Amrut Patel 'svyambhu'

Romance Tragedy

4.8  

Amrut Patel 'svyambhu'

Romance Tragedy

અંતરનું એકાંત

અંતરનું એકાંત

5 mins
1.7K


શહેરના પોશ એરિયામાં નદી કિનારેનો બંગલો, બંગલાની ઉપર એક સરસ મજાની અગાશી છે. આ અગાશીમાં ઊભાં રહેવું હિમાલીને ખૂબ ગમતું. કુલીન સાથે લગ્ન થયા તે સમયથી આજદિન સુધી તે રોજ સવારે સૂર્યોદયનું દ્રશ્ય નિહાળ્‍યા પછી ગાર્ડનમાંથી મોગરાના તાજા ખીલેલા ફૂલને ચૂંટી ફૂલદાનીને સજાવતી. આ તેનો નિત્‍યક્રમ હતો.

હિમાલીને પુસ્‍તકોનો ખૂબ શોખ એટલે તેણે તેના પ્રિય પુસ્‍તકોની અલગથી ગોઠવણી રાખી હતી. ઘરમાં અવનવી ગઝલોની સીડી હતી. કુલીન બહાર રહેતો ત્‍યારે હિમાલી પોતાના હોમ થિયેટરમાં તેની પસંદગીની મૂવી જોવામાં દિવસો પસાર કરતી. કુલીનનાં મિત્રોની પત્‍નીઓ સાથે કિટી પાર્ટીઓ યોજતી.

કુલીન મોટો બિઝનેસ હતો. ઘણું કમાતો હતો. તે તેના કામમાં બિઝી રહેતો. શહેરમાં તેની શાખ. તે એવું વિચારતો જેમ વધારે સગવડતા તેમ વધારે સુખ - એટલે પૈસાના તરાપામાં બેસીને સુખ માટે દોટ મૂકી બિઝનેસના કામે અવારનવાર ટૂર ખેડતો રહેતો. નોકર-ચાકર, ગાડી-સુખી થવા માટેની બધી જ સામગ્રી હોવા છતાં આ સમયે હિમાલી વિશાળ બંગલામાં સાવ એકલતા અનુભવતી.

લગ્ન જીવનનાં શરૂઆતના દિવસોમાં કુલીન જયારે પણ ટૂર ખેડતો ત્‍યારે હિમાલી એકલતા દૂર કરવા અવનવી પ્રવૃત્તિમાં વ્‍યસ્‍ત થવા પ્રયત્‍ન કરતી. તેને કુલીનનો વિરહ સતત સતાવતો રહેતો. સુખ સગવડ હોવા છતાં તેનું મન તો અતૃપ્‍ત જ રહેતું. પરંતુ કુલીન ટૂર પરથી પાછો ફરતો ત્‍યારે ચિર વિયોગ બાદ મેઘ તેની અમીરધારાથી કોરી ધરતીને નવપલ્‍લિત કરી દેતો તે રીતે તે હિમાલી પર વરસી જતો.. હિમાલીની તન્‍હાઈ દૂર થતાં જ જાણે ભીની ધરતીની સુવાસ મદભરી શ્‍વાસોચ્‍છ્‍વાસમાં તે લહેરાઈ રહેતી એ ખૂબ ઉતેજિત બની જતી. કુલીનને પામીને  તે નવુ સ્‍વાસ્‍થય, નવું જીવન પામતી. હિમાલી માટે આ ખૂબ રૂચિકર હતું. આજ તેનું સાચુ સુખ હતું. કુલીનના વિયોગ સમયે એના અંતરમાં ઉછળતા તરંગોને એ કલ્‍પનાઓને કુલીન દ્વારા પ્રહાર પામીને એ ઓર બહેકી જતી. કુલીન તીવ્ર અને ઉત્‍કટ પ્રેમ સાથે હિમાલીને તેની યુવાન બાહુઓમાં જકડી લેતો. હિમાલીની એકલતા દૂર થતી. ધરતીમાં નવા અંકુરો પ્રસ્‍ફૂરિત થાય તેમ એમના સંસાર બાગમાં ફોરમના રૂપમાં એક સુંદર મજાનું ફૂલ ઉઘડયું...!

ફોરમને લીધે ઘર ભર્યુ લાગતું. હિમાલીએ કુલીનની એકલતામાં સેવેલું સ્‍વપ્‍ન સાકાર થતાં તેનો આખો દિવસ ફોરમની નાની નાની જરૂરિયાતો પૂરી કરવામાં પૂરો થતો.

ગાર્ડનમાં પા... પા... પગલી ભરતી ફોરમને જોઈ હિમાલીનું મન ભરાઈ જતું. ફોરમનાં મો સામે જોતાં ભાવથી ઓગળી જવાય એવી નમણી ભોળી આંખોવાળી. કાલુઘેલું બોલી ગળા ફરતા હાથ વીંટી રહેતી ફોરમને લીધે હિમાલીને અઢળક સુખ પ્રાપ્‍ત થતું. કુલીન તેના બિઝનેસમાંથી સમય કાઢી બન્‍ને ફોરમને લઈ દૂર ફરવા પણ જતાં. ફોરમ માટે ઢગલાબંધ રમકડા લાવતાં. ફોરમના જન્‍મ પછી હિમાલીનું જીવન જાણે ફોરમમય બની ગયું. કુલીન ને હવે તે પહેલા જેવો સમય આપી શકતી નહોતી.એટલે કુલીન બિઝનેસમાં વધુ બિઝી રહેવા લાગ્‍યો. હિમાલી જાતે ગાડી ડ્રાઈવ કરીને ફોરમને સ્‍કૂલે મૂકવા જતી. સમય જતાં ફોરમ જાતે ગાડી ડ્રાઈવ કરી કોલેજ જવા લાગી. તે સાથે તેનો મોટા ભાગનો સમય તેના ફ્રેન્‍ડો સાથે જ પસાર થતો રહ્યો.

કુલીન ટૂરના બહાને દિવસોના દિવસો બહાર રહેતો. હિમાલી તેનો ઈંતેજાર કરતી રહેતી. ફોરમ તેની મસ્‍તીમાં રહેતી એટલે હિમાલીએ મનને બીજી તરફ વાળવા માંડયું.

બિઝનેસ ટૂર પરથી પાછા વળતા કુલીનને હવે ખાસ પ્રતિભાવ આપતી નહોતી. કુલીનને તે બિલકુલ ગતિ વગરની ઠંડી સ્‍ત્રી લાગવા માંડી. તે હંમેશા હિમાલીનો વાંક કાઢતો.. કુલીન માટે તે હવે એક ફિઝાડવુમન હતી...!

ફોરમનો અભ્‍યાસ પૂરો થતાં વધુ અભ્‍યાસ માટે તેણે કુલીનને વાત કરી. કુલીને કોઈપણ જાતનો વિરોધ કર્યા વગર મંજૂરી આપી દીધી. હિમાલીએ વિરોધ કર્યો તો બાપ-દીકરી એક થઈ ગયા. હિમાલીએ બન્‍ને સાથે દલીલ કરવામાં મજા નહીં આવે તેવું વિચારી ચૂપ રહી...!

ફોરમ વધુ અભ્‍યાસ અર્થે હવાની પાંખે લંડન ઊડી ગઈ. ફોરમનાં લંડન જવાથી હિમાલીને ખૂબ દુઃખ થયું તે કયારેક કયારેક ફોરમ સાથે ટેલિફોનથી સંપર્ક કરી દુઃખ હળવું કરવાનો પ્રયત્‍ન કરતી. ફોરમનાં ગયા પછી કુલીન વધુ ને વધુ ઘરની બહાર રહેવા લાગ્‍યો. હિમાલીએ કુલીન વિશે ઘણું જાણી લીધું. કુલીનને તે ફ્રિઝાડવુમન કેમ લાગતી હતી તેનો ખ્‍યાલ તેને આવી ગયો પણ તે ચૂપ રહી...!

હિમાલી પહેલાથી દુઃખી હતી ત્‍યાં એક દિવસે ફોરમનો સંદેશો મળ્‍યો. તેને લંડનમાં જોબની ઓફર થતાં તેણે તે સ્‍વીકારી લીધી છે. કુલીન છાતી ફુલાવતા ફોરમનાં વખાણ કરતો હોય તે રીતે બોલ્‍યો, 'જોયું આને કહેવાય બિઝનેસમેનની દીકરી. તું જોજે હવે તે કયાંની કયાં પહોચી જશે તે..' હિમાલીને કુલીનની વાત સાંભળી દુઃખ થયું- કુલીન આટલો બધો સ્‍વાર્થી હશે...!

દિવસની શરૂઆત થતાં જ તે એકલતા દૂર કરવાના પ્રયત્‍નો કરતી તે છેક રાત પડયે પડખા ફેરવવામાં સમય પસાર થતો. તે સતત કોઈકનું સાનિઘ્‍ય ઝંખતી. વાતો ન કરે તો ચાલે ચૂપચાપ કોઈ તેની પાસે બેસે, હૃદયને અડીને રહે તેવું તે ઈચ્‍છતી.... ફોરમની યાદ તેને હંમેશા સતાવતી રહેતી.

ગાર્ડનમાં ઉગેલા ફૂલછોડ તેમજ બંગલાની આસપાસનાં ઝાડના કારણે તે ઘણીવાર બધું ભૂલી જઈ પ્રકૃતિનાં પ્રેમમાં ખોવાઈ જતી. ગાર્ડનમાં જાતે જ લોનને પાણી છાંટતી. સમય પસાર કરવા ગાર્ડનમાંથી ચમેલી, ગુલાબનાં રંગબેરંગી ફૂલોને ચૂંટી ઘરને શણગારતી રહેતી.

સરસ મજાના બંગલામાં તે સાવ એકલી રહેતી. એકલી હિમાલીને આકાશની છત ઓઢીને બેઠેલ ખામોશ અગાશી ગમતી. તેના જેવી જ એકલતા અનુભવતી આ અગાશીમાં બેસવાનું તેને ખૂબ ગમતું. આ એકલતામાં તેને કુલીનનાં શબ્‍દો યાદ આવી જતાં... 'ફ્રિઝાડવુમન'

શું ખરેખર તે એક ફ્રિઝાડવુમન બની ગઈ છે. હાડમાંસના આકારથી વિશેષ હવે કશું નથી. શું ખરેખર આ અંતરમાં શરીરમાં વાસનાનો કોઈ જવાળામુખી નહીં હોય- ખરેખર પાનખર આવી ગઈ હશે...!

હિમાલી પોતાના મન સાથે વિવાદ કરતી રહી.

પણ... ના...

કુલીન એક દિવસે બિઝનેસ ટૂરના બહાને થોડા દિવસ બહાર હતો. નિયત દિવસે પાછો ન ફરતાં હિમાલીએ મોબાઈલ પર કોન્‍ટેકટ કર્યો. ત્‍યારે કુલીન આખી વાતનો ઘટસ્‍ફોટ કરતો હોય તે રીતે બોલ્‍યો, 'હિમાલી હું અનન્‍યાને ચાહું છું- અમે સાથે જીવન વિતાવવાનો નિર્ણય લીધો છે...!' હિમાલીના હાથમાંથી રિસીવર છૂટી ગયું. તેને ઊંડો આઘાત લાગ્‍યો. તે આ વાત જાણતી હતી છતાં કુલીને તેના તરફ વિશ્વાસઘાત કર્યો હોય તેવી લાગણી થઈ આવી...!

થોડા દિવસ પછી કુલીને ઘેર આવી હિમાલીને કહ્યું; 'અનન્‍યા વગર હું રહી શકું તેમ નથી. અમે બન્‍ને એકબીજાને ખૂબ ચાહીએ છીએ... જો ફોરમ ફોરેનમાં સેટલ થઈ જશે. આ બંગલો નોકર-ચાકર બધું જ તારું હું પણ અહીં આવતો જતો રહીશ...!'

હિમાલી ડઘાઈ ગઈ. આઘાતને લીધે એક શબ્‍દ પણ ઉચ્‍ચારી ન શકી. કુલીન અનન્‍યા પાસે ચાલ્‍યો ગયો.

શરૂઆતનાં દિવસોમાં હિમાલી ખૂબ જ રડતી રહી. પછી ધીમે ધીમે તેણે મનને મનાવી લીધું. ફોરમ બન્‍ને સાથે ફોનથી સંપર્ક કરતી પણ આ વાતનો કયારેય ઉલ્‍લેખ થયો નહોતો.

એક સાંજે- 

હિમાલી અગાસી ઉપર જઈ ડૂબતાં સૂરજને નિહાળી રહી હતી. ત્‍યાં- ફોરમનો સંદેશો મળ્‍યો... તેણે લંડનમાં ખૂબ શ્રીમંત એવા ગુજરાતી યુવક સાથે મેરેજ કરી લીધા છે. તે હવે લંડનમાં જ સેટલ થવા માંગે છે...!

હિમાલીએ પશ્ચિમ તરફ નજર કરી. દૂર ક્ષિતિજે સૂરજની કોર દેખાતી હતી તે પણ અદ્રશ્ય થઈ ગઈ હતી...!


Rate this content
Log in

Similar gujarati story from Romance