Abid Khanusia

Romance Thriller

4  

Abid Khanusia

Romance Thriller

સપનાં લીલાંછમ 12

સપનાં લીલાંછમ 12

8 mins
51


નીલિમા મોરિશિયસથી ભારત પરત ફરી. બીજા દિવસની રાત્રિની ગાડીથી સૂરજપુર જવા રવાના થઈ ગઈ હતી. તેણે ઠાકુર બલદેવસિંહને તેની ટ્રેનનો નંબર, કોચ નંબર અને બર્થ નંબરની વિગતો મોકલી આપીને સવારે સાડા ચાર વાગ્યે રેલવેસ્ટેશન ઉપર રામુકાકાને મોકલી આપવાનું જણાવ્યું હતું. રામુકાકા સવારે સાડા ત્રણ વાગ્યે હવેલીથી રેલવેસ્ટેશને જવા નીકળી ગયા હતાં. 

આજે ઠાકુર બલદેવસિંહને આખી રાત ઊંઘ નહોતી આવી. તેમને કોણ જાણે કોઈ અજાણ્યો ડર સતાવી રહ્યો હતો...!

  ચાર મહિના પહેલાં તેમણે પેપરમાં વાંચ્યું હતું કે નામચીન ડાકુ ગુમાનસિંહ અને તેની પત્ની ડાકુરાણી લતાદેવી પચ્ચીસ વર્ષનો કારાવાસ પૂરો કરી ભોપાલની જેલમાંથી છૂટી ગયા છે. 

તેના એક મહિના પછી એક રાત્રે બે બુકાનીધારી માણસોએ તેમની હવેલીનો દરવાજો ખખડાવ્યો'તો. બુકાનીધારીઓને જોઈ સૌ પહેલાં તો તેમના મનમાં એ વિચાર આવ્યો હતો કે કદાચ ગુમાનસિંહ અને તેમની દીકરી લતિકા આવ્યાં હશે, પણ આગંતુકે ઠાકુરસાહેબને સીધો સવાલ પૂછ્યો'તો કે,

"ઠાકુર, ગુમાનને તમે ક્યાં છુપાવ્યો છે...?"

ઠાકુરસાહેબને ગુમાનસિંહની કોઈ જાણકારી નહોતી એટલે તેમણે કહ્યું,

"મને તેની કંઈ ખબર નથી. તે અહીં આવ્યો પણ નથી."

આગંતુકોને લાગ્યું કે ઠાકુરસાહેબ ખોટું બોલી રહ્યા છે... એટલે બે પૈકીનાં એકે ઠાકુરસાહેબને ધક્કો મારીને તેમને દરવાજામાંથી દૂર હટાવી દીધા. આખી હવેલીમાં તપાસ કરી પાછો આવ્યો અને તેના સાથીદારને કહ્યું,"મંગલ, ઠાકુર સાચું બોલે છે. ગુમાન અહીં આવ્યો હોય તેવી કોઈ નિશાની નથી."

તેમની વાતચીતથી ઠાકુર બલદેવસિંહ સમજી ગયા કે આવનાર ડાકુ ગુમાનસિંહના સાથીદારો હોવા જોઈએ.

મંગલ બોલ્યો, "ઠાકુર...ગુમાન અને લતાદેવી એક ને એક દિવસે તમને મળવા જરૂર આવશે જ. તે આવે તો એટલો સંદેશો કહી દેજો કે મંગલ તેનો હિસ્સો લેવા આવ્યો હતો. તેના હિસ્સાની લૂંટની રકમ અને આભૂષણો ક્યાં છૂપાવ્યા છે તેની જાણ કરે અથવા મને પહોંચાડી દે, નહીંતર જોવા જેવી થશે. તેને એ પણ કહી દેજો કે તેની દીકરી મુંબઈમાં એકલી રહે છે તેની મને જાણ છે. જો મારા હિસ્સાની રકમ બે મહિનામાં મને નહીં પહોંચે તો તેની દીકરી સલામત નહીં રહે. બાકી અહીંથી મુંબઈ દૂર નથી, ઠાકુર ! તમે પણ આ વાત નોંધી લેજો. શું સમજ્યા...?"

ડાકુ મંગલની ધમકી સાંભળીને ઠાકુર બલદેવસિંહ ખૂબ ડરી ગયા હતાં. તેમણે તે જ દિવસે નીલિમાને ફોન કરી અજાણ્યા માણસોથી સાવચેત રહેવા તાકીદ કરી હતી. તેઓ નીલિમાને તેના માબાપ જીવતા હોવાનું અને જેલમાંથી છૂટ્યા હોવાની વાત જણાવી શક્યાં નહોતાં.

 બસ, ત્યારથી ઠાકુર બલદેવસિંહને નીલિમાની સલામતીનો ડર ભીતરથી રહ્યા કરતો'તો. 

તેમના એસ્ટેટ બ્રોકરે જ્યારે તેમના નવા બંગલાના ભાડૂઆત સાથે થયેલી એગ્રીમેન્ટની નકલ તેમને મોકલી આપી ત્યારે તેમાં લાગેલો ફોટો જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. તેમના બંગલાના નવા ભાડૂઆત બીજું કોઈ નહીં પરંતુ તેમની દીકરી અને જમાઈ હતાં. તે મુંબઈ જઈ વકીલને મળી આ એગ્રીમેન્ટ રદ કરાવવાનું વિચારી રહ્યા'તા...ત્યારે જ નીલિમાએ તેમની પાસે મોરિશિયસ જવાની રજા માંગી એટલે તેમણે મુંબઈ જવાનું મુલતવી રાખ્યું હતું. 

ઉદય સાથે નવા ભાડૂઆત વિશે વાત થયા પછી મોરિશિયસથી નીલિમાએ ફોન કરી 'એક અગત્યની વાત કરવા ભારત પરત ફરી બીજા જ દિવસે સૂરજપુર આવવાના' સમાચાર આપ્યા ત્યારથી તેમનું દિલ ધક...ધક...કરતું'તું. તેમને થયું કદાચ મોરિશિયસમાં નીલિમા અને ઉદય વચ્ચે કોઈ મીઠો ઝઘડો થયો હશે કે કોઈ વાતે મનદુઃખ થયું હશે. તેમનું મન ઉચાટભર્યું હતું. તે સિવાય પણ કોઈ અન્ય કારણ હોઈ શકે કદાચ ! એટલું તો ચોક્કસ કે વાત ખૂબ અગત્યની હશે અને ફોન પર કહી શકાય તેમ નહીં હોય એટલે જ તેણે રૂબરૂ આવવાનું વિચાર્યું હશે.

તેઓ નીલિમાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. 

નીલિમા ભારત પાછી ફરીને જ્યારથી ટ્રેનની વિગતો મોકલી ત્યારથી તેમનું દિલ વધારે જોરથી ધડકી રહ્યું હતું. તેમની છઠ્ઠી ઇંદ્રિય કોઈ અશુભ થવાના સંકેત આપી રહી હતી એટલે તેમને આખી રાત ઊંઘ આવી નહોતી. રામુકાકા રેલવેસ્ટેશન જવા નીકળી ગયા પછી ઠાકુરસાહેબને લાગ્યું કે રાત્રિના સમયે ખુલ્લી બગીમાં નીલિમાનું આવવું સલામત નથી એટલે તે રામુકાકાની પાછળ પોતાની ગાડી લઈ સ્ટેશને જવા રવાના થયા હતાં. 

બે મહિના સુધી મંગલને ડાકુ ગુમાનસિંહ તરફથી કોઈ સમાચાર ન મળ્યા એટલે તે અધીરો થયો'તો. તેણે મુંબઈ જઈ નીલિમાનું અપહરણ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. મંગલ સાથે તેના બીજા બે સાથીદાર પણ હતાં. અપહરણ માટે તેણે મુંબઈ પહોંચી કોઈ પ્રોફેશનલ કીડનેપરને રોકવાનું વિચાર્યું હતું. મંગલ અને તેના સાથીદારો જ્યારે રેલવેસ્ટેશન પર પહોંચ્યા ત્યારે તેમણે રામુકાકાને ત્યાં જોયા. રામુકાકા કોઈને ‘મુંબઈથી આવી રહેલી નીલિમાને લેવા આવ્યા હોવાનું’ કહી રહ્યા હતાં. મંગલના શાતિર દિમાગમાં તરત નીલિમાનું અહીંથી જ અપહરણ કરવાની યોજનાએ આકાર લઈ લીધો. તેણે તેમને જીપ લઈને આવેલા તેમના સાથીદારને પ્લેટફોર્મની વિરુધ્ધ દિશામાં જીપ લઈ ઊભા રહેવાની સૂચના આપી દીધી. તે લોકો રેલવે પ્લેટફોર્મ પર આવીને છૂપાઈને બેસી ગયા. રામુકાકા કયા નંબરના કોચ પાસે ઊભા રહે છે તેની તે વોચ રાખીને બેસી રહ્યાં. થોડાક સમયમાં ઠાકુર બલદેવસિંહ અને રામુકાકા સાથે સાથે પ્લેટફોર્મ પર આવી જ્યાં એસ-10 કોચ ઊભો રહે છે ત્યાં ઊભા રહ્યા. મંગલ ઠાકુર બલદેવસિંહને આવેલા જોઈ થોડો ગૂંચવાયો પણ 'પડશે તેવા દેવાશે' તે ઉક્તિ મુજબ હવે અપહરણ કરવાની યોજના અધૂરી મૂકવા તૈયાર ન હતો. તે દરમ્યાન મંગલનો એક સાથી બલદેવસિંહ અને રામુકાકાની નજીક ઊભો રહીને તેમની વાતચીત ધ્યાનપૂર્વક સાંભળતો હતો. ઠાકુરસાહેબે કહ્યું કે "નીલિમાનો બર્થ નંબર-૭૨ છે... માટે હું નીલિમાને લઈ આવું ત્યાં સુધી દરવાજા પાસે મારી રાહ જોજે." સીટ નંબરની જાણકારી થતાં તેણે તેની જાણ મંગલને કરી. મંગલે ખુશ થઈ આગળનો પ્લાન ઓકે કર્યો. 

ગાડી સમયસર હતી. ગાડી પ્લેટફોર્મ પર હજી પહોંચે તે પહેલાં મંગલ અને તેના સાથીદારો પ્લેટફોર્મની વિરુધ્ધ દિશાએ પહોંચી ગયા. જેવી ગાડી ધીમી પડી કે તેઓ ચાલતી ગાડીએ કોચમાં ચઢી ગયા. આ કોચમાંથી સ્ટેશન પર ઉતરવા માટે નીલિમા એકલી જ હતી. બીજા પેસેંજર્સ સવારની મીઠી નીંદર માણી રહ્યાં હતાંં. નીલિમાની સીટ દરવાજાની નજીક હતી. મંગલ અને તેના બીજા સાથીદારે નીલિમા પાસે જઈ તેનું મોઢું દબાવી ચાલતી ગાડીએ તેનું અપહરણ કરીને પ્લેટફોર્મની વિરુધ્ધ દિશામાં થોડે દૂર અંધારામાં ઊભેલી તેમની જીપમાં નાખી અંધારામાં અદ્રશ્ય થઈ ગયા.  

ગાડી ઊભી રહી એટલે તરત જ ઠાકુર બલદેવસિંહ કોચમાં દાખલ થયા. સીટ નંબર-૭૨ પાસે નીલિમાની બે બેગો અને મોબાઇલ પડેલો હતો પણ નીલિમા ત્યાં હતી નહીં. તેમણે ટૉઇલેટ તરફ નજર કરી પણ ત્યાં કોઈ નહોતું. તેમણે બારીમાંથી નીલિમા પ્લેટફોર્મ પર પહોંચી ગઈ છે કે નહીં તે જોવા ડોકિયું કર્યું. રામુકાકા પ્લેટફોર્મ પર આતુરતાથી રાહ જોઈ ઊભા હતાં. ઠાકુરસાહેબે બૂમ પાડી રામુકાકાને નીલિમા નીચે ઉતરી છે કે નહીં તે અંગે પૂછ્યું. તેમણે હાથ હલાવી ના પાડી. ઠાકુરસાહેબના દિલમાં ધ્રાસ્કો પડ્યો. તેમણે આખો કોચ ફેંદી નાખ્યો પણ નીલિમા નજર ન આવતાં નીલિમા સાથે કંઈક અજુગતું બન્યાની ગંધ આવી ગઈ. તેમણે નીલિમાનો મોબાઇલ પોતાના ખિસ્સામાં મૂકીને બેગો નીચે ઉતારી એટલે રામુકાકા હાંફ્ળાફાંફળા થઈ ઠાકુરસાહેબ પાસે આવ્યા. ઠાકુર બલદેવસિંહની આંખોમાં આંસુ આવી ગયાં હતાંં. ગાડી ઉપડી ત્યાં સુધી તે આજુબાજુના કોચમાં નીલિમાની ભાળ કાઢવા દોડાદોડી કરતાં રહ્યાં. નિરાશ થઈ તેઓ પ્લેટફોર્મ પરના બાંકડા પર ફસડાઈ પડ્યા. 

થોડી વાર પછી એક ફેરીયો ઠાકુરસાહેબ પાસે આવીને ઊભો રહ્યો અને બોલ્યો,

"આપ ઠાકુર બલદેવસિંહ છો?" તેમણે ઇશારાથી હા પાડી એટલે તે ફેરિયાએ કહ્યું કે પ્લેટફોર્મના સામા છેડા પર છેલ્લા કોચ પાસે ઊભેલા કોઈ ભાઈએ આપને આપવા માટે આ ચિઠ્ઠી આપી છે. ઠાકુરસાહેબે ઝાપટ મારી તેની પાસેથી ચિઠ્ઠી લઈ વાંચી.

 લખ્યું હતું...

 "ઠાકુર, આ જાસો ઠાકુર મંગલસિંહ તરફથી છે. જો નીલિમાને જીવતી પાછી જોઈતી હોય તો ગુમાનસિંહને અમારા હવાલે કરી દો અથવા તેની પાસેથી અમારો હિસ્સો મેળવી મોકલી આપો. નહીંતર બે દિવસ પછી અમે નીલિમાની લાશ તમને ભેટ ધરી દઇશું. જો પોલીસને જાણ કરવાની કોશિશ કરી તો પરિણામ સારું નહીં આવે. પૈસા અથવા ગુમાનસિંહને ક્યાં પહોંચતા કરવાના છે તેની તમને કાલે જાણ કરીશ."

જાસાચિઠ્ઠી વાંચીને ઠાકુર બલદેવસિંહની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.      

****

    ઉદય નીલિમાનું અપહરણ થયું હોવાની શંકાના સમાચાર સાંભળી ડઘાઈ ગયો હતો. તે ઠાકુર બલદેવસિંહની સૂચના અનુસાર તેમના બંગલે પહોંચી ગયો. હજુ પૂરું અજવાળું થયું નહોતું. તેણે જોયું કે બંગલાનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો એટલે કે બંગલામાં કોઈની હાજરી હતી. તેણે ધડકતા હૃદયે બંગલાની ડોરબેલ દબાવી. દરવાજો ખૂલતાં વાર લાગી એટલે તેણે ફરીથી ડોરબેલ દબાવી. અંદરથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો,

"આવું છું. જરા ધીરજ રાખો."

અડધી મિનિટ પછી દરવાજો ખૂલ્યો. સામે કોઈ અજાણ્યા યુવકને જોઈ તે બહેને પૂછ્યું,

 "કોનું કામ છે?"

 ઉદય ગૂંચવાયો. તે પળભર વિચાર કરી બોલ્યો,

"અંકલ છે?"

પેલી બાઈએ પૂછ્યું,

"તેમનું શું કામ છે? હજુ તે સૂઈ રહ્યા છે."

"પ્લીઝ! તેમને તાત્કાલિક ઉઠાડો. મારે નીલિમા વિશે સમાચાર આપવાના છે."

  નીલિમાનું નામ સાંભળી પેલી બાઈ દરવાજામાંથી ખસીને ઉદયને અંદર આવવા કહ્યું અને પૂછ્યું,

"નીલિમા વિશે શા સમાચાર આપવાના છે?"

ઉદય જવાબ આપે તે પહેલાં જ તેં બોલી,

"તમે ઉદય છો ? નીલિમાએ મને તમારા વિશે વાત કરી'તી." ઉદયે હકારમાં માથું હલાવ્યું. તે તેમના ખોડંગાતા પગે તેમના પતિને ઉઠાડવા ગઈ ત્યાં જ તેમના પતિ બેડરૂમનો દરવાજો ખોલી બહાર નીકળીને બોલ્યા,

"લતા...! સવાર સવારમાં શું છે? આ ભાઈ કોણ છે?"

ઠાકુર બલદેવસિંહના જણાવ્યા મુજબ ઉદયને આ દંપતિ નીલિમાના માતાપિતા જ હોવાનું સમજતાં વાર ન લાગી. 

લતાબેન તેમના પતિને જવાબ આપે તે પહેલાં ઉદય બોલ્યો,

"હું ઉદય રાણે છું. નીલિમા મારી મિત્ર છે. ઠાકુર બલદેવસિંહે સમાચાર આપ્યા છે કે નીલિમા ટ્રેનમાંથી ઉતરે તે પહેલાં તેનું અપહરણ થઈ ગયું છે." 

"નીલિમા તો હજુ એક દિવસ પહેલાં જ મોરિશિયસથી આવી છે."

"હા, તે ગઇકાલે રાત્રે તેના નાનાજી ઠાકુર બલદેવસિંહને મળવા સૂરજપુર જવા રવાના થઈ ગઈ હતી. આજે સવારે ઠાકુર બલદેવસિંહજી તેને લેવા રેલવેસ્ટેશને પહોંચ્યાં હતાં. નીલિમાની બેગો અને મોબાઇલ તેના કોચમાંથી મળી આવ્યો પણ નીલિમા કોચમાં ન હતી એટલે નાનાજીએ થોડીવાર પહેલાં મને ફોન કરી જણાવ્યુ હતું કે તેમને નીલિમાનું અપહરણ થયાની શંકા છે."

"પણ, તમે નીલિમાના સમાચાર અમને જણાવવા કેમ આવ્યા છો...?"

  થોડો વિચાર કર્યા પછી ઉદય બરાબર શબ્દો ગોઠવીને બોલ્યો, "જુઓ, નીલિમા અને ઠાકુરસાહેબ બંનેને ખબર પડી ગઈ છે કે તમે તેના માબાપ છો. કદાચ તમારી પાસે નીલિમાની કોઈ જાણકારી હોય તો તે મેળવવા માટે મને નાનાજીએ તમારી પાસે મોકલ્યો છે."

ગુમાનસિંહ ગંભીર થઈ બોલ્યા, "કદાચ, નીલિમાનું અપહરણ અમે કર્યું હશે તેવું ઠાકુરસાહેબને શંકા ગઈ હશે એટલે તમને તપાસ કરવા મોકલ્યા છે તે હું સમજી ગયો છું. તમે ઠાકુરસાહેબને કહી દો કે નીલિમાનું અપહરણ ગુમાનસિંહે નથી કર્યું પરંતુ કદાચ મંગલસિંહે કર્યું હશે, પણ તેઓ બેફિકર રહે...હું નીલિમાને હેમખેમ પાછી લઈ આવીશ."

ઉદય તે સમાચાર આપવા ઠાકુર બલદેવસિંહને ફોન જોડવા જતો'તો ત્યાં જ સામેથી ઠાકુરસાહેબનો ફોન આવ્યો,

"ઉદય! નીલિમાનું અપહરણ મંગલસિંહે કર્યું છે તેવી તેણે મને જાસાચિઠ્ઠી મોકલી છે. પોલીસમાં ફરિયાદ ન કરવાની તાકીદ કરી છે. હું તને તે જાસાચિઠ્ઠીની નકલનો વોટ્સઅપ મેસેજ કરું છું. હું ગૂંચવાઈ ગયો છું. પ્લીઝ ! તું જેમ બને તેમ જલદી અહીં આવી જા." ઠાકુરસાહેબનો અવાજ ભારે થઈ ગયો હતો.

ગુમાનસિંહે ઉદયનો ફોન લઈ ઠાકુરસાહેબને કહ્યું,

  "ઠાકુરસાહેબ ! પાય લાગું છું. હું ગુમાન બોલું છું. આપ નીલિમાની ફિકર ન કરો. હું મંગલના બધા અડ્ડા જાણું છું. બે દિવસમાં હું મારી દીકરીને પાતાળમાંથી શોધી કાઢીને હેમખેમ છોડાવી લાવીશ. હું અને ઉદય જેમ બને તેમ જલદી ત્યાં પહોંચવાની કોશિશ કરીએ છીએ."

ઠાકુર બલદેવસિંહે ગુમાનસિંહને કોઈ જવાબ આપવાના બદલે ફોન કાપી નાખ્યો. ગુમાનસિંહ સમજી ગયો કે ઠાકુરસાહેબે હજુ તેમને માફ કર્યા નથી. 

"અંકલ ! મંગલસિંહે પોલીસને જાણ કરવાની ના પાડી છે તો પછી આપણે શું કરીશું...?"

"ઉદય,આપણે પોલીસની મદદ તો લેવી જ પડશે પણ જરા જુદી રીતે. હું કોઈ ઓળખીતા પોલીસની તપાસ કરું છું."  

 [ ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Romance