Abid Khanusia

Romance

4  

Abid Khanusia

Romance

સપનાં લીલાંછમ 7

સપનાં લીલાંછમ 7

8 mins
85


શાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની આલીશાન ચેમ્બરમાં ખુરશીમાં બેઠેલી યુવતી પર નજર પડતાં જ ઉદય હક્કોબક્કો રહી ગયો હતો. ચેમ્બરના ઠંડાગાર વાતાવરણમાંય તેના ચહેરા પર પરસેવો વળી ગયો હતો. તેણે પોતાના રૂમાલ વડે ચહેરો લૂછ્યો.

તે યુવતી બોલી, "ઉદય તું..... ??.... !! આઈ મીન તમે ... અહીંયાં... ?!! ઘણા વર્ષો પછી આમ અચાનક મળવાનું થયું એટલે થોડુંક આશ્ચર્ય થયું અને સાથેસાથે આનંદ પણ થયો. તમારું સ્વાગત છે. નીલિમાજી સાથે આવ્યા છો?"

ઉદયએ વિચાર્યું, 'યોગીતા કોલેજીયન અલ્લડ યુવતી જેવી રહી નથી. તેના શરીરનો બાંધો પહેલાં જેવો સ્લિમ નથી. તે થોડી જાડી થઈ ગઈ તોયે ચુસ્ત જીન્સ અને સ્લીવલેસ ટોપમાં તે ખૂબ સુંદર દેખાતી હતી. કદાચ, તે નિયમિત રીતે જીમમાં જતી હોવી જોઈએ. તેનું દેહ સૌષ્ઠવ અને દેહલાલિત્ય હજુ અકબંધ હતું. તેના ચુસ્ત અને ઉન્નત ઉરોજ તે બાળકની માતા બની નહીં હોય તેવી ચાડી ખાતા હતા. તે તદ્દન ચુસ્ત અને સ્ફૂર્તિલી દેખાઈ રહી હતી.' 

પોતાના સૂકાં થવા આવેલા હોઠો પર જીભ ફેરવી ઉદય બોલ્યો, "હાઉ આર યુ યોગીતાજી....?"

"આઈ એમ ફાઈન. થેન્ક યુ."

હવે ચમકવાનો વારો નીલિમાનો હતો. નીલિમા સમજી ગઈ કે શાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની પાર્ટનર અને ડિરેક્ટર બીજું કોઈ નહીં પરંતુ ઉદયની ભૂતપૂર્વ પ્રેમિકા યોગીતા છે. તેના મનમાં અણગમો આવી ગયો છતાંય તેણે પોતાના ચહેરા પર તે કળાવા ન દીધો. નીલિમાની હાજરીનો અહેસાસ થતાં યોગીતા તેના તરફ જોઈને નમસ્કાર સાથે બોલી, "નીલિમાજી, ઉદય અને હું કોલેજમાં સાથે ભણતાં હતાં. કોલેજકાળ પછી આજે પહેલીવાર મળવાનું થયું એટલે સાનંદ આશ્ચર્ય થયું માટે આપની સાથે વાત કરતાં પહેલાં ઉદયજી સાથે વાત કરી લીધી તે બદલ ક્ષમાયાચના."

નીલિમાને યોગીતાને કહેવાનું મન થઈ ગયું કે 'ફક્ત સાથે ભણતાં જ હતાં એટલું નહીં પણ પ્રેમીઓ પણ હતાં એ વાત કેમ છુપાવી દીધી...?' પણ તે ખામોશ રહી.

યોગીતા એકદમ પ્રોફેશનલ બનતાં બોલી,

"મિસ.નીલિમા, કમ ઓન લેટ અસ મૂવ ટુ ધ બિઝનેસ ટોક. આપની નવલકથા 'બિખરે રિશ્તે' મારા પતિને ખૂબ ગમી છે. મારા પતિ મનોહરસિંહ રાજસ્થાનના છે. તેમને એકવાર તેમના કોઈ મિત્રએ તે નવલકથા વાંચવા ભલામણ કરી હતી. રાજસ્થાનની પૃષ્ઠભૂમિમાં લખાયેલી નવલકથા ખૂબ સંવેદનશીલ પ્રેમકહાની છે તેવું મનોહરનું કહેવું છે. લેટ મી બી ફ્રેન્ક... મેં હજુ સુધી તે નવલકથા વાંચી નથી. મનોહર એક સંવેદનશીલ પ્રેમકહાની પર ફિલ્મનું નિર્માણ કરવા ઇચ્છે છે. જેની માટે તેમણે આપની આ નવલકથા પર પસંદગી ઉતારી છે. અમે તે બુકના રાઇટ્સ ખરીદવા ઇચ્છીએ છીએ. તે માટે આપને ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. અમારી પાસે આપનો કોઈ કોન્ટેક્ટ નંબર નહોતો એટલે આપના પ્રકાશક પાસેથી મેળવી આપને મેસેજ કર્યો હતો. આપને આ ડીલ કરવામાં જો દિલચસ્પી હોય તો આપણે આગળ વધીએ."

નીલિમા બોલી, "યોગીતાજી, આ મારી લઘુ નવલકથા છે. તેના પરથી અઢી-ત્રણ કલાકની ફિલ્મ બની શકે કે કેમ તેની મને ખબર નથી અને તે મારો વિષય પણ નથી. લેખક તરીકે ફિલ્મી દુનિયાનો આ મારો પ્રથમ અનુભવ છે. આપ મને સમજાવો કે તેના હક્કો ખરીદવા એટલે શું?

"હું જરા વિસ્તારથી સમજાવું. અમે આપની આ નવલકથા પર આધારિત ફિલ્મનું પ્રોડકશન કરીશું. વાર્તાની થીમ અકબંધ રહેશે પરંતુ આ એક કોમર્શિયલ ફિલ્મ હોવાથી ફિલ્મને મનોરંજક બનાવવા માટે અમારે તેમાં ઘણો મસાલો ઉમેરવો પડશે. થોડું ગ્લેમર,થોડી મારધાડ, ઇમોશનલ,રોમૅન્ટિક અને ઈન્ટીમેટ સીન, ગીતો વગેરે ઉમેરીશું તો જ પ્રેક્ષકોને ગમશે નહીંતર ફિલ્મમાં કરેલું રોકાણ પણ પાછું નહીં આવે. ટૂંકમાં આપની વાર્તાની થીમ તેની તે જ રહેશે પરંતુ વાર્તામાં અમારા રાઇટર્સની ટીમ જરૂરિયાત મુજબ ફેરફાર કરશે. જે કરવા દેવાની આપે એક એગ્રીમેન્ટ દ્વારા લેખિત મંજૂરી આપવી પડશે. તેના માટે અમે નક્કી થાય તે રકમ ચૂકવીશું."

ઉદય વાતચીતનો દોર પોતાના હાથમાં લેતાં બોલ્યો, "યોગીતાજી ....."

 ઉદયને અધવચ્ચે અટકાવીને યોગીતા બોલી, "ઉદય...પ્લીઝ ! નો યોગીતાજી, ઓન્લી યોગીતા. વી આર કોલેજ ફ્રેંડ્સ યાર..! ડોન્ટ બી ફોર્મલ."

"યોગીતાજી, કોલેજની વાત જુદી હતી. હવે આપ એક શાદીશુદા (પરિણીત) સ્ત્રી છો. કોઈની પત્ની છો. કોઈના ઘરની આબરૂ છો. મારે શબ્દોની મર્યાદા જાળવવી જોઈએ તેવું હું માનું છું. હું યોગીતાજી જ કહીશ."

"ઓ.કે. બાબા..‌લાગે છે હજુ તમે મને માફ કરી શક્યા નથી... ‘લેટ ધ બાય ગોન્સ બી બાય ગોન્સ’...ફરગેટ ઈટ. આપણે મિત્રો તરીકે નવી શરૂઆત કરીએ તો કેવું...?"

ઉદય યોગીતાના સૂચન પર જવાબ આપવાના બદલે બોલ્યો,

"હા તો યોગીતાજી, તમારા કહેવાનું તાત્પર્ય એ છે કે નીલિમાજી નક્કી થયેલી રકમ લઈ તેમના તમામ હક્કો તમને વેચી દે અને તમે તેમાં તમારી ઇચ્છા મુજબના ફેરફાર કરી ફિલ્મ બનાવો. બરાબર...?"

"ઉદય, તમે અજાણતામાં ‘આપના’ બદલે ‘તમારા’ શબ્દ બોલ્યા તે મને ગમ્યું. હવે મને તમે જ કહેજો. હું પણ તમને તમે કહીશ... પ્લીઝ."

"ઓ.કે. પણ તમે મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો."

"હા, તમે બરાબર સમજ્યા છો."

"તેનો અર્થ કે આખી ફિલ્મ નીલિમાજીની નવલકથા પરથી બનશે પરંતુ રાઇટર તરીકે તેમનું નામ પડદા પર લખવામાં નહીં આવે. તો પછી લેખકને હક્કો વેચવાનો ફાયદો શું?"

"તે માટે અમે નીલિમાજીને ખૂબ સારી રકમ ચૂકવીશું."

 "લેખક માટે પૈસો મહત્ત્વનો નથી હોતો. તેની લેખની વખણાય અને દુનિયામાં તેનું નામ થાય તે મહત્ત્વનું છે."

નીલિમા બોલી, "હા યોગીતાજી, હું પૈસા માટે નથી લખતી. મારી પાસે સુખેથી જીવી શકાય તેટલી સંપત્તિ અને પૈસા છે. હું મારા નિજાનંદ અને સાહિત્યની સેવા માટે લખું છું. જો મને ક્રેડિટ મળવાની ન હોય તો મારે મારા હક્કો વેચવા બાબતે વિચાર કરવો પડશે."

યોગીતા થોડુંક વિચારીને બોલી,

"મિસ.નીલિમા, તમે ઉદયના મિત્ર છો એટલે મારા પણ મિત્ર થયા માટે મને ફક્ત યોગીતા કહેશો તો ચાલશે. 'આપ' ના બદલે 'તમે' કહેશો તો વધારે ગમશે. હવે વાત રહી તમને ક્રેડિટ આપવાની તો હું જણાવી દઉં કે કોઈ પણ મૂવી હાઉસ આ રીતે ખરીદેલા હક્કો માટે કોઈ પણ લેખકને ક્રેડિટ આપતું નથી. દરેકને બિઝનેસ કરવાનો હોય છે. કોઈ જાણીતા સ્ટોરી રાઇટરનું નામ સાંભળીને લોકો ફિલ્મ જોવા પ્રેરાય છે તે હકીકત છે. ફિલ્મની સ્ટોરીના હક્કો વેચાણ માટે કેટલી રોયલ્ટી મૂવી હાઉસ ચૂકવતા હોય છે તેની વિગતો તમે નેટ પરથી મેળવી શકો છો. અત્યારે બધું પારદર્શી થઈ ગયું છે."

"તો પછી મારે વિચારવું પડશે."

યોગીતા એક પ્રોફેશનલ સી.ઈ.ઓ.ની જેમ વાતને આગળ વધારતાં બોલી, "જુઓ મિસ. નીલિમા, આ એક સુંદર અવસર છે. આવા મોકા વારંવાર આવતા નથી. ભલે અમે તમને લેખિત ક્રેડિટ ન આપીએ તેમ છતાં બોલિવુડમાં એ વાત તો લીક થઈ જ જવાની કે આ ફિલ્મ, લેખિકા નીલિમાની 'બિખરે રિશ્તે' નવલકથા પર આધારિત છે. આડકતરી રીતે બોલિવુડના ઘણા પ્રોડ્યુસર તમને ઓળખાતા થશે અને બની શકે કે તમારી બીજી કોઈ નવલકથા પરથી કોઈ પ્રોડ્યુસર ફિલ્મનું નિર્માણ કરવા પ્રેરાય! એવું પણ બને કે કોઈ પ્રોડ્યુસર તમને તેની ફિલ્મ માટે સ્ટોરી લખવા કે સ્ટોરી આઇડિયા આપવા માટે બોલાવે. તમારા માટે ભવિષ્યમાં ગ્લેમરની દુનિયામાં પગ મૂકવાનું આ પ્રથમ પગથિયું સાબિત થશે."

ઉદય ચર્ચામાં ભાગ લેતાં બોલ્યો, "યોગીતાજી, એવું ન બની શકે કે તમે ફિલ્મનું નામ 'બિખરે રિશ્તે' રાખો!"

"ના, આ ફિલ્મ માટે અમે બીજું નામ રજિસ્ટર કરાવી લીધું છે."   

ઉદયે મનમાં વિચાર્યું કે તે લોકોને આ સ્ટોરી ખૂબ ગમી છે. તેના રાઇટ્સ તે ખરીદી શકશે તેવા વિશ્વાસ સાથે તેમણે ફિલ્મનું ટાઇટલ પણ રજિસ્ટર કરાવી લીધું છે. તેમની સાથે બાર્ગેઈંનિંગ કરવામાં વાંધો નથી તેમ માની તેણે કહ્યું, "સહાયક સ્ટોરી રાઇટર તરીકે નીલિમાજીનું નામ ન મૂકી શકો ?"

"તે માટે મારે મારા પતિ મનોહર અને મારા લીગલ એડ્વાઈઝર સાથે ચર્ચા કરવી પડે. જો તેઓ એગ્રી થાય તો બોર્ડ ઑફ ડિરેક્ટર્સને કન્વીન્સ કરવું પડે."

ચપરાસી સર્વિસ કૉફીની ટ્રે લઈ યોગીતાની ચેમ્બરમાં દાખલ થયો. યોગીતાએ તેને પોતાના ટેબલને બદલે બાજુના સોફા પાસેની ટિપાઈ પર મૂકવા કહ્યું અને નીલિમા અને ઉદયને સોફા તરફ દોરી ગઈ. નોકર સર્વિસ કૉફી બનાવવાના આદેશની રાહ જોતો ઊભો હતો. યોગીતાએ કહ્યું, "હું કૉફી બનાવી લઈશ." એટલે તે અદબભેર ચેમ્બરની બહાર નીકળી ગયો. યોગીતાએ ત્રણ કપમાં ગરમ દૂધ રેડ્યું. તેમાં ઈન્સ્ટન્ટ કૉફી પાવડર ઉમેર્યો. તેમાં ખાંડ ઉમેરતાં ઉમેરતાં ઉદયને પૂછ્યું, "ઉદય, હજુ પણ કૉફીમાં ત્રણ ચમચી સુગર લો છો કે ઘટાડી છે?" ઉદય જવાબ આપે તે પહેલાં તેણે કૉફીમાં ત્રણ ચમચી સુગર ઉમેરીને કપ ઉદયને ધર્યો. નીલિમાના હૃદયમાં એક અજાણી ટીસ ઉઠી. ઉદય અને યોગીતા કોલેજમાં કેટલા નજીક હશે તેનો તેને અહેસાસ થયો.

તે વધુ વિચારે તે પહેલાં યોગીતાએ નીલિમાને પૂછ્યું, "નીલિમા, કેટલી ચમચી સુગર?"

નીલિમાએ આંગળીના ઇશારાથી બે ચમચી ખાંડ નાખવા કહ્યું. નીલિમાએ પોતાના કપમાં ફક્ત એક જ ચમચી ખાંડ નાખી ચમચી વડે હલાવી સૌને કૉફી શરૂ કરવા ઇશારો કર્યો.

વિષયાંતર કરતાં યોગીતા બોલી, "મને કૉફીમેકર મશીનની કૉફી નથી ભાવતી એટલે હું હમેશાં સર્વિસ કૉફી પીવાનો આગ્રહ રાખું છું."

થોડીવાર કોઈ કંઈ ન બોલ્યું એટલે યોગીતાએ ઉદયને પૂછ્યું, "ઉદય, તમારું ગઝલ લેખન કેમ ચાલે છે ? કેટલાં ગઝલ સંગ્રહ પ્રસિધ્ધ થયાં?"

ઉદય જવાબ આપે તે પહેલાં, તે ઉદયની કેટલી નજીક છે તે દર્શાવવા માટે નીલિમા બોલી,

"આજે એક ગઝલસંગ્રહની હસ્તપ્રત (Manuscript) એક પ્રકાશકને વાંચવા આપીને આવ્યા છીએ. તેણે થોડા દિવસ પછી જવાબ આપવાનું કહ્યું છે."

"નીલિમા, કોલેજમાં હું ઉદયની ગઝલોની દીવાની હતી. તેમની ગઝલો થકી જ અમારી દોસ્તી થઈ હતી." પ્રેમના બદલે દોસ્તી શબ્દ ઉચ્ચારતાં નીલિમાને દુઃખ થયું હતું.

યોગીતાએ સામાજિક બંધનો અને પરિસ્થિતિને અનુરૂપ તેણે 'દોસ્તી' શબ્દ ઉચ્ચાર્યો હતો. તેણે એકાએક કહ્યું, "ઉદય, જો તમારા ગઝલસંગ્રહની હસ્તપ્રત અહીં અવેલેબલ હોય તો મને પણ આપતા જજો. ન હોય તો મને મેઈલ કરજો. અમારા સંગીતકાર સાથે ચર્ચા કરી ફિલ્મની વાર્તા અને સિચ્યુએશન મુજબ કોઈ ગઝલ આ નવી ફિલ્મમાં ફીટ થતી હશે તો હું તેમને તે ગઝલ ફિલ્મમાં શામેલ કરવા કહીશ. જો તમારી ઈચ્છા હોય તો તમે અમારી ‘લિરિક્સ રાઇટર્સ’ની પેનલમાં સામેલ થઈ શકો છો. તમને અહીં વિશાળ ક્ષેત્ર મળશે. જો તમને યોગ્ય લાગે તો હું તમારો ગઝલસંગ્રહ છાપવા માટે મારા ઓળખીતા પબ્લિશર હાઉસને ભલામણ કરી શકું છું.... બટ ઓફકોર્સ! ચોઈસ ઈસ યોર્સ!"

ઉદયે કોઈ જવાબ ન આપ્યો. કૉફી પીવાઈ ગઈ એટલે યોગીતા બોલી, "નીલિમાજી! આમ તો આપણી ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હું લીગલ એડ્વાઈઝર અને મનોહર સાથે ચર્ચા કરીને પછી તમને જણાવીશ. આપણી વચ્ચે હજુ પૈસા બાબતે કોઈ ચર્ચા થઈ નથી એટલે તમને જણાવી દેવાનું ઉચિત માનું છું કે અમારી આ ફિલ્મનું બજેટ લગભગ પચાસ કરોડ છે. અમે સામાન્ય રીતે પ્રોજેકટમાં સ્ટોરી માટે એક થી બે ટકાનું પ્રોવિઝન રાખતા હોઈએ છીએ. તમને મૂવી હાઉસ અને સ્ટોરી રાઇટર વચ્ચે થતા એગ્રીમેન્ટનો સ્ટાન્ડર્ડ ડ્રાફ્ટ નેટ પરથી ઉપલબ્ધ થશે. જે ડાઉનલોડ કરી તમે તેનો અભ્યાસ કરી શકો છો. તમારા લીગલ એડ્વાઈઝર સાથે ચર્ચા કરી આખરી નિર્ણય પર આવી શકો છો. મને આશા છે કે તમે યોગ્ય નિર્ણય લેશો. માની લો કે આપણી વચ્ચે કોઈ ડિલ ફાઈનલ ન થાય તો પણ આપણે સારા દોસ્ત બની રહીશું તેવી સહૃદયી અપેક્ષા! હા, એક વાત એ પણ જણાવી દઉં કે આજ પછી ઘણા એજન્ટ તમને મળવા આવશે. ડિલ કરાવી દેવાની લાલચ આપશે પણ તેમાં ફસાતા નહીં નહિતર તમને આર્થિક નુકશાન થશે."આટલું કહીને તે સોફા પરથી ઊભી થઈ. ચર્ચા પૂરી થવાનો આ સંકેત હતો. ઉદય અને નીલિમા પણ ઊભાં થયાં.

યોગીતાએ ''બાય" કહેતાં પહેલાં ઉદયનું વિઝિટિંગ કાર્ડ અને તેની ગઝલોની હસ્તપ્રત માંગી. નીલિમાએ હાથ દબાવી ઇશારો કર્યો એટલે ઉદયે તે બંને ચીજો યોગીતાને આપી.

"ઉદય...થેંક્યું...! તમે હજુ તમારા જૂના ઘરે જ રહો છો કે....?" તેનો ઇશારો ઉદય નીલિમા સાથે રહે છે કે કેમ તે ચકાસવાનો હતો તેવું નીલિમા સમજી ગઈ હતી. નીલિમાના ચહેરાના હાવભાવ જોઈને ઉદયને યોગીતાને જવાબ આપવાનું ઉચિત ન લાગ્યું એટલે તે મૌન જ રહ્યો.

યોગીતાએ નીલિમાની સામે જોઈ ચહેરા પર બનાવટી હાસ્ય સાથે "બાય" કહ્યું.

નીલિમા અને ઉદય શાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની ઑફીસમાંથી બહાર નીકળ્યા ત્યારે મુંબઈની ઊંચી ઊંચી ઈમારતો પાછળ સૂરજ છૂપાવા જઈ રહ્યો હતો.

  ઘર તરફ જતી વખતે ગાડીમાં બંને મૌન જ રહ્યાં. ચિક્કાર ટ્રાફિકમાં ધીમેધીમે આગળ સરકતી ગાડીમાં ગરમી લાગતાં ઉદયે ગાડીના એ.સી.નું ટેમ્પરેચર નીચું લાવવા તેનો નોબ ફેરવ્યો. નીલિમાએ ગાડીની સ્ટીરિયો સિસ્ટમ ઓન કરી. તેના ઉપર....'કબકે બિછડે હુએ હમ આજ કહાં આકે મિલે.......' ગીત રેલાવા લાગ્યું. નીલિમાએ જાણીજોઈને વોલ્યુમ થોડું ઊંચું કર્યું. ગાડીમાં મોટા અવાજે ગીત ગુંજી ઊઠ્યું.

નીલિમા અને ઉદયે એકબીજા સામે સૂચક રીતે જોયું...અને બંને ખડખડાટ હસી પડ્યાં.

[ ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Romance