Jigna Joshi

Romance Tragedy Inspirational

3.9  

Jigna Joshi

Romance Tragedy Inspirational

બંદગી

બંદગી

3 mins
22.4K


હૉસ્પિટલના બિછાના પર ચકળ-વકળ થતી સલીમની આંખો જાણે કંઈ કેટલુંય કહેવા મથી રહી હતી. એવું ઘણું બધું જે રુખસારને આજ દીન સુધી નહોતો કહી શક્યો. એની લાગણી, એની પીડા શું બધું આમ જ સમેટાઈ જશે? અવ્યક્ત?

દસ દિવસથી રુખસાર સલીમની દેખભાળ માટે હૉસ્પિટલમાં જ રોકાયેલી. તેની હાલત ઘણી દયનીય હતી. સલીમે ઈશારો કરીને રુખસાર પાસે પાણી માંગ્યું. ડૉક્ટરે મનાઈ ફરમાવી હોવા છતાં કોઈ જોઈ ન જાય એ રીતે રુખસારે તેને પાણી પીવડાવ્યું. ચરસ, ગાંજાના નશાએ તેના શરીરને સાવ ખોખલું કરી નાખ્યું હતું. એ નશાનો બંધાણી અને રુખસાર...

રુખસાર મુંબઈ આવી ત્યારે આ શહેરમાં તેને કોઈ જ નહોતું ઓળખતું. તેના ગામના હુસેનચાચા એકવાર તેના અબ્બાને મળવા ઘરે આવ્યા હતા, ત્ચારે તેમણે કહ્યું હતું કે, ‘તેમનો ભત્રીજો સલીમ મુંબઈમાં જ રહે છે. તમારે મુંબઈ જવાનું થાય તો આ સલીમનું સરનામું સાથે રાખજો, તે ચોક્કસ તમને મદદ કરશે.’ ત્યારે અબ્બાને કોઈક વાર ધંધાના કામસર મુંબઈ જવાનું થતું. આ વાતની રુખસારને ખબર હતી. સલીમનું મુંબઈનું સરનામું, થોડી રોકડ રકમ લઈને સાવ પહેરેલે કપડે તેણે મુંબઈની વાટ પકડી. આમ પણ રુખસારને પહેલેથી જ સ્વપ્ન નગરી મુંબઈનું વધું પડતું આકર્ષણ હતું. અન્ય છોકરીઓની માફક ફિલ્મ લાઈનમાં પર્દાપણ કરવાના સપના તેણે સેવ્યા હતા. મુંબઈમાં કેટલાય અપરિચિતોના ટોળામાં એક સલીમનો જ ચહેરો તેને પોતીકો લાગ્યો. સલીમની મદદથી તેણે એક ખોલી ભાડેથી લીધી.

ફિલ્મ લાઈનમાં સલીમે સ્પોટબોય તરીકે થોડો વખત કામ કર્યુ હતું. પરંતુ તેની ખરાબ આદતોને કારણે તેને તગેડી મૂકવામાં આવ્યો અને તે અવળે માર્ગે ચઢી ગયો. તેણે રુખસારને ચેતવી હતી કે મુંબઈમાં પૈસા કમાવવા કંઈ સહેલા નથી. તારે ધીરજ રાખવી પડશે. પણ તું ચિંતા ન કર હું તારી સાથે છું. આશ્વાસનના એ શબ્દો સાંભળીને રુખસારને માનસિક સધિયારો મળતો. સલીમે પોતાની થોડીઘણી ઓળખાણ કામે લગાડી અને રુખસારને લઈને અમુક નિર્માતા, દિગ્દર્શકને મળવા ગયો. કોઈ મોઢા પર ચોખ્ખી ના ભણી દેતું, તો કોઈ વળી અણછાજતી માગણીઓ આગળ ધરીને લોલુપ નજરે રુખસાર તરફ જોઈ રહેતું ત્યારે સલીમની આંખોમાં લોહી ધસી આવતું તે ઢાલ બનીને રુખસારની રક્ષા કરતો. રુખસાર અપલક નજરે તેને જોયા કરતી. સલીમને જ્યારે ખબર પડી કે રુખસાર પાસે નાણાની અછત છે, ત્યારે તેણે જ પૈસાની સગવડ કરી આપી હતી.

રુખસાર ઘણીવાર સલીમને તેની નશાની આદતો છોડવા માટે સમજાવતી, આજીજી કરતી. તો તે ચિડાઈને કહેતો, ‘હવે એ ન છૂટે એ તો મારી સાથે જ જશે.’ ક્યારેક તો તે સાવ બાળક બનીને રુખસારને ભેટી પડતો. રુખસારને સલીમ પર દયા આવતી તો તેના જક્કી સ્વભાવને કારણે તેના પર ગુસ્સો પણ આવતો. તે સલીમને નશા મુક્તિ કેન્દ્રમાં લઈ જવા માગતી હતી. તેણે બધી તપાસ પણ કરી હતી. પણ સલીમ જેનું નામ. તે સલીમ માટે સખત જીવ બાળતી. દિવસો વીતવા લાગ્યા. ઘણા પ્રયત્નોને અંતે રુખસારને માંડ એક સિરિયલમાં નાનકડા પાત્રની ઓફર મળી. આ સમાચાર સાંભળીને રુખસાર કરતા વધારે ખુશી કદાચ સલીમને થઈ હતી. તેને ગજબનો હાશકારો થયો.

આજે જ્યારે સલીમની અંતિમ ક્ષણ નજીક હતી ત્યારે રુખસારને સતતએ વાતનો રંજ કોરી ખાતો હતો કે પોતે સલીમ માટે કંઈ ન કરી શકી. કાશ આ નશાના નરકમાંથી તેને ઉગારી શકી હોત. તેનું હૈયું ભારે થઈ ગયું. સલીમ માટે ઘણુંબધું કરવું હતું, તેને ધણું કહેવું હતું. તેણે પોતાનું માથું સલીમની છાતી પર ઢાળી દીધું. અફસોસના આંસુ આજે સલીમનું હ્રદય ભીંજવી રહ્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Romance