સમાધાન
સમાધાન
સાંજે મૌલિન ઓફિસથી ઘરે આવ્યો ત્યાં પલ્લવી બોલી, ' મૌલિન... પિંકી અને સર્વેશ વચ્ચે પાછી અંટશ પડી છે. સવારે તમે ઓફિસ ગયા પછી વસુધા માસીનો ફોન આવ્યો હતો. કહેતા હતાં સર્વેશ પિંકીને ફરી પાછો ઘરે મૂકી ગયો છે... પંદર-વીસ દિવસ થવા આવ્યા પણ તેડવા આવ્યો નથી. જો તમને સમય મળે તો આવી જજો...!
' ઓહ નો... આ સર્વેશ અને પિંકી તો હવે હદ કરે છે.' મૌલિને અણગમો વ્યકત કર્યો.
માસી કહેતા હતા કે; ' આ વખતે તો વાત એટલી બધી વણસી ગઈ છે કે બંને છૂટાછેડા લેવા તૈયાર થઈ ગયા છે.'
'સાવ નાદાન છે બંને. નાની અમથી વાતને મોટુ સ્વરૂપ આપે છે. ગઈ વખતે પણ સાવ સામાન્ય વાત હતી અને સર્વેશ પિંકીને મમ્મીને ત્યાં મૂકી આવ્યો હતો.' મૌલિન ફ્રેશ થતાં બોલ્યો.
'મૌલિન હું માનું છું ત્યાં સુધી આ બંને એ હવે તેમના મમ્મી-પપ્પાથી જુદા રહેવું જોઈએ. જો થોડો સમય સર્વેશ મમ્મીથી અલગ રહેશે તો તેની મમ્મીનું પિંકી સાથેનું વર્તન અને વલણ અયોગ્ય અને અન્યાયી છે તે વાત સમજી શકશે.' પલ્લવી બોલી.
'તું સાચુ કહે છે આમ તો સર્વેશ અને પિંકીને સારુ બને છે. પણ સર્વેશ તેની મમ્મી આગળ કંઈ બોલી શકતો નથી. એટલે સર્વેશના મમ્મી તેમનું ધાર્યુ કરતાં રહે છે.' મૌલિન બોલ્યો.
રાત્રે પલ્લવી કયાંય સુધી પિંકીના વિચારો કરતી રહી.
સર્વેશ અને પિંકીના લગ્નને માંડ ચારેક વર્ષ થયા હતા.
પિંકી અને પલ્લવી બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતી હતી. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંનેનાં કુટુંબ વચ્ચે પણ સારો એવો ઘરોબો હતો. પલ્લવી પિંકીના મમ્મીને માસી કહી બોલાવતી. પિંકીના મમ્મી પણ પલ્લવીને દીકરીની જેમ સાચવતાં. કોલેજનો અભ્યાસ ચાલુ હતો ત્યાં પિંકી માટે માંગુ આવતાં મમ્મી-પપ્પાને સારું ઠેકાણું લાગતાં પિંકીના લગ્ન કરાવી દીધા.
લગ્ન પછી પિંકી જયારે પિયર આવતી ત્યારે પલ્લવીને અચૂક મળતી. પિંકીના સસરાની સમાજમાં સારી આબરુ હતી. સાસરું પણ સઘ્ધર પરંતુ ઘરમાં તેમના સાસુનું જ વર્ચસ્વ હતું.
એક દિવસે પિંકી પલ્લવીને મળી ત્યારે વાત નીકળી-
'પલ્લવી... આમ તો બધી વાતનું સુખ છે. પણ મારી સાસુનો સ્વભાવ કચકચ ભર્યો છે. સર્વેશ સવારે ઓફિસ જાય તે પછી ઘરમાં મારી સાસુ મારી સામે મ્હોં ચડાવીને ફર્યા કરે. મારા કામમાં વાંધા વચકા કાઢતાં રહે. ઘરના નોકરો પણ મારી સાસુનું કહ્યું કરે. કયારેક બજારમાંથી ઘર માટે કંઈ લઈ આવું તે પણ તેમને ન ગમે. ઘરમાં મારે મારી મરજી મુજબ કંઈ લેવાનું નહીં, કશાને અડવાનું નહીં. ઘરનો બધો કારભાર મારી સાસુ જ સંભાળે. આમ હું તો ઘરમાં એક વસ્તુ સમાન જ છું.'
'પિંકી... શરૂઆતમાં તને આવું લાગે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ બધું ઠીક થઈ જશે.' પલ્લવી બોલી.
કોલેજનો અભ્યાસ પૂરો થતાં પલ્લવીના લગ્ન થયાં. પલ્લવીનાં લગ્ન પછી પિંકી અને સર્વેશ અવારનવાર પલ્લવીને ત્યાં આવતાં-જતાં રહેતાં. આમ સર્વેશ અને મૌલિન વચ્ચે પણ સારી એવી મિત્રતા બંધાઈ હતી.
પિંકી અને સર્વેશના લગ્નને માંડ બે વરસ થવા આવ્યા હશે ત્યાં બંને વચ્ચે અંટશ પડતા સર્વેશ પિંકીને પિયર મુકી આવ્યો હતો. તે સમયે પિંકીના મમ્મી વસુધાબેહને પલ્લવી અને મૌલિનને બોલાવીને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
ફરી પાછું શું થયું હશે... કઈ વાતે ઝધડો થયો હશે જે છૂટાછેડા સુધીની નોબત આવી ગઈ...?! પલ્લવી વિચારતી રહી.
સર્વેશમાં કોઈ ખોટ નહોતી. સ્વભાવ પણ સારો છે તો પછી...
' પલ્લવી... તું સાચુ કહેતી હતી. શરૂઆતમાં આપણું મન પિયર તરફ ઢળેલું હોય એટલે સાસરે આપણને ગમે નહીં. હવે મને ફાવી ગયું છે જોકે, મારી સાસુનો કચવાટ રહે પણ સર્વેશનાં સ્નેહમાં બધું ભૂલી જઉ છું.’
'જો પિંકી...ઘર હોય તો બે વાસણ ખખડે પણ ખરા...આપણે સમાધાનની વૃત્તિ રાખીએ એટલે બસ!
'ખરેખર જો આપણે સમાધાનની વૃત્તિ ન રાખીએ તો નાની-નાની વાતોમાં મોટી ગેરસમજ ઊભી થઈ જાય છે.'
' જેમ તારા અને સર્વેશ વચ્ચે ગેરસમજ ઊભી થઈ હતી તેમ...! બોલતાં પલ્લવી પિંકીના પીઠ પર ધબ્બો મારતા હસી પડી...!
રાતનો કેટલોય સમય પસાર થઈ ગયો હતો. પલ્લવીને ઊંઘ આવતી નહોતી. મૌલિન આખા દિવસાનો થાક ઓગાળતો બાજુમાં ઘસઘસાટ ઊંઘતો હતો.
સવારે નિત્યક્રમ પૂરો થતાં મૌલિન ઓફિસ જવા નીકળતો હતો ત્યાં- ' કહું છું તમે શો વિચાર કર્યો ? ' પલ્લવી બોલી.
'કઈ વાતે...?’
'આ ગઈ કાલે વસુધા માસીનો ફોન આવ્યો હતો તે અંગે...'
' હુ શું કહું? મને લાગે છે થોડો સમય બંને અલગ રહેશે એટલે આપોઆપ સમાધાન થઈ જશે.' મૌલિન બેગ લઈ દરવાજા તરફ જતાં બોલ્યો.
'તમે પણ શું
... આવી નાજુક વાતને ગંભીરતાથી લેતા નથી. કાલે માસીએ કહયું હતું કે, વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે.'
' જો પલ્લવી, પતિ-પત્નીનો સંબંધ એકબીજાની સમજૂતી ઉપર નભે છે... ખીલે છે. બહારની વ્યકિત આમાં દખલગીરી કરે તો વિખવાદ વધતો જ રહે. આ સાવ સામાન્ય વાત પિંકી અને સર્વેશ જાણે છે. હા, લગ્ન જીવનનાં શરૂઆતનાં દિવસોમાં આપણે તેમને સમાધાન કરાવ્યું હતું તે સમય અને સંજોગો અલગ હતાં.. અને સાચું કહું તો હવે આ મગજમારીમાં પડવાનો મારો કોઈ ઈરાદો નથી.' મૌલિન બેફિકર બની બોલી ગયો.
'શું બન્યુ હશે તે જાણ્યા વિના તમે પણ શું ગમે તેમ બોલો છો. સાવ સહજ વાતમાં આમ છૂટાછેડા લઈ લેવાતા હશે. મુસીબતભરી સ્થિતિ તો દરેકનાં જીવનમાં આવતી જ હોય છે. તે કારણે કંઈ દાંપત્ય જીવન તોડી જિંદગી વેડફી નંખાતી હશે. આવા નાજુક સમયે જ આપણને એકબીજાની હૂંફની જરૂર પડે છે. આવા સમયે સમજાવટથી કામ લેવું પડે.' પલ્લવી એક શ્વાસે બોલી.
'ઠીક છે ત્યારે કાલે રજા આવે છે એક પ્રયત્ન કરી જોઈએ...' મૌલિન વાતને હજી પણ જાણે હળવાશથી લેતો હોય તેમ પગથિયા ઉતરી ગયો...!
નકકી થયેલા સમયે પિંકી આવી ગઈ હતી. ત્રણે રેસ્ટોરન્ટનાં ખૂણે બેસી સર્વેશની રાહ જોઈ રહયા હતાં. પિંકી પાસેથી પલ્લવીએ બધી વાત જાણી લીધી.
મૌલિન પણ પરિસ્થિતિ પામી ગયો.
સર્વેશના આવતાં શરૂઆતમાં ઔપચારિક વાતો થઈ. પછી બધા મૌન બન્યા.
'જો સર્વેશ કુમાર તમે ખૂબ સમજદાર છો. એટલે અમારે તમને તો કંઈ કહેવાનું રહેતું નથી.' પલ્લવીએ મૌન તોડયું.
પિંકી ટેબલ ઉપર પડેલા ' મેનુ ' નજર પરોવી મૌન બની બેઠી હતી.
'પલ્લવીબહેન... તમે જ કહો આ આખી પરિસ્થિતિમાં મારે શું કરવું... મમ્મીને કંઈ કહેવા જઈએ તો એમને મનમાં થાય દીકરાને ભણાવ્યો, ગણાવ્યો અને અમારી સામે બોલે... અમારી ઉપેક્ષા કરે. મમ્મીની વાત સાંભળું તો પિંકીને મનમાં ઓછું આવે. તમે તો જાણો છો ઘરમાં સૌથી મોટો હું છું એટલે આવા પ્રસંગે મારી જવાબદારી વધી જાય.' સર્વેશ બોલ્યો.
' જુઓ હું તમને એમ નથી કહેતી કે; દરેક વખતે તમે પિંકીનો પક્ષ લો પણ જયાં કોઈ વાતે ખોટું થઈ રહયું હોય ત્યારે કમસે કમ તમારે તેનો પક્ષ લેવો જોઈએ જેથી તેને એકલું ન લાગે. દરેક વખતે મમ્મીની વાત માનીને ચાલવું તે પણ અયોગ્ય જ કહેવાય.' પલ્લવી બોલી.
' હું પણ માનું છું કે, મારા મમ્મીનો સ્વભાવ થોડો કચકચીયો છે. તે કારણે ઘરમાં દ્વેષ અને કલેશનું વાતાવરણ ઊભું થાય. પણ તેમનો આ સ્વભાવ આમ એકાએક તો આપણે બદલી નહીં શકીએ.' સર્વેશ બોલ્યો.
'નવી પેઢી અને જુની પેઢી વચ્ચે હંમેશા જનરેશનગેપ રહે એ સ્વાભાવિક છે. પણ બંને પેઢી એકબીજાને સમજવાનો પ્રયાસ કરે, જયાં બાંધછોડ કરવા જેવી લાગે ત્યાં કરી લે તો કુટુંબમાં વિસંવાદ ઊભો થવાનો પ્રસંગ બનતો નથી. સ્વાભાવિક છે વડીલોને આપણી પાસે અપેક્ષાઓ હોય છે. આપણે તેમની લાગણીઓને સમજવી જોઈએ. પણ તે સાથે જરૂર પડે ત્યાં તેમને સાચું કહેવું પડે તેમ હોય તો તેમને સમજાવવું પણ જોઈએ. હું માનું છું નવી અને જુની પેઢી વચ્ચે સમજ હોય બંને પક્ષે મનની ઉદારતા હોય તો કુટુંબમાં ઘર્ષણ કે વાદવિવાદ ઓછો થાય.' મૌલિન બંનેને સમજાવતો હોય તે રીતે બોલ્યો.
થોડીવાર અટકી તેણે ઉમેર્યુ. 'જુઓ સર્વેશ કુમાર આવી નાની-નાની વાતોમાં એકવાર વિખવાદ પડે... પછી તે વધતો જ રહે. તમે બંને સમજુ છો એટલે અમારે તમને શું સલાહ આપવી. પણ હા... એક વાત જરૂર કહીશ. તમને એકબીજા પ્રત્યેતો એવો કોઈ અણબનાવ નથી. તમારા મમ્મીનાં સ્વભાવને કારણે જ અવારનવાર ઝધડાઓનો પ્રસંગ બનતો રહે છે. એટલે હું માનું છું ત્યાં સુધી તમે થોડો સમય તમારા મમ્મીથી અલગ રહેશો તો તમારા દામ્પત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે. મમ્મી-પપ્પાને શરૂઆતમાં દુઃખ થશે. પણ તમારાથી અલગ થયા પછી તેમને પણ તમારી સાચી લાગણીનો ખ્યાલ આવશે અને આમ તેમની સાથે પણ સારા સંબંધો રાખી શકાશે.'
મૌલિન વાત પૂરી કરી ત્યાં અત્યાર સુધી શાંત રહેલી પિંકી બોલી; 'હું પણ સર્વેશને આજ વાત સમજાવવા માંગતી હતી. પણ હું સમજાવી ન શકી અને આ કારણે અમારી વચ્ચે વિખવાદ થયો છે.'
સર્વેશ અને પિંકીની આંખ મળી. બંનેના ચહેરા ઉપર હાસ્ય રમી ગયું...!
પલ્લવી અને મૌલિન બંનેને જોઈ રહયા. તે પછી બંનેનો સમાધાનનો આ પ્રયાસ સફળ થયો તે વાત એક બીજાની નજરથી જાણી લીધી...!
વાતાવરણમાંથી ગમગીનતા હટી ગઈ.
' ચાલો તો થઈ જાય એક પાર્ટી...' પલ્લવી બધાનો મૂડકળી જઈ બોલી.
' સ્યોર... સ્યોર...' બોલતા સમાધાનનાં માનમાં પાર્ટી આપતો હોય તેમ સર્વેશ વેટરને ઓર્ડર આપતો રહ્યો... બધાના ચહેરા ઉપર અનોખું હાસ્ય રમી રહયું...!