Jigna Joshi

Inspirational Tragedy

2.1  

Jigna Joshi

Inspirational Tragedy

પડકાર

પડકાર

6 mins
14.2K


દીકરાની લાલચમાં બે દીકરી પછી ઝુબૈદાને સારા દિવસ રહ્યા હતા. તેણે રફિકને ધણો સમજાવ્યો કે દીકરીઓને જ એવી રીતે ઉછેરશું કે આપણને દીકરાની ખોટ બિલકુલ નહીં સાલે. પરંતુ જક્કી સ્વભાવનો રફિક ન માન્યો તે ન જ માન્યો. ઝુબૈદાને સતત એ ચિંતા રહેતી કે ટૂંકી આવકમાં વિસ્તરતા જતા પરિવારને રફિક કેવીરીતે પોષશે. પૂરા દિવસે ઝુબૈદાએ સુંદર મજાની દીકરીને જન્મ આપ્યો. રફિકની બધી જ આશા ઠગારી નીવડી.

બલુચિસ્તાનની ખૂબસુરત વાદીઓ જેવી સુંદરતા પરવીનમાં ઠલવાણી હતી. રુનું પૂમળું જોઈ લો જાણે. ગોરીગોરી દૂધ જેવી જાણે હાથ લગાડશું તો ડાઘ લાગી જશે. રફિક તો આમ પહેલેથી મનસ્વી અને તુંડમિજાજી આવી ફૂલ જેવી દીકરીના જનમને તેણે માતમમાં ફેરવી નાખ્યું. ઝુબૈદાને ખૂબ જ ગાળો ભાંડી અને ન કહેવાનું કહ્યું. આપણાં પિતૃસત્તાક સમાજમાં અને એમાંય ખાસ કરીને ગામડાઓમાં તો સ્ત્રી જાણે બિચાડીને બાપડી જ હોય છે. ઝુબૈદાની વેદના તો ફક્ત આસું દ્વારા વ્યક્ત થતી. રફિક માટે સ્ત્રી એટલે જાણે સંતાન પેદા કરવાનું સાધન માત્ર. પશુપાલનનો વ્યવસાય કરતો રફિક ઘરનાઓ સાથે પણ પશુની જેમ જ વરતતો. પરવીનની બે મોટી બહેન આ બધું જોઈને ઉછરી રહી હતી. હવે પરવીનનો વારો હતો.

ઝુબૈદાનો આખો દિવસ ચૂલા-ચોકામાં અને ત્રણ સંતાનની દેખભાળમાં નીકળી જતો. અને રાત્રે પોતાની જાતને રફિક આગળ ધરી દેવાની. કદાચ નરકથી પણ બદતર જીવન બલુચિસ્તાનની મહિલાઓ જીવતી. ચોખ્ખું પાણી, યોગ્ય શિક્ષણ,આરોગ્યને લગતી પૂરતી સુવિધાઓથી બલુચ મહિલાઓને વંચિત રહેવું પડતું. પણ ઝુબૈદા જરા અલગ માટીની હતી. તેણે પોતાની ત્રણે દીકરીઓને કોઈપણ હાલતમાં સામાન્ય ભણતર પૂરું પાડવાની નેમ લીધી હતી. હવે થોડો સમય કાઢીને ઝુબૈદા સિલાઈ, ભરતનું કામ કરતી તો વળી ક્યારેક આસપાસના ઘરોમાં મહેંદી મૂકવા પણ જતી. આ બધું તે રફિકથી છુપાઈને કરતી. ત્રણેને તે દૂરની ખખડધજ શાળામાં મૂકવા જતી. શાળા એવી કે જ્યાં શિક્ષકોના કંઈ ઠેકાણા ન રહેતા. થોડે થોડે વખતે બદલાતા શિક્ષકો તેમ જ શાળાનો યોગ્ય દોરીસંચાર કરવાવાળું કોઈ નહોતું. પણ ઝુબૈદાના મનમાં ઉંડે ઉંડે એક જ ઈચ્છા હતી કે ગમે તેવી શાળા હોય થોડુંઘણું તો શીખવા મળશેને મારી દીકરીઓને. રફિકને જરાપણ પસંદ નહોતું કે તેઓ શાળાએ જાય. એકવાર સલમા ભણવા બેઠી હતી ત્યારે અચાનક રફિક ઘરમાં પ્રવેશ્યો તેણે સલમા પાસે પાણી માગ્યું, "હા દઉં છું અબ્બા." કહીને ભણવામાં મશગૂલ સલમા પાણી આપવાનું ભુલી ગઈ. રફિકે તેને ખૂબ ફટકારી. અને તેના પુસ્તકો ફેંકી દીધા. ત્યાંતો ઝુબૈદા ઘરમાં દાખલ થઈ, તેણે આ બધું જોયું. અને ભારેલો અગ્નિ જાણે અચાનક ભભૂકી ઉઠ્યો. તે જોરથી તાડૂકી શું સમજો છો તમે આ માસૂમ બાળકીનો શું વાંક છે? અમને રાખીને અમારું ભરણ પોષણ કરીને કંઈ મહેરબાની નથી કરતા સમજ્યાને, અલ્લાતાલાથી તો ડરો. ઝુબૈદાએ પુસ્તકો ઉપાડ્યાને માથે લગાડીને સલમાને આપ્યાં. ડરી ગયેલી સલમા ઝુબૈદાને વળગીને ખૂબ રડી. ઝુબૈદાએ તેને સમજાવીને શાંત પાડી.

બલુચિસ્તાનની મહિલાઓની કદાચ આવી જ કહાની હશે. પણ અંતરના આ ડામ કોને દેખાડવા ? કોઈ થોડી મલમ લગાડવા આવવાનું છે. ઝુબૈદા માટે તેની દીકરીઓ જ સર્વસ્વ હતી. કયારેક રફિકની દાદાગીરી અને જોહુકમી વર્તન સામે પોતાની અવ્યક્ત રહેતી લાગણી કે વેદનાને ખાળવા ઝુબૈદા ગુરાખુનું સેવન કરતી.(ગુરાખુ એટલે ગોળ અને તમાકુને ચિલમમાં ભરીને કરવામાં આવતો નશો.) બલુચિસ્તાનની લગભગ મહિલાઓ નશાની આડશમાં પોતાના ગમ, અત્યાચારોને ફૂંકી નાખતી હશે. 'હર ફિક્રકો ધુંએ મે ઉડાતા ચલા ગયા' બસ કંઈક એજ રીતે આ નશો જ કદાચ તેઓને બધુ ભૂલવામાં મદદરુપ થતો. ત્રણે બહેનો વચ્ચે ઉંમરનો ખાસ તફાવત નહોતો. સલમાને ભણવાનો ખૂબ શોખ હતો. આમ તો ઝોયાને પણ ભણવું ગમતું પરંતુ તેને ઝુબૈદાની જેમ મહેંદીની ભાતભાતની ડિઝાઈનો પાડવી બહુ ગમતી. જ્યારે પરવીન અભ્યાસ ઉપરાંત વિધવિધ ચિત્રો દોરવામાં પારંગત હતી. ક્યારેક ઝોયા પણ ઝુબૈદા સાથે મહેંદી મૂકવા જતી. સલમા પોતે ભણતી અને સાથે-સાથે બહેનોને પણ ભણાવતી. હા, તેના પિતાની ગેરહાજરીમાં અથવા તો તેનાથી છુપાઈને રફિકનું માનવું હતું કે ભણેલી-ગણેલી દીકરીઓને કોણ પરણશે? ત્રણે હવે ઉંમરના ઉંબરે આવીને ઊભી હતી. અહીં બલુચિસ્તાનમાં વધુ શિક્ષણ શક્ય નહોતું. એટલે ઝુબૈદાએ ડહાપણ વાપરીને સારો છોકરો જોઈ તપાસીને સલમાના નિકાહ નક્કી કર્યા એક શરતે કે તે સલમાને આગળ ભણાવશે. ઝુબૈદાની અડગતા સામે રફિક હવે ધીરેધીરે કુણો પડતો ગયો. પૌરુષીય અહમ તો રહેવાનો જ એમ થોડી વ્યક્ત થવાનો હતો. તેનો વ્યવહાર હવે ‘નરો વા કુંજરો વા’ જેવો રહેતો. વાજતે-ગાજતે સલમાના નિકાહ થયા.

હાથમાં મહેંદી, નવવધુના પોષાકમાં સજ્જ સલમા ખૂબ સુંદર લાગી રહી હતી. તેને જોઈને ઝોયાના દિલમાં એ રંગીલા અરમાનો જાગી ઉઠ્યા. તે ઝુબૈદાને વહાલથી વળગીને બોલી, ‘અમ્મા મારી શાદી ક્યારે થશે ? દીદી જોને કેવી સરસ લાગે છે ! મારે પણ તેની જેમ તૈયાર થવુ છે. ત્રણે ચહેરાઓ ત્યારે વેદનાથી એકબીજાને તાકી રહ્યા. ઝોયાના ભોળા દિલને ક્યાં ખબર હતી કે તેના શરીર પર જે કોઢનો ડાઘ છે જેના કારણે તેના નિકાહ થશે કે નહીં એ એક ગંભીર સવાલ હતો ઝુબૈદા કાળજે પથ્થર રાખીને ઝોયાને વહાલથી ચૂમતા બોલી, ‘હા, બેટા ચોક્કસ થશે.પરવર દિગાર તારા બધા અરમાન પૂરા કરશે.’ તેને ખબર હતી કે પોતે ખોટો દિલાસો આપી રહી હતી. પણ તે ઝોયાના ભોળા દિલને ઠેસ પહોંચાડવા નહોતી માગતી. વિદાય વેળાએ બધી બહેનો એકબીજાને ભેટીને ભાવવિભોર થઈ ગઈ. હવે ભાગ્ય કોને ક્યાં લઈ જશે એ તો ઉપરવાળો જ જાણે.

પરવીનને પોતાના જીવન પ્રત્યે કંઈક અલગ જ ઓરતા હતા. તે બલુચિસ્તાનની અભણ મહિલાઓ માટે કશુંક ઠોસ કરવા માગતી હતી. તેનું ચોક્કસ પણે માનવું હતું કે શિક્ષણ થકી જ સ્ત્રીઓ તેના ભવિષ્યને ઉજાગર કરી શકશે. તે ઘરોઘર જઈને મહિલાઓને શિક્ષણનું મહત્વ સમજાવતી. તેઓ આ બાબતે ગંભીરતા પૂર્વક રસ લેતી થાય એવું તે ઈચ્છતી. જેમાં થોડેઘણે અંશે તેને સફળતા મળતી. તો ઘણાંખરાં લોકો તેને ધુત્કારતા, કાઢી મૂકતા, ગંદી ગાળોએ ભાંડતા. વર્ષોથી ત્યાંના લોકોના મગજમા બાઝેલા પરંપરાગત રુઢીવાદી વિચારોના જાળાને આમ અચાનક ખંખેરી નાખવા એ કંઈ સહેલું તો નહોતું જ ને પરવીન માટે. તેણે તેનાથી બનતા પ્રયત્ન કર્યા. આસપાસની સ્ત્રીઓ જ્યારે ઘરનાઓથી છુપાઈને તેની પાસે ભણવા આવતી ત્ચારે એનો ઉત્સાહ ઓર વધી જતો. દિવસો વીતવા લાગ્યા. પરવીનને તો પરણવાની ઉતાવળ નહોતી. પરંતુ પિતાની જીદ સામે તેણે હથિયાર હેઠા મૂકી દેવા પડ્યા. અંતે પરવીનનું એ યોગ્ય ઠેકાણે ગોઠવાઈ ગયું.

તે પરણીને શહેરમાં સ્થાયી થઈ. લગ્ન બાદ તેણે પોતાનો અભ્યાસ તો ચાલુ જ રાખ્યો. સાથે-સાથે નવરાશની પળોમાં તે વિવિધ પેઈટિંગ્સ પણ બનાવતી તેમ જ આસપાસના બાળકોને ભણાવતી. તેના શોહરની મદદથી તેણે પોતાના ચિત્રોના પ્રદર્શન એ યોજ્યા. જેમાં તેને ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો. લગ્નજીવન ખૂબ આનંદ પૂર્વક વીતી રહ્યું હતું. અને પોતે આર્થિક રીતે સધ્ધર થઈ રહી હતી. ત્યાં અચાનક તેના ખુશહાલ જીવનમાં એક વળાંક આવ્યો.

રજાના દિવસે તેઓ પોતાના કોઈ સંબંધીને મળવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેની ગાડીને ગંભીર અકસ્માત નડ્યો. તેનો શોહર જે ગાડી ચલાવી રહ્યો હતો તે તો પરવીનને લોહી લુહાણ હાલતમાં છોડીને ત્યાંથી નાસી છૂટ્યો. આસપાસના રાહદારીઓની મદદથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પરિવારજનોને અકસ્માતની જાણ કરવામા આવી. પરવીનની બચવાની શક્યતા બહુ જ ઓછી હતી. તેના શરીરમાં મલ્ટિપલ ફ્રેકચર થયા હતા તેમ જ અડધું બોડી પેરાલાઈઝડ થઈ ગયુ હતું. કરોડરજ્જુમાં ગંભીર ઈજાને કારણે તે જાતે ઊભી રહી શકે તેમ નહોતી. અસહ્ય માનસિક તથા શારીરિક વેદનાના વાવાઝોડાએ તેને હચમચાવી દીધી હતી. આ ઘટનાથી તે ખૂબ ભાંગી પડી. આવા કપરા સંજોગામાં ઝુબૈદા સતત ઝોયાની સાથે રહેતી, ઘરના બધા ભેગા મળીને તેની સંભાળ લેતા, તેને માનસિક સધિયારો આપતા. નિરંતર બે મહિના સુધી હોસ્પિ઼ટલમાં તેની અલગ,અલગ સારવાર ચાલતી રહી. જે અતિશય પીડાદાયી હતી.

ઝુબૈદા પોતાની દીકરીની આવી હાલત નહોતી જોઈ શકતી. હોસ્પિટલના કોઈ છાના ખૂણે તે પોતાની વેદનાને વહાવી આવતી. પછી હસતું મોઢું રાખીને પરવીન સમક્ષ હાજર થઈ જતી. ધાર્મિક સ્વભાવની ઝુબૈદા દીકરી પર આવી પડેલી આફત બાદ જાણે વધુ ધાર્મિક બની ગઈ હતી. હૉસ્પિટલમાં સતત તેના મુખ પર અલ્લાતાલાનું નામ જ રહેતું. દવા સાથે દુઆએ ભળતી ગઈ. પરવીનની હાલતમાં ધીરેધીરે સુધારો થઈ રહ્યો હતો. પરિવારની હૂંફ, સાથ, સંભાળ અને મક્કમ મનોબળને કારણે તે મોતને માત આપી શકી. હા, હવે તેની બાકીની જીંદગી વ્હીલચેરના સહારે વીતવાની હતી.

સંજોગો સામે લડી લેવાનું, પ્રતિકુળતાને અનુકુળતામાં પલટાવવાનું ઝુબૈદાએ પોતાની દીકરીઓને શીખવાડ્યું હતું. જીવનમાં આનનારા કંઈ કેટલાય પડકારો અને અડચણોને આવકારવા તે ફરી સજ્જ થઈ ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational