હળવી વાત હળવેકથી - 30
હળવી વાત હળવેકથી - 30
અકસ્માતના આગલા દિવસે જ મને સંકેત મળી ગયો હતો કે હવે આ પૃથ્વીલોકમાં આપણા અંજળપાણી પૂરા થયાં ! અને એટલે જ તે રાતે કલમ ઊપાડી અંગત ડાયરીમાં નોંધ કરું છું, અને સર્જન થયું.
'મારું ટેલીફોનીક બેસણું'
'આપણે જેટલા અહીં છીએ તેટલા જ સૂર્યમાં અને તારાઓમાં છીએ. આત્મા દેશ અને કાળથી પર છે અને સર્વત્ર છે.'
-સ્વામી વિવેકાનંદ.
આમ તો મારું અકસ્માતમાં મૃત્યુ પામ્યાનાં સમાચારથી તમે બધાં અસ્વસ્થ થઈ ગયા છો ! પણ શું થાય આજ નિયતિ હશે. જે અહીં સદેહે આવ્યાં છે તે બધાંએ એકને એક દિવસે તો આ દેહનો ત્યાગ કરવો જ રહ્યો. પણ તમને બધાંને જણાવી દઉં કે, હું જીવાત્મા જગતમાં ખુશ છે અને તમને બધાંને જોઈ શકું છું તેથી ચિંતા ન કરો. હું મૃત્ય પામ્યો અને મારાં મૃત્યુની થોડી ક્ષણોમાં હું જીવાત્મા જગતમાં પહોંચી ગયો છું. એટલે મને સ્વામી વિવેકાનંદની વાત અત્યારે સાંભરે છે !
આ બે વરસ પહેલાં અચાનક જ આવી પડેલી વૈશ્વિક મહામારીમાં કેટકેટલાં સ્વજનોએ દેહ ત્યાગ કર્યો છે. અત્યારે આ બધાં જ મારી આસપાસ જ છે. આ દિનેશભાઈ, ઉમેદભાઈ રાઠોડ, પેલાં સામે ભાદ્રેશભાઈ. આ સિવાય આ આપણા ભરતમામા તેની બાજુમાં પેલાં સોસાયટીના દાદાજી છે. માતમ ગમારા, જયુભા, ચેતના બા, કેટકેટલાં પ્રિયજનો અહીં છે. અને હા, આ રહ્યાં મારાં સાહિત્ય સર્જક મિત્રો જે હવે તમારી વચ્ચે રહ્યા નથી. આ ઈન્દુકુમાર જાની, કનુભાઈ યોગી, સુધીર દેસાઈ, સુમંત રાવલ, શ્વેતા મહેતા, નસીર ઈસ્માઈલી, ધનતેજવી, ધીરુભાઈ પરીખ, ગીતા નાયક, રશીદ મીર, પ્રફુલ્લા વોરા, માધવ જોશી, કાંતિસેન શ્રોફ, નલિન રાવળ, પીયુષ પંડ્યા, ફિલિપ ક્લાર્ક, બેન્યાઝ ધ્રોલવી, રીષભ મહેતા અને બીજાં બધાં કેટકેટલાં સ્વજનો અહીં છે ! એટલે અહીં મને બિલકુલ અજાણ્યું લાગ્યું નથી.
કહેવાય છેકે, મૃત શરીરમાંથી જીવાત્મામાં ચાલ્યાં ગયાં પછી જીવાત્મા થોડાં દિવસો સુધી અહીંથી તહી ભટકતો રહે છે. જે હું અત્યારે અનુભવી રહ્યો છું. આજે હું તમારી સામે સ્થૂળ શરીર રૂપે નથી પણ સુક્ષ્મ શરીર રૂપે પ્રત્યક્ષ છું, અને નહિ પણ ! કારણ કે અત્યારે હું અને આ બધાં જ તમને પ્રત્યક્ષ રૂપે જોઈ રહ્યાં છે. જ્યારે તમે અમને જોઈ શકતાં નથી !
દીકરાએ વર્તમાન પરસ્થિતિને ધ્યાનમાં લઈ બેસણું બંધ રખાવ્યું છે. એટલે આજે બધાં જ આપ્તજનો તો અહીં આવવાનાં નથી. તે હું જાણું છું, અને તમે સૌ જાણો છો. !
જુઓ તમે સૌ પરિવારના અંગત પ્રિયજનો છો તે સફેદ ધોળા બગલા જેવાં અને કેટલાંક કાળાં કપડાં માં આવી મારી તસવીરને ફૂલોથી સુશોભિત કરીને દીપ પ્રગટાવી, અગરબત્તી પેટાવીને એક બીજાથી અલગ એટલે કે 'સોશિયલ ડિસ્ટન્સ' જાળવીને બેઠાં છો !
આ મારી પત્ની, પેલો મારો દીકરો, તેની બાજુમાં મોટાભાઈ ! આ સામે કાકી તેની બાજુમાં મોટા ભાભી. ખુરશીમાં બેઠાં તે પેલાં ભાભુ, માસી અને પેલાં ફયબા… હું પણ જાણું છું કે તે બધાંને નીચે બેસતાં શરીર સાથ આપતું નથી એટલે દીકરાએ આ સગવડ પણ કરી છે. જો કે દીકરાને ખાસ ખબર ન પડે એટલે અનુભવે તેની મમ્મીએ કહ્યું કે, ' ખુરશીની પણ સગવડ રાખવી પડે.' અને તે મુજબ જેમને તકલીફ છે તે આ ખુરસી પર બેઠાં છે. ઘરે તો કોઈએ આવવાનું ન હતું. આમ છતાં જેમને મારાં તરફ ખાસ લાગણી છે તે તો આ નિયંત્રણની અવગણના કરીને પણ ઘરે આવી જ ગયા છે. આમ ટેલિફોનથી થોડું જ કંઈ ચાલતું હશે તેમ વિચારી અહીં આવ્યાં છે !
મારાં તરફનો પ્રેમ ખરોને !
બધી જ તૈયારી થઈ ગઈ છે. ટેલીફોનીક બેસણાંમાં સવારે નવ વાગ્યાથી શરૂ કરી અગિયાર વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે.
જુઓ સામે કેટલી સરસ ઘડિયાળ દેખાય છે. આ ઘડિયાળ મારી છપ્પનમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી ત્યારે મારો દીકરો લાવ્યો હતો. જો કે મોલમાં શોપિંગ માટે અમે બધાં જ ગયાં હતાં. પણ તે અમારાથી ખાનગીમાં આ 'સરપ્રાઈઝ ગિફ્ટ' પેક કરાવી આવ્યો હતો !
કેટલી સુંદર, ઘરમાં જેવાં દાખલ થાવ ત્યાં જ નજરે પડે. બહારથી આવતાં બધાં તરત જ 'કેટલી સરસ ઘડિયાળ છે !' કહે અને તે પછી પાછી આ ઘડિયાળની ચર્ચા ચાલે. આમ ધીરે ધીરે આનો પણ મારી પ્રિય વસ્તુઓની યાદીમાં સમાવેશ થયો હતો !
કમરાની દીવાલ ઘડિયાળના લોલકનો અવાજ સંભળાય એવી નિરવતમાં બસ હવે પાંચ મિનીટમાં મધુર ડંકા પડશે !
અરે… અત્યારે ક્યાં હું પાછો આ ઘડિયાળની કુંડળી લઈને બેસી ગયો !
હાં, હું તમને કહી રહ્યો હતો કે, જુઓ આ ઘડિયાળમાં તમે જોયું? આઠને પંચાવનનો સમય થવા આવ્યો છે. બસ ફક્ત પાંચ મિનીટમાં ફોન રણકવું ચાલું થઈ જશે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિમાં દીકરાએ બધાંના નંબર લખી જ નાખ્યાં છે એટલે જુઓ હવે ચાલું થઈ જશે. મારો ફોન પણ દીકરાએ જ રાખ્યો છે એટલે એ ફોનમાં મારાં મિત્રો, વોટ્સએપ, ફેસબુક ગૃપ મિત્રો, પરિવાર સ્વજનો મારાં આ ફોનમાં સંદેશો પાઠવશે.
એ રિંગ વાગી… !
અરે આતો મારાં જ ફોનમાં પહેલી રિંગ વાગી.
' કોણ હશે? !
ઘડિયાળમાં હજી તો નવ વાગ્યામાં ત્રણ મિનિટની વાર છે. આ સૌથી પહેલાં કોણ હશે ચાલો સાંભળીએ…
'હેલો … લંડનથી હું વિક્રમ માછી બોલું છું. જય અંબે'
' જય અંબે અંકલ.'
' દીકરા, સમાચાર જાણી બહું દુઃખ થયું… પણ શું થાય. તારાં ડેડનો ઉપકાર તો હું ક્યારેય નહીં ભૂલી શકું તેમ નથી પણ અત્યારે
તો એમનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ૐ શાંતિ. શાંતિ. શાંતિ.
' જી, અંકલ…'
' દીકરા મૂંઝાતો નહીં અને મારાં લાયક કામ હોય તો મને ગમે ત્યારે જણાવજે. જય અંબે.'
'જય અંબે.અંકલ.'
અરે.. આતો લંડન વાળો વિક્રમ છે… જે વરસો પહેલાં અચાનક બધું છોડી વિદેશમાં સ્થાઈ થયો છે… તે દિવસે પણ તેને મારાં પર જ વિશ્વાસ હતો અને મેં પણ તેનાં વિશ્વાસને જતનથી જાળવ્યો હતો એટલે આજે સમય પહેલાં ફોન કર્યો છે. !
' હેલો. બહેન. રાધે..રાધે..
' રાધે રાધે.'
પત્નીનાં ફોનમાં સંદેશો આવ્યો.
' બહેન સમાચાર જાણી બહું દુઃખ થયું, પણ ભગવાન સામે આપણે બધા લાચાર છીએ…
' જી, મારી બેન.' બોલતાં પત્નીએ ડૂસકું ભર્યું. પાછી ગમગીની છવાઈ ગઈ.
પત્નીની બહેનપણીનો મુંબઈથી ફોન છે.
દીકરાનાં ફોનમાં અને મારાં ફોનમાં એક સાથે રિંગ વાગી.
દીકરાએ તેનાં ફોન પર નામ જોઈ મારો ફોન રીસિવ કર્યો. તેનાં ફોન પર તેનો મિત્ર હતો.
મારાં ફોન પર…
' હેલો… હરિ ઓમ…'
' હરિ ઓમ.'
'બહુ સારા માણસ હતા.'
' જી. '
'હજી ગયા અઠવાડિયે જ અમારી વાત થઈ… ખૂબ સારાં લેખક હતાં. કહેતા હતા કે,' તેમની નવલકથા 'આગિયાનું વૃક્ષ' નો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે અને મારી પાસે લઈને આવવાનાં હતાં પણ… ! !
'જી, હું એમનો દીકરો બોલું છું.'
' દીકરા છો એમ ને ! તો તો તમને બધી ખબર જ હશે તમારાં બાપાનું પહેલું પુસ્તકનું વિમોચનમાં પણ હું આવ્યો હતો.
હા, અંકલ હું જાણું છું.'
' ચાલ દીકરા તારે બીજાં ફોન આવતાં હશે… હરિ ઓમ શાંતિ. શાંતિ. શાંતિ.
' હરિ ઓમ, અંકલ.
અરે આ તો ડો. કેશુભાઈ દેસાઈનો ફોન હતો. હજી હમણાં જ અમારી વાત થઈ હતી !
અરે… હવે તો બધાંના જ ફોનની રીંગ ટોન ચાલું થઈ છે…
જુઓ આ દીકરાનાં અને મારાં ફોનમાં રિંગ વાગી… પત્નીનાં ફોનમાં.
મોટાભાઈના ફોનમાં..
અરે… ભાભુના ફોનની પણ રિંગ વાગી. ચાલો જોઈએ ભાભુને કોણે ફોન કર્યો…
ભાભુ: ' એલાવ… (હેલો..) '
' જય સ્વામિનારાયણ… દાદી.
' જય સ્વામિનારાયણ…બટા (બેટા)
' ભાઈના સમાચાર જાણી બહું દુઃખ થયું. અકસ્માતના આગલા દિવસે જ મારી વાત થઈ હતી. કહેતા હતા, 'હવે આ કોરોનાની બીજી લહેર ધીરી પડી રહી છે એટલે ચોક્કસથી ગઢડા સ્વામિનારાણના મંદિરે દર્શન કરવા આવવાનાં છીએ અને ત્યાંથી ઘરે આવવનું પણ કહેતા હતા પણ…'
વાત સાંભળી ભાભુએ ઠુઠવો મૂક્યો…
ફરીથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ…
અરે આ તો બોટાદવાળા પ્રવીણભાઈ છે. કેટલાં વરસથી બોલાવી રહ્યાં હતાં. માંડ માંડ નક્કી કર્યું ત્યાં…
ટેલીફોનીક બેસણાંનો સમય પૂરો થવા આવ્યો છે. આમ છતાંબધાંનાં ફોનમાં રિંગ વાગી રહી છે…
મારાં ફોનની રીંગ ટોન ચાલું છે. કોણ હશે…? દીકરો તેનાં ફોન પર વ્યસ્ત છે !
કોણ હશે…? !
ફરી રિંગ વાગી…
' અરે આતો વિષ્ણુભાઈ સાહેબ છે. દીકરો ફોન ઊઠાવે તો સારું.
દીકરાનો ફોન ચાલું છે. પણ તેણે મારો ફોન ઉપાડી બીજા કાને ધર્યો.
' જયશ્રી કૃષ્ણ…'
' જયશ્રી કૃષ્ણ…'
' ભાઈ હું વિષ્ણુ બોલું છું…'
' જી…અંકલ.'
તમારાં પપ્પા અમારાં નિયમિત વાર્તા લેખક હતાં… આ સમાચારથી હું અને અમારી સમગ્ર ટીમ દુઃખ અનુભવીએ છીએ…'
' જી, અંકલ પપ્પા તમારી વાત કરતાં હતાં. કહેતા હતા કે, 'કોઈ પણ કામ કે માર્ગદર્શનની જરૂર પડે તો તમારી પાસેથી તે મેળવી લેતાં હતાં. આ ત્રીસ દિવસ ડાયરી લેખન સ્પર્ધામાં પણ પપ્પાએ ભાગ લીધો હતો.
' હા, ભાઈ તમારાં પપ્પની ખોટ પૂરી કરી શકાય તેમ નથી… પણ શું થાય. ભાઈ, આજ નિયતિ હશે. તેમનાં આત્માને શાંતિ આપે… જયશ્રી કૃષ્ણ ભાઈ.
' જયશ્રી કૃષ્ણ… અંકલ.
બધાં સ્વજનો પોત પોતાના ફોન પર વ્યસ્ત થઈ ગયા છે..
કમરાની દીવાલ ઘડિયાળના લોલકનો અવાજ સંભળાય છે. ટંગ… ટંગ… કેવાં મધુર ડંકા પડ્યાં. સમય પૂરો થયો પણ હજી ફોન ચાલું છે !
' ભાઈએ એકલાં આંબા વાવ્યાં છે…' અંદરો અંદર વાત થઈ રહી છે… તેમજ એક પછી એક ફોન રણકી ઊઠે છે. સૌ પોત પોતાના ફોન પર વ્યસ્ત છે. મારી તસવીર પાસે પ્રગટાવેલો દીપ ધીરે ધીરે પ્રકાશ પાથરી રહ્યો છે. મોટી અગરબત્તી મંદ મંદ સુગંધ સાથે વાતાવરણને મહેકાવી રહી છે.
ઘડિયાળનાં ટકોરા સાંભળી સૌ એક બીજાં તરફ જોઈ જેમ જેમ તેમનાં ફોનમાં રિંગ વાગતી રહી તેમ તેમ પોતપોતાની રીતે બેઠક છોડી કોઈ ગેલેરીમાં તો કોઈ બાજુનાં બેઠક ખંડમાં તો વળી કોઈ ટોયલેટ તરફ ધીરે ધીરે ખસતાં રહ્યાં અને હળવા થતાં રહ્યાં. હું સૌને જોતો રહ્યો પણ મારાં બેસણાંમાં હું સૂક્ષ્મ શરીર રૂપે પ્રત્યક્ષ હાજર છું છતાં મને જોવા વાળું કોઈ નહોતું !
* * *
'જીવાત્મા જગતમાં સાત વિસ્તાર અથવા સ્તરોનું અસ્તિત્વ છે, જેમાં એક સૌથી નીચલો અને સાતમો સૌથી ઊંચો સ્તર છે. જ્યારે આપણે આ પૃથ્વીલોક છોડી જીવાત્મા જગતમાં પ્રવેશ કરીએ ત્યારે એના વિશે સંપૂર્ણ જાણ થાય છે. જીવાત્મા જગતમાં ધર્મો હોતા નથી. આપણે સૌ એક જ ઈશ્વરની આરાધના કરીએ છીએ. !
મારી અંગત ડાયરીમાં અંતિમ નોધ કરીને તે રાતે હું આ વિશે કયાંય સુધી વિચારતો રહ્યો !