Abid Khanusia

Romance Action Thriller

4  

Abid Khanusia

Romance Action Thriller

સપનાં લીલાંછમ

સપનાં લીલાંછમ

8 mins
130


ગુમાનસિંહે ઉદય તરફ જોઈ કહ્યું, "ઉદય, આપણે પોલીસની મદદ તો લેવી પડશે પણ જરા જુદી રીતે. હું કોઈ ઓળખીતા પોલીસઑફિસરની તપાસ કરું છું." 

ગુમાનસિંહે પોતાની આંખો બંધ કરીને પોતાને મદદ કરી શકે તેવા ઓળખીતા પોલીસઑફિસરો અંગે વિચારવા લાગ્યો. ગુમાનસિંહે યુવાનીના પચ્ચીસ વર્ષ જેલમાં ગુજાર્યા હતા. ગુમાનસિંહ તે સમય દરમ્યાન ઘણા જેલરો અને પોલીસઑફિસરોના સંપર્કમાં આવ્યો હતો. તેના મળતાવડા સ્વભાવના લીધે બધા પોલીસઑફિસરો સાથે તેને ખૂબ જ સારા સંબંધો હતા. મંગલને પકડવામાં કોણ મદદરૂપ થઈ શકે તેમ છે તેના પર વિચારી રહ્યો હતો. 

"અંકલ ! મારા એક મિત્રના નજીકના સંબંધી પોલીસઑફિસર છે. તેમનું નામ, મિ.સાળુંકે છે. તેમને હમણાં જ આઈ.પી.એસ. કેડરમાં પ્રમોશન મળ્યું છે. તેમનું પોસ્ટિંગ હાલ ઉદયપુરમાં છે. તેઓ કદાચ આપણને મદદરૂપ થઈ શકે...!"

ગુમાનસિંહ સાળુંકેનું નામ સાંભળીને ઉત્સાહમાં આવી ગયો.

"જો, તે વિવેક સાળુંકે હોય તો તેઓ મને ઓળખે છે અને તે જરૂર આપણને મદદરૂપ થશે. તું તેમનો કોન્ટેક્ટ નંબર મેળવી લે, પછી હું તેમની સાથે વાત કરીશ."

ઉદયે તેના મિત્રને ફોન જોડ્યો પરંતુ 'આઉટ ઓફ નેટવર્ક એરિયા'નો મેસેજ આવતો હતો. ઉદયે ગૂગલની મદદથી ઉદયપુર પોલીસ હેડક્વાર્ટર્સનો નંબર શોધી કાઢ્યો. ત્યાં સંપર્ક કરી તેણે સાળુંકે સાહેબનો કોન્ટેક્ટ નંબર મેળવ્યો. સંપર્ક સધાતાં તેણે ફોન ગુમાનસિંહને આપ્યો. 

"ગુડ મોર્નિંગ સર! ગુમાનસિંહ બોલું છું." 

સાળુંકે ગુમાનસિંહને ઓળખી ગયા.

"બોલ, ગુમાન ! કેમ મને યાદ કર્યો ? કોઈ નવું લફડું તો નથી કર્યું ને ?"

"ના સાહેબ, એક અંગત કામ માટે આપની મદદની જરૂર પડી છે. ડાકુ મંગલસિંહે કોટા રેલવેસ્ટેશનેથી મારી દીકરીનું અપહરણ કર્યું છે. મારે મંગલસિંહને પકડવા અને મારી દીકરીને છોડાવવા માટે પોલીસફોર્સની અને આપની મદદ જોઈએ છે."

 "ગુમાનસિંહ, તારે દીકરી છે ? મને જાણ જ નથી. તારી દીકરીની ઉંમર ?"

"સાહેબ! હું સત્તાવીસ વર્ષની દીકરીનો બાપ છું. મંગલે આજે સવારે ચાર વાગ્યાની આસપાસ રેલવેના કોચમાંથી તેનું અપહરણ કરી જાસો મોકલ્યો છે. સાહેબ,પ્લીઝ...મને મદદ કરો...!"

"પણ, કોટા પોલીસસ્ટેશન મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું એટલે હું તેમની કામગીરીમાં સીધી રીતે દખલ ન કરી શકું. પણ તેમને ભલામણ જરૂર કરી શકું."

"સાહેબ ! મંગલસિંહના બધા અડ્ડા અને પેંતરા હું જાણું છું. તેણે કોટાથી મારી દીકરીનું અપહરણ કર્યું છે એટલે તે અત્યારે કોટાની આસપાસ તો નહીં જ હોય. મારા અનુમાન મુજબ તે કુંભલગઢના જંગલો કે કોતરોમાં હશે. કુંભલગઢ ઉદયપુરથી નજીક થાય છે. (કુંભલગઢના જંગલોનો ઇતિહાસ મહાભારત અને મહારાણા પ્રતાપ સાથે જોડાયેલો છે. કુંભલગઢના કિલ્લાને UNESCO દ્વારા વર્લ્ડ હેરીટેજ સ્થાપત્ય તરીકે માન્યતા આપવામાં આવેલી છે. તેની દીવાલ ચીનની દીવાલ પછી સૌથી વિશાળ દીવાલ ગણાય છે.) દરેક પોલીસસ્ટેશનમાં તેના ખબરી છે એટલે આ મિશન ખૂબ ગુપ્ત રીતે હાથ પર લેવામાં આવે તેવી મારી વિનંતી છે."

"મને એફ.આઈ.આર.ની નકલ મેસેજ કર. હું કંઈક ગોઠવણ કરું છું. લગભગ બધા ડાકુઓએ સરેન્ડર કરી દીધું છે, ત્યારથી પોલીસખાતાને ખૂબ રાહત થઈ ગઈ છે. હમણાં હમણાંથી ડાકુ મંગલસિંહે માથું ઊંચક્યું છે. સરકારે તેના માથા માટે બે લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે. મને એફ.આઈ.આર.ની નકલ તાત્કાલિક મોકલી આપ."

"સાહેબ! મંગલસિંહે જાસામાં પોલીસને જાણ ન કરવાની ધમકી આપી છે માટે અમે હજુ સુધી એફ.આઈ.આર. લખાવા માટે અવઢવમાં છીએ."

"તો ઘણું સારું. ગુપ્તચર તરફથી ડાકુ મંગલસિંહ કુંભલગઢના કોતરોમાં છુપાયો હોવાની અમને બાતમી મળેલ છે તેવી નોંધ કરીને હું અમારા પોલીસસ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધી પોલીસફોર્સને રાત્રે રેઈડ પાડવા તૈયાર કરી રાખું છું. તું તાત્કાલિક કોટાથી ઉદયપુર પહોંચ."

"સર! હું તો હાલ મુંબઈ છું."

"ઓહ્...! તો એવું કર...તું, મુંબઈથી ઉદયપુરની બાર વાગ્યાની ફ્લાઇટમાં અહીં આવવા નીકળી જા. ત્રણ વાગ્યા સુધીમાં તું પોલીસસ્ટેશને પહોંચી જઈશ. કુંભલગઢના જંગલોના આંટીઘૂંટી ભર્યાં રસ્તાઓ અને કોતરો ફેંદવામાં અમારી ફોર્સને તારી જરૂર પડશે."

"સાળુંકેસાહેબ...આપનો ખૂબ ખૂબ આભાર...!" 

ઉદયે ઠાકુર બલદેવસિંહને તમામ બાબતોથી વાકેફ કર્યા અને કહ્યું કે "તે અને ગુમાનસિંહ ઉદયપુર આવી રહ્યા છે. તેમણે ઉદયપુર જવાની તૈયારી શરૂ કરી દીધી." 

રસ્તામાં ઉદયે ગુમાનસિંહને કહ્યું, "અંકલ! કયા સંજોગોમાં તમારે બાગી બનવું પડ્યું અને મંગલસિંહને તમારી સાથે શાનું વેર છે?" 

ઉદયપુર સુધીની મુસાફરી દરમ્યાન ગુમાનસિંહે ઉદયને તેના જીવનની ખટમીઠી બધી જ વાતો કરી. 

"હું મધ્યપ્રદેશના એક ગામનો રહેવાસી હતો. મેં ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો હતો. મારે એન્જીનિયરીંગનો અભ્યાસ કરવો હતો પણ કોલેજની ફી ભરવા માટે મારા પિતાજી પાસે પૈસા નહોતા. તેઓ ગામના શાહુકાર પાસે ખેતર ગિરવે મૂકી પૈસા લેવા ગયા. પિતાજી સાથે મારી બહેન પણ ગઈ'તી. શાહુકારે કહ્યું કે ગીરો રાખતાં પહેલાં તેં એકવાર તેમનું ખેતર જોઈ લેવા માંગે છે. બીજા દિવસે ખેતરે આવી, ખેતરની સ્થિતિ જોઈ ત્યાં જ રકમ આપશે, એવું કહ્યું. તેની નજર મારી બહેન પર હતી એ મારા પિતાજીને ખબર નહોતી. રોજ સવારે મારી બહેન ઢોર માટે ચારો લેવા ખેતરે જતી, તે વાત શાહુકાર જાણતો હતો. તેને એમ હતું કે સવારે ખેતરે જઇ તેની એકલતાનો લાભ લઈ લેશે. ગુમાનના ભણતરનો વિચાર કરી પ્રતિકાર કર્યા સિવાય તે મારા તાબે થઈ જશે તેવું તેણે વિચાર્યુ હતું. તે સવારે વહેલો ખેતરે પહોંચી ગયો. મારી બહેન તો શાહુકારની હાજરીથી બેખબર, રોજની જેમ ખેતરે જઇ લીલો ઘાસચારો વાઢવાના કામમાં ગૂંથાઇ ગઈ. તે દિવસે પિતાજીને થોડું કામ હોવાથી તેમણે મને ખેતરે જઈ શાહુકાર પાસેથી પૈસા લઈ આવવાનું કહ્યું એટલે હું થોડીવાર પછી ખેતરે પહોંચ્યો. મેં શાહુકારને બહેન સાથે બળજબરી કરતો જોયો એટલે કંઈ પણ વિચાર્યા વગર બાજુમાં પડેલો પાવડાનો સીધો ઘા માથા પર કર્યો. શાહુકાર તરત જ ત્યાં ઢળી પડ્યો. બહેનને ઘરે પહોંચાડીને હું ચંબલના કોતરોમાં પહોંચી ગયો."

"ચંબલ એટલે બાગીઓનું મોસાળ. ત્યાં આવી રીતે સંતાયેલા લોકો બાગી થઈ ચંબલને શરણે પહોંચી જતા હતા. હું પણ એક બાગી ટોળીમાં ભળી ગયો. મંગલ પહેલેથી જ તે ટોળીમાં હતો. થોડા સમયમાં અમારા સરદારનું પોલીસ સાથેની મૂઠભેડમાં મૃત્યુ થઈ ગયું. તેમના મૃત્યુ પછી મને ટોળીનો સરદાર બનાવવામાં આવ્યો. મંગલને તે વાત ગમી નહોતી. તેને ટોળીનો સરદાર થવું હતું પણ મોટા ભાગના બાગીઓ મને સરદાર તરીકે પસંદ કરતા હતા. તે સમયાંતરે નવા કાવાદાવા કરી લોકોને મારી વિરુદ્ધ ઉશ્કેરતો હતો. મેં શાણપણ વાપરીને તેની સાથે દોસ્તી કરી લીધી. તેને લૂંટમાં મારા જેટલો જ હિસ્સો આપવાનું નક્કી કર્યું."

"થોડો સમય બધું બરાબર ચાલ્યું. તેણે પોતાની નવી ટોળી ઊભી કરી અમારાથી જુદો થઈ ગયો. તેની ટોળકીનો તે સરદાર થઈ ગયો. તે ખૂબ ઐયાશી થઈ ગયો'તો. આજુબાજુના શહેરની નર્તકીઓને બોલાવી તેમના નાચગાન પાછળ ખૂબ પૈસા વેડફી નાખતો'તો, તેથી ધીમેધીમે તેની ટોળકીના સભ્યો તેને છોડીને ચાલ્યા ગયા. તે એકલો પડી ગયો. અમારી ટોળકીમાં સમાવી લેવા તેણે અમને આજીજી કરી એટલે અમે તેને અમારી સાથે લઈ લીધો."

"અમારી ટોળકીમાં આવ્યા પછી પણ મંગલ સુધર્યો નહોતો. તે એક પૂતળીબાઈ નામની યુવાન નર્તકીના મોહપાશમાં ફસાઈ ગયો. પૂતળીબાઈ તેના થકી ગર્ભવતી થઈ. તેણે મંગલને તેની સાથે લગ્ન કરી લેવા દબાણ કર્યું પણ તેણે પૂતળીના પેટમાં ઉછરતું બાળક તેનું નથી, એમ કહી તેને કાઢી મૂકી. અમે મંગલને ખૂબ સમજાવ્યો પરંતુ તે માન્યો નહીં. તેણે પૂતળીબાઈ સાંભળે તેવી રીતે મોટેથી કહ્યું કે વેશ્યાઓ પૈસા માટે ગમે તેના બિસ્તર ગરમ કરતી હોય છે. પૂતળી પૈસા માટે કોઈ બીજાનું પાપ મારા માથે ચઢાવવા માગે છે."

"પૂતળીબાઈ મંગલને સાચા દિલથી પ્રેમ કરતી'તી. તેના પેટમાં રહેલું બાળક મંગલનું જ હતું. પૂતળીને મંગલના વેણ કડવા લાગ્યાં. તેણે મનોમન બદલો લેવાનું નક્કી કર્યું. તેણે એક દિવસ પોલીસને અમારા અડ્ડાની બાતમી આપી દીધી. અમોએ તે દિવસે એક મહાજનની દીકરીની જાન લૂંટીને ખૂબ પૈસા અને દાગીના મેળવ્યાં હતાં. અમારા અડ્ડા પર પોલીસ રેઈડ પાડવાની હોવાની અમોને બાતમી મળી ગઈ હતી. રેઈડ પડતાં પહેલાં અમે અમારા અડ્ડા પર જ છીએ તેની ખાતરી કરવા માટે પૂતળીબાઈ મંગલને પ્રેમ કરવાના બહાને અડ્ડા પર આવી હતી. મંગલ પૂતળીને એક ગુફામાં લઈ ઘૂસી ગયો. પૂતળી પોલીસની મુખબીર છે તેવી અમને નહોતી ખબર કે નહોતી કોઈ શંકા." 

"બાગીઓના લૂંટનો માલ સાચવવાની જવાબદારી ટોળકીના સરદારના માથે હોય છે. સરદાર સિવાય બીજા કોઈને તે માલ ક્યાં સચવાયો/સંતાડયો છે તેની ખબર નથી હોતી. અમે લૂંટનો માલ સંતાડીને ત્યાંથી નીકળી જવાની વેતરણમાં હતા. અમારી પાસે સમય ખૂબ ઓછો હતો એટલે હું અમારા અડ્ડાની બાજુના કોતરમાં જ માલ સંતાડવા ગયો હતો. પાછા ફરવાના બહાને મંગલથી છૂટી પડી પૂતળી તે કોતરના કિનારે આવીને ઊભી રહી હતી. હું માલ સંતાડીને ઊભો થયો ત્યારે પૂતળીને પોલીસને ઇશારો કરતાં હું જોઈ ગયો'તો.પોલીસ આવે તે પહેલાં લતા અમારી બે વર્ષની બીમાર દીકરી(નીલિમા)ને લઈને આવી પહોંચી. અમે પોલીસથી બચીને થોડે દૂરના કોતરોમાં સંતાવા ચાલ્યાં ગયાં. ટોળકીના બધા સભ્યોને જ્યાં સલામત સ્થળ લાગ્યું ત્યાં આજુબાજુમાં સંતાઈ ગયા. જેમજેમ મોકો મળે તેમતેમ બધા અડ્ડાથી દૂર જતા રહ્યા હતા. ચંબલના જંગલોમાં પોલીસ કદી બાગીઓનો પીછો કરતી નથી‌... કેમ કે બાગીઓ કદી પકડાતાં નહીં પણ ઉપરથી તેમના જીવનું જોખમ રહેલું હોયને વળી બાગીઓ તેમને ખાનગીમાં ભેટ સોગાતો પણ આપતા હોય છે." 

"સંતાવાની જગ્યાએથી મેં પૂતળીને મેં સંતાડેલો માલ લઈને જતી જોઈ હતી. આમેય મને મારી દીકરીના જન્મ પછી લૂંટફાટના ધંધાથી નફરત થઈ ગઈ હતી. મેં અને લતાએ બીમાર નીલિમાને તેના નાનાજીના હવાલે મૂકીને આત્મસમર્પણ કરી દેવાનું નક્કી કર્યું હતું, એટલે જ મેં પૂતળીબાઈને માલ લઈ જતી જોઈ તોય તેને લઈ જવા દીધી. મને થયું... તેનું અને તેનાં આવનાર બાળકનું તેમાંથી જીવનભરનું ભરણપોષણ થઈ રહેશે. પૂતળીને ખબર પડી ગઈ હતી કે મેં તેને જોઈ લીધી હોવા છતાં તેને જવા દીધી છે, એટલે તે દૂરથી મને સલામ કરી આભાર માની ચાલી ગઈ હતી."

"તે પ્રસંગ પછી થોડા સમયમાં મેં અને લતાએ આત્મસમર્પણ કરી દીધું હતું. મંગલને અને ટોળકીના બીજા સભ્યોને એમ છે કે તે લૂંટનો બધો માલ મારી પાસે રાખી હું હજમ કરી ગયો છું. એટલે તે તેનો હિસ્સો આપી દેવા દબાણ કરે છે. જેલમાં ઘણીવાર તે મને મળવા પણ આવતો હતો. તેના હિસ્સા માટે દબાણ કરતો હતો. હું તેને પૂતળી બધો માલ લઈ ગઈ છે તેવું કહી દઉં તો મંગલ તેને મારી નાખે. એટલે મેં તે વાત મારા પેટમાં દફનાવી દીધી છે."

"વતનમાં મારી થોડી જમીન છે, જેનાથી ગુજારો કરવાનું નક્કી કરી હું જેલમાંથી છૂટી મારા વતનમાં રહેવા ચાલ્યો ગયો હતો. મંગલને તેની જાણ થતાં તેણે મારા ઘરે આવીને તકાદો કર્યો હતો. નીલિમા એકલી મુંબઈ રહે છે તે વાત તે જાણતો હતો. જો હું તેનો હિસ્સો ન આપી દઉં તો નીલિમાનું અપહરણ કરવાની તેણે મને ધમકી આપી હતી. લતાને મુંબઈમાં ઠાકુરસાહેબનો બંગલો ક્યાં આવેલો છે તેની જાણ હતી. અમે મુંબઈ આવી પહોંચ્યાં. અમે એક અઠવાડિયા સુધી ઠાકુરસાહેબના બંગલાની આસપાસ છૂપી રીતે આવતા અને નીલિમા સાલમત છે તેની ખાતરી કરતાં રહેતાં હતાં. નીલિમાએ પણ અમને ત્યાં બે-ચાર વાર જોયાં હતાં. તે અમને ઓળખતી નહોતી એટલે તેણે અમારી હાજરીની કોઈ ખાસ નોંધ લીધી નહોતી. તેવામાં અમને જાણ થઈ કે ઠાકુરસાહેબનો બંગલો ભાડે આપવાનો છે. લતાને ઠાકુરસાહેબના એસ્ટેટ બ્રોકરની ઑફિસની જાણકારી હતી. ત્યાં પહોંચી અમે ઠાકુરસાહેબના સંબંધી છીએ તેવી ઓળખાણ આપી તે બંગલો ભાડે રાખી લીધો. બંગલો ભાડે રાખવાનો અમારો મકસદ નીલિમાને સલામત રાખવાનો હતો. અમે તેની સાથે ખૂબ ઝડપથી હળીમળી ગયાં. અમે તેને અમારી ઓળખાણ આપીએ તે પહેલાં તે તને મળવા મોરિશિયસ આવી ગઈ. ત્યાંથી પરત ફરી અમને મળ્યા સિવાય બીજા જ દિવસે તે સૂરજપુર જવા નીકળી ગઈ એટલે અમે તેને અમારી ઓળખાણ આપી શક્યાં નહીં. ત્યાર પછીની વાત તો તું જાણે જ છે."

એમ કહીને ગુમાનસિંહે પોતાની જીવનકહાની સમાપ્ત કરી.

***

તેઓ ઉદયપુર પોલીસસ્ટેશને પહોંચ્યાં ત્યારે ઠાકુર બલદેવસિંહ પોલીસસ્ટેશનના કમ્પાઉન્ડમાં ચિંતાતુર ચહેરે તેમની રાહ જોઈ રહ્યા'તા. 

"પાય લાગુ, ઠાકુર...!" કહીને ગુમાનસિંહે બલદેવસિંહના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા. 

ગુમાનસિંહ સીધો સાળુંકે સાહેબને મળ્યો. તેમણે પોલીસફોર્સ તૈયાર રાખી હતી. રેઈડનું નેતૃત્વ યુવાન પી.આઈ. માધવીસિંહના હાથમાં હતું. સાળુંકે ગુમાનસિંહની ઓળખાણ માધવીસિંહને કરાવીને તેમને તાત્કાલિક રવાના થવાનું જણાવ્યું. ગુમાનસિંહ માધવી સાથે તેની જીપમાં બેઠાં. સાળુંકે ઉદય અને ઠાકુરસાહેબને થોડીવાર પછી તેમની ગાડીમાં નીકળી કુંભલગઢના કોતરોમાં સલામત અંતર રાખી માધવીને ફોલો કરવાનું કહ્યું. ઠાકુર બલદેવસિંહના ખભા પર બે બેરલની રાઇફલ અને કારતૂસ ભરેલો આખો પટ્ટો (હારડો) લટકતો હતો.  

ચાર પોલીસજીપોનો કાફલો રેઈડ માટે કુંભલગઢના જંગલો તરફ રવાના થયો. ઉદયપુર શહેરની બહાર નીકળી ગાડી હાઇવે પર ચઢી એટલે આખા ઑપરેશનની વિગતો ગુમાનસિંહને આપતા પહેલાં માધવીએ ગુમાનસિંહના કાન પાસે પોતાનું મોઢું લઈ જઈ એક વાત કરી, જે સાંભળીને ગુમાનસિંહના ચહેરા પર ગજબનું આશ્ચર્ય ફરી વળ્યું...!  

[ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Romance