સપનાં લીલાંછમ - 10
સપનાં લીલાંછમ - 10


નીલિમા ઉદયને મુંબઈ ઍરપૉર્ટ પર વળાવવા આવી હતી. તેના ચહેરા પર ઉદયથી જુદા થવાનો વિયોગ સાફસાફ દેખાતો હતો. પ્રેમના વિરહની ઉદાસીનતા વચ્ચે પણ તેણે ઉદયને આનંદના સમાચાર આપ્યા, " કોસ્મોસ પબ્લિકેશન્સ દ્વારા તારો પચ્ચીસ ગઝલોનો એક પેપર બેક ગઝલ સંગ્રહ પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તારો સંપર્ક ન થવાથી આ સમાચાર નારાયણ રહાણેએ મને આપ્યા છે. રોયલ્ટીની રકમ પણ મારી નવલકથા મુજબ નક્કી કરી છે. તારે તે સંગ્રહનું શીર્ષક નક્કી કરીને તેની પ્રસ્તાવના લખવાની અને સો-દોઢસો શબ્દોમાં પોતાના પરીચય અને ફોટા સાથે ઈ-મેઈલ કરવાનો છે. તું મોરેશિયસથી આવ પછી તારે એગ્રીમેન્ટમાં સહી કરી આપવાની છે."
આ સમાચાર સાંભળીને ઉદયે પોતાની ખુશી નીલિમાના ફોરહેડ પર કીસ કરીને જતાવી.
ચેક ઈન કરાવી લેવાના છેલ્લા ઍનાઉન્સમેન્ટ સુધી ઉદય ઍરપૉર્ટની લોન્જમાં નીલિમા પાસે ઊભો રહી તેની સાથે વાતો કરતો રહ્યો હતો. છૂટા પડતી વખતે નીલિમા ઉદયના હાથ પર ચુંબન લઈ "બાય.. હની!" કહી ભીની આંખે ચાલી નીકળી હતી.
હિન્દ મહાસાગરમાં આવેલ ખૂબસૂરત દેશ મોરિશિયસની બેહદ ખૂબસૂરત રાજધાની પોર્ટ લુઈસના સ્વચ્છ અને સુંદર ઍરપૉર્ટની બહાર નીકળીને શાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડના યુનિટના સભ્યો તેમને આવકારવા આવેલી હોટેલ હિલ્ટન, ઈન્ટરનેશનલની કાર્સમાં બેસીને હોટેલમાં પહોંચી ગયા. દરિયાકિનારા પર બંધાયેલી આ હોટેલ દેશી વિદેશી સહેલાણીઓથી ભરચક હતી. દક્ષિણ ભારતની એક ફિલ્મના શૂટિંગ માટે આવેલા કલાકારો પણ આ હોટલમાં રોકાયેલા હતા. ઉદય મોરિશિયસની ભવ્યતા અને ખૂબસૂરતી જોઈ અભિભૂત થઈ ગયો હતો.
હોટેલ હિલ્ટનમાં યુનિટના બે-બે સભ્યો વચ્ચે એક રૂમ બુક થયેલો પણ ઉદયને હોટેલના પાંચમા માળ પર સ્વતંત્ર સ્યુટ ફાળવવામાં આવ્યો હતો. મનોહરસિંહ અને યોગીતાનો સ્યુટ પણ પાંચમા માળ પર જ આવેલો હતો. જે ઉદયના રૂમથી ત્રણ રૂમ જ દૂર હતો. આ ફિલ્મના હીરો, હિરોઈન બે અઠવાડિયા પછી આવનાર હતાં. હાલ યુનિટમાં લોકેશન કો-ઓર્ડિનેટર્સના સભ્યો જ હતા.
સેવન સ્ટાર હોટલમાં રહેવાનો ઉદય માટે આ પ્રથમ પ્રસંગ હતો. તેને શરૂઆતમાં થોડું અનકમ્ફોર્ટેબલ લાગ્યું પણ તે બે દિવસમાં સેવન સ્ટાર એટીકવેટથી પરિચિત થઈ ગયો હતો. મોરિશિયસમાં ઘણી બધી બોલિવૂડની ફિલ્મોના શૂટિંગ થયેલા હોવાથી ફિલ્મી ગીતના ફિલ્માંકન માટે લોકેશન શોધવામાં લોકેશન કો-ઓર્ડિનેટર્સના સભ્યોને કોઈ વિશેષ મહેનત કરવી પડી નહોતી.
અહીં આવ્યા પછી ઉદયને જાણ થઈ હતી કે જે ગીતનું ફિલ્માંકન અહીં કરવાનું છે, તેની સ્ક્રીપ્ટ, સ્ક્રીન પ્લે અને ગીત બીજા ગીતકાર દ્વારા અગાઉથી લખાઈ જ ગયેલું હતું. તે ગીતનું ફક્ત ગાયક કલાકારો દ્વારા રેકોર્ડિંગ કરવાનું જ બાકી હતું, તે થાય એટલે તેનો સાઉન્ડ ટ્રેક અને ઑડીયો આવી જવાનો હતો. તેથી ઉદયને ગીત લખવા બાબતે હવે કોઈ કામગીરી કરવાની રહેતી નહોતી. ઉદયને નવાઈ એ વાતની લાગી કે યોગીતાએ તેને સ્થળ પર જઈ સ્ક્રીપ્ટ રાઈટર દ્વારા દ્રશ્ય લખાયા પછી ગીત લખવાનું કહ્યું હતું... જ્યારે હકીકત જુદી હતી. તેણે વિચાર્યું કે કદાચ આ ફેરફાર પાછળથી થયો હશે.
દરરોજ રાત્રે નીલિમા વિડીયો કૉલ કરી ઉદય સાથે ઘણી વાતો કર્યા કરતી'તી. તે અચૂક કહેતી કે 'તેને ઉદય વગર સૂનું સૂનું લાગે છે. તે તેને ખૂબ મીસ કરી રહી છે. એકવાર તો એ બોલી હતી કે મને થાય છે કે હું પણ મોરિશિયસ આવી જાઉં !.'
ઉદય તેને આશ્વાસન સાથે કહેતો કે થોડા દિવસનો તો પ્રશ્ન છે જાન... તું થોડી ધીરજ ધરીને જુદાઈ સહન કરી લે.
મોરિશિયસ આવ્યાને બે અઠવાડિયા થયા ત્યાં સુધીમાં ઉદયની યોગીતા સાથે બે-ત્રણ વાર નિરુદ્દેશ ટૂંકી મુલાકાતો થઈ હતી. લાગતું હતું કે તે અને મનોહરસિંહ ખૂબ વ્યસ્ત હતાં. બે અઠવાડિયા પછી જયાં ફિલ્મી ગીતના મુખડાનું ફિલ્માંકન કરવાનું હતું તે લી-મોર્ન (Le Morne) માઉન્ટન પરના લોકેશન પર શૂટિંગ યુનિટના સભ્યો સાથે યોગીતા બેસીને બીયર પી રહી હતી ત્યારે ઉદય તેની પાસે આવી પહોંચ્યો. ઉદયને જાણવા મળ્યું કે મનોહરને કોઈ અગત્યનું કામ આવી જવાથી તે આગલી રાત્રે મુંબઈ પાછો ફર્યો હતો. હાથમાં બિયરનો મોટો ગ્લાસ લઈ તે હળવે હળવે ઘૂંટડા ભરી તેની લિજ્જત માણી રહી હતી. તેના ચહેરા પર ન સમજાય તેવી અકળામણ હતી. તેણે ઉદયને બિયરની ઓફર કરી. ઉદય કોઈક વાર લિજ્જત માટે બિયર પી લેતો હતો એટલે તેણે યોગીતાને કંપની આપવા ઓફર સ્વીકારી લઈ બિયરનો ગ્લાસ હાથમાં લીધો અને તેની પાસેની ખાલી ખુરશીમાં બેસી બિયરનો આસ્વાદ માણતાં માણતાં બોલ્યો, "યોગીતા... મનોહરસિંહની જુદાઈનો ગમ તારા ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવે છે."
યોગીતા એક નિશ્વાસ નાખી બોલી, "મનોહરને મારા કરતાં પૈસા કમાવવામાં વધારે રસ છે."
ઉદય થોડીવાર ચૂપ રહી શબ્દો ગોઠવીને બોલ્યો, "હું અને નીલિમા માનીએ છીએ કે તમે બંને એક આદર્શ કપલ છો. કેવા પ્રેમથી બંને સાથે કામ કરો છો અને પાછા બંને એકબીજાની નિખાલસતાથી મજાક પણ કરો છો...અને તે મજાકનો આનંદ પણ કેવા મોજથી લૂંટાવો છો ! પછી બીજું શું જોઈએ જીવનમાં...?"
"ખેર...છોડ તે વાત. તારું અને નીલિમાનું કેમ ચાલે છે?"
યોગીતા અને ઉદય હમણાંથી એકદમ ઈન્ફોર્મલ થઈને એકબીજાને 'તું' કહીને સંબોધતાં હતાં.
"નીલિમા રોજ રાત્રે ફોન કરી મને મીસ કરતી હોવાની ફરિયાદ કરે છે."
"તો તેને પણ અહિયાં બોલાવી લે ને...!"
"તે પણ એમ જ કહે છે પણ મેં કહ્યું કે જો મજા ઇંતેજાર મેં હૈ વો ઈકરાર મેં કહાં....!! માટે હવે થોડા દિવસ વિયોગ સહી લે."
"વેરી લકી ગર્લ...!"
યોગીતાને જવાબ આપ્યા વગર જ ઉદય બિયર પીતાં પીતાં ગીતના શૂટિંગની પ્રક્રિયાને જોઈ રહ્યો.
બપોરે શરૂ થયેલા ગીતના મુખડાના શૂટિંગને છેક મોડી સાંજે ફિલ્મ નિર્દેશક અને કોરિયોગ્રાફરે ઓ.કે. કર્યું. લગભગ પાંચ વાર રીટેક લેવા પડ્યા હતા. હજુ તો ગીતનું મુખડું ઓકે થયું હતું. ગીતનો એક અંતરો એલેક્ઝાન્ડ્રા ફોલ્સ (Alexandra Falls) પર ફિલ્માવવાનો હતો. બીજો અંતરો રેસકોર્સ (Race Course)પર, ત્રીજો રૂઈન્સ ઓફ બાલાકલાવા (Ruins of Balaclava)ના ઐતિહાસિક ગાર્ડનમાં અને છેલ્લા અંતરાનું ચમારેલ ફોલ્સ(Chamarel Falls) ખાતે શૂટિંગ કરવાનું હતું. આમ એક ગીત માટે પાંચ જુદા જુદા લોકેશન પર પાંચ દિવસ શૂટિંગ ચાલનાર હતું. ગીતના શૂટિંગમાં હીરો હિરોઈનના કોસ્ટ્યુમ્સ (Costumes) અને ગેટઅપ અવારનવાર બદલવા પડતા હતા. જે માટે હીરો હિરોઈન તેમની અલગ અલગ વેનિટી વાનમાં જઈ નવા શૉટ માટે તૈયાર થઈ પરત આવે, ત્યાં સુધી યુનિટના સભ્યોને તેમની રાહ જોઈ રહેવી પડતી હતી. દરેક વખતે કોરિયોગ્રાફર ડાંસના સ્ટેપ માટે બે ત્રણ વાર રિહલ્સર કરાવે અને ડિરેક્ટર મોઢા પર કેવા ભાવો લાવવા તેની સમજ આપી શૂટિંગ શરૂ કરે. કેટલીય વાર કટ.. કટ..ના અવાજો આવ્યા કરે અને પછી શૉટ ઓ.કે. થાય.
ઉદયે વિચાર્યું, ખરેખર ગીતનું શૂટિંગ ખૂબ સમય અને મહેનત માગી લેતો ટાસ્ક છે. લાઈટ.. સાઉન્ડ...કેમેરા...રોલ... એક્શન,… કટ..કટ... ઓકે... જેવા શબ્દોથી ઉદય હવે પરિચિત થઈ ગયો હતો.
ગીતના ત્રીજા અંતરા માટે રૂઈન્સ ઓફ બાલાકલાવા (Ruins of Balaclava) ના ઐતિહાસિક ગાર્ડનનું શૂટિંગ મોડી રાત સુધી ચાલ્યું હતું. આખું યુનિટ અને કલાકારો પણ થાકી ગયાં હતાં. મોડી રાત્રે ડિનર પતાવી સૌ પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા. ઉદય પણ તેના સ્વીટ (Suite)માં આવી ગયો હતો. આજે નીલિમાના ફોનને બદલે મેસેજ હતો, 'ધેર ઇઝ અ સપ્રાઇઝ ફોર યુ… !' નીલિમાની શું છે તે જાણવા તેણે નીલિમાને ફોન જોડ્યો પરંતુ તેનો મોબાઈલ ઑફ આવતો હતો.
તે ખૂબ થાકેલો હોવાથી ઊંઘવા માટે તેણે પલંગમાં લંબાવ્યું. બે મિનિટમાં જ તેની આંખો ઘેરાવા લાગી હતી ત્યાં તેના કિંગસાઈઝ બેડ પાસેના ઈન્ટરકોમના ફોનની ઘંટડી વાગી. રૂમ સર્વિસનો ફોન હશે તેમ માની તેણે રિસીવર ઉઠાવી ઊંઘરેટા આવાજે "હેલો..." કહ્યું.
સામા છેડે યોગીતા હતી.
"ઉદય...શું કરે છે ? મને આજે ઊંઘ નથી આવતી. જો શક્ય હોય તો થોડીવાર માટે મારા રૂમમાં આવી જા. બે રાઉન્ડ બિયરના થઈ જાય...યાર...!"
ઉદયને ખૂબ ઊંઘ આવતી હોવા છતાં તે યોગીતાનું આમંત્રણ પાછું ઠેલી ન શક્યો.
ઉદય યોગીતાના રૂમનો દરવાજો નોક કરી તેમાં દાખલ થયો, ત્યારે રૂમ સર્વિસનો માણસ રૂમની બહાર આવી રહ્યો હતો. કદાચ તે બિયર સર્વ કરવા આવ્યો હતો.
યોગીતાના રૂમમાં ખૂબ આછું અજવાળું હતું. તે બાથ લઈ બાથરૂમમાંથી બહાર આવી. તેણે પર્પલ કલરનો પારદર્શક ગાઉન પહેર્યો હતો. તે ટિપાઈની બાજુ પરના સોફા પર બેઠી અને હળવે હળવે કાચના જામમાં બિયર રેડ્યો. બિયરથી છલોછલ ભરાયેલા કાચના જામમાં ઊભરી આવેલા ફીણના નાના નાના બબલને થોડીવાર તાકી રહી તેણે હળવેથી આઈસ ક્યૂબ ઉમેરવાનું શરૂ કર્યું. હાથના હલનચલનના કારણે કંચુકીના બંધન વિનાના તેના ઉન્નત સ્તનયુગ્મનું પારદર્શક ગાઉનમાં થતું ડોલન ઉદયને મદહોશ કરી તેના મનને આંદોલિત કરી રહ્યું હતું. તેના શરીરમાં આવેગનો અગ્નિ પ્રજવલિત થવા માંડ્યો હતો. યોગીતા જાણતી હતી કે ઉદયની નજર તેના છાતીના ઉભાર પર ચોંટેલી છે તેમ છતાં તેની પરવા કર્યા સિવાય તે બેફિકરાઈ દર્શાવીને બોલી,
"આવ ઉદય...આજે થોડા જામ આપણી દોસ્તીના નામ પર થઈ જાય...!"
"યોગીતા...હું આજે ખરેખર ખૂબ થાકી ગયો છું. મારી આંખો ઘેરાઈ અને હું લગભગ સૂઈ જ ગયો હતો ત્યાં તારો ફોન આવ્યો. હું તારા આગ્રહને ટાળી ન શક્યો. હું કોઈક વાર જ બિયર લઉં છું. છેલ્લા થોડા દિવસથી તારી કંપનીમાં મારાથી થોડોક વધારે બિયર લેવાઈ રહ્યો છે. આજે મારું માથું ભારે ભારે લાગે છે એટલે મારે બિયર નથી પીવો. હું બિયર વગર જ તને થોડીવાર કંપની આપીશ. કદાચ તને ઊંઘ આવી જાય."
યોગીતા મદહોશી ભરેલા સ્વરે બોલી, "રાજજા...માથું ભારે હોય ત્યારે જ બિયરની મજા માણવી જોઈએ."
તેણે બિયર અંગેનું તેનું જ્ઞાન વહેંચી ઉમેર્યું, "કમ ઓન...બી અ ગુડ બોય..." કહીને તેણે પોતાની છાતી વધારે પડતી નમાવી. બિયરનો જામ ઉદયના હાથમાં પકડાવી "ચીયર્સ....., કહી એક નાનો ઘૂંટ ભર્યો. -આજે નીલિમા સાથે ફોન પર શું વાતો થઈ?"
"આજે તેણે ' ધેર ઇઝ અ સપ્રાઇઝ ફોર યુ..!' તેવો એક મેસેજ મૂક્યો છે!" મેં તેની સાથે વાત કરવાની કોશિશ કરી પણ તેનો મોબાઈલ ઑફ આવે છે.
"યુ આર વેરી લકી પરસન. ધેર ઈજ સમ વન વ્હુ લવ્સ એન્ડ કેર્સ ફોર યુ. અહીં તો અઠવાડિયું થવા આવ્યું છે તેમ છતાં મનોહરનો કોઈ ફોન આવ્યો નથી. હી નેવર કોલ્સ મી ફ્રોમ હીજ સાઈડ. વેરી બોરિંગ એન્ડ કેરલેસ પરસન !" એમ કહીને તેણે એક નિસાસો નાખ્યો. ખુરશી પરથી ઊભી થઈ બિયરનો જામ હાથમાં રાખી બારી પાસે આવી સામે દેખાતા અફાટ દરિયાના ઉછાળતા મોજાઓને તાકી રહી. તેને થયું, તેનામાં અને દરિયાના મોજામાં ઘણું સામ્ય છે. દરિયાનાં મોજાં કિનારાને પોતાના આલિંગનમાં સમાવા માટે ધસતા આવે પણ કિનારા સુધી ન પહોંચી શકે ત્યારે નિરાશ થઈ પાછા ફરી જાય છે. મારું જીવન પણ તેવું જ છે. હું કિનારાને ક્યારે પામી શકીશ... તે નક્કી નથી.
યોગીતાનો બિયરનો જામ ખાલી થઈ ગયો હતો. નવો જામ ભરતાં પહેલાં તે પલંગ પર આવીને આડી પડી.
અર્ધખુલ્લાં ગાઉનમાં તેના ખૂબસૂરત દેહનો વૈભવ ખુલ્લી કિતાબની જેમ ઉદયની સામે ઢગલો થઈને પડ્યો હતો. તેણે તેનો ચહેરો તેની હથેળીઓ પર ગોઠવી ઉદય સામે પગ હલાવતી હલાવતી તાકી રહી હતી. પગના હલનચલનના કારણે ગાઉન ઊંચો નીચો થતો હોવાથી તેના પગની મુલાયમ પિંડીયોનો નજારો ખૂલતો અને બંધ થતો હતો. ઉદયનો જામ હજુ અડધો પણ ખાલી થયો નહોતો. છાતી આગળથી અર્ધખુલ્લાં ગાઉનમાંથી કંચુકીના બંધન વિનાના તેના ગુલાબી તંગ ઉરોજ તેને યોગીતાના વસ્ત્રોનું આવરણ દૂર કરી તેનામાં એકાકાર થઈ જવા ખુલ્લું આમંત્રણ આપી રહ્યાં હતાં. ઉદયને લાગ્યું, કદાચ તે પોતાની જાત પર સંયમ નહીં રાખી શકે...એટલે એક મોટો ઘૂંટ ભરી તેનો જામ ખાલી કરી પોતાના રૂમમાં જવા માટે ઊભો થઈ ગયો. યોગીતાએ માદકતા ભરી નજાકતથી તેનો હાથ પકડી તેને પલંગ પર બેસાડી તેના ખોળામાં માથું મૂકી આંખો બંધ કરી દીધી. ઉદયના શરીરમાં લોહી ઝડપથી ફરવા લાગ્યું. તેનું દિલ બહેકવા લાગ્યું હતું. તનબદનમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. એકાએક ઉદયને જાણે કીડીઓ ચટકા ભરતી હોય તેમ થવા લાગ્યું. તે યોગીતાથી જેમ બને તેમ ઝડપથી દૂર થઈ જવા ઈચ્છતો'તો... પણ યોગીતાની આંખોમાં આંસુ જોઈ તેણે તેનાં રેશમી ઝુલ્ફોમાં પ્રેમથી હાથ ફેરવ્યો. યોગીતાના હૃદયનો બાંધ તૂટી ગયો.... ઉદયના સહવાસમાં તે હીબકે ચઢી ગઈ...
ઉદયે યોગીતાને થોડીવાર રડવા દીધી. પછી મિનરલ વોટરના જગમાંથી પાણી લઈ પ્યાલો યોગીતાને ધર્યો.
યોગીતા પાણી પી સ્વસ્થ થઈ તેના જામને ફરી બિયરથી ભરી ઉદય સામે જોઈ બોલી, "ઉદય...તું મને ફક્ત અડધો કલાક આપ. હું આજે મારું દિલ હળવું કરવા માંગુ છું."
ઉદયે તેને મૂક સંમતિ આપી એટલે તે ફરીથી તેના ખોળામાં સૂઈ ગઈ.
"ઉદય...! તને હું હજુ સુધી ભૂલી શકી નથી. એકવાર મારા ડેડીને મળી લેવા મેં તને ખૂબ આગ્રહ કર્યો'તો કારણ કે મારા ડેડીનું લગ્ન બાબતે મારા પર ખૂબ દબાણ હતું...હું જાણતી હતી કે તે વખતની તારી આર્થિક નબળી પરિસ્થિતિને કારણે મારા ડેડી મને તારી સાથે લગ્ન કરવાની મંજૂરી નહીં આપે તેમ છતાં હું આશાવાદી હતી અને એક ચાન્સ લેવા માંગતી હતી. તારી માતાની અચાનક બીમારીના કારણે તું મારા ડેડીને મળવા ન આવી શક્યો...તે કાચી પળે તને પાઠ શીખવાડી દેવા માટે ગુસ્સામાં મેં લાંબો વિચાર કર્યા વગર જ મનોહર સાથે લગ્ન કરવાની સંમતિ આપી દીધી હતી. તારા સંજોગો અને તારી માતાનું મૃત્યુ થયું તે સમાચાર જાણી મને ખૂબ દુઃખ થયું હતું. મારા મનમાં તારા તરફ અનુકંપા જાગી હતી. મને લાગ્યું'તું કે ઉતાવળમાં હું તને અન્યાય કરી બેઠી હતી. મારાથી તને કરેલો અન્યાય ભૂલાતો નથી. તે અન્યાય મારા દિલમાં કાંટાની જેમ ખૂંચે છે. હું તે માટે મારી જાતને માફ નથી કરી શકતી. લગ્ન પછી હું કદીય મનોહરને સંપૂર્ણ સમર્પિત નથી થઈ શકી. હું દરિયાનાં મોજાઓની જેમ મનોહરને વારંવાર સમર્પિત થવા મથું છું પણ આજ સુધી તેમાં સફળ નથી થઈ શકી. કદાચ, તેના કારણે અમે બંને શારીરિક રીતે માબાપ બનવા માટે સક્ષમ હોવા છતાં હજુ સુધી હું બાળકની માતા બની શકી નથી. દરિયાનાં મોજાં તો પૂનમના દિવસે કિનારાને પામે છે પરંતુ ન જાણે મારા જીવનમાં મનોહરને સમર્પિત થવાની પૂનમ ક્યારે આવશે !"
"તું જ્યારે નીલિમા સાથે પ્રથમવાર મારી ઑફિસમાં આવ્યો ત્યારે મારો તારી સાથેનો પ્રેમ ફરી પ્રજ્વલિત થયો હતો. તારો નીલિમા પ્રત્યેનો અખૂટ પ્રેમ જોઈ હું મારી લાગણીઓ પર કાબૂ રાખી તારાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવા લાગી, પણ કદાચ હું તેમાં સફળ ન થઈ શકી. હું તને એકાંતમાં પામવા ઝંખું છું પણ સામાજિક બંધનો અને મારા સંસ્કારો મને તેમ કરતાં રોકી રહ્યા છે."
"ખૂબ મનોમંથનના અંતે લગ્નનો નિર્ણય લેવાની ઉતાવળ કરવા બાબતે હું તારી માફી માંગીને મારા દિલનો ભાર હળવો કરવાનું નક્કી કર્યું હતું, પણ નીલિમા સતત તારા પડછાયાની જેમ તારી સાથે રહેતી હોવાથી મને મોકો મળતો નહોતો. હું જાણતી હતી કે મનોહરને કામનું ખૂબ ભારણ હોય છે તેથી તે મોરિશિયસમાં એક મહિના જેટલો સમય રહી શકશે નહીં અને ગમે ત્યારે તેને મુંબઈ પાછા જવું પડશે. તેની અને નીલિમાની ગેરહાજરીમાં હું મારા દિલનો ભાર તારી સમક્ષ હળવો કરી શકું તે માટે તારું અહીંયાં કોઈ કામ ન હોવા છતાં મેં તને આ પ્રવાસમાં સામેલ કરી લીધો હતો."
"પ્રવાસમાં કોને સાથે લઈ જવા કે કોને નહીં...તે બાબતે મનોહર કદી ચંચુપાત કરતો નથી. હું છેલ્લા બે દિવસથી તને મારા રૂમમાં ઈનવાઈટ કરવા ચાહતી હતી પરંતુ મારી હિંમત ચાલતી નહોતી. બસ આજે હિંમત કરી તને બોલાવી લીધો. તને જોઈ એકાંતમાં હું થોડી બહેકી ગઈ હતી પણ તેં મને જાળવી લીધી છે. જો તને અજુગતું લાગ્યું હોય તો માફ કરજે અને લગ્નના મારા ઉતાવળીયા નિર્ણયને કારણે તારી લાગણીઓ દુભાઈ હોય તો તે માટે પણ તું મને માફ કરી દેજે. હું આશા રાખું છું કે તું મને માફ કરી દઈશ અને અત્યારે જેમ એક સમજદાર મિત્ર તરીકે વર્તી રહ્યો છે તેમ ભવિષ્યમાં પણ મિત્રતા કાયમ રાખીશ. હું તને એક માત્ર મારો વિશ્વાસુ મિત્ર માનું છું. હું તારી પાસે જ મારા હૃદયના દુ:ખો રજુ કરી દિલ હળવું કરી શકીશ. મારે કોઈ વિશ્વાસુ મિત્ર ન હોવાથી હું ફિલ્મી પાર્ટીઓમાં ખૂબ દારૂનું સેવન કરી દર્દ ભૂલવાની કોશિશ કરું છું. તેં આજે અહીં આવીને મારી પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. મારા હૃદયને કોરી ખાતી મારી વ્યથા ઠાલવી આજે હું હળવી થઈ છું. હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું."
યોગીતાએ તેના બંને હાથ ઉદયની ગરદન ફરતે વીંટાળી તેની ગરદન નીચી કરી તેના ખોળામાંથી પોતાનું માથું ઊંચું કરી તેના હોઠો પર નિર્દોષ પ્રેમભર્યું ચુંબન કરી ઊંઘવા માટે આંખો બંધ કરી દીધી. ઉદય યોગીતાને પલંગ પર સરખી રીતે સુવડાવી થોડી મિનિટો સુધી ત્યાં સ્થિતપ્રજ્ઞ ઊભો રહ્યો. યોગીતાના હળવા નસકોરાં બોલવાનો અવાજ સાંભળી એક ખોટું પગલું ભરવામાંથી બંને બચી ગયાના સંતોષ સાથે પોતાના રૂમમાં જવા બહાર નીકળ્યો. તેના ડામાડોળ મગજ પર તેણે હવે કાબૂ મેળવી લીધો હોવાનો તેને આનંદ હતો.
જેવો ઉદય યોગીતાના રૂમના દરવાજાનો ઓટોમેટીક લેચ ચઢાવી તેના રૂમ તરફ જવા પાછો ફર્યો ત્યારે સામે ગુસ્સાથી લાલચોળ ચહેરા સાથે નીલિમા નાક ફૂલાવી ઊભી હતી !
[ ક્રમશ:]