Abid Khanusia

Inspirational

4  

Abid Khanusia

Inspirational

મીણનાં સંબંધો

મીણનાં સંબંધો

14 mins
699


પ્રિન્સિપાલ સુરેન્દ્ર મહેતાના અવસાનને ચૌદ દિવસ વીતી ગયા હતાં. તેમની ઉત્તર ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. પધારેલા નજીકના મહેમાનો પણ તેમના ઘરે સીધાવી ગયા હતાં. ઘરમાં હવે ફક્ત પ્રિન્સિપાલ સુરેન્દ્ર મહેતાના પત્ની ધરતીબેન અને તેમનો પુત્ર નૈનિશ હતાં. ઘરમાં હજુ પણ શોકનું વાતાવરણ હતું.

ધરતી મહેતા પોતાના પ્રેમાળ પતિ સાથે વિતાવેલી મધુર પળોને વાગોળતાં વાગોળતાં બેડરૂમમાં આડા પડખે થયાં હતાંં. હજુ તે કાગા નીંદરમાં હતાંં ત્યાં તેમનો પુત્ર નૈનિશ તેમના બેડ રૂમમાં દાખલ થઈ માતાના પલંગ પર બેઠો. પુત્રને જોઈ ધરતીબેન પલંગમાં બેઠાં થયાં. નૈનિશના ચહેરા પર અકળામણ જોઈ ધરતીબેને તેનું માથું પોતાના ખભા પર મૂકી તેના માથાના વાળ પર હેતાળ હાથ ફેરવવા લાગ્યાં.

નૈનિશે એકાએક પોતાની માતાના ખભા પરથી માથું હટાવી તેની મમ્મીનો ચહેરો તેના હાથમાં પકડી બોલ્યો, “મૉમ જે થયું તે બરાબર નથી થયું. મારા ડેડી મરતાં મરતાં આબરૂના ધજાગરા ઉડાવતા ગયા છે. સમાજમાં કેવી ખરાબ વાતો થઈ રહી છે તેની તને કદાચ જાણકારી નથી. મારુ માથું શરમથી ઝૂકી જાય છે જ્યારે લોકો મારા ડેડી અને પેલી નાલાયક ભૂમિકાની વાતો કરે છે. આ ઉંમરે પણ તેઓ તેનો સાથ ન છોડી શકયા. આખી જિંદગી તેનું પડખું સેવ્યા કર્યું પણ ન તું તેમને રોકી શકી ન હું....! છેવટે પ્રાણ છોડયો તેમની રખાતના ખોળામાં ... છી .. મને તો આવું વિચારતાં પણ શરમ લાગે છે !”

“સટાક...” ધરતીબેનનો એક જોરદાર તમાચો નૈનિશના ગાલ પર પડ્યો. ધરતીબેનના પાંચેય આંગળાની છાપ નૈનિશના ગાલ પર ઉપસી આવી હતી. તેમની આંખોમાંથી અગ્નિ વરસી રહ્યો હતો. નૈનિશ માતાનો પ્રત્યાઘાત જોઈ અચંબિત થઈ ગયો. તેનો ચહેરો તમતમી ઉઠ્યો. “શીટ..” કહી તે ઊભો થવા ગયો. ધરતીબેને ઊભા થવા જઈ રહેલા નૈનિશનો હાથ પકડી પલંગ પર બેસાડયો.

માતાની આંખોમાંથી વહીને ગાલ સુધી આવેલાં આંસુ જોઈ નૈનિશ ઢીલો પડી ગયો. તેણે પોતાની માતાના ખોળામાં તેનું માથું મૂકી દીધું. ધરતીબેનના મોંઢામાંથી એક નિશ્વાસ નીકળી ગયો. તેમણે નૈનિશના જે ગાલ પર તમાચો માર્યો હતો તેના પર એક ચુંબન કરી તે ગાલ પર હળવેથી હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું, “બેટા મને માફ કરી દેજે. દેવતા જેવા તારા ડેડી અને સતી સાવિત્રી જેવી ભૂમિકા વિષે વગર વિચાર્યે બોલાયેલા તારા શબ્દોએ મારા અંતરને ચીરી નાખ્યું હતું એટલે હું મારી જાત પર કાબૂ રાખી શકી ન હતી.”

નૈનિશ : “પણ મૉમ તું તો મારા ડેડીના અને ભૂમિકાના સંબંધો વિષે જાણવા છતાં...!!”

ધરતીબેન : “નૈનિશ ઘણી વાર સ્ત્રી પુરુષના સંબંધોને આપણે ખોટી રીતે મૂલવતાં હોઈએ છીએ.

નૈનિશ : “મૉમ તારી વાત મને સમજાતી નથી.“

ધરતીબેન : “કોઈ પણ સંબંધોની સચ્ચાઈ જાણવા માટે તેમને જાણવા જરૂરી હોય છે.”

નૈનિશ : “છતી આંખે દેખાતું હોય ત્યાં સચ્ચાઈ જાણવાની ક્યાં જરૂરિયાત રહે છે ?”

ધરતીબેન : “એક સ્ત્રી અને પુરુષનો સબંધ શારીરિક સહેવાસ માટે જ હોય છે તેવું આખો સમાજ વિચારતો હોય છે, પણ ખરેખર તેવું હોતું નથી. સ્ત્રી અને પુરુષ મિત્રો પણ હોઈ શકે, ગુરુ શિષ્ય પણ હોઈ શકે, ભાઈ બહેન પણ હોઈ શકે અથવા બીજા નિર્દોષ સંબંધો પણ હોઈ શકે તેવું વિચારવા જેટલી સમજ હજુ આપણા સમાજમાં કેળવાઈ નથી માટે આપણે સ્ત્રી અને પુરુષના સંબંધોની તટસ્થ મુલવણી કરી શકતા નથી. આપણા મગજમાં રહેલી ગંદકી આપણને સંબંધોમાં રહેલી પવિત્રતા તરફ ધ્યાન આપવા દેતી નથી. કદાચ તને મારી વાતોમાં વિશ્વાસ નહીં આવે. સમય આવે હું તારા મગજમાં રહેલો ભ્રમ દૂર કરી શકીશ તેવો મને વિશ્વાસ છે.” 

નૈનિશને તેની મૉમની સુફિયાણી વાતો સમજાઈ ન હતી. પોતાની માતા ખૂબ ભોળી છે તેવું તેને લાગ્યું હતું. તે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો હતો.

*****

દૂર ક્ષિતિજે દરિયાના પાણીમાં ડૂબી રહેલા સૂરજ તરફ ઉદાસ નજરે તાકી રહેલા નૈનિશના ખભા પર કોઈ નાજુક હાથનો સ્પર્શ થતાં નૈનિશે પોતાની ગરદન ઊંચી કરી હાથ મૂકનાર તરફ નજર કરી. તેના કોલેજ જીવનની મિત્ર અને હવે તેના મિત્રની પત્ની મૌસમીને જોઈ તેના ચહેરા પરના ભાવોમાં થોડો ફેરફાર થયો. 

નૈનિશ : “મૌસમી કેમ એકલી આવી છે ? પારસ બહાર ગયો છે ?”

મૌસમી : “તને ઉદાસ ચહેરે બેઠેલો જોઈ પારસે વિચાર્યું કે અંકલના આમ એકાએક અવસાનથી હજુ તું દુ:ખી હશે એટલે તારો મૂડ ચેન્જ કરવા માટે તે આપણા માટે આઇસ્ક્રીમ લેવા ગયો છે. તે આવતો જ હશે.”

“આવતો હશે નહીં.... હું આવીજ ગયો છું.” કહી પારસ હાથમાં આઇસ્ક્રીમના ત્રણ મોટા કપ લઈ દોડીને આવી પહોંચ્યો. દરેકના હાથમાં એક એક કપ થમાવી તે બોલ્યો, “તૂટી પડો.....!” તે મજાકમાં થોડું લાઉડ હસ્યો. 

પારસની મજાકની નૈનિશ પર કોઈ અસર ન થઈ. તેના ચહેરાની ઉદાસી જોઈ પારસ બોલ્યો, “નૈનિશ અંકલનું આમ એકાએક ચાલ્યા જવાનું દુ:ખ તને હોય તે સ્વાભાવિક છે પણ મૃત્યુ એ એક સનાતન ઘટના છે. તેનાથી કોઈ બચી શકવાનું નથી. જીવનમાં બનતી ઘટનાઓને ખેલદિલી પૂર્વક સ્વીકારી જિંદગી જીવી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કમ ઓન ઉદાસી ખંખેરી નાખ... યાર....!!”

કપમાં થીજી ગયેલા આઇસ્ક્રીમમાં લાકડાની સપાટ ચમચી ખોસતાં નૈનિશ બોલ્યો, “પારસ, પાપાના અચાનક અવસાન કરતાં તેમનું અવસાન તેમની રખાતના ખોળામાં થયું તેનો મને વધારે આઘાત લાગ્યો છે. પાપાએ સમાજમાં તેમની આબરૂના ધજાગરા કર્યા છે. આખો સમાજ તેમના અવસાન પર ન સાંભળી શકાય તેવી જે વાતો કરી રહ્યો છે તે મારા માટે અસહ્ય છે.”

નૈનિશની વાત સાંભળી પારસ અને મૌસમી થોડી વાર ચૂપ થઈ ગયા.

પારસ: “આંટીના કેવા પ્રત્યાઘાત છે ?”

નૈનિશ : “મેં આજે મૉમને આ બાબતે વાત કરી ત્યારે તેણે મારા ગાલ પર એક તમાચો ચોડી દીધો હતો.”

નૈનિશનો હાથ યંત્રવત તેના ગાલ પર પહોંચ્યો. હજુ તેમાં ચચરાટનો અહેસાસ થતો હતો.

તેણે આગળ ચલાવ્યું, "મોમનું માનવું છે કે ઘણી વાર સ્ત્રી પુરુષના સંબંધોને આપણે ખોટી રીતે મૂલવતાં હોઈએ છીએ.... તેના કહેવાનું તાત્પર્ય એવું હતું કે મારા ડેડી અને ભૂમિકાના સંબંધો પવિત્ર હતાં.”

મૌસમી : “નૈનિશ આંટી સાચા હોઈ શકે છે. ઘણી વાર આપણે સ્ત્રી અને પુરુષના સંબંધોને એક જ દ્રષ્ટિકોણથી જોતાં હોઈએ છીએ પણ દરેક કિસ્સાઓમાં તે સાચું નથી હોતું.”

નૈનિશ : “મૌસમી તું બધુ જાણ્યા વિના વચમાં કૂદી ન પડ. પાપા મહિનામાં પાંચ છ દિવસ મોડી રાત સુધી ભૂમિકાના ઘરે રોકાતા હતાંં. ભૂમિકા પહેલાં તેમના હાથ નીચે નોકરી કરતી હતી એટલે તેમના સતત સાનિધ્યના કારણે બંને વચ્ચે અનૈતિક સંબંધો બંધાવા સ્વાભાવિક છે. આગ અને ઘી બાજુ બાજુમાં હોય તો ઘી પિગળ્યા વિના રહે ખરું ..?” તેની નારાજગી સ્પષ્ટ જોઈ શકાતી હતી. 

પારસ : “જો આંટીએ આખી જિંદગી તેમના સંબંધો અંગે વાંધો ન ઉઠાવ્યો હોય તો તેનો અર્થ એ કે અંકલ અને ભૂમિકા આંટી વચ્ચેનો સબંધ તેમને માન્ય હતો. તારે તેમના સબંધ વિષે ખરાબ વિચારવું ન જોઈએ તેવું મારુ માનવું છે.”

નૈનીશે પારસને કોઈ જવાબ ન આપ્યો.

ત્રણેય મિત્રોએ ટોપીક બદલી થોડી વાર વાતો કરતાં રહ્યા. અંધારું થતાં ત્રણેય જણા ઘર તરફ રવાના થયા.

****

પિક અવર્સના ટ્રાફિકથી બચવા માટે નૈનીશે પોતાની કાર મુખ્ય રસ્તાથી લેવાના બદલે સોસાયટી માર્ગેથી લીધી હતી. નૈનિશની કાર બરાબર ભૂમિકાના ઘર સામે આવીને ખોટકાઈ ગઈ. નૈનીશે કારનું બોનેટ ખોલી ચેક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કાર બંધ થઈ જવાનું કારણ તે શોધી ન શક્યો.

“નૈનિશ શું થયું બેટા ? કાર બંધ પડી ગઈ છે ?”

કોઈ મહિલાનો મૃદુ અવાજ સાંભળી તેણે ઊંચું જોયું. પ્રશ્ન પૂછનાર મહિલા ભૂમિકા હતી. તેની બંને બગલ નીચે લાકડાની ઘોડીઓ હતી. તે પોતાની ગાડી લઈ ઘરે પરત ફરી રહી હતી. ગાડી તેનો ડ્રાઈવર હંકારી રહ્યો હતો. નૈનિશને જોઈ તે નૈનિશ પાસે આવી પહોંચી હતી.

ભૂમિકાનો ચહેરો જોઈ નૈનિશના ચહેરા પર અણગમાના ભાવ ઉપસી આવ્યા. તેણે જવાબ આપવાના બદલે ગાડીનું બોનેટ જોરથી પછાડીને બંધ કરી પોતાની નારાજગી દર્શાવી. તે મોંઢું ફૂલાવીને ગાડીની અંદર જઈને બેસી ગયો.

ભૂમિકા નૈનિશની કારના દરવાજા પાસે આવીને ઊભી રહી. તે બોલી, “અત્યારે ગાડી રીપેર કરવા કોઈ કારીગર મળશે નહીં. તારી ગાડી લોક કરી અહી રહેવા દે. મારો ડ્રાઈવર તને ઘરે મૂકી જશે.”

નૈનિશ કઈં બોલ્યા વિના ગુસ્સાભરી નજરે ભૂમિકાને તાકી રહ્યો. તેને ભૂમિકા પ્રત્યે ખૂબ નફરત હતી તે સ્પષ્ટ જણાઈ આવતું હતું તેમ છતાં ભૂમિકા વિચલિત થયા વિના આગળ બોલી, ”ગરમી પુષ્કળ છે. ઘરમાં આવ. પાણી પીને મારી ગાડી લઈ નીકળી જા. કાલે મારો ડ્રાઈવર તારી ગાડી રીપેર કરાવી તને પહોંચાડી જશે.”

નૈનિશ ભૂમિકાને કોઈ જવાબ આપતો ન હતો. તેના મગજમાં હાલ દ્વંદ્વ યુધ્ધ ચાલતું હતું. તે ભૂમિકાનું અપમાન કરવાનું વિચારી રહ્યો હતો. ભૂમિકા ખૂબ લાગણી પૂર્વક તેની સામે જોઈ રહી હતી. તેણે પોતાનો લાગણી ભર્યો હાથ નૈનિશના હાથ પર મૂક્યો. ભૂમિકાના સ્નેહ નિતરતા હાથના મમતા ભર્યા સ્પર્શની જાણે નૈનિશ પર જાદુઈ અસર થઈ હોય તેમ તેનો ગુસ્સો શાંત પાડવા લાગ્યો હતો. નૈનિશને પણ આશ્ચર્ય થયું હતું. તેના ચહેરા પરની નફરત ઓસરી રહી હતી.

ભૂમિકા: “પ્લીઝ બેટા .. જો તારે મારા ઘરમાં ન આવવું હોય તો કાઇં નહીં ... મારી કાર લઈ નીકળી જા.” નૈનિશ અને ભૂમિકાની આંખો એક થઈ. નૈનિશ ભૂમિકાના નયનોમાંથી પથરતા સ્નેહભીના ઓજસના કારણે કૂણો પડી ગયો. તેણે પોતાની કારને લોક કરી તેની ચાવી ભૂમિકાને આપી. ભૂમિકાએ પોતાની કારની ચાવી નૈનિશની હથેળીમાં મૂકી. ભૂમિકાના મમતા ભર્યા સ્પર્શે ફરીથી એકવાર નૈનિશના હ્રદયમાં ગજબનું વાત્સલ્ય ભરી દીધું. તે ભૂમિકા વિષે અલગ દ્રષ્ટિકોણથી વિચારવા મજબૂર બની ગયો.

તેણે મનોમન કઈંક વિચારી ચૂપચાપ ભૂમિકાના ઘર તરફ ડગ ભર્યા.

નૈનિશને પોતાના ઘર તરફ આગળ વધતો જોઈ ભૂમિકાનું હ્રદય વાત્સલ્યથી ઉભરાઈ ઉઠ્યું. તેની આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યાં. બગલ ઘોડીના સહારે ઝડપથી ચાલી ઘરનો દરવાજો ખોલી નૈનિશને હર્ષભેર આવકારતાં ભૂમિકા બોલી, “આવ દીકરા ઘણા વર્ષોની મારી આતુરતાનો આજે અંત આવ્યો છે.”

બંને ઘરમાં પ્રાવેશ્યા. ભૂમિકા તેની બગલઘોડી ખૂણામાં ઊભી કરી દીવાલનો ટેકો લઈ નૈનિશ માટે પાણી લેવા રસોડામાં ગઈ. નૈનીશે તે દરમ્યાન ઘરમાં નજર ફેરવી. ખૂબ સાદું પણ સુઘડ ઘર હતું. જરૂરિયાત કરતાં કોઈ વધારાનું રાચરચીલું ન હતું. દીવાનખંડની એક દીવાલ પર ભૂમિકાના માતા પિતા સાથે તેના ડેડી સુરેન્દ્ર મહેતાનો ફોટો પણ હતો. ત્રણેય ફોટા પર સુખડના હાર ચઢાવેલા હતાં. ભૂમિકાને પાણી લઈ આવતાં વાર થઈ હતી. તે પાણી સાથે ટ્રે માં ચા લઈ પ્રવેશી ત્યારે નૈનિશને તેના ડેડીની તસવીરને તાકી રહેલો જોઈ ભૂમિકાના મોંઢામાંથી હળવો નિસાસો નીકળી ગયો !.

ટ્રે ને ટીપોય પર મૂકી ભૂમિકાએ પાણીનો પ્યાલો નૈનિશ તરફ ધર્યો. ફરી બંનેની નજર એક થઈ. ભૂમિકાના જાજ્વલ્યમાન ચહેરા પર મૂંઝવણની રેખાઓ ઉપસી આવી હતી. નૈનીશે પાણી પી પ્યાલો નીચે મૂક્યો એટલે ભૂમિકાએ તેના તરફ ચાનો પ્યાલો ધર્યો. બંને જણાએ ચાની એક ચૂસકી લીધી.

ભૂમિકા મૃદુતાથી બોલી, “નૈનિશ મારા અને તારા ડેડીના સંબંધોને લઈને તારા મનમાં ઘણા પ્રશ્નો છે તે હું જાણું છું. જો તું આજે મને થોડો સમય ફાળવે તો હું અમારા સંબંધો વિષેની તમામ હકીકત તને જણાવવા માગું છું."

નૈનિશને પણ તે વિષે જાણવું હતું એટલે જ તો તે ભૂમિકાના ઘરમાં આવ્યો હતો. તેણે કહ્યું, “ જો તમે સત્ય હકીકત જણાવવાના હોવ તો હું તે સાંભળવા તૈયાર છું ..બાકી.... “ તેણે જાણી જોઈને વાક્ય અધૂરું મૂક્યું.  

ભૂમિકા : “અમારા સંબંધો સ્ફટિક જેવા સાફ અને પારદર્શક છે. તેમાં છૂપાવવાનું કે તે અંગે ખોટું બોલવાનો પ્રશ્ન રહેતો જ નથી.“

નૈનિશ : “ધેન ઑ.કે. ગો અહેડ.” 

ભૂમિકા : “તારા પિતા અને મારી સૌપ્રથમ મુલાકાત મારી શાળામાં થઈ હતી. હું ત્યારે બારમાં ધોરણમાં ભણતી હતી. તારા પિતાજી બી.એડ. નો અભ્યાસ કરતા હતાં. તે અને તેમની બેચના બીજા દસ વિદ્યાર્થીઓ લેસન આપવા માટે અમારી હાઇસ્કૂલમાં આવ્યા હતાં. અમારી શાળામાં તેમનો દસ દિવસ રોકાવવાનો કાર્યક્રમ હતો. છેલ્લા દિવસોમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવનાર હતાં. બધા શિક્ષકો માટે રહેવા જમવાની વ્યવસ્થા શાળામાં કરવામાં આવી હતી. મારા પિતાજી આમારી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ હતાં. તારા પિતાજી સાથે પ્રવિણ નામના એક શિક્ષક પણ હતાં. તે ખૂબ દેખાવડા અને ચંચળ હતાં. તેમની ભણાવવાની રીત પણ ખૂબ સરસ હતી. વર્ગો લેતી વખતે અમારી બંનેની આંખો મળી ગઈ. બે ત્રણ દિવસના ટૂંકા પરિચયમાં હું પ્રવિણને ચાહવા લાગી. તેમણે મારા પર જાદુ કરી દીધો હતો. તે મુગ્ધાવસ્થાનો પ્રેમ હતો. હું અબુધ હોવાથી તેમની વાતોમાં આવી ગઈ હતી. હું રોજ રાત્રે છૂપાઈને પ્રવિણને મળવા શાળામાં આવી જતી હતી. તેમણે મારી મુગ્ધાવસ્થાના ભોળપણનો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું હતું. એક રાત્રે હું પ્રવિણને મળવા શાળામાં આવી. તે દિવસે તેમણે મારા અબોટ શરીરને અભડાવવાનું કાવતરું કર્યું હતું. તારા પિતાજીને તેની ખબર પડી ગઈ હતી. તારા પિતાજીએ તે રાત્રે પ્રવિણને એકલા ન પડવા દીધા એટલે હું બચી ગઈ. પ્રવિણે મને પામવા માટે મને ભગાડી જવાનો કારસો રચ્યો. તેમણે મને પરણવાનું વચન આપ્યું હતું. હું તેમની સાથે ભાગી જવા તૈયાર થઈ ગઈ હતી. અમે સાંસ્કૃતિક કાર્યક્રમના છેલ્લા દિવસે ભાગી જવાનું નક્કી કર્યું હતું. તારા પિતાજીને તે વાતની ગંધ આવી ગઈ હતી. તેઓ તે સાંજે મારા ઘરે આવ્યા અને મારા બાપુજી સાથે ખાનગી મુલાકાત કરી ‘અમે તે રાત્રે ભાગી જવાના છીએ માટે સાવચેત રહેવાની’ મારા પિતાજીને જાણ કરી રવાના થઈ ગયા હતાં.“

“પહેલાં તો મારા પિતાજી તે વાત માનવા તૈયાર ન હતાં. તેમણે મારી બેગ ખોલીને જોઈ. મેં ભાગવાની તૈયારી રૂપે તેમાં ભરેલા મારા કપડાં, મારી મમ્મીના દાગીના અને રોકડા રૂપિયા જોયા એટલે તેમને તારા પિતાજીની વાત પર વિશ્વાસ બેઠો.”

મહેતા સાહેબે મારા પિતાજીને મારી મુગ્ધાવસ્થાની ભૂલને માફ કરી દેવા અને મને કોઈ શિક્ષા ન કરવા વિનંતી કરી હતી તેથી મારા પિતાજીએ મને કોઈ શિક્ષા ન કરી. તેમણે ગુસ્સે થવાના બદલે શાંતિથી મને સાચી હકીકત જણાવી. તેમણે કહ્યું કે ‘પ્રવિણ પરિણીત છે અને એક બાળકીનો પિતા છે’. હું તે વાત જાણી અચંબિત થઈ ગઈ. પ્રવિણે આ વાત મારાથી છૂપાવી હતી. પ્રવિણે મને તે કુંવારા હોવાનું જણાવ્યુ હતું. મારા જીવનને નષ્ટ થતું બચાવનાર મહેતા સાહેબના ઉમદા સ્વભાવથી હું અભિભૂત થઈ ગઈ હતી. હું મનોમન તેમને વંદી રહી.”

“મારા માતા પિતા તારા પિતાજીના સંસ્કારોથી પ્રભાવિત થયા હતાં. તેમણે માનોમન મારુ લગ્ન તારા પિતાજી સાથે કરવાનું નક્કી કર્યું હતું તેથી મારા પિતાજીએ તારા પિતાજીને તેમની શાળામાં નોકરી આપવાની ઓફર કરી પરંતુ તેમને પ્રોફેસર થવું હતું એટલે તેમણે શિક્ષકની નોકરી ન સ્વીકારી. મારા પિતાજીએ તેમની સમક્ષ મારા લગ્નનું માગું નાખ્યું પરંતુ તારા પિતાજી અને તારી માતા ભૂમિકાબેન એક બીજાને નાનપણથી પ્રેમ કરતાં હતાંં એટલે તેમણે સિફતથી મારી સાથે લગ્નની ના પડી દીધી. પ્રવિણની કરતૂત અને તારા પિતાજીની મારી સાથે લગ્ન કરવાની ના પાડવાથી મને બેવડો આઘાત લાગ્યો હતો. હું અજાણતાંમાં ધીરે ધીરે માનસિક રોગનો શિકાર થઈ રહી હતી.”

“મારો અભ્યાસ ચાલુ હતો પણ મને પુરુષો પ્રત્યે છૂપી ઘૃણા હતી. હું દરેક પુરુષને દગાબાજ માનવા લાગી હતી. હું માનસિક રોગનો શિકાર થઈ રહી છું તેનો મને બિલકુલ ખ્યાલ ન હતો. હું સાઇકોલોજીના વિષય સાથે એમ.એ.; એમ.એડ. નો અભ્યાસ પૂરો કરી તારા પિતાજીની કોલેજમાં લેક્ચરર તરીકે જોડાઈ હતી. મારી સુંદરતા કારણે પુરુષોને આકર્ષવામાં હું સફળ રહેતી હતી. જ્યારે કોઈ પુરુષ મારી ખૂબ નજીક પહોંચી જાય ત્યારે હું તેનું અપમાન કરી તેને મારાથી દૂર કરી નાખતી હતી અને નવો શિકાર શોધવા લાગતી હતી. મને પુરુષોને તડપાવવામાં અને તરસાવવામાં માનસિક સંતોષ થતો હતો. આ મારો માનસિક વિકાર હતો.”

“મારા પિતાજીને, દરેક પ્રેમાળ પિતાની જેમ, મારુ લગ્ન કારાવી મને જીવનમાં સુખી જોવાની ખેવના હતી. તેમણે એક કુલિન કુટુંબના માલદાર યુવક સાથે મારુ વેવિશાળ કરી મારા લગ્નની તૈયારી કરી દીધી. તે યુવક મને ખૂબ ચાહતો હતો. આખરે લગ્નનો દિવસ આવી પહોંચ્યો. મહેમાનો આવી ગયા હતાં. તારા પિતાજી અન્ય સ્ટાફ સાથે લગ્નમાં હાજર હતાં. જાન માંડવે આવી પહોંચી હતી. ગોર મહારાજે કન્યા પધરાવવાનું કહ્યું ત્યારે મારી સખીઓ મને લગ્ન ચોરીમાં લઈ આવી. મેં ચોરીમાં મંગળ ફેરા માટે બેસવાના બદલે બધા મહેમાનોની વચ્ચે તે યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.”

“ મારી વાત સાંભળી મહેમાનો વચ્ચે સોપો પડી ગયો. જાનૈયાઓ સ્તબ્ધ થઈ ગયા. યુવકના પિતાજીએ મને લગ્ન ન કરવાનું કારણ પૂછ્યું. હું ‘મારી મરજી' કહી મારા રૂમમાં ચાલી ગઈ. મારા માતા પિતા અને મારા નજીકના સબંધીઓએ મને સમજાવવાની ખૂબ કોશિશ કરી પણ હું એકની બે ના થઈ. છેવટે જાન લીલા તોરણે પાછી ફરી. મને ખૂબ આનંદ થયો. એક પુરુષની માનહાનિ કરવાનો પાશવી માનસિક પરિતોષ મેળવી હું મારી જાતને ધન્ય થયેલી માનવા લાગી.”

“મારા મા બાપ મારા આ કૃત્યથી ખૂબ વિચલિત થયા હતાં. તેમણે મારી સાથે વાતચિત કરવાનું બંધ કરી દીધું હતું. હું જ્યારે કોલેજમાં નોકરીએ જતી ત્યારે લોકો મારી પીઠ પાછળ મારી કૂથલી કરી આનંદ લેતા હોવાની મને જાણ હતી પરંતુ મને લોકોની પરવાહ ન હતી. હું તેમાં મારી જીત જોતી હતી. લોકો ધીરે ધીરે મારી સાથેના સંપર્કો ઓછા કરતા જતા હતાં. મારા નકારાત્મક વિચારોથી વિદ્યાર્થીઓનું જીવન બરબાદ ન થાય તે માટે કોલેજ મેનેજમેન્ટે મને નોકરીમાંથી દૂર કરી દીધી. હું એકાંગિ થઈ ગઈ. હું મારા રૂમમાં પૂરાઈ રહેતી હતી અને ગાંડા માણસો જેવો વ્યવહાર કરવા લાગી હતી. મને માનસિક રોગોના દવાખાને ભરતી કરવામાં આવી હતી. ત્યાં મને ઈલેક્ટ્રિક શોક આપવામાં આવતા હતાં. હું દવાખાનાથી કંટાળી ગઈ હતી. મારે દવાખાનેથી ભાગી જવું હતું પરંતુ મારા માતા પિતાજીનો સતત ચોકી પહેરો રહેતો હોવાથી હું તેમ કરી શકતી ન હતી. એક દિવસે મારા માતા પિતા કોઈ અગત્યના સામાજિક કામે બહાર ગામ ગયા હતાં. મેં તે દિવસે દવાખાનાથી ભાગવાની કોશિશ કરી. દવાખાનાના કર્મચારીઓ મને પકડવા મારી પાછળ દોડ્યા. હું તેમનાથી બચવા ઝડપથી દોડી રોડ પર આવી ગઈ. હું સામેથી આવતી એક ગાડીને અથડાઈ ગઈ. ગાડીના આગળના બંને વ્હીલ મારા બંને પગ પર ચઢી ગયા હતાં. તે ગાડી તારા પિતાજીની હતી. હું બેહોશ થઈ ગઈ.”

“મારા પિતાજીને મારા અકસ્માતના ખબર મળતાં તે ઘરે પાછા આવતા હતાં ત્યારે ચિંતામાં તેમનાથી ગાડી ચલાવવામાં ગફલત થઈ ગઈ. તેઓ એક ટ્રક સાથે અથડાઈ ગયા. તે અકસ્માતમાં મારા માતા પિતા બંનેનું અવસાન થઈ ગયું. હું હોશમાં આવી ત્યારે મારો એક પગ કાપી નાખવામાં આવ્યો હતો. મારા માતા પિતાનું મૃત્યુ થયું હોવાના સમાચાર જાણી હું ઊંડા આઘાતમાં સરી પડી.”

“હું સ્વસ્થ થઈ ઘરે પાછી ફરી ત્યાર સુધી તારા માતા પિતાએ મારી ખૂબ કાળજી લીધી હતી. હું તેમની અશિંગણ બની ગઈ. મને લાગ્યું કે એક નિર્દોષ પુરુષ સાથે લગ્ન ન કરી તેમનું કરેલ અપમાનનો બદલો ભગવાને મારા અને મારા માતાપિતાના અકસ્માતથી આપ્યો છે. મને હવે તે બાબતે ખૂબ અફસોસ થતો હતો.”

“અકસ્માત પછી મારો જિંદગી જીવવાનો અભિગમ બદલાઈ ગયો હતો. હું જીવનમાં બનતી તમામ ઘટનાઓને હકારાત્મક દ્રષ્ટિકોણથી જોતી થઈ હતી. મેં લોકોને નકારાત્મક જીવન જીવવાનો અભિગમ બદલવા માટે પ્રેરણા આપતા પુસ્તકો લખવાનું કાર્ય શરૂ કર્યું. મારા આ કાર્યમાં મને તારા પિતાજીનો ભરપૂર સાથ મળ્યો હતો. તેઓ સમય મળ્યે મારી પાસે આવી મારા પુસ્તકોની હસ્તપ્રત વાંચી મને તે પુસ્તક લોકભોગ્ય બનાવવા માટે માર્ગદર્શન આપતા હતાં. તે મારા સાહિત્ય ગુરુ હતાં. અમારા સંબંધો ગુરુ-શિષ્યના હતાં. તારી મમ્મીને અમારા નિર્દોષ સંબંધોની જાણકારી હતી. મારા અત્યાર સુધીમાં દસ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમના અવસાનના દિવસે મારા આગામી પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે જ તે મારા ઘરે આવ્યા હતાં. તું જાણતો હોઈશ કે તારા પિતા હ્રદય રોગથી પીડાતા હતાં. તેમને એકાએક હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. ડોકટર આવે તે દરમ્યાન તેમની પીડા ઓછી કરવા માટે મારા ખોળામાં તેમને સુવડાવી હું તેમની છાતી પર બામ ઘસતી હતી ત્યારે તેમનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. તેમના આત્માનો દેહ ત્યાગ મારા ખોળામાં થવાની ઘટનાનો લોકોએ મનગમતો અર્થ કર્યો હતો.”

આટલી વાત કરતાં ભૂમિકાને થાક લાગ્યો હતો. તેમણે પોતાની આંખો બંધ કરી દીધી હતી. તેમની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતાં. નૈનિશના મનમાં રહેલી તમામ શંકાઓ દૂર થઈ ગઈ હતી. તેણે ભૂમિકાના હાથ પર હળવું ચુંબન કરી તેમની વિદાય લીધી.                                  

 નૈનિશે ઘરે જઇ આખી ઘટના તેની મૉમ ધરતીબેનને જણાવી તેમની માફી માગી. નૈનિશની વાત શાંત ચિત્તે સાંભળી ધરતીબેન બોલ્યા, “બેટા ભૂમિકાએ તને આખી વાત જણાવી નથી. એક અગત્યની ઘટના તેણે તારાથી છૂપાવી છે.”

નૈનિશ: “મૉમ મને હતું જ કે કઈક તો જરૂર છૂપાવાશે...”

ધરતીબેન: "તો .. સંભાળ.. તે અગત્યની ઘટના.”

નૈનિશે આતુરતા પૂર્વક પોતાની મમ્મી સામે મીટ માંડી.

ધરતીબેન : “લગ્ન પછી સાત વર્ષ સુધી મારો ખોળો ભરાયો ન હતો. મારી ફેલોપીન ટ્યૂબ અને ગર્ભાશયની કુદરતી ખામીના કારણે હું ગર્ભધારણ કરી શકતી ન હતી. અકસ્માત પછી ભૂમિકાએ જ્યારે આ વાત જાણી ત્યારે તેણે સામેથી ‘સેરોગેટ મધર’ થવા મને ઓફર કરી હતી. ખૂબ ચર્ચા વિચારણાના અંતે અમે તેની ઓફર સ્વીકારી હતી. તારા પિતાના સ્પર્મ અને મારા સ્ત્રી બીજનું લેબોરટરીમાં ફલીકરણ કરી ભૂમિકાની કુંખમાં પ્રત્યારોપણ કર્યું હતું. તું ભૂમિકાની કુંખમાં પોષણ પામ્યો છે. તે તારી ‘સેરોગેટ મધર’ છે. તેની મહાનતા જો તેણે તેની બધી વાતો સ્પષ્ટ સ્પષ્ટ જણાવી હતી પરંતુ આ વાત કરી તને ક્ષોભમાં મૂકવાનું તેને ઉચિત નહીં લાગ્યું હોય એટલે તે વાત તેણે કરવાનું ટાળી દીધું છે. તે દેવી છે. તારા પિતા ભૂમિકાનું અન્ય રીતે ઋણ અદા કરી શકે તેમ ન હતાં એટલે તેને પુસ્તકો લખવામાં મદદ કરી તેનું ઋણ અદા કરવાની કોશિશ કરતા હતાં. મને અફસોસ છે કે દુનિયાએ એક પવિત્ર બંધનને ખોટી રીતે મૂલવીને ભૂમિકાને ખૂબ અન્યાય કર્યો છે.”

ધરતીબેનની વાત સાંભળી નૈનિશ સ્તબ્ધ થઈ ગયો. તેને તે સમજતાં વાર ન લાગી કે ભૂમિકાના હાથના સ્પર્શથી તે કેમ પરવશ થઈ ગયો હતો. એક મહાન ત્યાગ કરનાર સ્ત્રીના ચરિત્ર વિષે ખોટી ધારણા બાંધી તેને નફરત કરવા માટે નૈનિશને પારાવાર અફસોસ થયો. તેના પ્રાયશ્ચિત રૂપે પોતાની મૉમના ખોળામાં માથું મૂકી તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.


Rate this content
Log in