ડૂમો
ડૂમો




ફળિયામાં બેઠો-બેઠો માધવ ઉદાસ ચહેરે આકાશ ભણી તાકી રહ્યો હતો. ચંપા પોતાના ભીના હાથ સાડીના છેડામાં લૂછતી લૂછતી ફળિયામાં પ્રવેશી. તે થોડીવાર આમ જ માધવના ચહેરાને તાકતી ઉભી રહી. પછી હળવેથી બોલી, 'રઘલાના બાપુ આમ કએંના હું ઉપર તાકો છો? હાલો ઝટ વાળુ કરી લ્યો.'
'એ આવ ચંપા ઘડી બેસને મારી પડખે. આ બે આંખો તો હવે થાકી વરસાદની રાહ જોઈને. સૂકુ ભઠ ખેતર નથ જોવાતું મારાથી હવે. મારી સાથે તું એ જરા વીનવને તારા પરભુને કદાચ સ્ત્રીની આંખોની શરમ નડે ને મારા જેવા ખેડૂતો પર કુરપા વરસાવે. આ વરહે મેઘરાજા જાણે બરાબરના રિહાણા લાગે છે. વરતારા કરતો પેલો કરસન મને શું કહે છે ખબર છે, 'જો જોને બાપલા આ વરહે એટલો પાક ઉતરશે ને કે આપણા સૈાના દહાડા બદલાઈ જશે.' સાચુ કહું ચંપા અત્યારે તો મને કંઈ એવા એંધાણ નથ લાગતા. એક ખેડૂત ફક્ત આશાને સહારે જ જીવતો હોય છે. અને એ આશા જ્યારે ઠગારી નીવડેને તો મારા જેવાને એમ થાય કે પોતાનું આ ડાચુ ખેતરમાં ખોંસી દે. મારી ધીરજ હવે ખૂટી ગઈ છે ચંપા.'
માધવના આવા શબ્દો સાંભળીને ચંપાનું હ્રદય દ્રવી ઉઠ્યું. માધવના હાથ પોતાના હાથમાં લઈને બોલી, 'વેળા કવેળાનું આવું તો ન બોલો રધલાના બાપુ. સૌ સારા વાના થશે. હું તમારી સાથે છું. તમે આમ ધીરજ ન હારો.'
'તો શું બોલું ચંપા? આવતા અઠવાડિયે મારે જમીનદારને થોડા પૈસા એ ચૂકવવાના છે એ ક્યાંથી કાઢીશ? આ લાચારીનો ડૂમો કોને દેખાડું?' ચંપા એમ ઢીલી પડે એમ નહોતી એ તો સતત આશ્વાસનના શબ્દો દ્વારા માધવના હૈયાને ટાઢક પહોંચાડવાની કોશિષ કરતી રહેતી. પોતે એ ક્યાં નહોતી જાણતી કે ખેડૂતોના જીવન તો ડામાડોળ જ રહેવાના કોક દી લીલો દુકાળ તો કોક દી સુકો દુકાળ તો ક્યારેક પાક બળી જવો ને ક્યારેક કમોસમનું માવઠું. તેને થતું માણાના સપના તો પૂરા થાય છે. પણ એક ખેડૂતને જાણે બે પાંદડે થવાનો અધિકાર જ નથી. નિરાશાના વાદળો ખંખેરીને માધવને માંડ સમજાવીને અંદર વાળુ કરવા લઈ ગઈ. ત્યાં તેની નજર ખીંટી પર ટીંગાળેલા થીંગડા મારેલા પાટલૂન પર પડી. કેટલાય દિવસથી રઘલો તેને કહેતો કે તેને નવુ પાટલૂન લેવું છે આ પાટલૂન પહેરીને તે શાળાએ જાય છે તો તેના મિત્રો તેની ટિખળ કરે છે.
ચંપાને એ દિવસ સાંભર્યો જ્યારે માધવ સવારે વહેલો ઉઠીને હરખાતા હરખાતા બજારમાં ગયો હતો એ અરમાન સાથે કે આજે તો તેને તેના માલની સારી કિમત ઉપજશે, એટલે એ તો જતા જતા ગર્વીલો થઈને કહેતો ગયો હતો કે આજે સારા પૈસા મળશે એટલે બંન્ને માટે નવા લુગડા લઈ આવશે. ત્યારે એના ચહેરાની રોનક જોવા જેવી હતી. પરંતુ એવું ન થયુ માધવને એના માલની જોઈતી કિમત ન મળી. તેનો બહુ જીવ બળ્યો. બાયડી, સંતાનના આશા ભરેલા રહેરા તેની નજર સામે તરવરી રહ્યા. તેણે પોતાની જાતને ખૂબ કોસી. રસ્તામાં તે વિચારતો રહ્યો કે જંતુનાશક દવા, ખાતર, બિયારણ, વીજળીના બીલને બાદ કરતા તેની પાસે કંઈ બચશે નહીં. તે વિલાયેલા મોં એ ઘરે પાછો ફર્યો. તેનો ઉતરેલા ચહેરાનો તાગ પોતે પામી ગઈ હતી. તે ફક્ત એટલું જ બોલ્યો કે ચંપા શહેરમાં તો દરેક વસ્તુ પર તેના છાપેલા ભાવ હોય છે. પછી ભલેને એક માચિસની ડબ્બી કેમ ન હોય જ્યારે ખેડૂતોના ફાલની કિમત ખેડૂતો નહીં પણ વેપારીઓ નક્કી કરે છે. અમને એટલો હક પણ નથી કે અમે અમારા પાકની કિમત નક્કી કરી શકીએ. આ તો જાણે એવું કે તમારે સંતાન જણીને કોઈને દઈ દેવાનું. ત્યાં તો વળી રઘલો દોડતો આવીને માધવને વળગી પડીને બોલ્યો બાપુ બજારમાંથી શું લાવ્યા છો મારી હાટુ બોલોને? માધવે તેને વહાલથી વાળ્યો કે જો બેટા નવા પાટલૂન બે-ચાર દિવસમાં આવશે ત્યારે તે ચોક્કસ લઈ આવશે. ત્યારે પોતે આંસુઓને પાલવમાં સંતાડીને રસોડામાં ચાલી ગઈ હતી.
રઘલો હમણા થોડા વખતથી હવેલીવાળા તેના ભાઈબંધને રવાડે ચડ્યો હતો. જમતા જમતા એકવાર તેણે ચંપાને કહ્યું હેં બા રોજ આ રોટલા,ડુંગળીને પાતળી છાશ બસ આ જ ભાણાથી સંતોષ માનવાનો કોક દી ગરમા ગરમ શીરો, ચુરમાના લાડુ કે ભજીયા ન બનાવાય, આ બોલતા તેના મોઢામાં પાણી આવી ગયા. તેની આંખો સામે તેના ભાઈબંઘને ત્યાં જાતજાતના પકવાનોથી ભરેલી થાળી તરવરી રહી. ચંપા પરવશતાથી બોલી, ‘રઘલા એમ ખોટા વાદ ન કરાય. એવા નખરા આપણને ન પરવડે.’ એક તો વરસાદની વાટમાં અમારા જીવને ઉધામા ચઢે છે. અને તને લાડવા અને શીરો ખાવા છે. વળી અચાનક તેને શું સૂઝ્યુ કે તે એક ચીંથરામાં થોડા રોટલા અને ડુંગળી લઈને નાઠો. અને ચંપા રઘલા રઘલા બૂમો પાડતી તેની પાછળ ગઈ. ખબર નહીં આ છોકરાને ક્યાં જવાની ઉતાવળ હતી? તે આમ ભાણું ખાધું નખાધું ને ભાગ્યો. થોડે સુધી જઈને ચંપા થાકીને પાછી ફરી. આફેડો ઘરે આવશે ક્યા જશે? ખોટી શું જીદ કરવાની વળી તે મનોમન બબડી. અંધારું થઈ ગયું હોવાથી તે ઝટ ઠામણા માંઝવા બહાર મોરીમાં બેઠી. થોડીવાર થઈ હશે ત્યાં રઘલો ધ્રુસકે ધ્રુસકે રડતો રડતો આવ્યો અને ચંપાને વળગી પડ્યો. ચંપાએ તેને છાનો રાખતા પૂછ્યું, 'શું થયું રઘલા આમ કાં રડ છ?' કોઈએ માર્યુ તને કે કોઈ હારે મારામારી કરી છે? ક્યાંય વાગ્યું તો નથી ને તને?'
'ના, મા મારા ભાઈબંધે મારા રોટલા ફેંકી દીધા. મને કહેતો હતો કે રઘલા તું કાલે મારે ત્યાં આવજે આપણે ભેળા જમશુ એટલે હું એ હવેલીવાળા મિત્રને ત્યાં રોટલા લઈને ગયો હતો. પણ તેણે તો મારું અપમાન કરીને મને કાઢી મૂક્યો.'
આ સાંભળીને ચંપાનો જીવ કકળી ઉઠ્યો તે ડૂમા બાઝેલા અવાજે બોલી રઘલા તું તો સુદામા બન્યો પણ તારો એ મિત્ર કૃષ્ણ ન બની શક્યો. આજે ચંપાને પહેલીવાર પોતાની ગરીબી ગાળ જેવી લાગી રહી હતી એક દિ' કરસનની બાયડી ખેતરમાંથી હાંફ ભેર દોડતી ચંપાને તેડવા આવી એ હાલ ઝટ ચંપા તારા ધણીએ ઝેરી દવા પી લીધી છે. ચંપા બેબાકળી થઈને ખેતરે ભાગી. માધવના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા પરંતુ ઘીમા ઘીમા શ્વાસ ચાલી રહ્યા હતા તે ખિન્નાયેલા અવાજે બોલી, 'મૂઓ લાચારીનો ડૂમો જીવ લે શે કે શું મારા ધણીનો?' તેણે પળનો એ વિલંબ કર્યા વગર કરસનને કહ્યું તે માધવને ઝટ અસ્પતાલ લઈ જાય. અને પોતે જમીનદાર પાસે પૈસાનો બંદોબસ્ત કરવા ગઈ. તે જમીનદારને કરગરતા બોલી, 'માય બાપ મને પૈસાની જરુર છે. મારા ધણીએ ઝેરી દવા પી લીધી છે. તેને તુરત અસ્પતાલ લઈ જવાના છે.' જમીનદાર બોલ્યો, 'હા લઈ જા પૈસા એમા સંકોચ શું રાખવાનો? પૈસા આપતી વખતે હળવેથી ચંપાના હાથને અણછાજતો સ્પર્શ કરતા તે બોલ્યો તો રાત્રે આવી જજે મારી કોઠીએ પણ ખબરદાર છે જો કોઈને કહ્યું છે તો!' ચંપા જતા જતા બોલી, 'મૂઓ લાચારીનો ડૂમો ઈજ્જત આબરુ એ લેશે હવે.'