Jigna Joshi

Others

3  

Jigna Joshi

Others

પ્રતિબિંબ

પ્રતિબિંબ

4 mins
7.1K


મુવર્સ એન્ડ પેકર્સવાળાઓની સવારથી ઘરમાં ચહલ-પહલ હતી. ‘અરે મેડમ, યે કૈસે પેક કરના હૈ? મેડમ ઈસમે કુછ કાચ કા સામાન તો નહીં હૈ ના? અગર હૈ, તો જરા પહેલે સે બતા દેના. બાદ મેં કુછ તૂટ-ફૂટ જાયે તો હમેં મત કહેના.’ સ્વાતિ એકલે હાથે આ ટીમ સાથે ડીલ કરીને થોડી અકળાઈ ગઈ હતી. આમ પણ શેખર તો બિઝનેસ ટૂર પર ગયો હતો. આથી તેની આશા રાખવી જ નકામી હતી. ત્યાં જ તેના હાથમાં એક ખૂબ જ કિંમતી વસ્તુ આવી. વસ્તુ કહેવું તેને જરા અયોગ્ય લાગ્યું, કારણકે તેના માટે તે વસ્તુ નહોતી, પરંતુ વસ્તુ કરતાં ઘણું જ વિશેષ હતું. તે ભૂતકાળની યાદોમાં સરી પડી. ‘અરે મેડમ, જરા ફટાફટ બતાઓ… હમે દુસરી જગહ ભી જાના હે.’ સ્વાતિ જાણે પરાણે વર્તમાનમાં પાછી ફરી. ‘અરે હાં ભાઈસાહબ, સુનિયે જરા ઈસકો સંભાલકે પેક કરના યે બહોત કિમતી હે મેરે લિયે.’ તેણે વસ્તુ કે ચીજ કહેવાનું ટાળ્યું. ટીમમાંથી એક માણસ બોલ્યો, ‘ઓકે મેડમ, આપ બિલ્કુલ ફિકર મત કરના.’ પણ સ્વાતિના મનમાં હજી પેલી મહામૂલી વસ્તુ, હા દુનિયાની નજરમાં તો તે વસ્તુ જ હતી તેથી વધુ કંઈ જ નહીં. ને લઈને ઉચાટ હતો. છેવટે તેણે તેની પ્રિય વસ્તુ પોતાની પાસે સેરવી લીધી. જાણે કેમ કોઈ નાનું બાળક પોતાનું રમકડું કોઈને રમવા આપવા ન માગતું હોય તે જ રીતે... સ્વાતિને એ વસ્તુનું ગજબનું વળગણ હતું. ન જાણે કેટલીય ખાટી, મીઠી તો કોઈ વળી ભયંકર કડવી યાદોના સંભારણા જોડાયા હતા તેની સાથે. બાળપણ, યુવાનીને મુગ્ધાવસ્થાનું પ્રતિક હતી તે વસ્તુ...

શેખર સાથે પરણીને આવી ત્યારે પોતાના બેડરૂમના એક ખૂણામાં ખૂબ જ ચાહનાથી ગોઠવ્યો હતો પોતાના આ મહામૂલા નજરાણાને. લગ્ન બાદ વિદાયવેળાએ માએ કહેલું, ‘હું તને વધુ તો કંઈ નથી આપી શકી. સિવાય કે તારી દરેકે-દરેક અવસ્થાનું આ પ્રતિબિંબ...’ કોલેજની અલ્લડ જુવાની સાથે જોડાયેલી એ મીઠી યાદો. પોતાના યૈાવનને નિહાળતા કલાકો તેની સામે ખોડાઈને ઊભી રહેતી ત્યારે મા મીઠો ઠપકો આપતી કે તારે સૈાંદર્ય સાધના કરતાં અહીં જ ઊભા રહેવું છે? કોલેજમાં જવાનું મોડું નથી થતું તને? અને સ્વાતિ તેની સામે મીઠું હાસ્ય વેરીને કોલેજ જવા નીકળતી.

લગ્નની પહેલી રાતે પોતાના દિલનો ઊભરો ઠાલવતાં તેણે શેખરને પૂછયું, ‘કેમ તે તેના પરિવારનો અને સમાજનો વિરોધ વ્હોરીને પણ પોતાના જેવી બળાત્કારનો ભોગ બનેલી યુવતી સાથે પરણવા રાજી થઈ ગયો?’ આ બોલતાં સ્વાતિની આંખોમાંથી દડદડ આસું વહેવા લાગ્યા. ત્યારે શેખર તેને પોતાની નજીક લઈને અત્યંત વ્હાલપૂર્વક સમજાવતાં બોલ્યો, ‘જો સ્વાતિ આ બાબત આપણે પહેલાં પણ ચર્ચી ચૂક્યા છીએ. તારી સચ્ચાઈ અને કામ પ્રત્યેની તારી નિષ્ઠા મને સ્પર્શી ગઈ. તારો કશો જ વાંક નથી. બાકી આ સમાજને તો કુટેવ પડી છે. આવા કિસ્સાઓ સંભળાય એટલે ભોગ બનનાર યુવતી, તેના પરિવાર અને મિત્રવર્તુળ વગેરે વિષે કર્મકુંડળી માંડવા બેસી જશે. અને જો લાગણી કે માનવતા હશે તો થોડીઘણી દિલસોજી પણ દાખવશે.’ એ ઘટના બાદ સ્વાતિ સાવ ભાંગી પડી હતી. પોતાના પ્રિય આયનામાં જ્યારે તેણે તેની જાતને જોઈ ત્યારે તેનું  અસ્તિત્વ કાચના ટુકડાઓની માફક વિખરાયેલું હતું. જેમાં અનેક તિરાડો પડી ચૂકી હતી. શરીર પરના ઉઝરડાને તે લાચારીપૂર્વક નિહાળી રહી. પોલીસ દ્વારા પૂછવામાં આવતા અણછાજતાં પ્રશ્નો, કોર્ટ-કચેરીના ધક્કા આ બધું સહેલું નહોતું તેની માટે. પરંતુ, પરિવાર અને આપ્તજનોની હૂંફની મદદથી કરચોની રાખમાંથી તે ફરી બેઠી થઈ હતી. શેખરનો ભેંટો તેને પ્રેસ કલ્બમાં થયો હતો. બંને એક જ વ્યવસાયમાં એટલે એકબીજાને સમજવામાં,પારખવામાં જરાય વાર ન લાગી. જો શેખર તેનાં જીવનમાં ન આવ્યો હોત તો કદાચ પોતે આમ સ્વમાનભેર જીવતી ન હોત. તેનું ખોવાયેલું સ્વમાન પાછું મેળવવામાં શેખરની ખૂબ જ મહત્વની ભૂમિકા હતી. આ બધું વાગોળતાં વાગોળતાં ખબર નહીં આજે કેમ તેને શેખર ખૂબ જ યાદ આવતો હતો. ત્યાં જ ફોનની ઘંટડી રણકી, સામે છેડે શેખર હતો. તેણે સમાચાર આપ્યા કે તે રાતની જેટ એરવઝની ફ્લાઈટમાં પરત ફરી રહ્યો છે. સ્વાતિ એ સામો પ્રશ્ન કર્યો કે કેમ તું તો બે દિવસ પછી આવવાનો હતો ને? શેખર બોલ્યો, ‘તું ભૂલી ગઈ, સ્વાતિ કાલે કોર્ટમાં આપણાં કેસની તારીખ છે?’ સ્વાતિ સહજ જ નિસાસો નાખતાં બોલી, ‘શેખર, આ તારીખ પે તારીખનો સિલસિલો ક્યારે ખત્મ થશે?’ શેખર બોલ્યો, ‘જ્યાં સુધી કોર્ટને કેસને લગતા પૂરતા પૂરાવા અને સાબિતી સાંપડે નહીં ત્યાં સુધી. પણ મને પૂરી આસ્થા છે કે આપણને જલ્દી જ ન્યાય મળશે. સો સી યુ સુન.’ એમ કહીને તેણે ફોન મૂકી દીધો. બીજે દિવસે સમયાનુસાર બંને જણ પોતાના વકીલ સાથે કોર્ટમાં હાજર થાય છે. જોઈતા પૂરાવા અને દાખલા દલીલને અંતે કોર્ટ સૈાના આશ્ચર્યની વચ્ચે સ્વાતિના બળાત્કારીને જન્મટીપની સજા ફરમાવે છે. આ સાંભળીને સ્વાતિ તો જાણે અવાચક બની જાય છે. તેની આંખોમાંથી ખુશીની ઝડી વરસવા લાગે છે. સ્વાતિ અને શેખર એકબીજાને અહોભાવથી તાકી રહે છે. બંનેની મૈાન આંખો જાણે બોલકી બનવા અધીરી બની જાય છે.

મનોમન ભગવાનનો આભાર માનતા કહે છે, ‘ખરેખર પ્રભુ! તારા ઘરે દેર છે, પણ અંધેર નહીં.’ ઘરે જઈને પોતાના એ પ્રિય આયનાને વળગી પડે છે. આ આયનો સ્વાતિને હવે વધારે સાફ, સ્વચ્છ લાગે છે!


Rate this content
Log in