Jigna Joshi

Others

1.0  

Jigna Joshi

Others

નવી સવાર

નવી સવાર

6 mins
14.7K


રાજવી મારું ટિફિન તૈયાર છે? આઠ પાંત્રીસની ટ્રેન મીસ થશે તો હું ઓફિસે સમયસર નહીં પહોંચી શકું. રાજવી સાંભળે છે કે નહીં ? રાહુલ એક હાથમાં ઓફિસ બેગ અને બીજા હાથમાં ટાઈ લઈને બબડતો-બબડતો બેડરૂમાંથી બહાર નીકળ્યો. રાજવી હાંફળી-ફાંફળી એક હાથમાં ટિફિન બીજા હાથમાં મિલ્કશેક લઈને બહાર આવી.તને કેટલીવાર કીધું છે કે થોડું વહેલું કરતી જાને મારું ટિફિન રોજ શું કહેવાનું.

મિલ્કશેકનો ગ્લાસ ગટગટાવીને ગુડબાય કહીને રાહુલ ઘરની બહાર નીકળ્યો. રાજવી તેની સામે ફ્કત ફીકું હસી. તેણે વળતો જવાબ આપવાનું ટાળ્યું. તે પણ કહી શકત કે સવારમાં વહેલા ઉઠીને જરા મારા જેટલું કામ તો કરી જુઓ પછી ખબર પડશે. વાંક છે એનો કંઈ, સવારના સાડાપાંચ-છ વાગ્યામાં ઉઠીને જય તથા જાનવીના બે-બે ટિફિન તૈયાર કરવાના. ત્યારબાદ સાડાઆઠ વાગ્યે રાહુલનું ટિફિન રેડી રાખવાનું.

રાહુલ જાય પછી થોડી નવરાશ મળતી રાજવીને. પછી તે ચા-નાસ્તો કરતીને સાથેસાથે અખબારોના પાનાયે ઉથલાવતી. શરીર પર જામેલી ચરબીને ઓછી કરવા કલાક જીમનાં પણ જતી.

આ તેનો રોજનો ક્રમ. ઘરે પાછી આવીને અનાજ, કરિયાણું, શાક લેવું, પેન્ડિંગ બીલો ભરવા વગેરે અન્ય કામો પતાવતી. રાજવી દેખાવમાં તો ઘણી જ સુંદર. પરંતુ બહુ ટાપટીપને દેખાડા તેને પસંદ નહીં. સાદગી ભી કયામત કી અદા હોતી હેએ વિધાન રાજવી માટે બરોબર બંધબેસતુ હતુ. રાહુલ તેને ઘણીવાર કહેતો, "રાજવી શું આમ મણીબેનની જેમ વાળ બાંધીને રાખે છે. તારા વાળ તો કેટલા સરસ છે! ખુલ્લા રાખતી હોય તો." ત્યારે રાજવી હસીને કહેતી, ‘આ મારા બાંધેલા વાળની જેમ હું ઘરના બધાને એક તાંતણે બાંધી રાખું છું. ખુલ્લા વાળ રાખીશ તો તમને બધાને છુટ્ટો દોર મળી જશે." રાહુલ બોલ્યો, ‘તું અને તારી વાતો.અમારી ઓફિસમાં આવ એક દિવસ તને પણ સહેજ ખ્યાલ આવે કે ઓફિસમાં કામ કરતી મહિલાઓ શું અપ-ટુ-ડેટ તૈયાર થઈને આવે છે. વેલડ્રેસ અને વેલ લર્નેડ. રાજવીનું મોઢુ થોડું ઝંખવાઈ ગયું. આ શબ્દોએ જાણે તેના હૈયાને આરપાર વીંધી નાખ્યું. રાહુલ ખિન્નાઈને બોલ્યો, ‘સોરી રાજવી મારી ભૂલ થઈ ગઈ હવે તને કાંઈ નહીં કહું બસ.આંખે આવેલા આંસુને ખાળવા તેણે બનતો પ્રયત્ન કર્યો. નહીંતર રાહુલ વળી બીજુ સંભળાવત કે તારું આ રોતલું મોઢું નથી જોવું. રડવાનું બંધ કર. બાળકો તરત જ પરિસ્થિતિનો તાગ પામી ગયા. જાનવી તરત જ રાજવીને વહાલથી વળગી પડીને બોલી, ‘મારી એક ફ્રેન્ડ છે. તેઓએ હમણા જ વર્સોવામાં ટુ બીએચ કેનો ફલેટ લીધો છે. તેની ઈચ્છા છે કે તું એ ફ્લેટનું ડિઝાઈનીંગનું કામ સંભાળે. આય હેવ શોન યોર પોર્ટફોલિયો જેમાં તે અમેઝિંગ આર્ટિફેક્ટસના પીક્સ મૂક્યા છે. એન્ડ શી લાઈક્ડ ઈટ વેરી મચ.વળી જય વચ્ચે જ કૂદી પડતા બોલ્યો, ‘એ બધુ છોડ પહેલા મને એ કહે મમ્મા કે તું મારા ફેવરિટ મશરુમ મસાલા ક્યારે બનાવવાની છે. લાસ્ટ ટાઈમ તે જે બનાવ્યા હતા ને મને તો એટલા ભાવ્યા કે એમ થતું હતું કે બસ ખાયા જ કરું. ઈટ વોઝ સો ડેલિશિયસ. રાજવીએ હકારમાં માથુ ધુણાવ્યું. તેના ચહેરા પર થોડી પ્રસન્નતા છવાઈ ગઈ.

નાનપણથી જ રાજવીને ઘરનું સુશોભન કરવું ખૂબજ ગમતું. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે કોઈ મહેમાન આવવાનું હોય ત્યારે તે હોંશેહોંશે ઘરની સાજ-સજ્જામાં લાગી પડતી. કદાચ આ શોખે જ તેને ઈન્ટિરિયર ડિઝાઈનીંગના ક્ષેત્ર તરફ વાળી. તેણે જે.જે સ્કૂલ ઓફ આર્ટસમાંથી ઈન્ટિરિયર ડિઝાઈનીંગમાં ડિપ્લોમા કર્યુ. ત્યારબાદ અમુક સમય સુધી ચિત-પરિચિતોના ઘર તથા ઓફિસ ડિઝાઈનીંગનું કામ તે કળાત્મક ઢબે કરતી રહી.

પોતાની પસંદગીના આ વ્યવસાયમાં તેને ખૂબ જ મજા પડતી. થોડા વખતમાં જ તેના લગ્ન નક્કી થયા. અને ધીરેધીરે તે ઘરસંસારમાં પરોવાઈ ગઈ. બાળકો નાના હતા ત્યારે ગણ્યા-ગાંઠ્યા ઈન્ટિરિયર ડિઝાઈનીંગના કામો કરતી. બન્યું એવું કે એક વખત તે સાઈટ પર કોઈ કારણસર અટવાઈ ગઈ અને જયને સ્કૂલ બસમાંથી ઉતારવા માટે સમયસર ઘરે પહોંચી શકી નહીં. આખરે જય બિચારો બસમાં ગામેગામ ફરીને ઘરે આવ્યો. રાજવીને ત્યારે ખૂબ પસ્તાવો થયો. પોતાની જાત પર થોડો ગુસ્સોએ આવ્યો.

સંજોગાવશાત સાસુ પણ ઘરે નહોતા. બાદમાં તેની સાસુને આ વાતની જાણ થતાં તેણે રાજવીને ટપારતાં કહ્યું હતું, ‘કે જો બેટા ઝાડ, જાંખરા તો આપમેળે જ ઉગી નીકળે છે. તેને કોઈ માવજતની જરુરત નથી હોતી. પરંતુ જો એક ઘટાદાર વૃક્ષ તૈયાર કરવું હશે તો તેને ઉછેરવા માટે નિયમિત ખાતર, પાણી, તડકો વગેરે મળી રહે એ ખૂબ જરુરી છે.રાજવી તેના સાસુનો કહેવાનો મર્મ એકદમ સમજી ગઈ. તેણે પોતાની ઈચ્છાઓના પોટલા વાળીને મૂકી દીધા. વખત આવશે ત્યારે આ પોટલા તે ફરી ખોલશે. એવો તેણે મક્કમ નિર્ધાર કર્યો.

એક વહુ, પત્ની અને મા તરીકેની ફરજો તે બખૂબી નિભાવતી. અત્યંત કુનેહપૂર્વક પોતાનો સંસાર ચલાવતી. ને પાછી દાની એટલી કે ઘરે કોઈ ભાભીજી, ભાભીજી કહીને કંઈ આશા સાથે આવેતો તે ખાલી હાથે પાછું ન જાય. દરરોજની માફક આજે પણ રાજવી આવતી કાલની રસોઈની અને બાળકોના નાસ્તાની થોડીઘણી તૈયારી કરીને બેડરૂમમાં સૂવા ગઈ. ખબર નહીં કેમ આજે તેને ગજબનો અજંપો ઘેરી વળ્યો હતો.

બાળકોના યોગ્ય ઉછેરનો આનંદ તો હતો જ સાથેસાથે પોતાના પસંદગીના ક્ષેત્રમાં વધુ કાંઈ ન કરી શક્યાના અફસોસની મિશ્ર લાગણી તે અનુભવી રહી. છાતીમાં સહેજ દુખાવો હતો.તેને ગેસ જેવું લાગ્યું. પોતે માંડ ભી થઈને બામ લઈ આવી. થોડો બામ છાતી પર ઘસ્યો. રાહુલ ભર ઉંઘમાં હતો. આથી તેને ઉઠાડવાનું યોગ્ય ન લાગ્યું. સવાર પડી. બાળકોએ બેડરુમનો દરવાજો ખટખટાવ્યો. પણ અંદરથી કાંઈ જવાબ ન મળ્યો. એટલે તેઓને થયું મમ્મી થાકી ગઈ હશે, જવા દે નથી ઉઠાડવી. એમ કહીને બંને જતા રહ્યા. રાહુલે રાજવીને ઉઠાડી. રાજવી ઉઠજે હોં હવે નહીંતર મોડુ થઈ જશે. જો કેટલા વાગ્યા છે. કાંઈ પ્રત્યુત્તર ન મળતા તે રાજવીની સમીપ ગયો. જોયુ તો રાજવીનું શરીર ઠડુંબોર હતું. પરંતુ રાહુલને હૃદયના ધીમા-ધીમા ધબકારા સંભળાયા. તેણે એક મિનિટનો પણ વિલંબ કર્યા વગર પોતાના ફેમિલી ડોક્ટરને તરત બોલાવી લીધા. ઝડપભેર એમબ્યુલન્સની વ્યવસ્થા પણ કરી લીધી. ડોક્ટરે રાજવીને હાર્ટએટેક આવ્યો હોવાનું નિદાન કર્યુ.

આ સાંભળીને રાહુલના હાથ-પગ ધ્રુજવા લાગ્યા. તેના શરીરે પરસેવો વળી ગયો. મારતી એમબ્યુલન્સે રાજવીને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી. તાબડતોબ તેની સારવાર પણ ચાલુ થઈ ગઈ. વોર્ડની બહાર બેસીને રાહુલ પ્રભુને પ્રાર્થી રહ્યો. મારી રાજવીને જલ્દી સાજી કરજે ભગવાન. પછી કંઈ યાદ આવતા તે નાના બાળકની માફક ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. બાળકોને જાણ થતા તેઓ તરત જ હોસ્પિટલ દોડી આવ્યા. છ આંખો આજે એકધારી વહી રહી હતી. સાથેસાથે એકબીજાને સાંત્વન પણ આપી રહી હતી.

વિખ્યાત હાર્ટસર્જન ડોક્ટર સુધીર શાહની દેખરેખ હેઠળ સારવાર ચાલુ હતી. આઈસીયુમાંથી બહાર આવીને ડોક્ટર શાહે જણાવ્યું એટેકને કારણે હ્રદયની દિવાલને ખાસ્સુ નુકસાન પહોંચ્યું છે. વી આર ટ્રાઈંગ અવર બેસ્ટ. બોત્તેર કલાક ક્રિટિકલ તો ખરા જ.

સદનસીબે દવા ભેગી દુઆ પણ ભળતી ગઈ. રાજવી હાર્ટ સર્જરીમાંથી બચી ગઈ. એન્જ્યોગ્રાફીમાં બે બ્લોકેજ આવ્યા. આથી અમુક દિવસે રાજવી પર એન્જ્યોપ્લાસ્ટી હાથ ધરવામાં આવશે. એવું ડોક્ટરે જણાવ્યું. આ સાંભળીને રાહુલના જીવમાં જાણે જીવ આવ્યો. રાજવી હવે બચી જશે એવી છૂપી આશાએ બંધાણી. આ સાંભળીને જય અને જાનવી પણ ગેલમાં આવી ગયા. જાનવીએ જયને ક્હયું, ‘જો જય આપણે જ્યારે નાના હતા ત્યારે મમ્મીએ હંમેશા આપણા ભણતરને, કેરીયરને પ્રાધાન્ય આપ્યુ છે. મને બરાબર યાદ છે હું જ્યારે દસમીમાં હતી ત્યારે રોહિતકાકાના મિત્રએ પેડર રોડ પરની ત્રણ માળની ઓફિસના ઈન્ટિરિયર ડિઝાઈનીંગનું કામ કરવાની મમ્મીને ઓફર આપી હતી. પણ મમ્મીએ મારા બોર્ડને ધ્યાનમાં રાખીને તેમને ચોખ્ખી ના ભણી દીધી હતી. અત્યારે આપણી ફરજ બને છે કે આપણે પણ મમ્મીના શોખ, તેના અધૂરા સપનાઓને પૂરા કરવાનો બનતો પ્રયત્ન કરીએ. હું પપ્પાને પણ વાત કરીશ. મારી ઈચ્છા છે કે આપણે રાજવી ઈન્ટિરિર્યસના નામે એક નાની ઓફિસ ખોલીએ. સાચું કહું મેં ઓફિસ માટેની જગ્યા પણ શોધી રાખી છે. રંગરોગાન અને બીજી અન્ય નાનીમોટી જોઈતી ચીજ-વસ્તુઓ લાવવાની જવાબદારી તારી જય. જય બોલ્યો, ‘ગ્રેટ જાનવી. ઘણો જ સારો વિચાર છે તારો. મને તો કદાચ આવું કંઈ સૂઝત પણ નહીં.ઉંમરમાં તારાથી નાનો ખરોને. ઓકે ડન.

એન્જ્યોપ્લાસ્ટી કર્યા બાદ રાજવીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. બધાએ નક્કી કર્યુ રાજવીને સરપ્રાઈઝ આપવી છે. ડિસચાર્જ બાદ તેને નવી ઓફિસે લઈ જવામાં આવી. રાજવીએ બહાર બોર્ડ વાંચ્યું. રાજવી ઈન્ટિરિયર્સ’. તેની આંખોના ખૂણા હર્ષના આંસુથી ભીંજાઈ ગયા. એક નવી જીંદગી રાજવી માટે નવી સવાર લઈને આવી હતી. રાજવી ધારીધારીને પોતાની નવી ઓફિસને નીહાળી રહી. જ્યારે જાનવીએ રાજવીના ચહેરા પર ખીલેલા ઈન્દ્રધનુષના સાત રંગોની રંગોળી જોઈ.


Rate this content
Log in