કાચો હીરો
કાચો હીરો
'પપ્પા મેં તમને કીધુને મારે લગ્ન નથી કરવા. હું તમને છોડીને નથી જવા માગતી. તમે મારી વાત માનતા કેમ નથી ?' 'અરે શ્યામા આ તો દુનિયાનો નિયમ છે કે દીકરી ઉમર લાયક થાય એટલે તેના મા-બાપ સારુ ઠેકાણુ ગોતીને તેને પરણાવી દે. ભલા દીકરી પિયરે થોડી શોભે. આમ પણ જો તારુ ભણવાનું એ હવે પૂરુ થઈ ગયુ છે. મુંબઈના મોટા વેપારી વેલજીભાઈના દીકરાનું માગુ આવ્યું છે ખૂબ જ ખાનદાન માણસો છે. વળી પાછા આપણે એક જ નાતના એટલે ચિંતાનું કોઈ કારણ જ નથી. તારા હાથ પીળા કરી દઉં એટલે મારી જવાબદારી એ પૂરી.' પિતાની જીદ આગળ શ્યામાનું કંઈ ચાલ્યુ નહીં.
અઠવાડિયામાં તો સંદીપ અને શ્યામાનું જોવાનું એ ગોઠવાય ગયું. થોડીવાર તો અહીં-તહીંની વાતો થઈ. શ્યામા સહેજ ભીને વાને. પરંતુ નેણ, નાકને દેખાવમાં તે સારી લાગતી. હા,ઘરકામની વરોટ પણ સારી હતી. પણ પ્રથમ મુલાકાતમાં સંદીપને શ્યામામાં ખાસ રસ ન પડ્યો. સંદીપને તે શરમાળ પકૃતિની લાગી. જ્યારે રોહિણીબેનની અનુભવી નજરે શ્યામાને તરત જ પારખી લીધી. થોડા દિવસમાં જવાબ આપવાનું કહીને તેઓ ત્યાંથી રવાના થયા. રસ્તામાં પાછા વળતી વખતે બંન્ને વચ્ચે શ્યામા વિષે ઘણી વાતચીત થઈ. સંદીપ પોતાની મૂંઝવણ વ્યક્ત કરતા બોલ્યો, ‘મમ્મી શ્યામા બોલવા,ચાલવામા ઠીકઠાક લાગી. બહુ શરમાળ અને ગભરુ પ્રકૃતિની છે. પહેરવે ઓઢવે એ ઓકે છે. ખબર નહીં મારો અને એનો કેટલો મેળ બેસશે ?’ સંદીપને અવઢવમાં જોઈ રોહિણીબેન બોલ્યા તારી બધી વાત બરાબર છે. જ્યારે મારુ મન શ્યામામાં ઠરી ગયુ છે. એ તો આપણા ઘરમાં આવશેને એટલે ઘડાતા વાર નહીં લાગે. કાચો હીરો છે બેટા જરા ઘસવો તો પડશે જ ! સંદીપને તેની મમ્મી પર પૂરતો ભરોસો હતો. થોડો વિચારવિમર્શ કરીને અંતે સંદીપે આ સંબંધ પર હકારની મહોર મારી.
રોહિણીબેને તો સંદીપની હા સાંભળીને હરખઘેલા થઈને તરત રવજીભાઈને ફોન જોડ્યો વેવાઈ અમારા તરફથી હા છે. રવજીભાઈએ આ સાંભળીને ઉત્સાહમાં આવી ગયા તો વેવાણ અમારી એ હા જ છે. તો ચાલો વેવાઈ લગનનું મૂહર્ત જોવડાવો એટલે અમે જલદી જાન લઈને આવીએ. રવજીભાઈને મોટો હાશકારો થયોં. સાથે વહાલસોયી દીકરીને વળાવવી પડશે એ વિચારથી તેમનું હ્રદય ભારે થઈ ગયુ. બંન્ને છેડે લગ્નની પૂરજોશમાં તૈયારીઓ થવા લાગી. આખરે એ મંગળ ઘડી આવી પહોંચી. લગ્નનો પ્રંસગ રંગેચંગે ઉજવાયો. વિદાયની નાજુક ઘડી આવી રવજીભાઈ એકદમ ગળગળા થઈને હાથ જોડીને બોલ્યા, ‘વેવાણ આ મા વગરની દીકરીને મેં એકલે હાથે ઉછેરી છે. તેને માની ખોટ નથી સાલવા દીધી. તેમ છત્તાય તેનાથી કંઈ ભૂલચુક થાય તો મોટુ મન રાખીને માફ કરી દે જો.’ શ્યામા તેના પિતાને ભેંટીને ચોધાર આસુંએ રડવા લાગી. રોહિણીબેન ભાવ વિભોર થઈને બોલ્યા, ‘અરે વેવાઈ આમ હાથ ન જોડો તમે શ્યામાની ફિકર છોડી દો. એ મારી દીકરી જ છે. હવે તમે હળવા થઈજાઓ.
ભાવનગરથી જાન મુંબઈ પાછી ફરી. રોહિણીબેનને ખબર હતી કે તેમની જવાબદારી હવે વધી જવાની છે. વરઘોડિયા હનીમુન કરીને પાછા આવ્યા એટલે રોહિણીબેને શ્યામાને બોલાવીને કહ્યું, ‘વહુ બેટા આજથી આ ઘરની તમામ જવાબદારી તને સોંપુ છું.’ એ શ્યામાને પરખવા માગતા હતા પણ શ્યામાએ કંઈ જવાબ ન આપ્યો. રોહિણીબેને તેને પાસે બેસાડીને સ્નેહપૂર્વક માથે હાથ ફેરવતા બોલ્યા તારે જે કહેવુ હોય એ ખુલ્લા દિલે બોલ. બિલકુલ ગભરાઈશ નહીં. તું મને તારી મા સમજીને વાત કર. શ્યામા ખચકાતા બોલી, ‘મમ્મી હું આ બધુ કેવીરીતે સંભાળીશ ? મને તો બહુ કંઈ આવડતુ પણ નથી. રોહિણીબેન બોલ્યા હું તને બધુ શીખવાડી દઈશ, હું તારી સાથે જ છું. આપણે બંન્ને સાથે ઘર સંભાળશુ. બસ તું હળવી થઈ જા. આવા પ્રેમભર્યા શબ્દો સાંભળીને શ્યામાને ઘણુ સારુ લાગ્યું. રોહિણીબેનને એ તો ખ્યાલ આવી ગયો કે શ્યામામા આત્મવિશ્વાસની ઓછપ છે. જે ભવિષ્યમાં તેની પ્રગતિની આડે આવશે. તેણે તરત જ સંદીપને આ બાબતે દ્યાન દોરીને શ્યામા માટે એક સારા પર્સનાલિ઼ટી ડેવલપમેન્ટના કલાસ જોઈન કરાવ્યા. ધીરેધીરે ગાડી પાટે ચઢતી ગઈ. ઘરકામમાં એ હવે શ્યામા કેળવાવા લાગી. રોહિણીબેન તેને એકે વાતે મૂંઝાવા નહોતા દેતા. સમય જતા શ્યામામાં નોંધનીય પરિવર્તન આવ્યું. વાતચીતમાં, બોલચાલમાં, વહેવારમાં તે હવે ખીલવા લાગી હતી. સંદીપને શ્યામાનો આ બદલાવ ખૂબ ગમ્યો.
એક દિવસ તેણે રોહિણીબેન સમક્ષ પોતાની ઈચ્છા વ્યકત કરતા કહ્યું, ‘મમ્મી મારે ગાડી ચલાવવાની પ્રેકટિસ કરવી છે. આમ તો મને ગાડી ચલાવતા આવડે છે. પણ ઘણા વખતથી ચલાવી નથી. આપણા ગેરેજમાં જે જૂની સેન્ટ્રો પડી છે. તે લઈ જાઉ. રોહિણીબેને હરખભેર હા પાડી.
બીજે દિવસે તે બપોરે ગાડી લઈને નીકળી. રસ્તામાં ટ્રાફિકના કારણે તેને ગાડી ગીઅરમાં નાખતા જરા વાર લાગી.અને સામે છેડે સિગ્નલ ચાલુ થઈ ગયું તે તો ગભરાઈ ગઈ. હોર્ન પર હોર્ન વાગવા લાગ્યા. ત્યાં એક રીક્ષા વાળો તેની ગાડીની બાજુમાં આવી ને બોલ્યો. 'ક્યા મેડમ ગાર્ડન મે ગાડી ચલા રહે હો ક્યા ? જાઓ જાકે રોટી પકાઓ ઘર પે !' હજુ તો પોતે કંઈ બોલે તે પહેલા તો પેલી રીક્ષા પુરપાટ આગળ નીકળી ગઈ. તે તો રડમસ મોઢુ લઈને ઘરે પાછી ફરી. તેનું આવુ ઉતરેલુ મોં જોઈને રોહિણીબેને ચિંતિત થઈને પૂછ્યું, ‘અરે શું થયુ શ્યામા આમ રડુરડુ કેમ થઈ ગઈ ?’ ત્યારે શ્યામાએ પેલા રીક્ષા વાળાની વાત કરી. તે રોહિણીબેનને વળગી પડીને બોલી આ જોને શું થઈ ગયુ,મમ્મી હું કંઈ નહીં કરી શકુ, મને કંઈ નથી આવડતુ. એક રીક્ષા વાળો તેને આમ સંભળાવી ગયો એ વાતથી શ્યામાના દિલને વધારે ઠેસ પહોંચી હતી. તેને થયું પોતે શું આવી જ ગભરુ રહેશે.
રોહિણીબેન સાંત્વન આપવા લાગ્યા અરે ક્યારેક થાય એવું એ તો બોલવા વાળા બોલ્યા કરે. મુંબઈ શહેરનો ટ્રાફિક જ એવો છે. અને બધા ઉતાવળમાં જ હોય એમાં તારો કશો વાંક નથી. તારે આમ હિંમત ન હારવી જોઈએ. રોહિણીબેનના આવા પ્રેરણાદાયી શબ્દો શ્યામાને નવુ જોમ પૂરુ પાડતા.
તે શ્યામાને સતત નવુ, નવુ શીખવા પ્રોત્સાહિત કરતા રહેતા. તેણે શ્યામાને સારી વરોટી લીધી હતી. રસોઈ,પાણીથી માંડીને વર, વહેવાર તે હવે બધુ સંભાળી લેતી. શ્યામાએ બનાવેલા ટિફિનના સંદીપની ઓફિસમાં વખાણ થતા.
ધીરેધીરે તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો. વાર, પ્રસંગે જ્યારે ઘરના બધા ભેગા થતા ત્યારે શ્યામા જ રસોઈ બનાવતી. સ્ટાર્ટરથી માંડીને લંચ, ડિનર કે ડેઝર્ટમાં શું બનાવવુ એ શ્યામા જ નક્કી કરતી. રોહિણીબેન જરુર પડ્યે ફક્ત તેને મદદરુપ થતા. તેણે એક પછી એક ઘરની બધી જવાબદારી શ્યામાને સોંપી દીધી. બધાને શ્યામાની રસોઈ ખૂબ ભાવતી. ઘરનાના સાથ, સહકાર અને પ્રોત્સાહન થકી શ્યામાએ વ્યાજબી દરે ટિફિન સેવા શરુ કરી. પૈસા કમાવવા માટે નહીં પણ પોતાની રાંધણકળાની સાથે સાથે તે તેનો આત્મવિશ્વવાસ વધારવા માગતી હતી. હા, હવે તે પોતે ગાડી ડ્રાઈવ કરીને જરુરિયાતમંદોને ટિફિન પહોંચાડવા જતી. ટિફિન સર્વિસમાં તેને ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો.
શ્યામાના ઉત્સાહને જોઈને સંદીપે તેને એક નાનુ કેફે ખોલી આપવાનું વિર્ચાયુ તેણે પોતાનો આ વિચાર રોહિણીબેનને જણાવ્યો. તેઓ સંદીપના આ વિચારથી અત્યંત ખુશ થઈ ગયા. હવે શ્યામા શુ કહે છે તે જાણવાનું હતું. સંદીપે જ્યારે શ્યામાને એ બાબતે વાત કરી. અને એનો નિર્ણય જણાવવા કહ્યું ત્યારે શ્યામા ‘તુમ્હારી સુલુ’ ફિલ્મની ‘સુલુ’ની માફક ઉમળકા ભેર આત્મવિશ્વાસના રણકા સાથે બોલી ‘મે કર સકતી હૈ.’ આવો આત્મવિશ્વાસથી છલોછલ જવાબ સાંભળીને સંદીપ અને રોહિણીબેન તો એકદમ ખુશ થઈ ગયા.
