનમાં બેસી ગયા. સંધ્યા આરતી વખતે ફરી ગુરુજીના દર્શન કરી તેમણે આશીર્વાદ મેળવ્યા. ગુરુજી સાથે થોડીક આડી અવળી વાતો થઈ. ગુરૂજીએ અભિનવને કહ્યું, "તમે થાકેલા હશો એટલે આજની રાત્રે ભરપૂર આરામ કરી લો. આપણે સવારે ઔષધાલયની મુલાકાત લઈશું. હું તને ત્યાં એક એવી વ્યક્તિની મુલાકાત કરાવવાનો છું કે જેને મળીને તને ખૂબ આનંદ થશે.  

અભિનવ અને ગુરુજી સવારે ઔષધાલય તરફ રવાના થયા. સુરભિ ગુરુપત્ની સાથે સત્સંગમાં બેઠી હતી. ઔષધાલયથી થોડેક દૂર નદી તરફ મોઢું રાખીને કોઈ બેઠેલું જણાતું હતું. ગુરુજી અને અભિનવના આવવાનો પગરવ સાંભળી તે વ્યક્તિમાં સંચાર થયો. જાણે તે વ્યક્તિને કોણ આવી રહ્યું છે તેની જાણકારી હોય તેમ તે નિસ્પૃહતાપૂર્વક નદી તરફ મોઢું રાખી સ્થિતપ્રજ્ઞ બેસી રહી હતી. ગુરૂજીએ ૐ ઉચ્ચાર કર્યો જેનો તેણે ૐ થી પ્રત્યત્તર આપ્યો. અવાજ પરથી અભિનવને લાગ્યું, તે કોઈ સ્ત્રી છે. થોડુંક ચાલીને બંને આગળ વધ્યા અને તે સ્ત્રી સામે આવી ઊભા રહ્યા. પેલી સ્ત્રીએ બેઠાં બેઠાં ગુરુ શ્રીનંદ આચાર્યની ચરણવંદના કરી ત્યારબાદ અભિનવના પગનો સ્પર્શ કર્યો. કોઈ અજાણી સ્ત્રીને પોતાના ચરણોનો સ્પર્શ કરતી જોઈ અભિનવ પાછો હઠી ગયો. તેણે તે સ્ત્રી સામે જોયું, તેના આખા શરીરે સફેદ કોઢ હતા. તેના ચહેરા પર ઘણાં ઠેકાણે સફેદ ડાઘ હોવાના કારણે તેનો ચહેરો કદરૂપો દેખાતો હતો. તે સ્ત્રીની કાયા એકદમ કૃશ થઈ ગઈ હતી. જાણે કુપોષણનો શિકાર હોય તેમ તેની કાયા ગળી ગઈ હતી. અભિનવને તે સ્ત્રીને જોઈને સૂગ થઈ. તેણે મોઢું બગાડી તેનો ચહેરો ફેરવી લીધો. ગુરુજી હસ્યાં અને બોલ્યા, “અભિનવ તું આ દીકરીને ઓળખે છે.." અભિનવે પોતાના ચહેરા પર અણગમાના ભાવ લાવી ફરીથી તે સ્ત્રીના ચહેરા તરફ દ્રષ્ટિ કરી. એક પળ પછી તેને લાગ્યું કે આ સ્ત્રીનો ચહેરો જાણીતો લાગે છે. બીજી ક્ષણે અભિનવ તે સ્ત્રીને ઓળખી ગયો. 

અભિનવ બોલ્યો, “તમે ધ્રુતિ છો ને ?” ધ્રુતિએ સજળનયને હકારમાં માથું હલાવ્યું. અભિનવની કાયામાંથી એક લખલખું પસાર થઈ ગયું. વર્ષો પછી ધ્રુતિને જોતો હતો. એકદમ રૂપાળી ધ્રુતિ કેમ આટલી કદરૂપી થઈ ગઈ તે વાત તેને સમજાઇ નહીં. ગુરૂજીએ ધ્રુતિને ઈશારો કર્યો એટલે તેણે તેની બાજુમાં પડેલી બગલઘોડી લઈ ઊભા થવા પ્રયત્ન કર્યો. તેને ઊભા થવામાં ખૂબ શ્રમ લેવો પડ્યો. ઔષધાલયની બે પરિચારિકાઓ આવી પહોંચી હતી. તેમણે ધ્રુતિને ઊભા થવામાં મદદ કરી. ધ્રુતિને ખૂબ શ્વાસ ચઢી ગયો હતો. તેણે બે પરિચારિકાઓના સહારે માંડ માંડ ઔષધાલય તરફ પ્રયાણ કર્યું. 

ધ્રુતિના ગયા પછી ગુરુજી અને અભિનવ આંબાવાડીયા તરફ થઈ નદીના પટ તરફ ચાલ્યા. ગુરૂજીએ ક્હ્યું, “ અભિનવ ધ્રુતિને ઘણા વ્યાધિ છે. તેને ડાયાબિટીસ છે. જેના કારણે તેને ગ્રેગરીન થઈ ગયું હતું જેથી તેનો ઢીંચણ નીચેથી પગ કાપી નાખવો પડ્યો છે. તેની બંને કિડની બગડી ગઈ છે. તેણે એલોપથીની ઘણી સારવાર લીધી હતી પરંતુ ધાર્યું પરિણામ ન મળતાં જયારે તેણે જાણ્યું કે આશ્રમમાં વૈદિક ઉપચાર થાય છે ત્યારે તે તેના માતા પિતા સાથે બે મહિના પહેલા અહીં આવી હતી. તેને ખબર ન હતી કે આ આશ્રમનું સંચાલન હું કરું છું. અહીં આવી તેણે મને ઓળખ્યો. હું પણ તેને ઓળખી ગયો. ઉપચાર કરતાં કરતાં મેં તારી વાત ઉલ્લેખી ત્યારે તે એકદમ વિચલિત થઈ ગઈ હતી. મેં તેને તારી સાથેનું વેવિશાળ ફોક કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે મને જણાવ્યું કે કિશોરાવસ્થામાં તેની છાતી ઉપર બે સ્તનની વચ્ચોવચ સફેદ ડાઘ થયાનું તેના ધ્યાને આવ્યું હતું. તેના માતા પિતા તેને સ્કીન સ્પેશિયાલિસ્ટ પાસે લઈ ગયા અને ઉપચાર શરૂ કર્યો હતો. પરંતુ ધીમે ધીમે તે ડાઘ વધતો જતો હતો. ત્યાર પછી બીજો એક ડાઘ તેની જાંઘ પર પણ ઉપસી આવ્યો તેથી તે ઉદાસ રહેતી હતી. 

ધ્રુતિ તને કોલેજના પ્રથમ વર્ષથી જ મનોમન ખૂબ ચાહતી હતી એટલે જ્યારે મેં છોકરીઓને તેમનો લેબ પાર્ટનર પસંદ કરવાનું કહ્યું ત્યારે તરત જ તેણે તને પસંદ કર્યો હતો તેથી મેં તને ધ્રુતિનો લેબ કંપેનિયન બનાવી દીધો હતો. ધ્રુતિને ખબર હતી કે જ્યાં સુધી તમારા લગ્ન ન થાય ત્યાં સુધી તને તે સફેદ ડાઘ બાબતે ખબર પાડવાની ન હતી પરંતુ તે તને સાચો પ્રેમ કરતી હતી એટલે તને અંધારામાં રાખી છેતરવા માંગતી ન હતી. તે તેને તેની ઉદાસી વિશે ઘણી વાર પૂછ્યું હતું પરંતુ સંકોચના કારણે તે તને સાચું કારણ કહી શકતી નહતી. તમારી સગાઈ પહેલાં તેની માતાએ ધ્રુતિનું મન જાણવા ચાહ્યું ત્યારે તેણે તેની માતાને તેના ડર વિશે વાત કરી હતી પરંતુ ત્યારે તેની માતાએ, “ બધું થઈ પડશે અને એ બાબત વિશે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. “ કહી સધિયારો આપ્યો હતો. તમારી સગાઈ પછી એક જમણવારમાં થયેલ ફૂડ પોઇઝીંગના કારણે તેના સફેદ ડાઘનો વિકાર વધુ વકર્યો હતો અને શરીર પર ઘણી જગ્યાએ બીજા નવા સફેદ ડાઘ ઉપસી આવ્યા હતા જેના કારણે તેણે કોઇની પણ સાથે લગ્ન કરવાની ના પડી દીધી હતી જેથી તેના માતા-પિતાને તમારી સગાઈ ફોક કરવાની ફરજ પડી હતી. સગાઈ ફોક કરવા પાછળનો તેનો હેતુ ફક્ત ને ફક્ત તારા તરફનો ઊંડો પ્રેમ અને તું જીવનમાં ખૂબ સુખી રહે તે હતો. 

જયારે ધ્રુતિને જાણ થઈ કે તું દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે મારા આશીર્વાદ લેવા આશ્રમમાં આવે છે ત્યારે તેણે મને જણાવ્યુ કે આ દુનિયા છોડતાં પહેલાં તને સાચી હકીકતથી માહિતગાર કરી માફી માંગવી છે. ગુરુપૂર્ણિમાના બદલે તું બે દિવસ પછી આવે તો તે તને રૂબરૂ મળી તારી માફી માંગી શકે માટે મેં તને ગુરુપૂર્ણિમાના દિવસે ન આવવા જણાવ્યું હતું. ધ્રુતિએ મને ગઈ કાલે જણાવ્યું હતું કે તે તારો સામનો નહીં કરી શકે એટલે તેણે મને તેના વતી તેના વિકટ સંજોગોથી તને માહિતગાર કરવા વિનંતી કરી હતી. હું માનું છું કે ધ્રુતિએ તે વખતે મન મક્કમ કરીને તારા સુખી જીવન માટે જે નિર્ણય લીધો હતો, તે તેની આજની શારીરિક સ્થિતિ જોતાં, કદાચ સાચો હતો. આવો ત્યાગ જે માણસ આપણને ખૂબ ચાહતું હોય તે જ કરી શકે. હું તેના *હૈયાની ઠકરાત*( મોટાઈ) થી ખૂબ પ્રભાવિત થયો છું. મને આશા છે કે તું પણ દિલદારી દર્શાવી તેને માફ કરી દઇશ. તને બીજી એક દુઃખદ વાતની પણ જાણ કરું કે તેને ચોથા સ્ટેજનું સ્તનનું કેન્સર છે જે હવે મટી શકે તેમ નથી. કદાચ તેના જીવનની સંધ્યા હવે અસ્ત થવામાં છે.  

ગુરુજી અને અભિનવ વાતો કરતાં કરતાં ઔષધાલય સુધી પહોંચવા આવ્યા હતા ત્યારે એકાએક દોડાદોડી થતી જોઈ બંને ઝડપથી ઔષધાલય પહોંચ્યાં. સામેથી સુરભિ પણ આવી રહી હતી. બધા અંદર પહોંચ્યાં ત્યારે ધ્રુતિને ખૂબ હાંફ ચઢ્યો હતો. તેની છાતી ધમણની માફક ઊંચી નીચી થતી હતી. તેની આંખો દરવાજા તરફ હતી. કદાચ તે અભિનવનો ઇંતેજાર કરી રહી હતી. અભિનવ અને ગુરુજીને દરવાજામાં દાખલ થતાં જોઈ તેની આંખમાં ચમક આવી ગઈ. તેણે ઇશારાથી અભિનવને પોતાની પાસે બોલાવ્યો અને તેનો હાથ પકડી હાંફતાં હાંફતાં બોલી, "અભિનવ તે ગુરુજી પાસેથી પૂરી વાત જાણી લીધી હશે. નિયતિ આગળ હું બેબસ અને લાચાર હતી એટલે તમારા સુખી સંસારનો વિચાર કરી મેં આપણી સગાઈ ફોક કરાવી હતી. જો તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો અને મને મોક્ષ મળે તે માટે પ્રભુને પ્રાર્થના કરજો.

મારી બીજી પણ એક વિનંતિ છે ભલે આપણા લગ્ન નથી થયા પણ મેં તમને મારા પતિ અને આરાધ્ય દેવ માન્યા છે માટે જ્યારે પણ મારું અવસાન થાય ત્યારે મારી ચિતાને તમે મુખાગ્નિ આપજો. તેણે સુરભિ સામે જોઈ કહ્યું, "સુરભિબેન, તે બાબતે કોઈ વાંધો નહીં લે તેવો મને વિશ્વાસ છે.”

અભિનવના હાથમાં હજુ ધ્રુતિનો હાથ હતો. તેના ગળે ડૂમો ભરાઈ ગયો..ભરાયેલા અવાજે કહ્યું," ધ્રુતિ, વેવિશાળ ફોક કરવાનો નિર્ણય લેતાં પહેલાં ફક્ત એકવાર મને તમારી બીમારીની જાણ કરી મારા પ્રેમની પરિક્ષા તો લેવી હતી. મારી કસોટી કર્યાં વગર જ હું *ઊણો ઉતરીશ* તેવું એક તરફી વિચારીને તમે ઉતાવળે નિર્ણય લઈને મને અન્યાય કર્યો છે. કંઈ નહીં.............ધ્રુતિ, તમે તમારા જીવનની છેલ્લી ઘડીએ મને મળી અને *ભારમુકત* થયા એ જ મારે મન તમારી જીંદગીની સાચી અને અમૂલ્ય સફળતાની ભેટ છે. આપણે બધા નિયતિના હાથની કઠપૂતળીઓ છીએ,તે નચાવે તેમ નાચવાનું છે. હવે મને તેનો અફસોસ નથી."

અભિનવની વાત સાંભળીને ધ્રુતિના ચહેરા પર હાસ્ય અને આનંદની રોનક છવાઇ ગઇ હતી.

ધ્રુતિની તબિયત વધારે બગડી હોવાના સમાચાર જાણી ધ્રુતિના મા બાપ સાંજે આશ્રમમાં આવી પહોચ્યા હતા. જાણે ભગવાને તેના માબાપના દર્શન માટે જ ધ્રુતિના શ્વાસ ચાલુ રાખ્યા હોય તેમ તેમના આગમન પછી થોડીવારમાં ધ્રુતિના આત્માએ અભિનવની હાજરીમાં માતાના ખોળામાં સુતાં સુતાં દેહ ત્યજી સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું.

ધ્રુતિના અગ્નિ સંસ્કાર આશ્રમ પાસેના નદીના તટ પર કરવામાં આવ્યા. ધ્રુતિની ઇચ્છાનુસાર અભિનવે ચિતાને મુખાગ્નિ આપ્યો અને ભડ-ભડ થતી ચિતામાં બીજાના સુખકાજે પંડના સુખનું બલિદાન આપનાર અને તેને આજીવન નિસ્વાર્થ પ્રેમ કરનાર પ્રેમિકાનાં દેહને સજળનયને પંચમહાભૂતોમાં વિલીન થતો જોઈ અભિનવ મૂક શ્રદ્ધાંજલી આપી ધન્યતા અનુભવી રહ્યો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Romance