Jigna Joshi

Tragedy Others

3  

Jigna Joshi

Tragedy Others

સ્વીકૃતિ

સ્વીકૃતિ

6 mins
7.3K


ઘરની ડોરબેલ રણકી. માધવીએ ઉતાવળે પગલે રસોડામાંથી બાહર નીકળીને દરવાજો ખોલ્યો. જોયુ તો મીઠી મધુરી સ્માઈલ સાથે સુંદર રંગબેરંગી ફૂલોનો બુકે લઈને સંદીપ ઉભો હતો. માધવીએ હળવી ટકોર કરતા કહ્યું, ‘અરે સંદીપ તું આટલો જલ્દી આવી ગયો ઓફિસમાંથી ! આજે તો ખાસ કંઈ ઓકેઝન નથી. તો પછી આ બુકે કઈ ખુશીમાં ? "અરે વહેલા આવી જાઓ તો સવાલ, મોડા આવો તો સવાલ ખરેખર માધવી સ્ત્રીઓના મનને કળવુ બહુ અઘરુ છે. સ્ત્રી એક પહેલી જ છે સાચે." સંદીપ આછી મુસ્કાન સાથે બોલ્યો, "ખાસ કંઈ ઓકેઝન તો નથી. પણ મને એવુ લાગે છે કે આવી નાની-નાની સરપ્રાઈઝ જ તો ખુશહાલ લગ્નજીવનને ધબકતુ રાખે છે માય ડીયર." એમ કહીને તેણે માધવીના ગાલ પર વહાલથી ટપલી મારી. માધવી સહેજ લજવાઈ ગઈ. સંદીપે સોફા પર બેસતાવેંત જ ટીવી ઓન કર્યુ. અને માધવી રસોઈની તૈયારીમાં લાગી ગઈ.

રસોડામાં કામ કરતાં તેને વિચાર આવ્યો સંદીપ આજે ઘણા સારા મુડમાં છે. તો લાવને પેલી વાત તેને કહી દઉં. આમ પણ આજે નહીં તો કાલે આ વાત જણાવવાની તો છે જ ને. સંદીપના શું પ્રતિભાવ હશે એ વિષે માધવી ઘણી ચિંતિત હતી. અંતે તે વાત જણાવી દેવાનો તેણે મક્કમ નિર્ધાર કર્યો. રાતે જમ્યા બાદ સંદીપ એફ એમ પર પુરાની જીન્સ સાંભળવામાં એવો ગુલતાન હતો કે માધવી ક્યારે એની સમીપ ગોઠવાઈ ગઈ એેની તેને ખબર જ ન પડી. સંદીપે માધવીના ખોળામાં પોતાનું માથુ ઢાળી દીધું. માધવીની પ્રેમભરી આંગળીઓ સંદીપના વાળમાં ફરવા લાગી. માધવીએ વાતોનો દોર ચાલુ કરતા કહ્યું, "સંદીપ મારે તને કંઈક કહેવું છે." સંદીપ બોલ્યો, "બોલ શું વાત છે ?" માધવીએ ગભરાહટ સાથે કહ્યું, "મમ્મીની પાડોશમાં રહેતા સરોજ કાકી આપણે ત્યાં આવ્યા હતા. પહેલા તો તેમણે અહીં-તહીંની નકામી વાતો કરી. પછી મમ્મી વિષે એલફેલ બોલવા લાગ્યા." સંદીપના ચહેરા પર ગંભીરતા વ્યાપી ગઈ. તે બોલ્યો, "એવું તેણે શું કહ્યું મમ્મી માટે ? માધવી ડર અને સંકોચ સાથે બોલી, તેમનું કહેવું છે કે" મમ્મીના બાજુના ફ્લેટમાં કોઈ વિધુર રહેવા આવ્યા છે તેમને મમ્મી સાથે....સંદીપની આંખોમાં લોહી ધસી આવ્યું. તેણે પોતાના હાથની કડક મુઠ્ઠી વાળી દીધીને દાંત કચકચાવીને બોલ્યો, "એ કંઈપણ બકવાસ કરતા રહ્યા અને તું ચુપચાપ સાંભળતી રહી. તું કશું જ ન બોલી ધમકાવીને કાઢી ન મૂકાય તેમને." માધવી બોલી, "તમે જરા શાંત થાઓ એ વાત સાંભળીને મને પણ સરોજકાકી પર ખૂબ ગુસ્સો આવ્યોને મેં એમને શાંતિથી ઘરનો દરવાજો દેખાડી દીધો. પણ હું શું કહું છું આપણે મમ્મીને અહીં જ બોલાવી લઈએ તો મેં તો ધણીવાર કહ્યું કે તમે ત્યાં વડોદરામાં એકલા રહો છો. ભગવાન ન કરેને માંદા-સાજા થશો તો તમારું ત્યાં દ્યાન કોણ રાખશે ? અહીં મારી સાથે રહો તો મને પણ થોડી કંપની મળે. તો મને કહે હું અહીં લાઈબ્રેરીમાં મેમ્બર છું. તેમ જ બીજી અનેક સાહિત્ય સંસ્થાઓ સાથે જોડાયેલી છું. મને તો અહીંયા જ ગમે છે. હું તમારી મનોવ્યથા સમજી શકુ છું. મારું માનતા હોવ તો કાલે જ મમ્મીને તેડી આવો. બાકી જો સંદીપ ગામના મોઢે ગયણા તો ન જ બંધાય." સંદીપ પગ પછાડતો બેડરુમમાં જતો રહ્યો. અને ધડ દઈને બેડરુમનો દરવાજો બંધ કરી દીધો. માધવીએ તેને બહુ સમજાવ્યો પણ બધુ જ વ્યર્થ.

આવી નાજુક પરિસ્થિત સર્જાશે એ વાતનો માધવીને અંદેશો હતો. પાણીમાં પથ્થર નાખવાથી જેમ વમળો સર્જાય તેમ માધવીની આ વાતથી સંદીપના મગજમાં વિચારોના અનેક વમળો સર્જાવા લાગ્યા. આ ઉચાટમાં રાત આખી સંદીપ આમથી તેમ પડખા ઘસતો રહ્યો. બીજે દિવસે સવારે તે વડોદરા જવા નીકળ્યો. વળી પાછા એના એ વિચારો તેના દિમાગમાં ઘુમરાવા લાગ્યા. શું કરીશ ? વાતની શરુઆત કેવી રીતે કરીશ ? મમ્મી મારા અચાનક આગમનનું કારણ પૂછશે તો હું શું જવાબ આપીશ ? ખોટુ બોલીશ. આ મનોમંથનમાં વડોદરા ક્યાં આવી ગયુ તેની તેને ખબર જ ન પડી. સામાન લઈને તે ઘરે પહોંચ્યો. શારદા બેને દરવાજો ખોલ્યો. સંદીપને જોઈને શારદાબેન તો હરખઘેલા થઈ ગયા. તેણે સંદીપને છાતીસરસો ચાંપી લીધો. બંને ભાવવિભોર બની ગયા. શારદાબેન પાણી લેવા અંદર ગયા. તે એકલા રહેતા હોવા છતાં ઘર એકદમ સ્વચ્છ અને સુઘડ હતું. શારદાબેને માધવીના સમાચાર પૂછ્યા.

બંને વચ્ચે અલક-મલકની વાતો ચાલતી હતી ત્યારે પાડોશમાં રહેતા રજનીભાઈ ત્યાં આવ્યા. સંદીપને ખ્યાલ આવી ગયો કે આ જ પેલા વિધુર ભાઈ છે જેની વાત માધવીએ કરી હતી. શારદાબેને રજનીભાઈ સાથે સંદીપની ઓળખાણ કરાવી. બન્ને વચ્ચે થોડી એૈાપચારિક વાતો થઈ. રજનીભાઈ બોલ્યા, શારદાબેન હુ તો તમારું પુસ્તક પરત કરવા આવ્યો છું. બહુ જ સુંદર પુસ્તક છે. મને તો વાંચવાની મજા પડી ગઈ. અરે હા,એક બીજી એક વાત ગયા અઠવાડિયે હું લાઈબ્રેરીમાં ગયો હતો ત્યાંથી મે કુન્દનિકા કાપડિયાની નવલકથા 'પરોઢ થતા પહેલા' વાંચવા લીધી હતી બહુ સુંદર નવલકથા છે તમારે વાંચવી હોય તો કહેજો મારી પાસે છે. ચાલો ત્યારે રજા લઉં છું. તમારા મા-દીકરાના સ્નેહમિલનમાં હું આડખીલી રુપ નથી થવા માગતો. હા, પણ યાદ છે ને કાલે આપણે સાહિત્ય સંસદનો પ્રોગામ જોવા જવાનું છે. મેં ટિકિટ પણ લઈ રાખી છે. સંદીપને પણ સાથે આવવાનું આમંત્રણ આપીને રજનીભાઈએ ત્યાંથી રજા લીધી. તેમના ગયા બાદ એક ગજબનું મૈાન તે ઓરડામાં પથરાઈ ગયું. સંદીપના ચહેરાના બદલાયેલા હાવભાવ શારદાબેનથી અછાના નથી રહેતા. સંદીપ થોડા દિવસ ત્યાં રહ્યો. નાટક હોય કે સંગીતનો કોઈ કાર્યક્રમ, કે પછી કવિ સંમેલન તેઓ સાથે જ જતા. સંદીપ પણ ક્યારેક શારદાબેન અને રજનીભાઈ સાથે સાહિત્યના એ વિધ-વિધ પ્રોગ્રામ જોવા જતો. આટલા દિવસના સંગાથના અંતે સંદીપે જે જોયુ, જાણ્યુ તે તેના હીન વિચારોથી તદ્દન વીપરીત જ હતુ. તેણે અનુભવ્યુ જીવનની સમીસાંજે એકલા પડી ગયેલા બે હૈયાને એકબીજાની કેટલી ઓથ છે. કોઈ પારકાની વાત પર આંધળો ભરોસો કરીને પોતે આ શું કરવા બેઠો હતો ? તેને પોતાના વિચારો પર પારાવાર પસ્તાવો થયો.

હા!પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુ છે! 

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે!

સમાન વિચારધારા, સમાન શોખ, સમાન રસ ધરાવતી બે વ્યક્તિ જીવનનો સૂર્યાસ્ત સાથે માણે એમાં ખોટું શું છે ? સંદીપે મનોમન કશોક મક્કમ નિર્ધાર કર્યો. બીજે જ દિવસે તેણે રજનીભાઈને ઘરે બોલાવ્યા. બંન્નેને પાસે બેસાડીને તેણે વાતની શરુઆત કરી. "હું તમને જે કંઈ કહેવા માગુ છુ તેના પર દ્યાનથી વિચાર જો, તમારા બંન્ને સાથે મે થોડા દિવસ અહીં વીતાવ્યા ખરેખર મને પણ બહુ સારુ લાગ્યું. આય રીયલી એન્જોયડ યોર કંપની. એથી વિષેશ મે એ અનુભ્યુ કે તમને બંન્ને જણાને એકમેકનો કેટલો સાથ, સંગાથ છે. તમે એકબીજાની કંપનીને કેટલી માણો છો. પાછલી ઉમરે આથી વધુ શુ જોઈએ કે તમને કોઈ જાણવા, સમજવા વાળુ હોય, જેની પાસે તમે વ્યક્ત થઈ શકો, જેના સહવાસ થકી તમે આગળના જીવનને સુંદર રીતે માણી શકો. તો મને એવુ લાગે છે કે તમારા આ સંબંધને એક અનોખુ નામ આપીએ તો ?" શારદાબેન તો દીકરાની આ વાત સાંભળીને રીતસરના છળી ઉઠ્યા, "તું આ શું બોલી રહ્યો છે ? કાંઈ ભાન છે તને ! હવે આ ઉમરે આવુ બધુ કંઈ શોભતુ હશે ભલા. નાત, સમાજમાં રહેવુ છે કે નહીં ?" રજનીભાઈ પોતાનો મત પ્રદર્શિત કર્યા બોલ્યા, "સંદીપ મને આ પણ તારો વિચાર યોગ્ય નથી લાગતો. આપણો સમાજ આવા સંબંધને નહીં સ્વીકારે.ઓછામાં પૂરુ મનઘડન વાતો ઘડી કાઢશે." 

સંદીપે તેઓને ઘૂંટડો ગળે ઉતરાવતા કહ્યું, "કયો સમાજ ? સમાજ તમારી વેદના, તમારી તકલીફો ઓછી કરવા થોડી આવવાનો છે ! અને તમારા શોખ, ઈચ્છાઓ પૂરી કરવા પણ નહીં આવે. સમાજને કંઈ હક્ક નથી તમારા સંબંધને સ્વીકાર કે અસ્વીકાર કરવાનો. લાંબા તર્ક-વિર્તકને અંતે શારદાબેન અને રજનીભાઈએ આ સંબંધ પર હકારની મહોર મારી ત્યારે સંદીપના જીવને મોટો હાશકારો થયો. તેણે રાજીપા સાથે માધવીને ફોન કરીને કહ્યું, "માધવી તૈયારી કર આપણે વરવધુને પોંખવાના છે." 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy