સપનાં લીલાંછમ
સપનાં લીલાંછમ


ધરપકડ કરાયેલા બે ડાકુને પોલીસસ્ટેશનના લોકઅપના હવાલે કરીને માધવી, ઠાકુર બલદેવસિંહ અને નીલિમા ગુમાનસિંહની તબિયતના સમાચાર જાણવા સરકારી હૉસ્પિટલે પહોંચ્યાં. થોડીવાર પછી ઈન્સ્પેકટર અજય મીના પણ ત્યાં આવી પહોંચ્યા. ગુમાનસિંહના ખભામાંની ગોળી કાઢવા માટે તેમનું ઑપરેશન કરવામાં આવી રહ્યું હતું. ઉદય અને ઈન્સ્પેકટર અજય મીનાના જણાવ્યા અનુસાર ગુમાનસિંહ છેલ્લી ઘડી સુધી સ્વસ્થ હતા. તેમને ઑપરેશન વખતે ત્રણ બોટલ ખૂનની જરૂર પડશે તેવું ડોકટરના કહેવાથી ઉદય રેડક્રોસમાંથી લઈ આવ્યો હતો.
એક ઍમ્બ્યુલન્સમાં ડાકુ મંગલની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલે આવી પહોંચી હતી. ઉદયે નીલિમાને ડાકુના અડ્ડાથી હેમખેમ છુટકારો કરાવી લેવામાં આવ્યો હોવાની અને ગુમાનસિંહને ગોળી વાગ્યાના સમાચાર લતિકાદેવીને આપી દીધાં હતાં. ઠાકુર બલદેવસિંહે પણ લતિકાદેવી સાથે ફોન પર વાત કરી હતી. પોતાની લાડલી પુત્રી સાથે લગભગ સત્તાવીસ વરસ પછી વાત કરતાં કરતાં ઠાકુરસાહેબ ભાવુક થઈ ગયાં હતાં. સામે છેડે લતિકાદેવીનો પણ કંઠ ભરાઈ આવ્યો હતો. તેમણે ભરાયેલા કંઠે ઠાકુરસાહેબને તેમણે યુવાનીમાં કરેલી મનમાની બદલ માફ કરવા વિનંતી કરી હતી.
નીલિમાએ લતિકાદેવીને ફોન જોડ્યો પણ "મમ્મી..." એટલું જ બોલી શકી હતી. લતિકાદેવીએ નીલિમાને સૂરજપુર જતાં પહેલાં પોતાને મળવા ન આવવા માટે મીઠો ઠપકો આપીને કહ્યું,"બેટા! તારી સલામતી માટે જ અમે તારી પાસે રહેવા આવ્યાં હતાં. જો તેં સૂરજપુર જવાની વાત અમને જણાવી હોત તો અમે તને એકલી ન જવા દેત. બીજું, જે થયું તે ન થાત."
મા-દીકરી થોડી મિનિટો સુધી વાતચીત કરતાં રહ્યાં. વાતચીતના અંતે તેમણે કહ્યું,"આવતીકાલે જે પહેલી ગાડી મળે તેમાં તે અહીં આવવા નીકળી જશે."
*****
ઑપરેશન થિયેટરની લાલ બત્તી બંધ થઈ. જે ઑપરેશન પૂરું થવાનો સંકેત હતો. ડોક્ટર બહાર નીકળે તેની સૌ રાહ જોઈ રહ્યાં હતાં. પાંચ મિનિટ પછી ડોક્ટરે બહાર આવી ઑપરેશન સફળ રહ્યું હોવાનું જણાવ્યું પરંતુ આગામી અડતાળીસ કલાક સુધી ગુમાનસિંહને આઈ.સી.યુ.માં સઘન દેખરેખમાં રાખવા પડશે, તેમ પણ કહ્યું.
ઈન્સ્પેકટર અજય મીના 'ઑપરેશન મંગલ'ની કામિયાબી માટે માધવીને સસ્મિત અભિનંદન આપીને કુંભલગઢ જવા રવાના થઈ ગયો. તે ગયો ત્યાં સુધી માધવી તે દિશામાં જોઈ રહી. ટ્રેનિંગ વખતે માધવી અને અજય સાથે હતાં. અજયને માધવી પ્રત્યે કુણી લાગણી હોવાનું માધવીએ અનુભવ્યું હતું. તે વખતે માધવીએ તે બાબતે ગંભીરતા દર્શાવી નહોતી પણ આજે માધવીનું દિલ તેનો પડઘો પાડી રહ્યું હતું.
*****
નીલિમાના અપહરણની ઘટનાના લગભગ એક વર્ષ બાદ ઠાકુર બલદેવસિંહનો મુંબઈ ખાતેનો બંગલો રંગબેરંગી લાઈટોથી ઝબૂકી રહ્યો હતો. દુલ્હાના પરિવેશમાં ઉદય ને દુલ્હનના પરિવેશમાં નીલિમા...!
લગ્નની વિધિ ખૂબ થોડા અંગત સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ઉકેલી લેવાનું નક્કી થયું હતું. લગ્નના બે દિવસ પછી રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. તે માટે ખૂબ મોટો પાર્ટીપ્લોટ બુક કરાવવામાં આવ્યો હતો.
લગ્ન પછીનો બીજો દિવસ કાર્યક્રમોથી ભરચક હતો. નીલિમાની નવી હિન્દી નવલકથા હસીન સપને અને ઉદયનો ગઝલ સંગ્રહ દિલકે ઝરોખેસે નું એકસાથે કોસ્મોસ પબ્લિકેશન્સ દ્વારા વિમોચન કરવાનું નક્કી થયું હતું. તે કાર્યક્રમ પૂરો થયા પછી લતિકાદેવીએ પોતાના જેલવાસ દરમ્યાન દોરેલા ચિત્રોનું મુંબઈની મશહૂર જહાંગીર આર્ટ ગેલેરી ખાતે બપોરે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાત્રે નીલિમાની લઘુ નવલકથા બિખરે રિશ્તે આધારિત ફિલ્મ દિલકે ટુકડે હજાર નું પ્રમોશન કરવામાં આવનાર હતું. તે આખો દિવસ નીલિમા અને ઉદય ખૂબ વ્યસ્ત રહ્યાં હતાં.
નીલિમા અને ઉદયના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં મશહૂર ફિલ્મી હસ્તીઓ, હિન્દી જગતના લેખકો, કવિઓ, ગઝલકારો, હાજર રહ્યાં હતાં. તે પૈકી બે મહેમાનો વિશેષ હતા..માધવી અને અજય. તે ન્યૂલી મેરીડ કપલ તરીકે પૂતળીદેવી સાથે હાજર હતા. યોગીતા છ માસના બેબી બંપ સાથે તેના પતિ મનોહરસિંહ સાથે આવી હતી.
લગ્નની ભેટ તરીકે યોગીતાએ બંનેને સ્વીટઝરલેન્ડનું હનીમૂન પેકેજ સ્પોન્સર કર્યું હતું. તેણે નીલિમાના કાનમાં કહ્યું, "નીલિમા... જો હું પ્રેગનન્ટ ન હોત તો એકલી તમારી સાથે આવી તમારી હનીમૂનની મજા જરૂર બગાડી દેત...!" તેની વાત સાંભળીને બંને જણા ખડખડાટ હસી પડ્યાં એટલે તેમને જોઈને ઉદય અને મનોહરસિંહ બાઘાની જેમ તેમને હસતાં જોઈ રહ્યા. થોડીવાર પછી તે બંને જણા પણ કંઈ સમજયા વગર એકબીજાની સામે જોઈ હસી પડ્યા.
[ સંપૂર્ણ:]
- આબિદ ખણુંસીયા (“આદાબ” નવલપુરી)
તા. ૦૧-૦૮-૨૦૨૦
-: આભાર :-
આ નવલકથાની પ્રસ્તાવના લખવા માટે સાબિરભાઈને વિનંતી કરી ત્યાં સુધી તો હું નવલકથાનું શીર્ષક નક્કી કરી શક્યો નહોતો. ઘણાં શીર્ષક વિચાર્યા હતા. અંગત મિત્રોએ પણ જુદા જુદા શીર્ષકો સૂચવ્યા હતા પણ મન માનતું નહોતું. નવલકથાના હાર્દને સમજીને સાબિરભાઇએ સપનાં લીલાંછમ શીર્ષક સૂચવ્યું... જે મને ગમી ગયું અને મેં સહર્ષભાવે સ્વીકારી લીધું. મારી આ પ્રથમ નવલકથા જેમની વિશેષ પ્રેરણાથી લખી શક્યો છું, જેમણે સુંદર પ્રસ્તાવના લખી આપી નવલકથાનું શીર્ષક મને ભેટ ધાર્યું છે... તેવા હોરર નવલકથાઓના બેતાજ બાદશાહ સાબિરભાઈ પઠાણનો હું સહૃદયી ઋણી છું.
ભલે અમારી આસ્થા અલગ હોય...ભલે હજુ સુધી અમે બંને એકબીજાને રૂબરૂ મળ્યા ન હોય... તેમ છતાં ભાઈબહેનના આત્મીય સંબંધેથી બંધાયેલા મારી બેના, વર્ષાબેન કુકડિયા (મુસ્કાન), કે જે મારી તમામ વાર્તાઓના પ્રથમ વાચક છે, તેમણે મારી અન્ય વાર્તાઓની જેમ આ નવલકથામાં રહેલા જોડણી દોષો સુધારી આપ્યાં છે... તે માટે હું હૃદયથી તેમનો આભારી છું.
મારી તમામ વાર્તાઓના અને આ પ્રથમ નવલકથાના પ્રથમ વાચક એવા મારા જિગરજાન મિત્રો સર્વશ્રી મોહમ્મદ આરીફ વડાલીવાલા, ઈકબાલભાઇ વિજાપુરા, અ.રજાક ખણુંસીયા અને વાર્તાઓ લખવા જે મને સતત પ્રેરણા આપી રહ્યા છે, સામાયિકોમાં મારી વાર્તાઓ છપાવવામાં જેમણે લાગણીપૂર્વક મદદ કરીને મને એક લેખક તરીકે ઓળખ અપાવી છે તેવા ઉર્દુ શાયર, જનાબ ખાદીમસા'બ લાલપુરી અને ગુજરાતી ગઝલકાર અને લેખક જનાબ આબિદભાઈ ભટ્ટ સાહેબ (‘આભ’હિંમતનગરી)નું પણ વિશેષ ઋણ સ્વીકારું છું.
મારી નવલકથા પ્રથમ હોવાથી તેમાં રહેલી ત્રુટિઓને નજરઅંદાજ કરીને તેને એક વાર્તા તરીકે માણી... અને દરેક પ્રકરણો પર અમૂલ્ય અને ઉત્સાહવર્ધક પ્રતિભાવોથી મને સતત પ્રેરણા પૂરી પાડી છે... તેવા મારા વહાલા લેખકમિત્રો અને વાચકોનો પણ હું સહૃદયી આભારી છું.
- આબિદ ખણુંસીયા (“આદાબ” નવલપુરી)
- તા. ૦૯-૦૮-૨૦૨૦