ભ્રાંતિ - ૨
ભ્રાંતિ - ૨
તમે કોલેજ જાવ છો... ? ! પાવનના અણધાર્યા પ્રશ્નથી રશ્મિ પાણી પાણી થઈ ગઈ. તેના શરીરમાં અલગ જ કંપારી છૂટી તે શરમાઈ ગઈ.
'હા... આજે થોડું મોડું થઈ ગયું છે.' રશ્મિ શરમાતા બોલી.
' પણ આજે તો સ્ટ્રાઈક છે... તમને ખબર નથી ? !'
'કેમ... કઈ વાતે... ?'
'સંસ્કૃતના પ્રોફેસરની માંગણી સબંધે.'
'ઓહ... ગઈ કાલે હું બહારગામ હતી એટલે મને ખબર નથી.'
'ગઈકાલે છેલ્લા બે પીરીયડ બાદ બધા બહાર આવી ગયા હતા. માંગણીનો કોઈ સંતોષકારક જવાબ પ્રિન્સિપાલ તરફથી નહીં મળતાં જી.એસ. તરફથી આજે બંધનું એલાન આપ્યું છે.'
'ઓહ..નો, થેકસ પાવન ! રશ્મિ એકાએક બોલી ગઈ !
પાવનને આશ્ચર્ય થયું. પોતાનું નામ સાંભળતાં હૃદયમાં અજીબ લહેર દોડી ગઈ. તે અવાક્ બની રશ્મિ તરફ જોઈ રહ્યો. રશ્મિ પણ પળવાર માટે પાવનને જ જોઈ રહી.
અને આ હતો તેમનો પ્રથમ દષ્ટ્રિનો પહેલો પ્રેમ... !
રશ્મિએ નજર નીચી કરી લીધી. તેના ચહેરા ઉપર લાલી ઉપસી આવી. તે ઝડપથી ઘર તરફ પાછી વળી ગઈ. પાવન તેને અપલક નયને જોઈ રહ્યો.
આમ તે પછી બંનેની મુલાકાતો વધતી ગઈ. મુલાકાતો પ્રેમમાં પરિણમી. એકબીજાને પામવા મેળવવાનાં શપથ લીધા.
કોલેજનો અભ્યાસ પૂરો થયો. સમયના વહેંણમાં વહેતા રશ્મિ ચાર્ટડ એકાઉન્ટન્ટ બની અને પાવન એમ.એ. કરી પ્રોફેસર બન્યો. સામાજિક કોઈ વિઘ્ન નહોતું એટલે જીવનસાથી બની સંસાર રથને ચલાવવાનાં સ્વપ્નો જોઈ રહયા હતા.
પણ... આ સ્વપ્ન સાકાર થતા પહેલા જ એક વિઘ્ન આવી પડયું !
પાવનને ચકકર આવ્યા. માથુ ભારેખમ થતા કોલેજમાંથી છેલ્લું લેકચર છોડી તે બારોબાર હોસ્પિટલ પહોંચ્યો. મેડિકલ રિપોર્ટ કરાવી તે ઘરે આવ્યો. ડોકટરનો ગંભીર ચહેરો આખી રાત તેની સામે તરવરી રહ્યો ! સવારે કોલેજ જતા પહેલા રિપોર્ટ લેવા હોસ્પિટલ પહોચ્યો.
રિપોર્ટ આપી હિંમત આપતા ર્ડાકટરે કહયું, 'જુઓ પ્રોફેસર થોડી હિંમતથી કામ લેવું પડશે.. !'
રિપોર્ટ જોતા પાવનના પગ તળેથી ધરતી ખસી ગઈ ! રશ્મિ સાથે જીવનસાથી બનવાના સ્વપ્ના ચકનાચૂર થઈ ગયા હતા. પળવારમાં બધું સમાપ્ત લાગ્યું.
પાવનની સામે એક પડકાર ખડો થયો. પ્રેમમાં બલિદાન આપવાની ઘડી આવી. તે જાણતો હતો રશ્મિને તેની આ બિમારીની જાણ થશે તો પણ તેનો સ્વીકાર જ કરશે !
પણ પાવન રશ્મિને અધવચ્ચે છોડી જવા માંગતો નહોતો. તે જીવનની અંતિમ ક્ષણ સુધી રશ્મિને ખુશ જોવા માંગતો હતો. અને એટલે જ તેણે રશ્મિને આ અંગે કોઈપણ જાતનાં સમાચાર આપ્યા વગર રશ્મિથી દૂરનાં શહેરમાં ચાલ્યો ગયો !
પાવનના આમ અચાનક ચાલ્યા જવાથી રશ્મિએ આઘાત અનુભવ્યો. દિવસો સુધી આંસુ સારતી રહી. તે પછી પાવનની યાદનાં સહારે સમય સરતો ગયો.
એકલા પડેલો પાવન વિચારતો હતો, 'ર્ડાકટરના રિપોર્ટ મુજબ તે લાંબુ જીવવાનો નહોતો. જો તેણે રશ્મિ સાથે લગ્ન કર્યા હોત તો એ બિચારી ભર જુવાનીમાં વિધવા બની... !' તે આગળ વિચારતા ધ્રુજી ઉઠતો. રશ્મિને ગુમાવ્યાનું પારાવાર દુઃખ તો હતું જ પણ તેના આ બલિદાનથી રશ્મિ બીજે સુખી હશે તેવી કલ્પના કરી મન મનાવતો !
અને આમ સમયનો ચરખો ફરતો ગયો. દિવસ, મહિનાઓ અને વરસો પસાર થઈ ગયા. આ દરમિયાન પાવન તેની બિમારીને સાવ ભૂલી જ ગયો હતો.
પણ આજે પાવને જે આઘાત અનુભવ્યો હતો તે તેના માટે અસહ્ય બની ગયો. ગઈ કાલે માથામાં દુઃખાવો ઉપડતા તેણે ફરી રિપોર્ટ કઢાવ્યો હતો. આ રિપોર્ટ હાથમાં લઈ તે ફૂટપાથ પરથી પસાર થઈ રહ્યો હતો. મન પારાવાર વેદનાથી ધેરાયેલું હતું. આજ સુધી તે જે બિમારીનાં ભયથી પીડાતો રહ્યો જેના કારણે તેને રશ્મિને ગુમાવવી પડી હતી તે 'બ્રેઈન ટયુમર' જેવી કોઈ બિમારી તેને નહોતી. આજનો રિપોર્ટ નોર્મલ હતો. તે આજ સુધી ખોટા ખ્યાલમાં રહ્યો હતો !
... પણ આજે ખૂબ મોડું થઈ ગયું હતું.
પાવન અસહ્ય વેદના લઈ ધીમે પગલે આગળ વધી રહ્યો હતો. ત્યાં તેની નજર રશ્મિ ઉપર પડતા તે સ્થિર થઈ ગયો ! '
રશ્મિ અહીં ક્યાંથી ? !
એક નજર ડોકટર્સનાં રિપોર્ટ ઉપર નાંખી તે રશ્મિ સામે જોઈ રહ્યો. રશ્મિ નજીક આવી. બંનેની આંખની કિનારી ભીંજાઈ ગઈ. પળવાર મૌન બની રશ્મિ રડમશ અવાજે બોલી; ' પાવન મારા કયા ગુનાની આ સજા હું ભોગવી રહી છું. મારો શું વાંક હતો જે તું મને… !'
'રશ્મિ વાંક આપણા બંનેમાંથી કોઈનો નહોતો. વાંક તો આ રિપોર્ટનો હતો. તેણે રિપોર્ટ ધરતા રશ્મિને માંડીને વાત કરી.
' ઓહ માય ગોડ, પાવન શું આજ હતો આપણો પ્રેમ. એકવાર તો પાછું વળીને જોવું હતું કે તારા વગર તારી રશ્મિની શી હાલત થઈ છે. પાવન આજ સુધી હું તારી રાહ જોતી રહી છું. !
'એટલે રશ્મિ તેં લગ્ન.. ! પાવન બોલવા જતો હતો ત્યાં રશ્મિ બોલી; ' પાવન, મેં તને ખરા દિલથી ચાહ્યો છે.'
'રશ્મિ…' બોલતા પાવને રશ્મિનાં હાથને ચૂમી લીધો !
નજીકના બાગ તરફથી ફૂલોની સુગંધ ભર્યો વાયરો મીઠું મીઠું ગાતો રહ્યો. તે સાથે નવી દુનિયા વસાવવા માટે બંનેના કદમ એક સાથે ઊઠ્યાં !