Amrut Patel 'svyambhu'

Tragedy Inspirational Thriller

4  

Amrut Patel 'svyambhu'

Tragedy Inspirational Thriller

હળવી વાત હળવેકથી - 27

હળવી વાત હળવેકથી - 27

3 mins
261


રવિવાર રજાનો દિવસ છે. ડાયરી હાથમાં લઈ પાનાં ઊથલાવી રહ્યો છું, ત્યાં એકાએક મારી નજર ઋણાબંધ શબ્દ પર અટકી. વાર્તા વાંચવાની શરૂઆત કરી તો...

જે દિવસે તમે રાહત કેમ્પ છોડ્યો તે દિવસે જ તમે એક સંકલ્પ કર્યો હતો કે નિવૃત્તિ પછી એવું કોઈક કાર્ય કરવું કે જેથી સમાજનું ઋણ અદા કરી શકાય. અને બન્યું પણ એવુંજ, તમારા ખાસ મિત્રને તમે તમારો વિચાર જણાવ્યો તો તે પણ તમારી સાથે આ પ્રવૃત્તિ માટે તૈયાર થઈ ગયો. અને આજે તમારા દ્વારા સ્થપાયેલી ઋણાબંધ પચાસથી વધુ શરણાર્થીઓની તમે સેવા કરી રહ્યા છો ! તમે આજે વહેલી સવારે ઋણાબંધ જવા નીકળ્યા. આ રીતે તમે અવારનવાર મુલાકાત લઈ નવા આવેલા સભ્યોની માહિતી મેળવી લેતા. પણ આજે તમને એકાએક અનવરની યાદ આવી. આ એજ અનવર કે જેને કારણે તમને નિવૃત્તિ બાદ આવી પ્રવૃત્તિ માટેની પ્રેરણા મળી હતી.

ક્યાં હશે અનવર ? ! તમે વિચારી રહ્યા છો...

તે દિવસે પણ તે રાહત કેમ્પમાં બોલ્યો હતો, 'હવે મારું કોણ ? અને અવાજ વગરનું હસતો રહ્યો.

આ એજ અનવર... ! હા, રાહત કેમ્પના રજીસ્ટરમાં તેણે આજ નામ લખાવ્યું હતું. અને તે સમયે પણ એકજ વાત કરતો હતો; 'હવે મારું કોણ ?'

તે દિવસે પણ તમે તમારી ફરજ બજાવી રહ્યા હતા. તમારા માટે આ કોઈ નવો કેસ નહોતો અને તમારી પાસે વધુ વિચારવાનો સમય પણ ક્યાં હતો. અને તે કરતા તમારે તો અહીં અચાનક જ આવવાનું બન્યું.

અજાણ્યો પ્રદેશ ! ઓફિસમાંથી હુકમ થયો કે તમારે કાલે સવારે કચ્છ-ભૂજ જવાનું છે અને તમે ઘેરથી નીકળી ગયા હતા. ઘરેથી નીકળતા સમયે તમે પણ ક્યાં એવી કલ્પના કરી હતી કે આટલી મોટી હોનારત થઈ હશે. તમને એમ કે અઠવાડિયામાં તો પાછા આવી જઈશું. પણ તે પછી તો તમારે સતત એક મહિના સુધી ત્યાં જ રહેવાનું બન્યું. અને આ દરમિયાનમાં તમે કંઈ કેટલીય સંવેદના અનુભવી. કોણ કોને સહારો આપે ? સૌની વ્યથા સરખી ! પણ આ બધામાં તમને આ અનવરની વ્યથાએ હચમચાવી દીધા હતા.

અનવર આખો દિવસ બસ એટલુંજ બોલતો રહેતો... 'હવે મારું કોણ ? 'તે સિવાય બીજું કશું જ બોલતો નહતો. એટલે રાહત કેમ્પમાં સતત તમે તેની ખાસ સંભાળ રાખતા હતા. તમે સતત અનવરના પરિવારની માહિતી મેળવવા માટે પ્રયત્ન કરતા હતા. આમને આમ તમારે પરત આવવનો સમય થયો ત્યાં બે દિવસ પહેલા જ તમને અનવરના પરિવારની માહિતી મળી ને તમને આઘાત લાગ્યો !

કુદરત આટલી ક્રૂર થઈ શકે !

તે દિવસે અનવર ઘરની બહાર નીકળી થોડે દૂર જઈ પાછો વળી ને રુબીના ને હાથ હલાવી બાય... બાય... કરે છે ત્યાં જ ધરા ધ્રુજી હજી તે કંઈ સમજે વિચારે છે ત્યાં... તેના મમ્મી-પપ્પા તેની ડોક્ટર પત્ની રુબિના અને એકનીએક વ્હાલસોયી દીકરી તેની આંખ સામે ભૂકંપમાં કાટમાળમાં દટાઈ જાય છે. તે સાથેજ તે જમીન પર ઢળી પડે છે અને જ્યારે તેને હોશ આવે છે ત્યારે તે અવાજ વગરનું હસતા હસતા ધીમે ધીમે; 'હવે મારું કોણ ?' હવે મારું....? !

તમે રાહત કેમ્પમાં રહ્યા ત્યાં સુધી તમે અનવરની સંભાળ રાખી. હવે તમારે બે દિવસ પછી પાછું ફરવાનું છે ત્યાં તમે અનવર વિશે જે જાણ્યું તે તમારે માટે અસહ્ય હતું. 'હવે અનવરનું શુ થશે ? !' તે વિચારે તમે વિચલિત થયા જ્યારે તમે કેમ્પ છોડ્યો ત્યારે તમે અનવરના ખભે હાથ ધરી અનવરની આંખમાં આંખ પરોવી જોઈ રહ્યા તે સમયે પણ અનવર ધીમું ધીમું અવાજ વગરનું હસતા હસતા બોલ્યો... 'હવે મારું કોણ ? !

અને તમારી આંખમાં આંસુ આવી ગયા. તમે ભારે હૈયે કેમ્પ છોડ્યો !

વાતને આજે બે દાયકા પસાર થવા આવ્યા. હવે તો તમે નિવૃત થયા અને સંકલ્પ મુજબની પ્રવૃત્તિમાં વ્યસ્ત છો પણ તમે આજે પણ અનવરને ભૂલી નથી શક્યા !

આજે ખબર નહીં કેમ પણ તમને અનવરની ખૂબ યાદ આવી રહી છે... 

ત્યાં...

'હલ્લો સર, હું અગ્નેય બોલું છું.' ઋણાબંધમાંથી ફોન આવ્યો ને તમે કહ્યું;'હા, બોલ બેટા ? 

અને સામેથી મળેલા સમાચારથી તમે ઝડપથી ઋણાબંધ જવા માટે ગાડી હંકારી તે સાથે... અનેક વિચારો આવતા રહ્યા... શું ખરેખર તે અ...ન..વ..ર.. ? ! !  

 ***

ડાયરી બંધ કરું છું, ત્યાં- વરસો પહેલા અનુભવેલી ભૂકંપની યાદ ફરી તાજી થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy